તરોતાઝા

ખટ્ટમધુરા, આકર્ષક કરોંદાના સ્વાસ્થ્યલાભ

કરોંદાના વૃક્ષની છાલ, પાન, ફળ વગેરે સ્વાસ્થ્ય માટે ગુણકારી ગણાય છે.

સ્વાસ્થ્ય સુધા -શ્રીલેખા યાજ્ઞિક

કરોંદાનું ફળ દેખાવે નાનું પરંતુ અત્યંત લોભામણું દેખાય છે. આછો ગુલાબી કે લાલ ચટાક દેખાતું ખટ્ટ-મધુરું નાનું અમથા ફળમાં તેની ગણતરી કરી શકાય. અંગ્રેજીમાં તેને ક્રેનબૈરી કહેવામાં આવે છે. ભારતીય રસોડામાં તેનો ઉપયોગ શાક, મુરબ્બો, અથાણું તેમજ ચટણી બનાવવા માટે થતો આવ્યો છે. હિન્દીમાં તેને કરોંદા કે જંગલી કરોંદા કહેવામાં આવે છે. તો તમિળમાં ચીરુકીલા, સીરુકીલા કે કલાકાઈ કહેવાય છે. મરાઠીમાં કરવંદ, બંગાળીમાં કોરોમોચા તરીકે જાણીતું છે. ભારતનાં વિવિધ રાજ્યો તેમજ હિમાલયની આસપાસના ક્ષેત્રમાં તેની ખેતી વધુ જોવા મળે છે. મહારાષ્ટ્રના કોંકણ તેમજ ગોવામાં તેનો પાક જોવા મળે છે. ગુજરાત, રાજસ્થાન, બિહાર, પશ્ર્ચિમ બંગાળ તેમજ ઉત્તર પ્રદેશમાં તેની ખેતી જોવા મળે છે. બાંગ્લાદેશ તેમજ અફઘાનિસ્તાનમાં કરોંદા કુદરતી રીતે ઊગી નીકળતાં જોવા મળે છે. પોષક તત્ત્વો તેમજ ઍન્ટિ-ઓક્સિડન્ટથી ભરપૂર હોવાને કારણે તેને ‘સૂપરફૂડ’ ગણવામાં આવે છે. તાસીર ગરમ હોવાને કારણે ઠંડીમાં તેનું સેવન વધુ લાભકારી ગણાય છે. એનિમિયા એટલે કે લોહીની ઊણપ જેમના શરીરમાં હોય તેમને માટે કરૌંદા અતિ ફાયદાકારક ફળ ગણાય છે. તેમાં આયર્ન તેમજ વિટામિન સીની માત્રા સારા
પ્રમાણમાં સમાયેલી છે. કરોંદા માટે
એવું કહેવાય છે કે પેટથી લઈને હૃદય માટે અત્યંત ગુણકારી છે. તેનું સેવન એક મહિના સુધી કરવામાં આવે તો સરળતાથી વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ
મળે છે.

રસદાર હોવાને કારણે ડિહાઈડ્રેશનથી બચાવે અનેક વખત આપણને અકારણ શરીરમાં નબળાઈનો અનુભવ થતો હોય છે. તેનું મુખ્ય કારણ શરીરમાં પ્રવાહીની ઊણપ જવાબદાર ગણાય છે. પૂરતાં પ્રમાણમાં પાણી પીવાનું ટાળવાની આદત કારણરૂપ બને છે. કરોંદાનું સેવન કરવાથી શરીરમાં પાણીની ઊણપથી બચી શકાય છે. વાતાવરણમાં બદલાવને કારણે અતિસારની તકલીફ કે અપચાની તકલીફ થવા લાગે છે. આવા સંજોગોમાં કરોંદાનું સેવન કરીને બીમારીના ખતરાથી બચી શકાય છે.

ઍન્ટિ-ઓક્સિડન્ટના
ગુણોથી સમૃદ્ધ
એંથોસાયનિન, ફ્લેવોનોઈડ જેવા ગુણો
હોવાને કારણે શરીરને ઓક્સિડેટિવ તાણથી બચાવવામાં મદદ કરે છે. ત્વચાની તંદુરસ્તી સુધારવામાં મદદ કરે છે. ટાઈપ -૨ ડાયાબિટીસ તેમજ હૃદય રોગના દર્દીઓ માટે લાભકારક
ગણાય છે.

મગજ- યાદશક્તિ માટે લાભદાયી
કરોંદા ફળનું સેવન યાદશક્તિ સતેજ બનાવવા માટે લાભદાયી ગણાય છે. તેનું મુખ્ય કારણ છે ફળમાં ઍન્ટિઓક્સિડન્ટની માત્રા સમાયેલી છે. વળી મૈગ્નેશિયમની સાથે વિટામિન તેમજ ટ્રિપ્ટોફૅન ફળમાં હોય છે. જે ન્યૂરોટ્રાન્સમીટર સેરોટોનિનના પ્રોડક્શનમાં વધારો કરે છે. જેને કારણે વ્યક્તિની માનસિક શક્તિમાં સુધારો થવા લાગે છે. વ્યક્તિનો મૂડ ખીલે છે.

વિટામિન સીથી ભરપૂર
કરોંદામાં વિટામિન સીની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે. જેને કારણે બદલાતા મોસમની અસરથી શરીર બચી શકે છે. રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. ચેપી રોગ કે વરસાદને કારણે થતાં વાઇરલ સંબંધિત રોગથી બચી
શકાય છે.

