તરોતાઝા

કેરોલિના રીપર -પ્રકરણ-૪

પ્રફુલ શાહ

અગિયાર મહિના અગાઉ મેં ભૂલ તો નહોતી કરીને?

ઈન્સ્પેક્ટર વૃંદા સ્વામી બોલી: મોટા સાહેબ ખૂબ ભયંકર છે. નામ ભલે ગોડબોલે હોય પણ ક્યારેય મીઠું બોલતા સાંભળ્યા નથી

રાજ્યના ગૃહપ્રધાન વિશ્ર્વનાથ આચરેકર પોતાના વિશ્ર્વાસુ પી.એ. નિશિથ કરંદીકર સાથે ઑન ધ રૉક્સ સ્કૉચ પેટમાં ઉતારી રહ્યાં હતાં. પરંતુ મદિરાને મસ્તીને બદલે ચહેરા પર ચિંતા વધી રહી હતી.
“એમે, અગિયાર મહિના અગાઉ મેં ભૂલ તો નહોતી કરીને?
“ના ભાઉ ના. ભૂલ કરી હોય તો સારી ગણાય. એ ભૂલના શિરપાવ રૂપે રાજ્ય કક્ષાના ગૃહપ્રધાનનો હોદ્દો તો મળ્યો ને.
“હા, એ તો ચિફ મિનિસ્ટરને ત્યારે મારી ગજર હતી, નહિતર એની સરકાર તૂટી પડી હોત.
“હા ભાઉ, તમારા ૧૩ વિધાનસભ્યોના ટેકા પર જ એની ધ્રૂજતી ખુરશી ટકી છે.
“ના, હવે સાવ એવું નથી. આપણા પાંચ-છ વિધાનસભ્યને સીએમએ પોતાના વાતમાં ખેંચી લીધા છે. પાંચેક અપક્ષોને ય દાણા નાખ્યા છે. બીજા બે પક્ષના સાત-આઠ એમએલએ ગમે ત્યારે પાટલી બદલવાની વેતરણમાં છે.
“હા, આછું પાતળું મેં ય એવું સાંભળ્યું છે.
“સીએમને ડર છે કે હું સરકારમાં વધુ રહું તો એના પર જોખમ વધી જશે. એની મારા પર ચાંપતી નજર છે. એમાં હું બે મહિના પછી ચૂંટણી લડવાનો છું એ અલીબાગ વિધાનસભા બેઠકના મુરુડમાં જ ધડાકાભડાકા થયા. આનું ડીક ઠીકડું એ હોમ મિનિસ્ટર પર ફોડવા માંગે છે.
“ભાઉ, તમારા એક સમયના વફાદાર અને તમારે માટે અલીબાગ બેઠક પરથી રાજીનામું આપ્યા ભાઉ આજકાલ સીએમને મળવા બહુ જાય છે હો.
“હા, મને પેટા ચૂંટણીમાં હરાવવાના કાવાદાવા રચાવા માંડ્યા છે. બન્ને વીકે, આ મુરુડ બ્લાસ્ટ મારી પોલીટીકલ કરિઅર અને મુખ્યપ્રધાન બનવાની મહત્ત્વાકાંક્ષાના ભૂક્કેભૂક્કા ઉડાડી શકે એમ છે. આ બાબતમાં કોઈ ચૂક ન થવી જોઈએ.
“હા, ભાઉ. આપ નિશ્ર્ચિત રહો.
“યાદ રાખજે એન. કે. હું બરબાદ થયો તો તું બેકાર થઈ જઈશ.. અને જો મુરુડ બ્લાસ્ટ કેસમાં તું કોઈ જાદુ કરી બતાવે અને હું પેટા-ચૂંટણીમાં જીતી જાઉ, તો તું માંગે એ ઈનામ. બોલ મંજૂર?
નિશિથ કરંદીકરના મોઢા સુધી જતો સ્કોચનો ગ્લાસ અધવચ્ચે રોકાઈ ગયો. એ વિશ્ર્વનાથ આચરેકર સામે જોઈ રહ્યો. હળવેકથી ગ્લાસ ટેબલ પર મૂકીને એ ઊભો થયો. વિશ્ર્વનાથના ચરણ સ્પર્શ કરીને બોલ્યો, “કસમથી ભાઉ, હું કોઈ કસર નહીં છોડું. ગૃહપ્રધાને એની પીઠ પર વિશ્ર્વાસસભર હાથ મૂક્યો. એ સાથે નિશિથ સ્વગત બબડ્યો, “તારો હાથ જેના પર પડે એ બરબાદ થઈ જાય છે પણ હું એમાનો નથી હો.


