તરોતાઝાસ્પેશિયલ ફિચર્સ

મોજની ખોજ ઃ મેરી ક્રિસમસ આઈ ઓર ગઈ, મગર મેરી કિસ્મત ખૂલી નહીં

આપણે ગમે તેટલા ધમપછાડા કરીએ, પણ વધતી ઉંમરને અટકાવી શકતા નથી ને એમ આપણા ચંબુડાની પારણાથી શરૂ થયેલી યાત્રા પરણવા સુધી પહોંચી ને ઉંમર 8.28-8.36-8.56- 9.06ની ફાસ્ટ લોકલની જેમ ધડાધડ આગળ વધવા લાગી, પણ કોઈ ચંપાએ પોતાના હૃદયના દ્વાર પર ભલે પધાર્યાનું બોર્ડ માર્યું જ નઇ અને ત્રીસી વટાવ્યા પછી પેલા હૈયાનો સળવળાટ ચંબુના મનને અશાંત કરી દેતો. દર વર્ષે લગ્નની સિઝનમાં વરઘોડાનો વરસાદ પડે, પણ દર વર્ષે પ્રેમનું ચોમાસું ચંબુને પલાળ્યા વગર જ ચાલ્યું જાય….

9.56ની લોકલ ટ્રેનની જેમ કોઈનું વરઘોડું જતું દેખાય ત્યારે ચંબુનો જીવ બળીને રાખ થઈ જતો (છતાં ચંબુ જીવતો). ખરેખર આ જીવ સાલી એવી ચીજ છે કે રાખ થઈ જાય તોપણ સ્ટ્રોંગ મલમ લગાડવાથી રૂઝ નથી આવતી. શરૂશરૂમાં ચંબુના હૈયામાં દૂધના ઊભરા જેવા નાનકડા રોમેન્ટિક ઊભરા આવતા, પણ એકત્રીસ વટાવ્યા પછી તો સમુદ્રનાં વિશાળ મોજાં હિલોળાં લેવાં લાગ્યાં. આવા તો કુલ 87,545 ઊભરા અને મોજાં આવીને બેસી જતાં… સૉરી, બેસાડી દેવામાં આવતા, પણ ચંબુના ઇતિહાસનાં પાનાં ન ખૂલ્યાં તે ન જ ખૂલ્યાં.

પાનાં ન ખૂલવાનું સચોટ કારણ એ હતું કે ઈશ્વરે આ આખો પીસ ઘડ્યા પછી કલર ખૂટી ગયો કે શું પણ ટમેટાંના સૂપ ઉપર કાળા મરીનો ભૂકો ભભરાવ્યો હોય એવી ચંબુના ચહેરાની ડિઝાઇન જોઈ ભલભલાને લાગી આવે, પણ….

‘તું છૂપી હૈ કહાં મૈ તડપતા યહાં’ કરીને નીકળી પડતા ચંબુને બધેથી ચલે જા.. ચલે જા.. ચલે જા.. જહાં પ્યાર મિલે’ ગાઈ દરેકના ઘરેથી જાકારો મળતો તેથી ચંબુ ભડકેલ મૂડમાં મંદિર પહોંચ્યો ને આક્રોશ ઠાલવ્યો:
‘ભઈ ઈશ્ર્વર. સૂન, મુઝે પૂછે બીના મેરી ઉમ્ર વધ રહી હૈ તો તું કયા મેરે મોઢે મેં ચોકઠા આયેગા તબ તક કિસી ગગી કે સાથ જીવન કા ચોકઠા બીઠાયેગા કી નહીં? ટેલ મી, મે તારું શું બગાડ્યું છે કે મોઢા ઉપર ચાની ભૂકી જેવા ડાઘ મૂક્યા એ તો ઠીક, પણ કાયા બનાવવામાં કંજુસાઈ? બાવળના દાતણની સોટી જેવી કાયાનું મને દુખ છે.

મારા હૈયામાં ગોબા તો પહેલાં હતા હવે તો ગાબડાં પડવાની શરૂઆત થઈ ચૂકી છે…. તારાથી થોડો વધારે માલ ન વપરાય? સાલું આવા શરીરે શર્ટ પહેરું તો હેંગર પર લટકાવ્યું હોય એવું લાગે ને પેન્ટ પહેરું તો ખેતરમાં ચાડિયો ઊભો હોય એવું લાગે. યુ નો પ્રભુ, માણસ ખાય છે પોતાને માટે પણ પહેરે છે બીજાને માટે… પ્રભુ, ચોખ્ખી વાત કરું તો મંદિરમાં રહીને બધા ભગવાનોએ સીતાજી-પાર્વતી કે રાધા કે લક્ષ્મી સાથે ઊભા રહીને પૂજાવું સહેલું છે,

