કહાં સે આયે બદરા…!!

આરોગ્ય એક્સપ્રેસ – મનોજ જોશી ‘મન’
તમામ ઋતુઓમાં વર્ષાઋતુ અને શરદઋતુને વધુમાં વધુ રોગકારક કહી છે
ચોમાસું રોગોનું ઘર ગણાય છે કારણ કે આ ઋતુમાં વાયુ પ્રકોપ થવાની સવિશેષ શક્યતા છે. આથી વાયુના રોગોનું પ્રમાણ ઘણું વધારે રહે છે. આ ઉપરાંત ચોમાસામાં ભેજ,વાદળાં અને વરસાદને કારણે અગ્નિ મંદ થતો હોવાથી પાચનતંત્રનાં પણ અનેક રોગો થતાં જોવામાં આવે છે. અગ્નિમાંદ્યને કારણે વર્ષાઋતુમાં ‘આમ’નું પ્રમાણ પણ વધે છે. આયુર્વેદ મતાનુસાર આ ‘આમ’ જ મોટાભાગનાં રોગોનું મૂળ છે. આમથી શરીરમાં અનેક વિકૃતિઓ ઉત્પન્ન થાય છે. ખાસ કરીને પેટના રોગો વર્ષાઋતુમાં વધુ થતા હોય છે. પાચનતંત્ર ઉપરાંત શ્ર્વસનતંત્રનાં, ઉત્સર્ગતંત્રનાં અને જ્ઞાનતંત્રના રોગો પણ વર્ષાઋતુમાં વિશેષ થાય છે. અને તે કારણે જ આયુર્વેદમાં બીજી ઋતુઓ કરતાં વર્ષાઋતુચર્યાને સવિશેષ મહત્વ અપાયું છે.
તેનાં નિયમો જ એવા બનાવ્યાં છે કે જેથી વાયુ પ્રકોપ ન થાય, મંદાગ્નિ ન થાય અને નિરામ રહી શકાય. દાખલા તરીકે વર્ષાઋતુમાં સાધુ,સંન્યાસી કે યાત્રિકોએ પાળવાનો નિયમ કે ચોમાસાનાં ચાર મહિના એક જ સ્થળે નિવાસ કરવો કે જેને ચાતુર્માસ કહેવાય છે તેની પાછળ ઊંડી સમજ છે. સાધુ તો ચાલતા ભલા એમ કહેવાયું છે કારણ કે મોહ, માયા,આસક્તિ,સંગ્રહવૃત્તિ વગેરેથી દૂર રહી શકે તે માટે તેણે એક ગામથી બીજે ગામ ચાલતાં રહીને પોતાના જ્ઞાન, અનુભવ, સદગુણ વગેરેનો લાભ લોકોને આપવાનો હોય છે પણ, વર્ષાઋતુમાં ચાલવાથી વાયુનાં ચલ ગુણની વૃધ્ધિ થાય છે અને અંતતોગત્વા વાયુનો પ્રકોપ થાય છે. તેથી સ્થિર ગુણ આપનારો ચાતુર્માસનો નિયમ વાયુના રોગોને અટકાવે છે. સ્વાસ્થ્ય, સલામતી અને સુવિધા આપે છે. તે જ પ્રમાણે શ્રાવણ મહિનાના એકટાણાનું પણ વૈજ્ઞાનિક મહત્વ છે. આખા વર્ષમાં સૌથી વધુ અને સતત વરસાદ શ્રાવણમાં પડવાનો સંભવ હોય છે. તેથી મંદાગ્નિ,આમ, અર્જીણ,અરૂચી, મરડો વગેરે રોગો થવાનો વધુ સંભવ છે. આથી એકટાણા કરવાનું કહેવાયું છે. જેથી ખોરાકના અભાવે અગ્નિ આમનું પાચન કરી નાંખે અને શરીર નિરામ રહે અને રોગપ્રતિ રક્ષણ થઈ શકે. જૈન ધર્મનાં પર્યુષણ કે એકાસણા પાછળ પણ આ જ વૈજ્ઞાનિક સમજ છે.
ચોમાસાના રોગો અષાઢ શ્રાવણ માસના ગાળામાં વિશેષ થતા હોવાથી ત્યારે વાયુના ગુણ કરતાં વિપરીત ઉષ્ણ,સ્નિગ્ધ,સ્થિર વગેરે ગુણવાળા આહાર-વિહાર સ્વસ્થ અને રોગી બન્નેએ ગોઠવવાં જોઈએ.
તે અનુસાર તલનું તેલ, લસણ,હિંગ,અજમો,રાઈ, મેથી, સરગવો,આદુ,લીંબુ સિંધવ, અડદ વગેરે ખાવાં જોઈએ. ઘઉં-ચોખા જેવા મુખ્ય ખોરાકની વાનગી વાસી કે પડતર ન ખાવી પણ ગરમ ગરમ ખાવી જોઈએ. અને સમગ્ર ભોજન સહેલાઈથી પચી શકે તેટલા ઓછા પ્રમાણમાં જ લેવું જોઈએ.
