તરોતાઝા

ઔષધીય ગુણોથી સંપન્ન આદુનાં છે અગણિત લાભ

સ્વાસ્થ્ય સુધા -શ્રીલેખા યાજ્ઞિક

આદુનું નામ વાંચતાં જ વરસાદી મોસમમાં ગરમાગરમ આદુને ખમણીને બનાવેલી ચા પીવાનું મન અચૂક થઈ જાય, કેમ ને! આદુ સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી ઔષધી ગણાય છે. વિશ્ર્વના સૌથી વધુ પાકતા મસાલામાં આદુનું સ્થાન મોખરે જોવા મળે છે. ૧૦૦થી વધુ બીમારીમાં આદુ ચમત્કારિક લાભ કરે છે. આદુ વિશે ઊંડાણપૂર્વક સંશોધન થતું જ રહે છે. આદુનો ઉપયોગ ભારતીય તેમજ ચીની પ્રજા દ્વારા પ્રાચીન કાળથી થતો આવ્યો છે. જેમાં લીલા તેમજ સૂકા આદુનો ઉપયોગ દર્શાવવામાં આવ્યો છે. ચોથી શતાબ્દી ઈસાપૂર્વમાં ચીની ગ્રંથોમાં આદુનો ઉપયોગ પેટની વિવિધ સમસ્યામાં, દાંતના દર્દમાં, લોહીવા, સાંધાના દુખાવામાં આોષધી તરીકે કરવામાં આવતો. ચીનમાં શરદી-ખાંસી, શ્ર્વાસ સંબંધિત તકલીફ હોય કે દરિયાખેડૂને સતાવતી વ્યાધિ સ્કર્વીમાં આદુનો ઉપયોગ કરીને રાહત મેળવવામાં આવતી. ભારતીય નિષ્ણાત આયુર્વેદાચાર્ય હોય કે દાદી-નાનીના નુસખા આદુનો ઉપયોગ સૌ પ્રથમ થતો આવ્યો છે. પાચન સંબંધિત તકલીફ હોય, પેટ વધી ગયું હોય કે સાંધાના દુખાવાથી રાહત મેળવવી હોય આદુંનો ઉપયોગ અકસીર ગણાય છે.
તેમાં પણ વરસાદી મોસમમાં વાતવરણમાં વારંવાર ફેરફાર થવાને કારણે શ્ર્વાસ, પાચન, તાવ તેમજ ત્વચા સંબંધિત અનેક તકલીફ આમ બાત બની જતી હોય છે. આદુના પોષક ગુણોની વાત કરીએ તો કાર્બોહાઈડ્રેટની માત્રા ૧૮ ગ્રામ પ્રતિ ૧૦૦ ગ્રામ આદુમાં સમાયેલી હોય છે. પ્રોટીનની માત્રા ૨ ગ્રામ પ્રતિ ૧૦૦ ગ્રામ, વિટામિન, કૅલ્શિયમ, મૈગ્નેશિયમ, આયરન તેમજ ઝિંક જેવાં આવશ્યક સત્ત્વોનો ભંડાર સમાયેલો છે.

આદું કૅન્સર કોશિકાનો નાશ કરવામાં ગુણકારી
આધુનિક વિજ્ઞાન દ્વારા કરવામાં આવતી વિવિધ શોધ દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યું છે કે વિવિધ અંગોના કૅન્સરમાં આદુનો ઉપયોગ અત્યંત ગુણકારી માનવામાં આવે છે.
મિશિગન યુનિવર્સિટી કૉંપ્રહેંન્સિવ કૅન્સર સેન્ટર દ્વારા કરવામાં આવેલા એક અધ્યયન દ્વારા જોવા મળ્યું કે આદુનો આહારમાં ઉપયોગ કરવાથી ઓવરી કૅન્સરની કોશિકા નષ્ટ થઈ.
વળી કિમોથેરપીની પ્રતિરોધક ક્ષમતા વિકસિત થતી રોકવામાં ઉપયોગી બની. જે ઓવરી કૅન્સરમાં એક સામાન્ય સમસ્યા છે.
ઓવરી કૅન્સર કોશિકાઓ ઉપર આદુનો પાઉડર (સૂંઠને પાણીમાં ભેળવીને ) લેપ તૈયાર કરવામાં આવ્યો. આદુના લેપના સંપર્કમાં આવ્યા
બાદ કૅન્સરની કોશિકા ધીમે ધીમે નષ્ટ થવા લાગી.

