પૃથ્વી પરનું કલ્પ વૃક્ષ
પુસ્તક પ્રેમી સૌથી વધુ શ્રીમંત અને સુખી છે – થોરો
વર્ષા અડાલજા
સેદાનનાં મેદાનમાં ફ્રેન્ચો હાર્યા અને જર્મનોએ પૅરિસમાં પ્રવેશ કર્યો ત્યારે એક ફ્રેન્ચ પ્રોફેસર વર્ગ લઇ રહ્યા હતા, એમણે વર્ગને કહ્યું.
જેન્ટલમેન એઝ વી મીટ હિયર ટુડે વી આર ઇન અ ફ્રી ક્ધટ્રી, ધ રિપબ્લિક ઓફ લેટર્સ વીચ હેઝ નો નેશનલ બાઉન્ડ્રીઝ, વીચ નોઝ નો પ્રેજયુડીસ, નો ઇન્ટોલરન્સ.
પુસ્તકની એક એવી નિરાળી આગવી દુનિયા છે જ્યાં સ્વાતંત્ર્ય છે, વિશ્ર્વના દેશોની સરહદો અવરોધરૂપ નથી, નથી પૂર્વગ્રહી.
પુસ્તક એવું કલ્પવૃક્ષ છે જે જીવનના સંતાપોમાં છાયો આપે છે. એક સાચા સન્મિત્રની જેમ આપણી સાથે વાતો કરે છે. નર્મદ કહે છે તેમ, જે આપણી પરોપકાર બુદ્ધિ અને હયાને જાગતી કરે છે.
પ્રીતિના જોસ્સાને બહાર કાઢે છે, આપણી લાગણીઓને કેળવીને વ્યાપક કરે છે, પડતીની દશામાં દિલાસો અને ચડતીમાં ક્ષમા અને જીંદગીમાં નાના પ્રકારનાં નિર્મળ સુખ આપે છે.
પુસ્તક આપણને એક નવી જ દુનિયાનાં દ્વાર ખોલી આપે છે, અનેક વિવિધ પાત્રો -મનુષ્યોનો મેળાપ કરાવે છે, એમની જિંદગીના આરોહઅવરોહમાં વાચકને સામેલ કરે છે, નહીં તો જીવનની વિવિધતાનો પરિચય મેળવવાની આપણી પહોંચ કેટલી!
સંજીવની વિદ્યાથી પુસ્તક અજરઅમર છે. ભવ્ય ઇમારતો સમ્રાટોનાં ઝાકઝમાળ મહેલો ધ્વસ્ત થઇ ખંડેર થાય છે, કાળ સતત કરવતની જેમ વહેરે છે, એનાં ભરભર ભૂકામાં ઇમારત નષ્ટ થાય છે. કાશ્મીરનાં ગામડાઓમાં ફરતાં એવાં કેટલાં ભવ્ય મંદિરોનાં ખંડેરો જોયા હતા. એક સમયે એનો કેવો ભવ્ય ઇતિહાસ હશે? સંસ્કૃતિની ધર્મની ધરોહર હશે એવું એક સૂર્યમંદિર જોઇ ઉદાસ થઇ જવાયું હતું. એક ઇમારત નષ્ટ થાય એની સાથે કેટકેટલું નાશ પામે છે.
૨૦૧૦નું નોબેલ જેને મળ્યું હતું તે પેરૂના સાહિત્યકાર પ્રસિદ્ધ પ્રવચનમાં કહે છે.
મને લાગે છે કે સાહિત્ય-પુસ્તક એવા નાગરિકોનું ઘડતર કરે છે જે મુક્ત અને સ્વતંત્ર વિચારશક્તિ કેળવી શકે છે, જેમને પ્રચારતંત્ર ભોળવી શકતા નથી. અનેક લોકો જેણે જીવનમાં સિદ્ધિ મેળવી છે. તેમણે પુસ્તકોનાં વાંચનની એમના જીવન પર વિચારો પર પડેલી અસર વિશે વાત કરી છે, એટલું એ શક્તિશાળી માધ્મય છે. જયારે વાચક-પુસ્તક ખોલે છે ત્યારે અંતરંગ મિત્રની જેમ માત્ર વાચક સાથે સંવાદ કરે છે, માત્ર તમે બે જ છો. સામસામે સર્જક અને વાચક. પુસ્તક વાત માંડે છે, હજારો વર્ષ પહેલાંની કે આજની પણ એ માત્ર તમારા માટે જ છે. જેના હાથમાં પુસ્તક છે તે કદી જીવનમાં એકલો નથી. દુનિયાભરનાં સર્જકો એની સાથે છે, જયારે જે સમયે એમનો સાથ જોઇએ, પછી શેક્સપિયર હોય કે કાલિદાસ, મહાન લેખકો, વિભૂતિ સાથે નાતો પુસ્તક સિવાય કોણ જોડી
આપે!
મનુષ્યની આંતરિક કટોકટીની ક્ષણે સાહિત્ય જવાબ આપે છે, ગાંધીજીને રામનામનું રક્ષાકવચ સાંપડે છે. અસંખ્ય લોકોનો જીવનાધાર પુસ્તકો બન્યાં છે. બનતાં રહે છે. સાહિત્યની અવિરત પાલખી યાત્રા પ્રજાની ચેતના, સંવેદનશીલતા, જીવનને જુદી જુદી રીતે જોવાની દૃષ્ટિનું પરિણામ છે. કાફકા તો કહે છે આપણને એવાં પુસ્તકોની જરૂર છે જે કોઇ મોટી હોનારતની જેવી આપણી પર અસર કરે, ઊંડી વેદનામાં ડૂબાડી દે. પુસ્તક એ આપણી અંદર થીજી ગયેલા હિમસાગરને કાપનારો કુહાડો હોવું જોઇએ.
અને એટલે દુનિયાનું સૌથી શક્તિશાળી શસ્ત્ર કલમ કહેવાય છે. એટલે વાંચન પણ એક તપ છે. સર્જકોને પણ વાંચકો પાસેથી સજજતાની અપેક્ષા રહે છે.
પુસ્તક વૃક્ષનું સંતાન છે. માણસને જીવનમાં એક જ વાર વસંત આવે છે. પણ આ કલ્પવૃક્ષ સમા પુસ્તકને સદા વસંત છે, ફળો છે, ફૂલો જે મનુષ્યને નવજીવન આપે છે.
આજે પુસ્તક દિને મા સરસ્વતીને વંદન. વાચકવર્ગ
વધતો રહે એવી એક સર્જક તરીકે મારી નમ્ર પ્રાર્થના.