ઘરગથ્થુ ઔષધોમાં દિવેલ(એરંડીયું), સંચળ, સુંઠ, અજમો,સુવા વગેરેનો છૂટથી ઉપયોગ કરવો જોઈએ.
વાયુના રોગોનાં રોગીઓએ વૈદ્યની સૂચના મુજબ તિલતૈલ, સરસવ તેલ કે દિવેલની માલિશ કરી સૂકો કે વરાળીઓ શેક કરવો જોઈએ. તેમાં નિર્ગુન્ડી(નગોડ), એરંડ, સરગવો,આંકડો, બદામ વગેરેનાં પાનનો વરાળીયો શેક પણ ઘણો ગુણકારી નીવડે છે. આરામ, ઊંઘ અને આનંદ વગેરે પણ વાયુના દર્દી માટે ફાયદાકારક/હિતાવહ બને છે.
વર્ષાઋતુનાં રોગોમાં ઉપયોગી થાય તેવા અગણિત ઔષધો છે. પણ તેમાં ખૂબ પ્રચલિત અને પ્રાપ્ય ઔષધોની એક નાની સૂચિ નીચે આપેલી છે જેનો વૈદ્યની સલાહ મુજબ યોગ્ય રીતે ઉપયોગ કરી શકાય.
૧. અજમોદાદિ ચૂર્ણ
વાયુના કોઈપણ રોગમાં અને ખાસ કરીને આમવાત (રૂમેટોઇડ આર્થરાઈટીસ)માં.
૨. એકાંગવીર રસ
પક્ષઘાત,આંચકી, કંપવા વગેરે જેવા તીવ્ર વાયુના રોગમાં…
૩. એરંડ તેલ
કબજિયાત,સારણગાંઠ, આમવાત,સંધિવાત,પક્ષઘાત, ગુલ્મ(ગોળો)વગેરેમાં સૂંઠ સાથે અથવા મેથીના ઉકાળા સાથે…
૪. એરંડ ભ્રુષ્ટ હરીતકી.
દિવેલમાં શેકેલી હરડેનું આ ચૂર્ણ કબજિયાત,આમવાત, સારણગાંઠ,ગોળો,ઉદરશૂળ વગેરેમાં ઉપયોગી છે.
૫. નારાયણ તેલ
વાયુના મહારોગોમાં માલિશ કરવા માટે ખૂબ જ અસરકારક છે.
પક્ષઘાત,કંપવા,સંધિવાત વગેરેમાં માલિશ કરીને ઉપર શેક કરવો.
૬. નિર્ગુડી તેલ
સાયટીકા એટલે કે રાંજણમાં માલિશ અને અભ્યાન્તર ઉપયોગ માટે આ નગોડનું તેલ અકસીર છે. ઉપરાંત બધા જ વાયુના રોગોમાં માલિશ માટે વાપરી શકાય છે.
૭. પંચગુણ તેલ
કોઈપણ જાતના દુખાવામાં માલીશ કરી શેક કરવો.
૮. બિલવાદી ચૂર્ણ
મરડો,ઝાડા,આમ, ગ્રહણી પેટનો વાયુ વગેરેમાં છાસ સાથે.
૯. રાસનાદિ ક્વાથ.
રાસનાદિ ક્વાથ,મહારાસનાદિ ક્વાથ, રાસ્નાઘનવટી વગેરે ઔષધો વાયુના લગભગ તમામ રોગોમાં ઉપયોગી છે.
૧૦. લસુનાદિ વટી અથવા રસોનાદિ વટી.
ઉદરશૂળ, ગોળો,ગેસ, અર્જીણ,અરૂચી, કબજિયાત, સંધિવાત વગેરેમાં
૧૧. વાતારિ ગૂગળ.
વાયુના તમામ રોગોમાં ઉપયોગી છે. જ્યારે ઉપયોગ કરવાનો હોય ત્યારે ચાવીને કે ભૂકો કરીને ગરમ પાણી સાથે લેવો.
૧૨. સૂંઠી ચૂર્ણ
વાયુના ઝાડા, ચીકણા ઝાડા, આમવાત,મંદાગ્નિ, અર્જીણ, અરૂચી વગેરેમાં છાશ,મધ કે પાણી સાથે….
આમ, ચોમાસામાં વર્ષા ઋતુમાં પાલન કરવાનાં નિયમોનું પાલન કરી રોગોને આવતાં જ અટકાવી દેવાનાં અને કદાચ કોઈપણ કારણોસર જો રોગોનો હુમલો થાય તો ઉપરનાં ઔષધોની સહાયથી ચોમાસું સાચા અર્થમાં ઋતુ તરીકે માણી શકાશે.