તરોતાઝા

કાજુ-બદામથી અધિક શક્તિશાળી ગણાય છે કાશ્મીરી લસણ

સ્વાસ્થ્ય સુધા -શ્રીલેખા યાજ્ઞિક

સાધારણ સફેદ લસણની તુલનામાં કાશ્મીરનું એક કળીનું લસણ આરોગ્ય માટે અત્યંત ગુણકારી ગણાય છે. કાશ્મીરી લોકોનું માનવું છે કે કાજુ-બદામ-અખરોટ જેવા વિવિધ સૂકામેવાનો ઉપયોગ આરોગ્ય માટે જેટલો ગુણકારી છે, તેવું જ કાશ્મીરી લસણ સ્વાસ્થ્યપ્રદ છે. સામાન્ય લસણની તુલનામાં કાશ્મીરી એક કળીનું લસણ સાતગણું વધુ ફાયદાકારક ગણાય છે. આ પહાડી લસણ દેખાવમાં અત્યંત આકર્ષક હોય છે. અત્યંત નાનું, સફેદ મોતી જેવું ગોળ દાણેદાર હોય છે. કાશ્મીરમાં તેને ‘કહસુન’ કહેવામાં આવે છે. તેનો સ્વાદ તીખો તેમજ સુગંધ તીવ્ર હોય છે. તેથી તેનો ઉપયોગ ખાસ મસાલા તેમજ ઔષધી બનાવવામાં થાય છે. એક કળીના લસણ તરીકે ઓળખાતા કાશ્મીરી લસણમાં ઍન્ટિ-ઓક્સિડન્ટ, વિટામિન સી તથા ઍન્ટિ-ઈન્ફ્લેમેટરી ગુણો સમાયેલાં છે.

જેને કારણે આરોગ્યને જાળવવામાં મદદરૂપ ગણાય છે. શિયાળામાં તેનો ઉપયોગ ખાસ થતો હોય છે. ફક્ત એક કળીનું સેવન કરવાથી શરીરમાં ગરમાવો અનુભવાય છે. આ લસણની ખેતી કાશ્મીરમાં ખાસ કરવામાં આવે છે તેની પાછળ ત્યાંનું ઠંડું વાતાવરણ અત્યંત ઉપયોગી ગણાય છે. ત્યાંની માટી તેમજ ઠંડી હવા પર્યાવરણની દૃષ્ટિએ વિશિષ્ટ ગુણો ધરાવતી ગણાય છે. સ્નૉ લસણ, હિમાલયન લસણ કે પોથી લસણના નામે ઓળખાતાં એક કળીના કાશ્મીરી લસણમાં પોષક તત્ત્વોની માત્રા ભરપૂર સમાયેલી છે. જેવાં કે મેંગેનિઝ, વિટામિન બી-6, વિટામિન-સી, સેલેનિયમ, ફોસ્ફરસ, કૅલ્શ્યિમ, વિટામિન-બી-1. જેને કારણે કૅન્સર, થાઈરોઈડ, અસ્થમા, કૉલેસ્ટ્રોલ જેવી ગંભીર બીમારીના પ્રકોપને ઘટાડવામાં મદદ મળે છે. કાશ્મીરી લસણને વિવિધ ભાષામાં અલગ-અલગ નામથી ઓળખવામાં આવે છે. હિન્દીમાં કાશ્મીરી લહસુન, કાશ્મીરમાં રોહંજ, બંગાળીમાં કાશ્મીરી રોશુન, તેલુગુમાં કાશ્મીરી વેલ્લુલી, ક્ધનડમાં કાશ્મીરી બેલ્લુલી, મલયાલમમાં કાશ્મીરી વેલુથુલ્લી કહેવામાં આવે છે.

કાશ્મીરી લસણની ચટણી
સામગ્રી : 100 ગ્રામ પહાડી લસણ, 10 નંગ કાશ્મીરી લાલ આખા મરચાં, 1 ચમચી શેકેલાં સૂકા ધાણા, સ્વાદાનુસાર મીઠું, ચપટી હિંગ, 1 ચમચી તેલ.

