મેલ મેટર્સ : ઉત્પીડન મામલે પુરુષને કેમ અવગણવામાં આવે છે?

-અંકિત દેસાઈ
પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાન સાથે જેલમાં થયેલા કથિત જાતીય ઉત્પીડનના સમાચારે તાજેતરમાં સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા જગાવી. ઈન્સ્ટાગ્રામ અને અન્ય પ્લેટફોર્મ્સ પર આ મુદ્દે ફની મીમ્સ વાયરલ થયા, જે દર્શાવે છે કે આ ઘટનાને ગંભીરતાથી લેવાને બદલે હળવાશથી લેવામાં આવી.
મીડિયામાં પણ આ સમાચારને ખાસ મહત્ત્વ ન અપાયું, ખાસ કરીને ભારતમાં, જ્યાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને ભારત- પાકિસ્તાન સંબંધોમાં વધતા તણાવને કારણે આ મુદ્દો હાંસિયામાં ધકેલાઈ ગયો.
ઠીક છે, આપણા દુશ્મન દેશ પ્રત્યે, આવા તણાવની સ્થિતિમાં આપણે કોઈ સહાનુભૂતિ ન દર્શાવીએ. જરૂર પણ નથી હાલમાં એવી કોઈ પણ ખોટી સહાનુભૂતિની. આમ છતાં, આપણે આને ઇમરાન ખાનના સંદર્ભે નહીં સમજીએ અને પુરુષોના સંદર્ભે સમજીએ તો આ ઘટના એક મહત્ત્વનો પ્રશ્ન ઊભો કરે છે કે શા માટે પુરુષો સાથે થતા જાતીય ઉત્પીડનના કિસ્સાઓને સમાજમાં ગંભીરતાથી લેવામાં આવતા નથી? બળાત્કાર અને જાતીય ઉત્પીડન, પછી તે સ્ત્રી હોય કે પુરુષ, એક ગંભીર ગુનો છે, પરંતુ પુરુષોના કિસ્સાઓ ઘણીવાર અવગણાય છે અથવા તેની મજાક ઉડાવવામાં આવે છે. ભારતમાં આ સમસ્યાનું સ્વરૂપ અને તેની અવગણનાનાં કારણોની ચર્ચા કરવી જરૂરી છે. જાતીય ઉત્પીડનની વાત આવે ત્યારે સમાજમાં એક લૈંગિક પૂર્વગ્રહ પ્રવર્તે છે, જે માને છે કે પુરુષો આવા ગુનાનો ભોગ બની શકે નહીં. આ પૂર્વગ્રહનું મૂળ સામાજિક રૂઢિઓમાં રહેલું છે, જે પુરુષને શક્તિશાળી અને અજેય તરીકે દર્શાવે છે. આવી માનસિકતા પુરુષને એની ઉત્પીડનની ફરિયાદ કરવામાં અચકાવે છે અટકાવે છે, કારણ કે એને ડર હોય છે કે એની મજાક ઉડાવવામાં આવશે અથવા એના પુરુષત્વ પર સવાલ ઉઠાવવામાં આવશે.
ભારતમાં, નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (એનસીઆરબી)ના આંકડા મુજબ, જાતીય ઉત્પીડનના મોટાભાગના કેસ સ્ત્રીઓ સાથે જોડાયેલા હોય છે, પરંતુ પુરુષ સાથેના કેસનો ડેટા નોંધપાત્ર રીતે ઓછો દર્શાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે, 2022માં એનસીઆરબીએ 31,516 બળાત્કારના કેસ નોંધ્યા, જેમાં મોટાભાગના પીડિતો સ્ત્રીઓ હતી, પરંતુ પુરુષો સાથેના કેસની સંખ્યા નહિવત હતી. આનું કારણ એ નથી કે પુરુષો સાથે ઉત્પીડન થતું નથી, પરંતુ તેની નોંધણી ઓછી થાય છે.
એક અભ્યાસ મુજબ, ભારતમાં 0.25% પુરુષો જાતીય શોષણનો ભોગ બને છે, પરંતુ માત્ર 2- 3% કેસમાં જ ફરિયાદ નોંધાય છે. આ આંકડા દર્શાવે છે કે પુરુષોના જાતીય ઉત્પીડનના કેસ અન્ડર-રિપોર્ટેડ છે, જે સામાજિક કલંક અને કાનૂની મર્યાદાઓને કારણે છે.
ભારતનું કાનૂની માળખું પણ પુરુષના જાતીય ઉત્પીડનને ગંભીરતાથી લેવામાં નબળું પડે છે..
2023માં ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ને બદલે નવી ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) લાગુ કરવામાં આવી, જે જાતીય ગુનાઓને વ્યાખ્યાયિત કરે છે. જોકે, બીએનએસની કલમ 63થી 73 સુધીની જોગવાઈઓ, જે જાતીય ઉત્પીડન અને બળાત્કારને આવરે છે, તે મુખ્યત્વે સ્ત્રીઓ પર થતા ગુનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પુરુષ સાથે થતા જાતીય શોષણને બીએનએસની કલમ 377ના સમકક્ષ જોગવાઈ હેઠળ ગેરકાયદેસર જાતીય કૃત્યો તરીકે ગણવામાં આવે છે, પરંતુ આ જોગવાઈનો ઉપયોગ પુરુષોના શોષણના કેસમાં ભાગ્યે જ થાય છે, કારણ કે તેનું ફોકસ બિનસંમતિપૂર્ણ સમલૈંગિક સંબંધો પર વધુ રહે છે.
આ ઉપરાંત, પોલીસ અને સમાજની માનસિકતા પુરુષોની ફરિયાદોને ગંભીરતાથી લેતી નથી, જેના કારણે પીડિતો ચૂપ રહેવાનું પસંદ કરે છે. સોશિયલ મીડિયા પર ઈમરાન ખાનના કેસની મજાક ઉડાવવી એ પણ આ જ સમસ્યાનું પ્રતિબિંબ છે, જે દર્શાવે છે કે પુરુષના ઉત્પીડનને હળવાશથી લેવાની વૃત્તિ વ્યાપક છે.
આ પણ વાંચો ફેશન પ્લસ: લિપ પેન્સિલ હોઠના મેકઅપને કરે છે કમ્પલીટ
ભારતમાં પુરુષો સાથે જાતીય ઉત્પીડનના કેસ ઘણીવાર જેલ, શાળા, કાર્યસ્થળ કે ઘરેલું પરિસ્થિતિમાં જોવા મળે છે.
ઉદાહરણ તરીકે, 2025માં ચેન્નાઈમાં એક ટેક ઉદ્યોગસાહસિકે એની પત્ની અને પોલીસ પર હેરાનગતિનો આરોપ લગાવ્યો, જેમાં જાતીય શોષણનો પણ સમાવેશ થતો હતો. આવા કેસ દર્શાવે છે કે પુરુષ પણ શોષણનો ભોગ બની શકે છે, પરંતુ સમાજની ઉદાસીનતા અને કાનૂની અડચણોને કારણે ન્યાય મેળવવો મુશ્કેલ બને છે. આ સમસ્યાને ઉકેલવા માટે જાગૃતિ, કાનૂની સુધારા અને સામાજિક માનસિકતામાં પરિવર્તન જરૂરી છે. પુરુષોના જાતીય ઉત્પીડનને ગંભીર ગુનો તરીકે સ્વીકારવું અને તેની ફરિયાદોને ગંભીરતાથી સાંભળવી એ ન્યાયી સમાજની દિશામાં મહત્ત્વનું પગલું હશે.