ડાયાબિટીસમાં લાભદાયક
ડાયાબિટીસની વ્યાધિમાં આદુનો ઉપયોગ અત્યંત અસરકારક મનાય છે. ઓસ્ટ્રેલિયાની સિડની યુનિવર્સિટીમાં કરવામાં આવેલી શોધ પ્રમાણે ટાઈપ -૨ ડાયાબિટીસ ધરાવતા દર્દીઓ માટે લાભકારક જોવા મળ્યું. આદુનો ઉપયોગ આહારમાં કરવાથી ઈન્સ્યુલિનના ઈન્જેકશનના પ્રયોગ વગર ગ્લુકોઝની માત્રા સ્નાયુ-કોશિકા સુધી પહોંચાડવાની પ્રક્રિયા ઝડપી બનાવી દે છે. જેને કારણે વધતી શર્કરાની માત્રાને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ બને છે. અનેક વખત ડાયાબિટીસને કારણે આંખમાં વિવિધ તકલીફ થતી જોવા મળે છે. જેમ કે ઝાંખું દેખાવું, મોતિયાબિંદુની હાજરી કે આંખોમાં કળતર થવું. આા સમયે જો નિયમિત આદુનો ઉપયોગ આહારમાં નિયમ મુજબ કરવામાં આવે તો અચૂક તકલીફથી બચી શકાય છે.

આદુનાં આરોગ્યવર્ધક ગુણ
પાચનક્રિયાને તંદુરસ્ત બનાવે છે
આદુમાં જિંજરોલ નામક પોષક તત્ત્વ જોવા મળે છે. જે પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે. મોસમમાં બદલાવને કારણે પાચન સંબંધિત સમસ્યા જેવી કે ગૅસ, અપચો, છાતીમાં બળતરાં, વધુ પડતું ખવાઈ જવાથી અનુભવાતી અકળામણથી રાહત મેળવી શકાય છે. આ મોસમમાં અત્યંત તાજું તૂણું આદું સરળતાથી મળે છે. જેમાં રેસા હોતા નથી. તેની કતરણ કર્યા બાદ લીંબુ-સંચળ ભેળવીને નિયમિત ભાણામાં લેવાથી કુટુંબની પ્રત્યેક વ્યક્તિ પેટ સંબંધિત વ્યાધિથી બચી શકે.

શરદી-ખાંસી-જવરમાં રાહત
શરદી-ખાંસી-તાવની સમસ્યા ચોમાસામાં વધી જતી હોય છે. આવા સંજોગોમાં ચોમાસામાં ખાસ મળતું લીલું કૂણું-કૂણું આદુનો કાઢો-પીવો જોઈએ. આદુને છીણીને એક ગ્લાસ પાણીમાં દેશી ગોળ સાથે ઉકાળી લેવું. ત્યારબાદ તેમાં -લીંબુના રસ ભેળવીને પીવાથી ઉપરોક્ત તકલીફથી ઝડપથી રાહત મળે છે.

માઈગ્રેન તેમજ માસિક ધર્મના દર્દમાં રાહતરૂપ
આદુનો ઉપયોગ માઈગ્રેન તેમજ માસિક ધર્મ વખતે થતાં દુખાવામાં અત્યંત રાહતદાયક ગણાય છે. ઈરાનમાં કરવામાં આવેલાં સંશોધન તેમજ ફાઈટોથેરેપી રિસર્ચ જર્નલમાં પ્રકાશિત અભ્યાસ દ્વારા જાણકારી મળી હતી. જેમાં માઈગ્રેનનાં લક્ષણોના ઉપચાર માટે આદુનો પાઉડર માઈગ્રેન માટે ઉપયોગમાં લેવાતી સુમાટ્રિપ્ટન ગોળી જેટલો અસરદાર છે.