રાજા ભવન પર અરાજકતા, અકળામણ અને અનિશ્ર્ચિતતાના વાદળો ગાઢ બની રહ્યા હતા. રાજા બાબુ ગુસ્સામાં હતા, માલતી ફિકરમાં હતી, મમતા ગભરાયેલી હતી, તો કિરણ રડમસ થવાને આરે હતી. દિપક અને રોમાને કોયડો સતાવતો હતો કે મહાજન મસાલાના વરિષ્ઠ ડિરેક્ટર શેના વેતરણમાં છે? ન કોઈ ફોન ન કોઈ મેસેજ. પહેલાં મોબાઈલ ફોનની બેલ વાગતી હતી પણ હવે તો ફોન જ સ્વીચ ઑફ.
રાજાબાબુએ ક્યારનાય પોતાના ચક્રો ગતિમાન કરી દીધા હતા પણ ક્યાંયથી કોઈ અણસાર મળતો નહોતો. કિરણને કોઈ સાથે વાત કરવી ગમતી નહોતી. કિરણને કોઈ સાથે વાત કરવી ગમતી નહોતી. ખાધા-પીધા વગર એ પોતાના બેડરૂમમાં પૂરાઈ ગઈ હતી. ‘વિશ્ર્વાસ’ની ઑફિસમાં જવાનુંય મન ન થયું. તે વિચારમાં પડી ગઈ. “શું મારા અને એના વચ્ચે બધું ખતમ થઈ ગયું હતું? પણ એની શરૂઆત ક્યારે, કેવી રીતે અને શા માટે થઈ? આ બધા સવાલો હથોડાની જેમ કૂટાતા હતા. એવું માથું ફાટાફાટ થતું હતું. અચાનક આંખોમાંથી આસો-ભાદરવા વહેવા માંડ્યા. એને થયું કે પોતે ચીસ પાડી પાડીને રડે, ભીંત સાથે માથું પછાડે. ડબલ બેડની બરાબર સામે પોતાની રિસેપ્શનની ફ્રેમ કેટલી મોટી તસવીર જોતી રહી છે. અહિંથી સંબંધ-સેતુ બંધાયો હતો. બંધાયો હતો ખરો કે પોતે એવા ભ્રમમાં હતા? આ તથાકથિત સંબંધમાં નાની-નાની સુરંગો બિછાવાતી ગઈ, ફૂટતી ગઈ અને પોતાને ક્યારેય ખબર ન પડી. શું સંબંધ સહન કરી શકશે વિસ્ફોટને? એના માથામાં સબાકા ઉપડવા માંડ્યા. વિસ્ફોટ… વિસ્ફોટ… વિસ્ફોટ…


“વિસ્ફોટ થયો છે, એક નહિ અનેક તમને બન્નેને સમજાય છે? વૃંદા સ્વામીએ લોકઅપમાં પાટિલ અને નંદુ સામે બેસીને પૂછ્યું:
અગાઉની વ્યવસ્થા મુજબ બે કૉન્સ્ટેબલે બન્નેને ખૂબ ધોલધપાટ કર્યા બાદ ટાંટિયા તોડી નાખવાથી લઈને એન્કાઉન્ટરમાં પતાવી નાખવાની ધમકી આપી હતી. હકીકતમાં આ સાયકોલોજીકલ પ્રોસેસ હતી બન્નેને બોલતા કરવાની. તપાસ બાદ સબ-ઈન્સ્પેકટર વૃંદા સ્વામી અંદર આવી. તેણે પર્સમાંથી એક થરમોસ અને કાગળના બે કપ કાઢ્યા. “પહેલા ફટાફટ ચા પી લો, ક્યાંક આવી જશે તો મારે માથે આફત. તેણે ચા કાઢીને કપ બન્ને સામે મૂકી દીધા. બન્નેએ અચકાટ સાથે કપ ઉપાડ્યા. ગરમ ચા પેટમાં ગઈ, ત્યાં વૃંદાએ પર્સમાંથી કાગળનું પડીકું કાઢીને એક-એક પડાપાવ આપ્યા. જલદી ખાઈ લો મુરુડના બેસ્ટ વડા પાવ છે.