બનાવવાની રીત : સૌ પ્રથમ લસણને છોલી લેવું. મરચાંને હૂંફાળા પાણીમાં પલાળીને 15 મિનિટ રાખવાં. હવે મિક્સર જારમાં મરચાં, લસણ,

આખા ધાણા, હિંગ સ્વાદાનુસાર મીઠું લઈને વાટવું. હવે કડાઈમાં તેલ ગરમ કરીને તેમાં મિશ્રણ ઉમેરવું. 2-3 મિનિટ પકાવી લેવું. ઠંડું થાય ત્યારબાદ કાચની નાની બરણીમાં ભરીને રાખવું. સ્વાદિષ્ટ ચટણીનો ઉપયોગ ગરમાગરમ પરાઠા, ખીચડી કે દાળભાત સાથે કરવો. એક સપ્તાહ સુધી ચટણી શિયાળામાં બહાર પણ સારી રહેશે. વધુ સમય માટે રાખવી હોય તો ફ્રિજમાં રાખવી. કાશ્મીરી લસણના સ્વાસ્થ્યવર્ધક લાભ લાંબા સમયથી સતાવતી શરદી-ખાંસી જેવી વ્યાધિને દૂર કરવામાં ગુણકારી :

વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલાં સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે કાશ્મીરી લસણનું સેવન નિયમિત કરવાથી લાંબા સમયથી સતાવતી શરદી-ખાંસી જેવી વ્યાધિમાં 50 ટકા જેટલી રાહત મેળવી શકાય છે. વળી આ લસણનું સેવન અન્ય બીમારીને શરીરમાં પ્રવેશતાં રોકવામાં મદદ કરે છે. તેનું મુખ્ય કારણ છે કાશ્મીરી લસણમાં સમાયેલું ખાસ સત્ત્વ ‘એલિસિન’. નરણાં કોઠે 2-3 કળી લસણને છોલીને થોડું કચરી લેવું. 2-3 મિનિટ તેને રહેવાં દેવું. ત્યારબાદ તેને ચાવી જવું. ઉપર હૂંફાળું પાણી પી લેવું. આ નુસખો આરોગ્ય માટે શ્રેષ્ઠ ગણાય છે.

હૃદયની તંદુરસ્તી માટે લાભકારી :
ભારતીયો તેમજ વિદેશમાં વસતાં ભારતીયોમાં કાશ્મીરી લસણ અત્યંત લોકપ્રિય છે. તેનું મુખ્ય કારણ હૃદયના સ્વાસ્થ્ય માટે તેનો ઉપયોગ ઘણો જ લાભકારક ગણાય છે. એલિસિન રક્ત કોશિકાને પહોળી બનાવવામાં મદદ કરે છે. જેને કારણે શરીરમાં લોહીનું પરિભ્રમણ સુધરે છે. બ્લડ પ્રેશરમાં ઘટાડો થાય છે. કાશ્મીરી લસણ લોહીમાં રહેલાં ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.

બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં ઉપયોગી :
કાશ્મીરી લસણને વહેલી સવારે નરણાં કોઠે ચાવીને ખાઈ લેવું. જેને કારણે શરીરમાં થોડી જ વારમાં ગરમાવો આવી જશે. બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખે છે. એવું કહેવાય છે કે લોહીને પાતળું કરવામાં તથા તેની ડેન્સિટી ઘટાડવામાં મદદ કરે છે. સ્નાયુઓને આરામ મળે છે. કાશ્મીરી લસણમાં સમાયેલું કેમિકલ ‘હાઈડ્રોજન સલ્ફાઈડ’ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.

ચેપ તથા વાઈરસના સંક્રમણથી બચાવે છે :
કાશ્મીરી લસણમાં પ્રાકૃતિક ઍન્ટિ-બાયોટિક હોય છે. જે શરીરમાં ઝડપથી ફેલાઈને ચેપ લગાવતાં જીવાણુને મારી નાંખે છે. કાશ્મીરી લસણમાં એલિસિન નામક ખાસ તત્ત્વ હોય છે. જે કૉલેસ્ટ્રોલ લેવલને ઘટાડવામાં મદદ કરે છે. જેને કારણે હૃદયની તંદુરસ્તી જાળવવામાં મદદ મળે છે.

