મકરસંક્રાંતિના દિવસે સુપાચ્ય વાનગી ખીચડીની છે બોલબાલા
સ્વાસ્થ્ય સુધા -શ્રીલેખા યાજ્ઞિક
મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણના દિવસે ખાસ ખવાય છે, ‘ખીચડી ’ જે સુપાચ્ય ભોજન તરીકે સંપૂર્ણ ભારતની લોકપ્રિય વાનગી ગણાય છે. મકરસંક્રાતિના દિવસે તલ-સિંગ-મમરાની ચિક્કી, બોર, ઊંધીયું-પૂરી-જલેબી જેવી સ્વાદિષ્ટ વાનગીની સાથે ખાસ તીખી-મીઠી ખીચડીની લહેજત માણવામાં આવે છે.
હિન્દુ ધર્મમાં મકરસંક્રાંતિને ‘ખીચડી પર્વ’ તરીકે ઓળખવામાં આવે છે. સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થવાની સાથે ‘ખીચડી પર્વ’ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે સર્વેના ઘરે મસાલેદાર ‘ખીચડી’ કે સૂકામેવો તથા મરી-મસાલાથી તૈયાર કરવામાં આવેલાં સ્વાદિષ્ટ ગળ્યો ‘ખીચડો’ ખાવાની પરંપરા જોવા મળે છે. ગરીબો, જરૂરિયાતમંદ, સાધુ, આચાર્યો, પુરોહિત વગેરેને સૂકી ખીચડીનું દાન કરવામાં આવે છે. લોકોને મફત ભોજન કરાવવામાં આવે છે. એવી માન્યતા છે કે મકરસંક્રાંતિના દિવસે ખીચડીનું દાન કરવાથી ભગવાન સૂર્યદેવની વિશેષ કૃપા મળે છે. ખીચડીનો સંબંધ કોઈને કોઈ ગ્રહની સાથે સંકળાયેલો જોવા મળે છે. તેથી જ શાસ્ત્રો અનુસાર ખીચડીને નવગ્રહનો પ્રસાદ ગણવામાં આવે છે. એવી પણ માન્યતા છે કે ખીચડીમાં વાપરવામાં આવતાં ચોખાનો સંબંઘ ચંદ્રમાની સાથે સંકળાયેલ છે. ખીચડીમાં ઉપયોગમાં લેવાતી વિવિધ દાળનો સંબંધ શનિદેવ સાથે છે. હળદરનો સંબંધ ગુરુદેવ સાથે સંકળાયેલો છે. ઉપયોગમાં લેવાતી વિવિધ શાકભાજીનો સંબંધ બુધ દેવ સાથે છે.
ખીચડીમાં ઉપયોગમાં લેવાતાં ઘીનો સંબંધ સૂર્યદેવ સાથે છે. ખીચડીની સાથે ગોળ ખાવાની પરંપરા જોવા મળે છે. ગોળનો સંબંધ મગંળ ગ્રહ સાથે સંકળાયેલો જોવા મળે છે. તેથી જ મકરસક્રાંતિની ખીચડી ખાસ ગણાય છે. વૈજ્ઞાનિક્તાના આધાર મુજબ મકર રાશિમાં સૂર્યનો પ્રવેશ થવાની સાથે વાતાવરણમાં ગરમી ધીમે ધીમે વધવા લાગે છે. ખીચડીને સુપાચ્ય વાનગી ગણવામાં આવે છે. એવું કહેવાય છે કે ઠંડીની મોસમમાં મસાલેદાર વાનગીઓની સાથે, સૂકોમેવો તથા તેજાનાથી ભરપૂર વસાણાની મઝા ઘણી માણી લીધી. હવે ઘી-ખાંડ જેવી સફેદ વસ્તુનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. જેથી વ્યક્તિનું આરોગ્ય વર્ષભર જળવાઈ રહે.