ક્લિનિકલ ટ્રાયલમાં તીવ્ર લક્ષણો ધરાવતાં ૧૦૦ માઈગ્રેનના દર્દીઓ ઉપર કરવામાં આવી હતી. જેમાંથી થોડા દર્દીઓને આદુનો પાઉડર આપવામાં આવ્યો હતો. જ્યારે થોડા દર્દીઓને સુમાટ્રિપ્ટન દવા આપવામાં આવી હતી. શોધ દ્વારા જાણકારી મળી કે બંનેની દુખાવામાંથી રાહત અપાવવાની ક્ષમતા એક સરખી જ છે. આદુના પાઉડરની આડ અસર દવાની સરખામણીમાં ઓછી હતી. માઈગ્રેનનો દુખાવો થાય તેની સાથે આદુનો ભરપૂર ઉપયોગ કરીને ગરમા-ગરમ ચા પીવામાં આવે છે. જેને કારણે પ્રોસ્ટેગ્લેંડન દબાઈ જાય છે. અસહનીય દુખાવાથી રાહત મળે છે. માઈગ્રેનને કારણે થતાં ઉબકા કે ચક્કરની સમસ્યા ઊભી થતી નથી.

તો માસિક ધર્મ વખતે થતી પીડાનું અધ્યયન કરતી વખતે બે સમૂહ બનાવવામાં આવ્યા. જેમાં એક સમૂહને આદુંની કેપ્સ્યૂલ માસિક ધર્મના ૩ દિવસ પહેલાંથી આપવામાં આવી. બીજા સમૂહને પ્લેસીબો નામક ગોળી આપવામાં આવી. શોધકર્તાઓને જાણવા મળ્યું કે આદુની કેપ્સ્યૂલ લેનારા સમૂહની મહિલાઓને દર્દનાં લક્ષણોમાં ૮૨.૮૫ ટકા સુધારો જોવા મળ્યો હતો. જ્યારે પ્લેસીબોના સમૂહને દર્દમાં ૪૭.૦૫ ટકા રાહત મળી હતી.

સાંધાના દુખાવામાં ગુણકારી
આદુમાં સમાયેલું જીંજરોલ નામક પદાર્થ અત્યંત અસરકારક છે. સાંધાનો દુખાવો હોય કે સ્નાયુમાં જોરદાર પીડા થતી હોય તેવા સંજોગોમાં આદુનો ઉપયોગ અચૂક અકસીર ઉપાય છે. ઍન્ટિ-ઈન્ફ્લેમેટરી ગુણો હોવાને કારણે ઓસ્ટિોઆર્થરાઈટિસની વ્યાધિમાં નિયમિત આદુનું સેવન દર્દમાં રાહત અપાવે છે. હૉંગકૉંગમાં કરવામાં આવેલા અધ્યયન દ્વારા જાણવા મળ્યું કે આદું તેમજ સંતરાના તેલથી માલિશ કરવાથી ઘૂંટણના દુખાવામાં રાહત મળી હતી. વધુ પડતી કસરતને કારણે માંસપેશી ઉપર સોજો આવી જતો હોય છે. જેને દૂર કરવામાં આદુંનો ઉપયોગ ગુણકારી ગણાય છે.

આદુંનો ઉપયોગ વિવિધ રીતે આર્યુવેદમાં કરવામાં આવે છે.
*આદુની કતરણ-છીણ કે નાના ટુકડા કરીને તેમાં લીંબું-સંચળ ભેળવીને ભોજનમાં નિયમિત પહેલાં ખાવાથી ભૂખ ઉઘડે છે. પાચનક્રિયામાં સુધારો થાય છે.
*આદુનો રસ કાઢીને મધ સાથે ભેળવીને ચાટી જવાથી શરદી-ઊધરસમાં રાહત અપાવે છે. અવાજ બેસી ગયો હોય તો સાફ કરે છે.
*આદુનો ઉપયોગ વિવિધ વ્યંજનોમાં અચૂક કરવામાં આવે છે. ગુજરાતી ગૃહિણી દાળ-શાક બનાવતી વખતે આદુ-મરચાંનો ઉપયોગ અચૂક કરે છે. પંજાબી શાક હોય કે તળેલા પકોડા ઉપરથી સજાવટ માટે લીંબુ દીધેલી આદુની કતરણ આકર્ષક દેખાય છે.
*વરસાદી મોસમમાં ભીજાવાની મજા જરા હટકે હોય છે. તો ક્યારેક ફરજિયાત પલળવું પડે છે. આવા સંજોગોમાં ઠંડી ચડી જતી હોય છે. તો ક્યારેક શરદી-ઊધરસ-તાવ વગેરે તકલીફ ઊભી થાય છે. આવા સંજોગોથી બચવા માટે આદુ-ગોળની ચા શ્રેષ્ઠ ઉપાય છે.

