કોઈપણ મહિલા એથ્લેટ માટેસરળ નથી વજન ઘટાડવું
કવર સ્ટોરી -નિકહત કુંવર
સૂજી ગયેલી આંખો, વિખરાયેલા વાળ અને નિસ્તેજ ચહેરાએ વિનેશ ફોગાટના તૂટેલા હૃદયની આખી વાર્તા કહી દીધી હતી, જ્યારે તે ઓલિમ્પિક વિલેજના પોલિક્લિનિકમાં સૂતી હતી. તેને કંઈ કહેવાની જરૂર નહોતી. અથાગ પ્રયત્નો કરવા છતાં – સૂવાનું નહીં, ટ્રેડમિલ પર છ કલાક કસરત, બીજા ત્રણ કલાક સોના બાથમાં, વાળ કપાવવા અને તેના શરીરમાંથી લોહી કાઢવા છતાં, તે અંતિમ મુકાબલામાં ૫૦ કિલો વજનની કડક મર્યાદામાં આવી શકી નહીં. આટલા પ્રયત્નો છતાં તેનું ૧૦૦ ગ્રામ વજન હજુ પણ વધારાનું રહ્યું. જેનું પરિણામ એ આવ્યું કે તે ઓલિમ્પિક મેડલથી વંચિત રહી ગઈ. ૧૦૦ ગ્રામ, સંતરાની ચાર સ્લાઇસ અથવા ઓલિમ્પિક મેડલના વજનના ચોથા ભાગની બરાબર છે!
ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચનારી ભારતની પ્રથમ મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ પ્રત્યે સહાનુભૂતિના અસંખ્ય મેસેજ હતા, પરંતુ આ સમગ્ર ચર્ચામાં એક મહત્ત્વના મુદ્દાને સંપૂર્ણપણે અવગણવામાં આવ્યો હતો: કેવી રીતે ભદ્ર રમતોમાં વજન ઘટાડવાની પ્રક્રિયા મહિલાઓની તરફેણમાં નહીં, પરંતુ તેમની વિરુદ્ધમાં છે. વાસ્તવમાં, વજન ઘટાડવાની પ્રક્રિયા પુરુષ ખેલાડીઓ કરતાં મહિલા ખેલાડીઓ માટે વધુ જટિલ અને મુશ્કેલ હોય છે, જે તેમના શારીરિક બંધારણને કારણે છે. વિનેશ ફોગાટની ઘટનાના બે દિવસ બાદ જ પુરુષ કુસ્તીબાજ અમન શેરાવત માત્ર ૧૦ કલાકમાં ૪.૬ કિલો વજન ઘટાડવામાં સફળ રહ્યો. તે ઓલિમ્પિક મેડલ (બ્રોન્ઝ) મેળવવામાં સફળ રહ્યો હતો, જેનાથી વિનેશ ફોગાટ વંચિત રહી હતી.
ન્યુટ્રિશન સાયન્ટિસ્ટ ડો. સ્ટેસી સિમ્સે તેમના પુસ્તક ‘રોર’માં સ્પષ્ટપણે લખ્યું છે કે જો તમે સમાન કદના બે પુરુષો અને સ્ત્રીઓની સરખામણી કરશો તો સ્ત્રીના શરીરનું કુલ પાણી અંદાજે ૫ ટકા ઓછું હશે, પરિણામે, પરસેવો થવા જેવી તકનીકો દ્વારા તે શરીરનું ઓછું વજન ઘટાડવામાં સક્ષમ છે. સિમ્સના જણાવ્યા મુજબ, સ્ત્રીઓને પુરુષો કરતાં ઓછો પરસેવો થાય છે, જેનો અર્થ છે કે તેમને પરસેવા દ્વારા વજન ઘટાડવા માટે વધુ તાપમાન અને તકનીકોની જરૂર છે. દેખીતી રીતે, આમ કરવાથી હીટ સ્ટ્રેસ અને સંબંધિત ગૂંચવણોનું જોખમ વધે છે. આમાં સૌથી મોટી બાબત હોર્મોનલ ફેરફારોને લગતી છે. સ્પોર્ટ્સ સાયન્સના નિષ્ણાતો કહે છે કે માસિકચક્ર દરમિયાન હોર્મોનલ વધઘટ વજનને અસર કરે છે. ઘણી સ્ત્રીઓને માસિક ચક્રના બીજા ભાગમાં (લ્યુટીલ ફેઝ) પહેલા અર્ધ (ફોલિક્યુલર ફેઝ) કરતાં વધુ ભૂખ લાગે છે.