મકરસંક્રાંતિના ખીચડી ખાવાની પ્રથા કઈ રીતે શરૂ થઈ : મકરસંક્રાંતિના દિવસે ખીચડી ખાવાની પ્રથા ભગવાન શિવજીના પરમ ભક્ત બાબા ગોરખનાથ સાથે સંક્ળાયેલો છે. પૌરાણિક કથા અનુસાર ખીલજીની સેના સામે યુદ્ધ કરવાને કારણે બાબા ગોરખનાથને ભોજન બનાવવાનો સમય મળતો ન હતો. જેને કારણે અનુયાયી યોગી સૈન્યને ભૂખ્યા સૂવું પડતું હતું. ભૂખને કારણે તેઓ નબળાઈ અનુભવવા લાગ્યા. આ સમસ્યાના નિકાલ સ્વરૂપે બાબા ગોરખનાથે દાળ-ચોખા-શાકભાજીને ભેગા કરીને ખાસ વાનગી બનાવવાની શરૂઆત કરી. જે ‘ખીચડી’ને નામે ઓળખાવા લાગી. આ વાનગીની વિશેષતા જોઈએ તો તેને બનાવવાનો સમય ઓછો લાગતો. વળી તેને ગ્રહણ ર્ક્યા બાદ યોગીઓમાં શક્તિનો સંચાર થતો. તેથી જ પ્રતિવર્ષ બાબા ગોરખનાથને ખીચડીનો ખાસ ભોગ અપર્ણ કરવામાં આવે છે. ખીચડીનો મેળો ગોઠવવામાં આવે છે. ખીચડીના સહાયક વ્યંજન કે ખીચડીના ‘ચાર યાર’ તરીકે દહીં, પાપડ, અથાણું તેમજ ઘીનો સમાવેશ કરવામાં આવે છે. એવી પણ માન્યતા છે કે મકરસંક્રાંતિના દિવસે નવા ધાન્યનો ખીચડો ખાવાથી વર્ષભર તંદુરસ્તી જળવાઈ રહે છે. ‘ખીચડો’ નામ એટલા માટે પડ્યું કે તેમાં દાળ-ચોખાની સાથે સૂકોમેવો, તેજાના તેમજ શાકભાજીનો ભરપૂર ઉપયોગ કરીને બનવવામાં આવતો હોય છે.
મકરસંક્રાંતિને વિવિધ રાજ્યોમાં અલગ અલગ રીતે મનાવવામાં આવે છે. જેમ કે કેરળ, આંધ્ર પ્રદેશ, કર્ણાટકમાં સંક્રાંતિ, તમિલનાડુમાં પોંગલ, પંજાબ-હરિયાણામાં લોહડી, આસામમાં બિહૂ, બિહાર-ઝારખંડ, પશ્ર્ચિમ બંગાળ, ગુજરાતમાં મકર-સંક્રાતિ તરીકે ઉજવવામાં આવે છે. ખીચડીને સ્વાસ્થ્ય માટે ઔષધી ગણવામાં આવે છે. આયુર્વેદ ચિકિત્સા મુજબ જલનેતીની પ્રક્રિયા બાદ ફક્ત ખીચડી ખાવાની સલાહ આપવામાં આવે છે. સંસ્કૃતમાં ખીચડી-ખીચડો શબ્દ ‘ખિચ્ચા’ ઉપરથી આવ્યો છે. મોગલ કાળમાં ખીચડી લોકપ્રિય વાનગી હતી. 16મી સદીમાં મોગલ બાદશાહ અકબરના મંત્રી અબુલ-ફઝલ દ્વારા લખવામાં આવેલાં દસ્તાવેજોમાં વિવિધ રીતે ખીચડી પકાવી શકાય તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ખીચડી ખાવાના ફાયદા
પચવામાં સરળ : સ્વાસ્થ્ય નરમ-ગરમ હોય ત્યારે પચવામાં સરળ વાનગી ખાવાની સલાહ નિષ્ણાત ડૉક્ટર આપતાં હોય છે. ખીચડી પચવામાં સરળ હોવાથી બીમાર વ્યક્તિ, વયસ્કો તથા બાળકો માટે સુપાચ્ય આહાર ગણાય છે. તેના સેવન બાદ પેટ ભરેલું લાગે છે. માફકસર મસાલાનો ઉપયોગ કરીને બનાવી હોવાથી આફરો, એસિડીટી કે અપચાની સમસ્યાથી બચાવે છે.