કૅન્સરને ટક્કર આપવામાં ઉપયોગી : આ પહાડી લસણનો આહારમાં ઉપયોગ કૅન્સર જેવી બીમારીમાં ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં રહેલું ડાયલિલ ટ્રાઈસલ્ફાઈડ નામક એક સત્ત્વ ઑર્ગેનોસલ્ફર યોગિક હોય છે. શરીરમાં કૅન્સરની કોશિકાનો નાશ કરવામાં લાભકારક ગણાય છે. યુનિવર્સિટી ઑફ નૉર્થ કૈરોલિના દ્વારા કરવામાં આવેલાં સંશોધન દ્વારા જાણવા મળ્યું હતું કે હિમાલયન કે કાશ્મીરી લસણનું સેવન કરવાથી શરીરમાં કૅન્સર હોવાની કે થવાની શક્યતા ઘટી જાય છે, સામાન્ય લસણ પણ કૅન્સર સામે લડવામાં લાભદાયક ગણાય છે.

ડાયાબિટીસમાં લાભકારક :
ડાયાબિટીસનો વ્યાધિ આજકાલ નાના-મોટા પ્રત્યેક વયના લોકોમાં ફેલાતો જોવા મળે છે. હિમાલયન લસણનું સેવન કરવાથી ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડ શુગરનું સ્તર નિયંત્રણમાં રહેતું જોવા મળે છે.

કૉલેસ્ટ્રોલને ઘટાડવામાં ગુણકારી:
હિમાલયન એક કળીનું લસણ શરીરમાં હાઈકૉલેસ્ટ્રોલની માત્રા ઘટાડવામાં ગુણકારી ગણાય છે. વિવિધ શોધ તેમજ સ્થાનિક લોકોના અનુભવ દ્વારા જાણવા મળે છે કે ‘સ્નૉ લસણ’ તરીકે ઓળખાતા કાશ્મીરી લસણનો ઉપયોગ નિયમિત કરવાથી માનવ શરીરમાં 20 મિલિગ્રામ ડીએલ કૉલેસ્ટ્રોલ તથા ટ્રાઈગ્લિસરાઈડની માત્રા ઘટેલી જોવા મળી હતી. લસણની 3-4 કળીને વહેલી સવારે છોલીને ખાલી પેટ ખાઈ લેવાથી વધેલું કૉલેસ્ટ્રોલનું પ્રમાણ થોડા સમયમાં ધીમે ધીમે આપોઆપ ઘટતું જોવા મળ્યું હતું.

સાંધાના કે હાડકાંના દુખાવામાં લાભકારી:
આજકાલ બેઠાડુ દિનચર્યાને કારણે નાની વયમાં સાંધામાં તેમજ હાડકાંમાં દુખાવાની તકલીફ થતી જોવા મળે છે. અનેક વખત શરીર જકડાઈ જતું હોય છે. તેમાં પણ શિયાળાની ઠંડીમાં સમસ્યા વધી જતી હોય છે. દુખાવાથી રાહત મેળવવા માટે આયુર્વેદિક રામબાણ ઈલાજ કાશ્મીરી લસણનો ઉપયોગ ગણાય છે. વહેલી સવારે નરણાં કોઠે લસણની છાલને કાઢી લેવી. ત્યારબાદ લસણને ચાવી જવું. વાસથી રાહત મેળવવા માટે તેની ઉપર હૂંફાળું પાણી પી જવું. થોડો સમય લસણને વહેલી સવારે ખાવાનું હોવાથી ઊબકા આવશે. નિયમિત સેવન કરવાથી આદત કેળવાઈ જશે. નાના અમથાં એક કળીના લસણના વિવિધ સ્વાસ્થ્યવર્ધક લાભ શરીરને મળવા લાગશે. કિંમતની વાત કરીએ તો કાશ્મીરી લસણનો ભાવ કિલોના રૂપિયા 2400 જોવા મળે છે. કાશ્મીરી લસણની ખાસ વાત છે કે તેને એક વખત મંગાવ્યા બાદ 5-6 મહિના માટે સાચવી શકાય છે. ઝડપથી બગડતું નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button