આદુ-ગોળની ચા
૩ મોટા ગ્લાસ પાણી, ૨ ચમચી તુલસી પાન, ૧ કપ ગોળનો ભૂકો, ૧ લીંબુનો રસ. ૩ ચમચી આદુંની છીણ. ૧ ચમચી આખા ધાણા.
બનાવવાની રીત : સૌ પ્રથમ ૩ ગ્લાસ પાણીને ગરમ કરવા મૂકવું. પાણી ઉકળે એટલે તેમાં આદુની છીણ ઉમેરવી. તુલસીના પાનને હાથેથી ઝીણાં કરીને ઉમેરવાં. ગોળ ઉમેરીને ૨-૩ મિનિટ ઉકળવા દેવું. આંચ ઉપરથી નીચે ઊતારીને લીંબુનો રસ ભેળવવો. ગાળીને ગરમા-ગરમ સ્વાદિષ્ટ ચાની ચૂસકી ભરવી. શરીરમાં અઢળક તાજગીનો અનુભવ થશે.

ફ્રી રેડિકલ્સથી છુટકારો
કાચા આદુનો ઉપયોગ ભારતીય રસોડામાં ત્રણે મોસમમાં વાનગીને સ્વાદિષ્ટ બનાવવા માટે કરવામાં આવે છે. કાચા આદુમાં ઍન્ટિ-ઓક્સિડન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે. જે શરીરને તેમજ ત્વચાને ફ્રી રેડિકલ્સથી બચાવે છે. વધતી વય સાથે શરીરમાં ઊભી થતી વ્યાધિથી બચાવે છે. સામાન્ય રીતે બધા જ મસાલામાં ઍન્ટિ-ઓક્સિડન્ટની માત્રા હોય છે. આદુમાં કુલ ૨૫ અલગ-અલગ ઍન્ટિ-ઓક્સિડન્ટની વિશેષતાઓ સમાયેલી છે. જેને કારણે આદુનો ઉપયોગ કરવાથી શરીરના વિવિધ હિસ્સામાં રહેલા બધા જ પ્રકારના ફ્રિ-રેડિકલ્સની સામે લડવામાં અસરકારક ગણાય છે. તેમજ હૃદય સંબંધિત રોગના જોખમથી બચાવે છે. ગંભીર રોગથી બચવું હોય તો આહારમાં કાચા આદુનો ઉપયોગ કરવો આવશ્યક છે. આદુમાં સક્રિય પદાર્થ સમાયેલા છે જે શરીર દ્વારા શોષાઈ જાય છે. જેથી આદુનો મહત્તમ ફાયદો લેવા માટે વધુ માત્રામાં લેવાની આવશ્યક્તા રહેતી નથી. પ્રમાણભાન રાખીને ઉપયોગ ઉત્તમ પરિણામ આપે છે.

ઍન્ટિ-ઓક્સિડન્ટનો ખજાનો
આદુમાં પોટેશ્યિમની માત્રા સારા પ્રમાણમાં હોય છે. આદુંનો ઉપયોગ પ્રમાણભાન સાથે કરવાથી બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.
આદુમાં ઍન્ટિ-ઑક્સિડન્ટનું સત્ત્વ સમાયેલું હોય છે. જેને કારણે શરીરની અંદર સર્જાતી સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button