એસ્ટ્રોજનમાં અસંતુલન, ભલે તે ખૂબ વધારે હોય કે ખૂબ ઓછું, અનિવાર્યપણે વજન ઘટાડવાનું વધુ મુશ્કેલ બનાવે છે, જે સ્ત્રીઓને વેટ લોસ રેસિસ્ટન્ટ બનાવે છે, એટલે કે શરીર વજન ઘટાડવાના પ્રયત્નોનો પ્રતિકાર કરવાનું શરૂ કરે છે. મહિલા એથ્લેટ્સ માટે વજન ઘટાડવાનું વધુ મુશ્કેલ છે એટલું જ નહીં, તેમને જટિલતાઓનું જોખમ પણ વધારે છે. ઈન્ટરનેશનલ જનરલ ઓફ કાઈનેસિયોલોજી એન્ડ સ્પોર્ટ્સ સાયન્સના ૨૦૨૧ના અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે વજન ઘટાડવાની અતિ તીવ્ર ઇચ્છા સ્ત્રી એથ્લેટ્સ માટે ત્રણ જોખમો વધારી શકે છે – અવ્યવસ્થિત આહાર, માસિકચક્ર ચૂકી જવું અને નબળા હાડકાં. આને ‘ફીમેલ એથ્લેટ ટ્રાયડ’ કહેવામાં આવે છે. નિષ્ણાતો એમ પણ કહે છે કે ઓછી કેલરી લેવાથી માત્ર સ્નાયુઓમાં ઘટાડો જ નથી થતો, પરંતુ નબળાઇ અને થાક પણ લાગે છે, જે આખરે ઇજાઓનું જોખમ વધારે છે. સંશોધન દર્શાવે છે કે વજનમાં ૧ ટકાનો ઘટાડો કરવાથી ઈજા થવાનું જોખમ લગભગ ૧૦ ટકા વધી જાય છે. આ જોખમ કુસ્તીબાજ સમુદાયમાં પણ વધારે છે કારણ કે તેઓ નિયમિત રીતે વજનમાં લગભગ ૧૦ ટકાનો ઘટાડો કરે છે. એ વાત સાચી છે કે ઈજાના કારણે મેડલથી વંચિત રહેવું હૃદયદ્રાવક છે, પરંતુ કેટલાક કિસ્સા ઘાતક પણ બની જાય છે. ઑસ્ટ્રેલિયાની ૧૮ વર્ષની મુય થાઈ ફાઇટર ૨૦૧૭માં તેની સ્પર્ધાની તૈયારીમાં વજન ઘટાડી રહી હતી અને તે દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. ત્યારથી તેના માતા-પિતા મહિલાઓ માટે લડાઇની રમતને વધુ સુરક્ષિત બનાવવા માટે લડી રહ્યા છે. આ જોખમોને ધ્યાનમાં રાખીને, હવે એ પ્રશ્ર્નો ઊભા થઈ રહ્યા છે કે શું મહિલા કુસ્તીબાજો માટે વજન ઘટાડવાની વાત આવે ત્યારે ‘એક કદ બધાને બંધબેસતું’ (વન સાઇઝ ફીટ્સ ઑલ) અભિગમ અપનાવવો જોઈએ કે કેમ? અમેરિકામાં ભૂતપૂર્વ એથ્લેટ સેલી રોબર્ટ્સે ૨૦૧૬માં ’રેસલ લાઈક અ ગર્લ’ની સ્થાપના કરી હતી, જેનો એક મુખ્ય ઉદ્દેશ્ય પુરુષોની સરખામણીમાં મહિલાઓના શરીરના વજનમાં ઘટાડો થાય છે કે વધારો, તે અંગે જાગૃતિ લાવવાનો છે, ખાસ કરીને લડાયક રમત જેવી તણાવપૂર્ણ પરિસ્થિતિઓમાં. ભારતમાં, ખેલાડીઓને તીવ્ર ઉપવાસથી દૂર રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે અને તેઓ તેમના વજનની શ્રેણીમાં રહે તેની ખાતરી કરવા માટે નિયમિતપણે તેમના શરીરનું મૂલ્યાંકન કરવું પડે છે. વાસ્તવમાં, ભારતીય મહિલા ખેલાડીઓ માટે આયોજન કરવામાં બે મુખ્ય અવરોધો છે – એક, વૈશ્ર્વિક સંશોધન પશ્ર્ચિમી ખેલાડીઓ પર આધારિત છે અને બીજું, દક્ષિણ એશિયાની બોડી ટાઇપ્સને ધ્યાનમાં લેવામાં આવતા નથી. સમયની જરૂરિયાત એ છે કે ભારતીય શરીરને ધ્યાનમાં રાખીને તૈયારીની યોજનાઓ બનાવવી જોઈએ જેથી કરીને આપણી વધુ મહિલાઓ ઓલિમ્પિકમાં સફળતા મેળવી શકે.