પાટિલે નંદુ સામે જોયું ને પછી વૃંદા સામે. કંઈક બોલવાને વૃંદા આંખેથી હસી અને માથું હલાવ્યું. બન્ને અકરાંતિયાની જેમ વડાપાવ ખાવા માંડ્યા. વૃંદાએ પર્સમાંથી ટિસ્યુ પેપર કાઢીને આંખ લૂછી. “હું ય પોલીસવાળી છું પણ મારપીટમાં માનતી નથી. અલીબાગની જેલમાં ઢોરમારથી મારા કઝિનનો જીવ ગયો હતો. એટલે હાથ ઉપાડવા સામે મારો ઉગ્ર વિરોધ છે.
બન્નેએ છેલ્લો કોળિયો ચાવતા-ચાવતા વૃંદા સ્વામી સામે હાથ જોડ્યા. “તમારે હાથ જોડવાની જરૂર નથી. હું તમારી સાથે છું. શક્ય એટલી બધી મદદ કરીશ.
નંદુ રડમસ થઈ ગયો. “મેં કંઈ કર્યું નથી. હું તો સાવ નિર્દોષ છું.
“હું તો જાણું જ છું. આવા ભયંકર અપરાધ કરનારાઓના મોઢા જ અલગ હોય. પણ અમારા અમુક લોકો બધુ તમારા બન્ને પર ઢોળીને કેસ ઉકેલી લીધાનો જશ આપવા આતુર છે. પછી આસપાસ જોઈને ધીમેથી ગણગણી, “મોટા સાહેબ ગોડબોલે બોલે છે ઓછું પણ છે ખૂબ ભયંકર માણસ હો. નામ ભલે ગોડબોલે હોય પણ ક્યારેય મીઠું બોલતા સાંભળ્યા નથી. હા, ઘણાંના દાંત, હાથ, પગ તોડી નાખતા જોયા છે. જો બીજા કોઈ સામે મોઢું ન ખોલ્યું તો છેલ્લે ગોડબોલે સર અંદર આવશે. પછી કોઈ વાતની ગેરંટી રહેવાની નથી. પોતાના પગે કોર્ટમાં જવું છે, વ્હીલચેરમાં જવું છે કે પછી હૉસ્પિટલમાં જવું છે એ તમે જાણો.
“મેડમ, પ્લીઝ અમને બચાવી લો. હું સાચેસાચું કહીશ બધું, વૉચમેન પાટિલ કરગર્યો.
“જો તારી વાત સાચી લાગી તો પછી આ નંદુ જ બચશે એનું આવી બનશે.
અચાનક નંદુ તંદ્રામાંથી જાગ્યો. “એટલે? બધુ મારા પર કેવી રીતે આવ? મેં તો કંઈ કર્યું નથી.
“હું તો માનું છું કે તમે બન્ને સાવ નિર્દોષ છો. પણ એ સાબિત કરવા માટે બધી વાત તો કરવી પડે નહિતર ક્યાંક નાટકના ભેરવાઈ જશો.
“મેડમ, અમને બચાવી લો. પ્લીઝ… નંદુના આ વાક્ય સાથે પાટિલે પણ હાથ ધર્યા.
“બચાવી લઈશ ચોક્કસ. પણ બધેબધુ કહેવું પડશે. સાવ સાચું બોલશો?


“સાચું કહું તો મુરુડ બૉમ્બ બ્લાસ્ટ્સ સોનેરી મોકો છે આચરેકરની કુકરી ઉડાડવાનો. મુખ્ય પ્રધાન રણજીત સાળવી સાથી પક્ષના નેતા સતીષ ભોસલે ભણી આંખ મીચકારીને બોલ્યા. ૭૨ વર્ષે પણ મુખ્ય પ્રધાન સિંહાસન માટે લાળ ટપકાવતા ભોસલેને સાળવીએ મોટું ગાજર બતાવ્યું. “વિશ્ર્વનાથ આચરેકરે રાજીનામું આપવું પડે એવા સંજોગો ઊભા કરો તો ગૃહખાતું તમારું ને છોગામાં ડેપ્યુટી ચિફ મિનિસ્ટરની પોસ્ટ. બોલ છે ઈચ્છા?