વજનને નિયંત્રણમાં રાખવામાં લાભકારી
કરોંદામાં પેક્ટિન નામક ફાઈબરની માત્રા વધુ હોય છે. તેથી તેનો આહારમાં ઉપયોગ કર્યા બાદ લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. જેને કારણે પાચનક્રિયા મજબૂત બને છે. પેટમાં દુખાવો કે વારંવાર ચૂક આવવાની સમસ્યાથી બચી શકાય છે. જે લાંબે ગાળે વજનને નિયંત્રણમાં રાખવામાં સહાય કરે છે. કહેવત છે ને કે ‘જેનું પેટ સાફ તેનું સ્વાસ્થ્ય સારું’, જેનું પેટ સારું તેનો દિવસ સારો’.
કરોંદાનો રસ વજન ઘટાડવામાં મદદ કરે છે. શરીરમાંથી ખરાબ ટોક્સિનને બહાર કાઢવામાં મદદ કરે છે.

આંતરડાની તંદુરસ્તી માટે ઉપયોગી :
પાચન તેમજ આંતરડાની તંદુરસ્તી માટે જાદૂઈ અસર ધરાવતુંં ફળ ગણાય છે. ફાઈબરથી ભરપૂર હોવાને કારણે પાચન સંબંધિત તકલીફમાં રાહત અપાવે છે. જેમ કે ફાઈબરની માત્રા વધુ હોવાને કારણે પાચન સરળતાથી થઈ શકે છે. અંકરાતિયાની જેમ ખાતા રહેવાની તકલીફથી બચાવે છે. કબજિયાતની તકલીફથી રાહત અપાવે છે.

હાડકાં મજબૂત બનાવે
કરોંદામાં કૅલ્શ્યિમનું પ્રમાણ વધુ હોય છે. જેને કારણે તેના સેવનથી હાડકાંની મજબૂતાઈ વધે છે. કૅલ્શ્યિમયુક્ત આહારનો સમાવેશ નિયમિત કરવાથી હાડકાં બરડ બનતાં અટકે છે.

ઍન્ટિ-કેન્સર ગુણો ધરાવે છે એસીબીઆઈ(એસોસિયેશન ઓફ ક્લિનીકલ બાયોકેમિસ્ટ ઓફ ઈન્ડિયા) દ્વારા પ્રકાશિત રિપોર્ટ મુજબ કરોંદાના પાનનું સેવન કરવાથી કૅન્સર જેવી ઘાતક બીમારીથી બચી શકાય છે. તેનું મુખ્ય કારણ તેમાં ઍન્ટિ ઓક્સિડન્ટ, ઍન્ટિકેન્સર, ઍન્ટિબૅક્ટેરિયલ ગુણો હોય છે.

હૃદયને તંદુરસ્ત
રાખવામાં મદદરૂપ
કરોંદાનું સેવન નિયમિત કરવાથી હૃદય સબંધિત બીમારીથી બચી શકાય છે. આ ફળમાં પૉલિફિનોલ્સ હોય છે. જે કાર્ડિયોવસ્ક્યુલર તકલીફથી રાહત અપાવવામાં મદદ કરે છે.

કરોંદાનો મુરબ્બો
સામગ્રી: ૧ મોટો બાઉલ કરોંદા વચ્ચેથી કાપેલાં, ૧ મોટી વાટકી ખાંડ, ૧ ચમચી એલચી પાઉડર, ૧ નાની ચમચી મરી પાઉડર, ૧ નાની ચમચી જીરું પાઉડર, ચપટી મીઠું. ૧ નાની ચમચી લીંબુનો રસ. ચપટી ખાવાનો લાલ રંગ. (નાખવાની ઈચ્છા હોય તોજ લેવો)
બનાવવાની રીત: સૌ પ્રથમ કરોંદાને બરાબર સાફ કરી લેવાં. હવે એક કડાઈમાં ખાંડ નાખવી. તેમાં બે ગણું પાણી ઉમેરી ભેળવવું. ગરમ થાય ત્યાં સુધી બરાબર હલાવતાં રહેવું. લીંબુનો રસ નાખીને ખાંડનો મેલ સાફ કરી લેવો. ખાંડ બરાબર ઓગળી જાય ત્યારબાદ કરોંદા ભેળવવાં. ધીમા ગેસ ઉપર ૫ મિનિટ પકાવવું. ત્યારબાદ તેમાં એલચી પાઉડર, મરી પાઉડર, જીરું પાઉડર, તેમજ ચપટી ખાવાનો રંગ ભેળવવો. ધીમી આંચ ઉપર ચાસણી ઘટ્ટ થાય ૨ તારની થાય ત્યાં સુધી પકાવવું. મુરબ્બો કાચની બરણીમાં ઠંડો થાય એટલે ભરી લેવો. ૧ મહિના સુધી મુરબ્બો વાપરી શકાય છે.

કિડની સ્ટૉનમાં રાહતદાયક
કિડની સ્ટૉનની તકલીફમાં કરોંદાનો ઉપયોગ રાહતદાયક બની શકે છે. તેનું કારણ આ ફળમાં ક્વીનિક એસિડની સાથે અન્ય પોષક તત્ત્વ સમાયેલાં હોય છે. જેને કારણે કિડની સ્ટૉનની સમસ્યામાં રાહત મેળવી શકાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
રિટાયર્ડ નેવી ઓફિસર હતા મલાઈકા અરોરાના પિતા, ક્યાં હતી મલાઈકા એ સમયે… સસ્તો આઉટફિટ, નો મેકઅપ લૂક અને તો ય આ રીતે લાઈમલાઈટ લૂંટી Isha Ambaniએ… પૈસાની તંગી દૂર કરશે આ ટીપ્સ આ રીતે ચલાવો AC,વિજળીનું બિલ ઘટશે