મન-મસ્તિષ્કને તાજગી બક્ષતી અદ્ભુત સોડમ ધરાવતી ‘જાવંત્રી’
સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક
સ્વાસ્થ્યવર્ધક લાભ જાણી લઈએ
મિનરલ્સ તથા ફાઈબરનો ખજાનો ગણાતી ‘જાવંત્રી’ તાજગીનો ખજાનો ધરાવે છે.
જાવંત્રીને કુદરતની કમાલ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. તેનું મુખ્ય કારણ જોઈએ તો, કુદરતે માનવજાતિને વિવિધ સ્વાદ-સુગંધ-સ્વાસ્થ્યવર્ધક અનેક ગુણો ધરાવતાં ફળ-ફૂલ-મસાલા-લીલોતરી તેમ જ અનાજની માની ના શકાય તેટલી વિવિધતા ભેટ સ્વરૂપે આપી છે. બસ તેનો ઉપયોગ ક્યારે તથા કઈ રીતે કરવો તે વિશે જાણકારી હોવી આવશ્યક છે. નાની અમથી એલચી- જાયફળનો ઉપયોગ મુખ્યત્વે એક સાથે કરવાથી કોઈપણ મીઠાઈને સ્વાદિષ્ટ બનાવી શકાય છે. તેજાનાનો ઉપયોગ ભારતીય સંસ્કૃતિમાં લાંબા ગાળાથી થતો જ આવ્યો છે. પ્રભુને ધરાવવામાં આવતાં ભોગ માટે બનતી મીઠાઈમાં જાયફળ-જાવંત્રીનો ઉપયોગ અચુક કરવામાં આવતો હોય છે. જાવંત્રીનો ઉપયોગ કઈ રીતે કરી શકાય? તે માટે તેના સ્વાસ્થ્યવર્ધક ગુણો વિશે જાણવું જરૂરી છે. જાણકારી મેળવ્યા બાદ, તેનો ઉપયોગ કરવાનું મન આપ ટાળી નહીં શકો.
દૂધમાં એલચીની સાથે જાવંત્રીનો પાઉડર કે તેનો નાનો ટૂકડો ઉમેરવાથી દૂધ અત્યંત સ્વાદિષ્ટ બની જશે. દૂધ પીવાની આનાકાની કરતાં બાળકો પણ હોંશે હોંશે દૂધ પીવા લાગશે તેની ગેરેંટી. તે જ પ્રમાણે દાળ-શાકને સ્વાદિષ્ટ બનાવવા જાવંત્રીનો ચપટી ભૂકો કે જાવંત્રીને તોડીને થોડી ઉમેરી દેવી. લગ્ન પ્રસંગોમાં બનતાં સ્વાદિષ્ટ દાળ તથા શાકના સબળકા આપ ઘરે બેઠાં લેશો.
સ્વસ્થ પાચનક્રિયા
જાવંત્રીનો ઉપયોગ કરવાથી પાચનતંત્રને તંદુરસ્ત બનાવી શકાય છે. તેનું મુખ્ય કારણ તેમાં ફાઈબરની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે. સ્વાસ્થ્યવર્ધક ફાઈબરનું સેવન મેટાબોલિઝમ મજબૂત બનાવવામાં મદદ કરે છે. શરીરને જરૂરી હોય તેવા પોષક તત્ત્વો દિવસની શરૂઆત થાય ત્યારે લેવાં જોઈએ, જેથી સંપૂર્ણ દિવસ દરમિયાન પાચનક્રિયા સુગમતાથી થઈ શકે.
ગાઢ નિંદર માટે ગુણકારી
જાવંત્રીનો ઉપયોગ નિંદર ન આવતી હોય તેના માટે અત્યંત લાભદાયક ગણાય છે. તેનું મુખ્ય કારણ છે જાવંત્રીમાં ઍન્ટિ-ઓક્સિડન્ટ તથા મેગ્નેશિયમનું પ્રમાણ સમાયેલું છે, જે ન્યૂરોટ્રાન્સમીટર રિલીઝ કરવામાં મદદ કરે છે, જેને કારણે નસોને આરામ મળે છે. જે ગાઢ નિંદર લાવવામાં મદદ કરે છે. નિંદર ન આવતી હોય તેવી વ્યક્તિએ રાત્રે સૂતા પહેલાં જાવંત્રી ભેળવીને ઉકાળેલું દૂધ એક મહિના સુધી પીવું જોઈએ, જે મગજને શાંત બનાવી ગાઢ ઊંઘ લાવવામાં મદદ કરશે.
ચમકદાર ત્વચા
જાવંત્રીનો ઉપયોગ ત્વચાને ચમકદાર કરવા માટે નિષ્ણાત આયુર્વેદાચાર્યો લાંબા સમયથી કરતાં આવ્યા છે. જાવંત્રીમાં ઍન્ટિ-ઓક્સિડન્ટની માત્રા ભરપૂર હોવાથી ફ્રિ-રેડિકલ્સને ઘટાડવામાં મદદ મળે છે. ઍન્ટિ-આોક્સિડન્ટ ફ્રી રેડિકલ્સની સાથે ભળી જાય છે. વળી સ્વાસ્થ્યપ્રદ સેલને સાથે મળતાં રોકે છે, જેને કારણે ત્વચાની ચમક જળવાઈ રહે છે.