નૌજવાન જેવી સ્ફુર્તિ સાથે સતીષ ભોસલે ઊભા થઈ ગયા. “થેન્ક યુ સાળવીજી. આ ચેલેન્જ સ્વીકારી મે. આપ પણ પોતાનું વચન પાળજો. હવે જુઓ મારો ખેલ.
સી.એમ. રણજીત સાળવી બરાબર જાણતા હતા કે મીડિયાને મિસમેનેજ કરવાની ભયંકર ક્ષમતા સતીષ સાળવીમાં છે. જેની કોણી પર લગાડેલા ગોળને લીધે હવે આ કાકો શાંત નહિ બેસે, એની ખાતરી સાથે સાળવીએ પોતાના બન્ને હાથમાં એમના હાથ જોરથી દાબ્યો. “આપ જેવા સીનિયર લીડર મહત્ત્વના હોદ્દા પર હોય એમાં મારું જ નહિ, રાજ્યનું પણ રૂડું લાગે. જાઓ કરો ફતેહ ભોસલે સાહેબ.
પગમાં નવી તાકાતનો સંચાર થયો હોય એમ બંડી વ્યવસ્થિત કરતા સતીષ ભોસલે લગભગ દોડવા માંડ્યા. જાતને શાબાશી આવતા હોય એમ સામળવીએ પોતાની પીઠ થાબડી. તેમણે અનલિસ્ટેડ નંબરવાળો ફોન ઉપાડીને ડાયલ કર્યો. “કરંદીકર કંઈ બોલ્યા વગર હું જે કરું છું એ બરાબર ધ્યાનથી સાંભળ…


“સાંભળ તો ખો મારી વાત. મોના એકદમ સલામત હશે, જો આ મેસેજ, વિકાસે મોબાઈલ ફોનમાં મોનાનો સંદેશો બતાવ્યો: “ફ્રી થાઉં પછી ફોન કરીશ. લવ યુ.
ગૌરવ પુરોહિત એકીટસે મોબાઈળ ફોનને અને વિકાસને જોઈ રહ્યો. “હા, તને મેસેજ આવ્યો એટલો તું નસીબદાર. મારો તો ફોન જ ન ઉપાડ્યો તારી બહેને. પણ આ મેસેજ ત્રણ દિવસ પહેલા આવ્યો હતો. મેં રાતે ડ્યુટી પૂરી થયા બાદ એનો નંબર ડાયલ કર્યો તો ફોન સ્વીચ ઑફ આવ્યો.
“જીજુ, એ બિઝી છે ને થોડી કેર-ફ્રી પણ છે.
“કેર-ફ્રી નહિ બેદરકાર છે તારી બહેન. આજે ત્રીજો દિવસ છે. આપણે ઉચાટમાં જ જીવવાનું? એક્સિડન્ટ થયો છે એનો? કોઈ કિડનેપ કરી ગયું છે કે. કોઈ હૉસ્પિટલમાં…
“પ્લીઝ, ગૌરવભાઈ એવું ન બોલો.
“અરે શું કામ ન બોલું. કામ કરે છે ભલે કરતી પણ ક્યાં જાય છે એ તો કહી શકાય કે નહિ? વરસોની પ્રેસની નોકરીમાં જોતરાયો છું એનું ટેન્શન ઓછું છે, તો એ કમી મોના પૂરી કરે છે.
“આવવા દો એને સ્પષ્ટ કરી દેવું પડશે કે આ રીતે ન ચલાવી લેવાય. પણ ત્યાં સુધી શું કરી શકાય, જીજુ?
“અત્યારે તો એક જ રસ્તો દેખાય છે. પોલીસમાં ફરિયાદ લખાવવાનો…
“જીજુ, પોલીસમાં જવુ જરૂરી છે?
“એના વગર શું કરાય? એની આસપાસના બધાને હું અને તું ફોન કરી ચુક્યા કે નહિ?
બન્ને સમજી ગયા કે પોલીસ ફરિયાદ સિવાય છૂટકો નથી. તરત સાળા-બનેવી ખાર પોલીસ સ્ટેશન જવા રવાના થયા.