ગ્લુટેન ફ્રી : ખીચડીમાં મગની દાળ, તુવેરની દાળ, અડદ, બાજરી, જુવાર કે ચણાની દાળનો ઉપયોગ ચોખા સાથે કરવામાં આવે છે. વળી તેમાં વિવિધ શાકભાજીને ઉમેરવામાં આવે છે. તેથી પૌષ્ટિક બને છે. વળી તેમાં ઘઉંનો ઉપયોગ થતો
નથી. તેથી ગ્લુટેન ફ્રી હોવાને કારણે ગ્લુટેન ના પચતું હોય તેમને માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. સિલિએક રોગમાં ખીચડી ખાવી હિતાવહ છે.
પ્રોટીનથી ભરપૂર : દાળ, ચોખા તથા વિવિધ શાકભાજીનો ઉપયોગ કરીને બનતી હોવાને કારણે ખીચડી સંપૂર્ણ આહાર ગણાય છે. વળી વ્યક્તિની પ્રોટીનની જરૂરિયાત ખીચડી ખાવાથી પરિપૂર્ણ બને છે. જે લાંબેગાળે સ્વાસ્થ્ય માટે લાભકારી
બને છે.
પોષણથી ભરપૂર : ખીચડી સુપાચ્ય હોવાની સાથે પૌષ્ટિક આહાર ગણાય છે. તેની ન્યૂટ્રિશનલ વેલ્યુ ઊંચી જોવા મળે છે. શરીરની આવશ્યક્તા અનુસાર ખીચડીમાં ફાઈબર, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ડાયેટરી ફાઈબર, હેલ્થી ફેટ્સ્, માઈક્રોન્યૂટ્રિઍન્ટસ્ સમાયેલાં હોય છે. રાત્રિના સમયે ખીચડીનું સેવન સપ્તાહમાં બેથી ત્રણ વખત કરવાથી શરીર સ્ફૂર્તિલું બનશે. પાચનક્રિયામાં સુધારો આવશે.
શરીરને ડિટોક્સિફાય કરવામાં મદદરૂપ : ખીચડીનું સેવન શરીરમાં જમા થયેલાં કચરાને બહાર કાઢવામાં મદદરૂપ છે. રેસ્ટોંરામાં વારંવાર ખાવાથી કે જંકફૂડનું સેવન કરવાથી ફ્રી રેડિકલ્સ, ઑક્સિડૅન્ટ કે ફૂડ પોઈઝનિંગ જેવી સમસ્યા બાદ ખીચડીનું સેવન હિતાવહ ગણાય છે. ખીચડીનું સેવન કરવાથી શરીરનો ખરાબ કચરો બહાર નીકળી જાય છે. તેથી જ ડૉક્ટર્સ પેટ સંબંધિત તકલીફ વખતે દર્દીને હલકી-ફૂલકી ખીચડી ખાવાની સલાહ આપે છે.
ધર્નુમાસમાં ડાકોરના ઠાકોરને ખાસ ખીચડાનો ભોગ ધરાવવામાં આવે છે. જેમાં ભરપૂર પ્રમાણમાં સૂકોમેવો ઉપયોગમાં લેવામાં આવે છે. ઘીની સાથે લીલી હળદર, આદું તેમજ દાળ-ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે. આ ખીચડાની ખાસ વાત છે કે ખારેકને હળદરમાં રગદોળીને થોડો સમય રાખ્યા બાદ તૈયાર થતી ખીચડીમાં ઉમેરવામાં આવે છે.
