‘સમયમ’ દ્વારા સુખ-દુ:ખ વૃત્તિથી મુક્તિ

અષ્ટાંગ યોગનું અનોખું વિજ્ઞાન
ફિટ સોલ – ડૉ. મયંક શાહ
સમયમની સાધના
આપણા વિશેષ આત્મશક્તિઓને ઉજાગર કરવા માટે અને વર્તમાન જીવનમાં પણ તેના લાભ મેળવવા માટે અનુક્રમે ત્રાટક, દ્વારા સંવેદના અને સુખ-દુ:ખ નિવૃત્તિ માટે પુરુષાર્થનું પ્રયોજન બતાવવામાં આવ્યું છે.
અષ્ટાંગ યોગના છેલ્લા ત્રણ અંગો એટલે ધારણા, ધ્યાન અને સમાધિ. આ ત્રણે અંગોનું સંપૂર્ણ એકીકરણ એટલે ‘સમયમ’. આ યોગ વિજ્ઞાનની એક વિશેષ વાત સમજવાની જરૂર છે – આત્મવિકાસની શરૂઆત ‘યમ’થી થાય છે અને ‘સમયમ’થી પૂર્ણ થાય છે. આપણા અસ્તિત્ત્વના બાહ્ય સ્તરોની શુદ્ધિ યમ સાધના દ્વારા થાય છે અને આપણા આત્માના ગર્ભમાં જે પરમ તત્ત્વ છે એની સાધના ‘સમયમ’ દ્વારા થાય છે. ‘યમ’ની સાધના માટે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહવાળું ચારિત્ર કેળવવું પડે છે અને ‘સમયમ’ની સાધના માટે ધારણા, ધ્યાન અને સમાધિના ગુણો દ્વારા આત્મચિંતન કરવું પડે છે!
સમયમ એટલે શું?
આત્મ-સાધકને પોતાની આત્માની પ્રત્યક્ષતા માટે પોતાની મન-શક્તિને ઉપયોગમાં લેવાની હોય છે. મન ઈન્દ્રિયોનો સ્વામી પણ છે અને આત્મભાન અને આત્મજાગરૂકતાની કેળવણી માટે મહત્ત્વનું અવયવની પણ છે. જીવના બાહ્ય – અસ્તિત્વ અને આત્મિક અસ્તિત્વ વચ્ચેનો સેતુ એટલે મન! મન ખૂબ જ શક્તિશાળી સાધન છે પણ મોટાભાગના મનુષ્યોને એ શક્તિનો ઉપયોગ કરતા આવડતું નથી હોતું.
એક વૈજ્ઞાનિક અનુમાન અનુસાર આપણું મન દરરોજના આશરે ૬૦૦૦૦૦ – ૭૦૦૦૦૦ વિચારો નિર્માણ કરે છે અને એમાં જ અટવાયેલો રહે છે. દિવસ અને રાત્રે જાણે વિચારોનો અવિરત પ્રવાહ ચાલુ જ હોય છે. વિચારોનો અતિક્રમણ એટલો બધો હોય છે કે માણસ થાકી જાય છે અને ઊંઘ માટેની દવા લઈને સૂવું પડે છે. અતિ વિચાર મનને અસ્થિર કરે છે અને અનેક મૂંઝવણો ઊભી કરે છે. આ દશામાં મનની શક્તિઓ પણ ક્ષીણ થઈ જાય છે અને મનુષ્ય દિશાહિન જીવન જીવે છે. અષ્ટાંગ યોગની સાધના મનને એકાગ્ર કરી અને એની શક્તિઓને પુન: પ્રાણવંત કરવા સક્ષમ હોય છે. ધારણા દ્વારા મનને એક જ વિષય પર સ્થિર કરી શકાય છે. મનની ચંચળતા ઘટે છે અને નકામા વિચારો આવતા અટકી જાય છે. સ્થિર મન ધ્યાનસ્ત થઈ શકે છે. ધ્યાન દશામાં સંકલ્પ-વિકલ્પ અને હેતુની વિવિધતા પણ શમે છે. આ સ્થિતિમાં વિષય-વસ્તુનું શુદ્ધ જ્ઞાન સંભવે છે અને છેલ્લે સમાધિના સ્તરે અહંકારનો શુદ્ધિકરણ થાય છે અને શુદ્ધ આત્મ અનુભૂતિ દ્વારા સર્વત્ર પ્રકાશ ફેલાઈ જાય છે.
- દિવાની જ્યોત પર સ્થિર દૃષ્ટિ રાખવી એ ત્રાટકનો ઉત્તમ પ્રયોગ છે. મન સ્થિર થાય છે અને એકાગ્રતા વધે છે.
- શ્ર્વાસ સંવેદના દ્વારા શ્ર્વાસ લેતી અને મુક્તિ વખતે ‘સો-હમ’ની ઊર્જા પર સ્થિર રહેવાથી ધ્યાન દશા પણ વિકસિત થાય છે.
- અને સમાધિ માટે સુખ-દુ:ખ એ માત્ર ભ્રમ છે એ ભારના દ્વારા અહંકારનો નાશ થાય છે.
યમથી સમયમની યાત્રા એ જ અષ્ટાંગ યોગની માર્મિકતા છે. એના આઠે આઠ અંગોને વર્તમાન જીવનમાં ઉતારીને આ ભવને સાર્થક કરી શકાય છે. સમયમની સાધના દ્વારા શાંતતા, સ્વસ્થતા અને સમતા એ ત્રણે રત્નો ચમકી ઊઠે છે. આ ત્રણે ગુણ યુક્ત માનસ જે ધારે એ કરી શકે છે.
અધ્યાત્મિક વિજ્ઞાન પ્રાણવાયુ સમાન છે. તે એક મહારનો સંદેશ આપે છે તમે અનંત શક્તિશાળી છે, સુખ-દુ:ખના કરતા અને ભોક્તા પણ તમે જ છો. તમારા આત્મ ગુણોને ઓળખો, તેને વિકસાવો. અને છેલ્લે… તમે કોણ છો? તમારો સ્વરૂપ શું છે? અને તક અહીં શું કામ આવ્યા છો? એ પ્રશ્ર્નો પર જરૂર મનને ચિંતન કરજો. ત્યારે એ દુ:ખથી ભરેલ ‘યસાર’ સંસારમાં પણ જીવન જીવવાનો ‘સાર’ મળી જશે…!