“ફ્રિ થાઉ એટલે ફોન કરીશ. લવ યુ. પ્રિયાદીદીનો આ મેસેજ વિકાસ ક્યારનોય જોઈ રહ્યો હતો. જાણે દીદી સામે હોય અને હસીને આ કહે રહી હોય એવું એને લાગતું હતું. પોતે નાનો હતો છતાં મોના માટે અનહદ પ્રોટેક્ટિવ હતો. “આ વખતે તો આ મેસેજને દિવસો વીતી ગયા છતાં નથી દીદીનો ફોન આવ્યો કે નથી મેસેજ આવ્યો. છતાં પોતે ચૂપચાપ બેઠો કેમ છે? વિકાસને આશ્ર્ચર્ય થયું અને પોતાની જાત પર નફરત થઈ.
એને ત્રણેક વર્ષ અગાઉનો બનાવ યાદ આવી ગયા. વિકાસે બહેનને ઘણાં દિવસ બાદ ડિનર પર બોલાવી હતી. એ દિવસે રજા રાખીને સવારે માર્કેટમાંથી ચેરી ટોમેટો, ઝુકીની, બેબી કોર્ન, લેટ્ટુસ, બ્રોકોલી, ચાઈનીઝ કેબેજ, રેડ કેબેજ, રંગીન કેપ્સીકમ, સહિતના એક્ઝોટિક વેજીટેબલ લઈ આવ્યો અને પ્રેમથી સાંતળીને મોનાને બહુ ભાવતી સૌ વેજીટેબલ્સની ડિશ તૈયાર કરી. સાથે પોતાનું ફેવરીટ બ્રોકોલી અલમોન્ડ સુપ બનાવ્યું. બાજુમાં આઈસ બૉક્સમાં રાખી ઈર્મ્પોટેડ વાઈનની બોટલ.
મોના તો ભઈલાનું વહાલ જોઈને એને ભેટી જ પડી. “ગાંડિયા, આ બધું ઓનલાઈન મંગાવી લીધું હોત…
“હા પણ એમાં મારા પ્રેમનો વઘાર ન હોત. સમજી દીદી…
મોના વાતચીત કરવાને બદલે ડાઈનિંગ ટેબલ પર જ બેસી ગઈ. એના માટે રાહ જોવાનું મુશ્કેલ હતું. વિકાસ વાઈનની બોટલ કાઢી તો એ બોલી, “મને નહિ જોઈએ. તે આ બનાવ્યું એનો મસ્ત નશો પૂરતો છે. વિકાસે બોટલ પાછી મૂકીને બહેનને પીરસવાનું શરૂ કર્યું મોના ઉત્સાહભેર ચમચી ભરીને સૂપ મોઢામાં મૂકે ત્યાં જ મોબાઈલની બેલ વાગી નંબર જોઈને મોનાએ ફોન કટ કરી નાખ્યો. મોનાએ ચમચી મોઢામાં મૂકી ત્યાં ફરી બેલ વાગી. મોનાએ એ જ કર્યું. ત્રીજીવાર બેલ વાગી ત્યારે મોનાના ચહેરા પરનો ગુસ્સો વિકાસથી છાનો ન રહ્યો.
“દીદી, ઈઝ એવરીથીંગ ઓલરાઈટ? મોનાએ કંઈ જવાબ ન આપ્યો વિકાસે નજીક જઈને એના ખભા પર હાથ મૂક્યો. એ સાથે મોના ભાંગી પડી, એકદમ રડવા માંડી. વિકાસે પાણીનો ગ્લાસ આપ્યો. પાણી પીધા વગર ગ્લાસ નીચે મૂકીને મોનાએ વિકાસ સામે જોયું. “કોઈક બદમાશ ક્યારનો ફોન કરીને પરેશાન કરે છે, મળવા બોલાવે છે, ગંદીગંદી વાતો…
વિકાસના અવાજમાં સખ્તાઈ આવી ગઈ. “બસ… વધુ રહેવા દે. લાવ તારો ફોન આપ તો… મોનાએ પોતાનો મોબાઈલ આપ્યો. વિકાસે કૉલ હિસ્ટરીમાં ચેક કર્યું. એ બદમાશે ત્રણ દિવસમાં ૨૬ ફોન કર્યા હતા. અડધી રાતે પણ મોનાને હેરાન કરી હતી. વિકાસ પોતાનો મોબાઈ ફોન હાથમાં લીધો. એમાં કોઈક બટન દબાવ્યા પછી મોનાના ફોનમાં જોયું એમાં પણ કંઈક કર્યું.