પણ મારી જેમ સહારા વગરની જિંદગી જીવી તો જો. સાચું કઉ….. પ્રભુ, સાલું હવે તો મારો બેડરૂમ પણ મને એલિફન્ટાની ગુફા જેવો લાગે છે. અરે, આ લગ્નની મોસમમાં કોઈનાં લગ્નગીત ગવાય ત્યારે મને મારાં મરશિયાં ગવાતાં હોય એવું લાગે. આમારું દુખ ઓછું નથી વહાલા, એ તો રામબાણ વાગ્યા હોય એ જાણે. હમણાં એક કથામાં જ્યારે રુક્મિણી વિવાહનું શ્રવણ કર્યું ત્યારે હું ચોધાર આંસુએ રડેલો. શું કામ? કારણકે વર્ષોથી ચાલતી કથાઓમાં કૃષ્ણ કેટલી બધી વાર રુક્મિણી સાથે વિવાહ કરે છે, પણ પાછો પ્રેમ રાધા સાથે….. વાહ ભાઈ વાહ કહિ પે નિગાહે કહિ પે નિશાના! સૉરી, તું ભગવાન છે એટલે મારાથી આવું ન બોલાય પણ શું કરું? મારાથી આવો ઘોર અન્યાય સહન નથી થતો.

માણસમાંથી પ્રભુ બનેલા પેલા ઈશુ ખ્રિસ્તે જીવન મંત્ર આપ્યો કે તમારી જાતને જેટલો પ્રેમ કરો એટલો તમારા પાડોશીને કરો, અરે, હું તો વિશાળ દિલવાળો છું કે એટલો પ્રેમ મારા તો શું કોઈ પણના પાડોશીને કરું, પણ એ વાત પાડોશણો સમજીને મને નથી કરતી તો હું શું કરું? જો પ્રભુ, પાછી કાલે મેરી ક્રિસમસ છે.

ઐસી તો કિતની મેરી ક્રિસમસ આઈ ઓર ગઈ મગર મેરી કિસ્મત ખૂલી નહી ઉસકા ક્યા? મને આ કમૂરતામાં મૂરત કરતાં મુરતિયા વધુ નડ્યા નાઉ ટેલ મી, મારે બુઢ્ઢા આશિક તરીકે જ આ જગ છોડવું પડશે? જીવનની અંતિમ ક્ષણ સુધી ગાવું પડશે કે ‘મેરા જીવન કોરા કાગજ કોરા હી રહ ગયા’ જોકે તારી સામે ફરિયાદોનો ઢગલો હશે એટલે મારી વાત કાનમાં જો જાય તો આ વાંઢા વિશે વિચારજે…’
એટલું બોલી ચંબુ નીકળી ગયો..

એ પછી મારી પાસે આવીને એ બોલ્યો: ‘ઠાકર, સાલું મારી સાથે ભણતા કેટલાય મિત્રોની વાઇફો ગંગા સ્વરૂપ બની ગઈ, બનતી જાય છે ને હું અભાગિયો હજી સુધી થોડા વખત માટે કોઈને અખંડ સૌભાગ્યવતી નથી બનાવી શક્યો કે નથી હું હિમાલય સ્વરૂપ એટલે કે વિધુર નથી બની શક્યો. લોકો ભલે બોલે કે દરેકની જોડી ઈશ્ર્વરે ઉપર સ્વર્ગમાં નક્કી કરી જ હોય છે આપણે તો માત્ર અહી ઉજવણી જ કરતાં હોઈએ છીએ, પણ મને લાગે છે કે મારી તો જોડી ને ઉજવણી બંને સ્વર્ગમાં કરવી પડશે.’

Also Read – સ્વાસ્થ્ય સુધાઃ શિયાળામાં ઘેર ઘેર વાપરવા જેવી જડીબુટ્ટી ‘ગંઠોડા કે પીપરીમૂળ’

‘એવું ન બોલ બકા, થોડી ધીરજ રાખ.. પણ તારો આ ચહેરો..’
‘ચહેરો .. ચહેરો.. ચહેરો શું કરું આ ચહેરાને? કાપી નાખું?’ ચંબુ તંગ ચહેરે બોલ્યો.
‘ચલ કાલે ક્રિસમસ છે ને હું તારા માટે શાન્તાક્લોઝ મળશે એને પ્રાર્થના કરીશ.’
‘અલ્યા ટોપા, એ શાન્તાક્લોઝને મેં આઠ વર્ષ વિનંતી કરી, પણ કોઈ શાંતા-ક્લોઝમાં આવી નઇ.’
‘ચંબુ આ તો જીવનની પરીક્ષા છે. પરીક્ષામાં નાપાસ થવાય, પણ નાસીપાસ તો ન જ થવાય’
‘એક કામ કર, મારા કાકાને ત્યાં એક લગ્નમાં જવાનું છે તું મારી સાથે ચલ કદાચ નસીબ આડેથી પાંદડું ખસી જાય….’
‘તંબુરામાંથી ખસી જાય, મારા બકા, પાંદડું તુલસીનું કે લીમડાનું હોય તો ખસે, પણ આ તો કેળનું પાન, ખસેડવા માણસ રાખવો પડે.’
‘તું મારી સાથે ચાલ કોઈના લગ્નમાં કદાચ તારી કુંડળી મળી જાય તો લગ્નમાં ગયાનો ને જીવતરનો ફેરો સફળ થાય. બાકી જીવનમાં ક્યાં, કોને, ક્યારે મળશે એની ખબર તો ઈશ્વર પણ આપણને પડવા દેતો નથી’ ને હું ને ચંબુ નીકળી પડ્યા. શું કહો છો ?

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button