ખીચડીની વિવિધતા જોઈએ તો તુવેરની દાળની છૂટ્ટી ખીચડી, મગની દાળની નરમ ખીચડી, મગની લીલી દાળની ખીચડી, બાજરાની ખીચડી, સાબુદાણાની ખીચડી, અડદની દાળની ખીચડી, વિવિધ દાળને ભેગી કરીને બનાવવામાં આવતી ખીચડી, શાકભાજીથી ભરપૂર મસાલા ખીચડી. પાલક ખીચડી.
શાકભાજી વાળી સાત્ત્વિક ખીચડી :
સામગ્રી : 1 વાટકી મગની પીળી દાળ, અડધી વાટકી મગની ફોતરાવાળી લીલી દાળ અથવા તુવેરની દાળ,1 વાટકી બાસમતી ચોખા અથવા 1 વાટકી ઈન્દ્રાયણી ચોખા, 5 વાટકી પાણી, શાકભાજી: ફ્લાવર, ફણસી, રિંગણ, બટાકા, ગાજર, વટાણા 1 મોટો બાઉલ, 1 નાની વાટકી સૂકું નાળિયેર ખમણેલું, 1 નાની ચમચી હિંગ, સ્વાદાનુસાર મીઠું, 1 નાની ચમચી હળદર, 1 ચમચી ખમણેલું આદું, 4 નંગ વઘારના લાલ મરચાં, 2 નંગ તમાલપત્ર,
1 ટુકડો તજ, 4 નંગ લવિંગ, 1 નંગ જાવંત્રિ, વઘાર માટે રાઈ, 4 ચમચા ઘી, 1 ચમચો તેલ. સજાવટ માટે કોથમીર
બનાવવાની રીત : સૌ પ્રથમ દાળ-ચોખાને વ્યવસ્થિત સાફ કરીને અડધો કલાક પાણીમાં પલાળી રાખવા. પિત્તળની કડાઈમાં 1 ચમચો ઘીને ધીમા તાપે ગરમ કરવું. કાપેલાં શાકભાજીને સાંતળી લેવાં. તેને અન્ય પ્લેટમાં કાઢી લેવાં. ત્યારબાદ વધુ 1 ચમચો ઘી તથા 1 ચમચો તેલ ઉમેરીને વઘારની તૈયારી કરવી. રાઈ નાંખીને તતડે એટલે લાલ મરચાં, હિંગ, લિમડો, તમાલપત્ર, તજ વગેરે સાંતળવું. હવે તે જ કડાઈમાં પલાળેલાં દાળ-ચોખા ભેળવીને ધીમે ધીમે પાણી ઉમેરવું. સ્વાદાનુસાર મીઠું, હળદર ભેળવવાં. ધીમા તાપે ખીચડીને પકાવવી. સ્વાદિષ્ટ ખીચડી ખાવાની ઈચ્છા હોય તો ખીચડી હમેંશા બહાર પકાવવી. પ્રેશરકુકરમાં તેનો સ્વાદ બદલાઈ જાય છે. ખીચડી અધકચરી પાકી ગયેલી લાગે એટલે તેમાં સાંતળેલાં શાકભાજી ઉમેરી દેવાં. ધીમા તાપે પકાવવું. વઘારિયાંમાં ઘી ગરમ કરવું તેમાં હિંગ, તજ, લવિંગ, મરીનો ભૂકો ભેળવીને તૈયાર ખીચડીની ઉપર ચારેબાજુ વઘાર ફેલાવવો. કોથમીરથી સજાવીને ગરમાગરમ ખીચડીને તેના ‘ચાર-યાર’ દહીં, પાપડ, અથાણું તથા ઘી રેડીને પીરસવી.