“દીદી, એને એસ.એમ.એસ કર કે મીટીંગમાં બીઝી છું. દશ મિનિટ પછી ફ્રી થઈશ.
“વ્હોટ?
“હા, હું કરું એટલું કરો: આ પ્રૉબ્લેમ્સનો અંત લાવી દઈએ તરત જ. વાત ગળે ન ઉતરી છતાં મોનાએ એસ.એમ.એસ. કરી દીધો. બરાબર બાર મિનિટ પછી ફોન આવ્યો ત્યાં સુધીમાં વિકાસે બધુ સમજાવી ચુક્યો હતો.
મોનાએ સહજતાથી પૂછ્યું, “વ્હોટ્સ ધ મેટર… ક્યોં મિલના હૈ?… બાતે કરની હૈ… મગર બાદ મેં કભી ભી ફોન મત કરના ઠીક હૈ? ઓકે… મૈં સાંતાક્રુઝ ગાર્ડ સે દશ મિનટ દૂર હું… ઉસકે સામને તીન-ચાર મિનિટ કે રાસ્તે પર એક રેસ્ટોરા હૈ વહાં કોફી પે મિલતે હૈ… ઓ.કે.?
ખાવાનું બાજુ પર મૂકીને બન્ને ચોક્કસ રેસ્ટોરાં પર પહોંચ્યા પણ વિકાસ રસ્તાની સામેની બાજુ થોડો દૂર ઊભો રહ્યો. મોનાને માંડ સમજાવીને રેસ્ટોરામાં મોકલી. એના ગયા પછી વિકાસને પોતાના મોબાઈ ફોનમાં એની હિલચાલ દેખાવા માંડી. જેમ જેમ પ્રિયા આગળ વધતી હતી એમ એમ એના મોબાઈલ ફોનનું લોકેશન વિકાસને દેખાતું હતું? પોતાના એથિકલ હેકર હોવા પર તેણે પહેલીવાર સંતોષ અને ગર્વ અનુભવ્યા.
પાંચ મિનિટમાં એક યુવાન પ્રિયાની નજીક આવતો દેખાયો. પ્રિયાને શંકા ગઈ એટલે તેણે પોલો અજાણ્યો નંબર ડાયલ કર્યો. રિંગ વાગતા સમજાઈ ગયું કે ફોન કરનારો એ જ હતો. તેણે ફોન ઉપાડયો એટલે વિકાસે ઝડપભેર રસ્તો ઓળંગ્યો. આંખ પર સસ્તા ગોગલ્સ, મોઢામાં પાન, લાલ ટી-શર્ટ, લાઈટ બ્લુ પેન્ટ અને પગમાં કોલ્હાપુરીવાળો એ યુવાન આવીને મોનાના ટેબલ પર બેઠો. પાન ચાવતા ચાવતા તેણે મોનાને સામે જોયું. જાણે જાત પર અભિમાન અનુભવતો હોય. આય એમ સુજીતકુમાર… યુ આર સ્માર્ટ ઍન્ડ ઈન્ટેલીજન્ટ… મેરી બાત ધ્યાન સે સુનો…
એનું વાક્ય પૂરું થાય એ અગાઉ પાછળથી એના ગળા પર દોરડાનો ગાળિયો પડ્યો સાથે રૂઆબભેર અવાજ સંભળાયો, ટાંગ યા હાથ તુડવાના હય તો જબાન યા હાથ હિલાના…
સુજીતકુમાર એકદમ ગભરાઈ ગયો. હવે મોનાના મોઢા પર સ્માઈલ હતું. સુજીતકુમાર પાછળ જોયા વગર ઊભો થયો. એ જ સ્થિતિમાં વિકાસ એને નજીકના સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન ભણી લઈ જવા ધકેલવા માંડ્યો. અચાનક સુજીતકુમાર પડી ગયો. તેણે મોનાના પગ પકડી લીધા. “અમ્મા… આય એમ સૉરી… યુ આર માય સિસ્ટર. પ્લીઝ ફરગીવ મી.
આ સાથે સામે આવીને વિકાસે સુજીતકુમાર ગાલ પર તમાચો માર્યો. ” સામને જો પોલીસ સ્ટેશન હૈ ન, વો હી મેરા ઑફિસ હૈ. વહાં તું આરામ સે મોનાસે રોમાન્સ કરના, મસ્તી કરના. પોલીસનું નામ સાંભળતા જ સુજીતકુમારના ટાંટિયા જ ઢીલા પડી ગયા. પેન્ટ પણ થોડું ભીનું થઈ ગયું. એ ફુડ ડિલીવરી સપ્લાય એપમાં કામ કરતો હતો. ત્યાંથી મળેલા નંબર પર છોકરીઓને હેરાન કરવાની ગંદી આદત પડી ગઈ હતી. વિકાસે એની પાસે વીડિયો પર કબૂલાત કરાવી, માફી મંગાવી અને મોનાને પગે લગાવ્યા બાદ ચેતવણી આપીને બરાબર પોલીસ સ્ટેશન બહાર છોડીને મોનાને લઈને પોલીસ સ્ટેશનની અંદર જતો રહ્યો.
પછી તો ઘરે જઈને વિકાસ અને મોનાએ ફેવરિટ ડિશ-સુપ સાથે વાઈનની બોટલ પણ ખાલી કરી નાખી. એની સાથે વિકાસને યાદ આવ્યું કે પોતે મોકલેલી મોકલેલી લિંક પરથી હજી પણ મોનાનું લોકેશન ટ્રેસ કરી શકશે…
બરાબર, એ જ સમયે જુહુ પોલીસ સ્ટેશનના ઈનચાર્જ પોલીસ ઈન્સ્પેકટર રામરાવ અંધારે મોબાઈલ ફોન પર સધિયારો આપતો હતો, “રાજાબાબુ આપ ફિકર ન કરો. મને આકાશ મહાજન સરનો ફોટો મોકલાવો. હું અનઓફિશ્યલી તપાસ શરૂ કરાવું છું. બે કલાકમાં જ આપને ગુડ ન્યુઝ આપીશ. પ્લીઝ, ટેન્શન લેતા નહિ. અમે શેના માટે બેઠા છીએ… સામે ફોન મુકાઈ ગયા બાદ અંધારેએ પોતાના વિશ્ર્વાસુ ખબરી મુશાને ફોન લગાવ્યો.


નંદુ પોપટની જેમ ફટાફટ બોલતો હતો, ને વૃંદા સ્વામીના અધખુલ્લા પર્સમાં પડેલા ટેપ રેકોર્ડરમાં બધુ રેકર્ડ થતું હતું. “મારા શેઠ નીરજ દુબેના કહેવાથી અમે મુંબઈથી એનો પીછો કરતા મુરુડ આવ્યા. શેઠના મોટાભાઈ રાજીવ દુબે ઓર્ડર આપ્યો કે ત્યાં જરહો એટલે નીરજ શેઠ હોટેલની અંદર ગયા અને હું બહાર કારમાં જ બેસી રહ્યો. પછી પાંચેક મિનિટમાં આ પાટિલ મારા માટે બીઅરની બોટલ લઈને આવ્યો. અમે બન્ને બિઅર પીવાની શરૂ કરી એની દશ-પંદર મિનિટમાં જ ધડાકા થવા માંડ્યા.
“એકદમ સાચું બોલે છે ને?
“ભગવાન કસમ મારી વાઈફના સોગંદ.
“અચ્છા, બીજા કોઈને હોટલની અંદર જતા કે બહાર આવતા જોયા હતા ખરા?
“ના. આ વોચમેન પાટિલ સિવાય કોઈ બહાર નહોતું આવ્યું.
પાટિલે માથું ધુણાવ્યું: વૃંદાએ એની સામે જોયું. “પાટિલે છેલ્લે કોણ આવ્યું હોટેલમાં?
“આ નંદુ કહે છે એ માણસ જ…
“એકલો હતો કે બીજું કોઈ હતું સાથે…
“એક બાઈ હતી. જવાન અને દેખાવડી.
“ઓ. કે. અચ્છા નંદુ એ બતાવ કે તમે કોનો પીછો કરતા હતા?
“આકાશ મહાજનનો, બહુ મોટા માણસ છે એ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button