ઓક્સિજન લેવલ નોર્મલ રાખવામાં ગુણકારી
તંદુરસ્ત જીવન માટે સૌ પ્રથમ ઓક્સિજનની પૂરતી માત્રા શરીરના પ્રત્યેક અવયવને મળી રહે તે જરૂરી છે. જાવંત્રીમાં આયર્ન (લોહતત્ત્વ)ની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે, જે શરીર માટે અત્યંત આવશ્યક મિનરલ ગણાય છે. આયર્ન હિમોગ્લોબીન બનાવવામાં મદદ કરે છે, તેની ગણના શરીરમાં ઑક્સિજન લઈ જતાં સેલમાં થાય છે. જાવંત્રીનોે ઉપયોગ પ્રમાણભાન રાખીને નિયમિત કરવાથી શરીરમાં ઑક્સિજનની માત્રા જાળવવામાં મદદ મળે છે, જે શરીરના પ્રત્યેક અંગને સુચારૂ રીતે કામ કરવામાં મદદ કરે છે.
બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં લાભકારક
એવું કહેવાય છે કે જાવંત્રીનો ઉપયોગ કરવાથી બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખી શકાય છે. જાવંત્રીમાં આયર્ન તથા મેગ્નેશિયમ સમાયેલું જોવા મળે છે, જે મીઠાની અસરને સામાન્ય બનાવી રાખવામાં મદદ કરે છે. લોહીમાં વધુ પ્રમાણમાં મીઠાની માત્રા વધી જાય તો લોહી પરિવહન કરતી નસો સંકોચાઈ જતી હોય છે. ધીમે ધીમે બ્લડ પ્રેશર વધવા લાગે છે. જાવંત્રીનું સેવન કરવું આરોગ્યની દૃષ્ટિએ લાભદાયક ગણાય છે.
હાડકાં મજબૂત બનાવે છે
જાવંત્રીમાં આયર્નની સાથે કૅલ્શ્યિમનું પ્રમાણ ભરપૂર સમાયેલું જોવા મળે છે. હાડકાંને મજબૂત બનાવવામાં કૅલ્શ્યિમની મુખ્ય ભૂમિકા જોવા મળે છે. જાવંત્રીનો ઉપયોગ કરવાથી હાડકાં-દાંતની મજબૂતાઈ જળવાઈ રહે છે. ‘ચેતતો નર સદા સુખી.’ જો વય વધવાની સાથે મજબૂત હાડકાં બની રહે તેવી ઈચ્છા હોય તો જાવંત્રીનો ઉપયોગ આહારમાં યુવાવસ્થાથી કરવો આવશ્યક ગણાય છે.
લિવરની તંદુરસ્તી જાળવવામાં મદદરૂપ
જાયફળમાં જોવા મળતાં કમ્પાઉન્ડનું નામ છે મૈરિમસલિગનન. લિવરમાં થતાં કોઈપણ પ્રકારનાં નુકસાનમાં રાહત આપવાનું કામ કરે છે. લિવરમાં ફ્રી-રેડિકલને કારણે સોજો આવી શકે છે. આવા સંજોગોમાં જાવંત્રીનો ઉપયોગ લાભકારક ગણાય છે.
જાવંત્રીનો ઉપયોગ કઈ રીતે કરવો
જાવંત્રીનો પાઉડર બનાવીને મીઠાઈ-ફરસાણ, દાળ-શાકમાં કરી શકાય છે. દૂધમાં જાવંત્રીનો ઉપયોગ સરળતાથી કરી શકાય છે. ઘરે ગરમ મસાલો બનાવવો હોય તો અન્ય મસાલાની સાથે જાવંત્રીનો ઉપયોગ અચૂક કરવો જોઈએ. જાવંત્રીનો ઉપયોગ મીઠાઈ પુડિંગ, મફિન, કૅક, બ્રેડ વગેરેમાં કરી શકાય છે. વિવિધ પ્રકારના લાડુ બનાવતી વખતે જાવંત્રીનો ઉપયોગ કરી શકાય છે. ચા બનાવીને પીવી હોય કે ગરમાગરમ દૂધમાં સાકરની સાથે જાવંત્રીના પાઉડરનો ઉપયોગ સરળતાથી કરી શકાય છે. પુલાવ, બિરીયાની કે કોફ્તાને સ્વાદિષ્ટ બનાવવા જાવંત્રીનો ઉપયોગ કરવો જ જોઈએ. જાવંત્રી ઈન્ડોએશિયાઈ સ્પાઈસ દ્ધીપ સમૂહની મૂળ નિવાસી કહેવાય છે. જાયફળનું વૃક્ષ બે અત્યંત ઉપયોગી મસાલાની ભેટ આપણને આપે છે. જાયફળ બીજથી મળે છે. તે બીજની ઉપરનું પડ એટલે જાવંત્રી. જે લાલ રંગનું જાયફળના ફળને સુરક્ષા બક્ષતું કવચ ગણાય છે. જાવંત્રીને વૃક્ષ ઉપરથી ઉતારી લીધા બાદ તેને હળવે હાથે જાયફળની ઉપરથી અલગ કરવામાં આવે છે. તેનો સ્વાદ તથા સુગંધ જળવાઈ રહે તે માટે જાવંત્રીની સૂકવણી કરવામાં આવતી હોય છે. જાવંત્રી કુદરતની ભેટ ગણાય છે. ભોજન કે પકવાન પકાવવાની સાથે એક અત્યંત તીખી-મીઠી સુગંધ આવે છે, જેને કારણે જાવંત્રી લોકપ્રિય મસાલામાં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે. તેલ વિટામિન્સ તથા ખનીજની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે.
ઍન્ટિ ફંગલ
જાવંત્રીના ગુણો ઍન્ટિ-બૈક્ટેરિયલ હોવાની સાથે ઍન્ટિ-ફંગલ પણ જોવા મળે છે. તેથી જ તેને સ્વાસ્થ્યવર્ધક મસાલો કે તેજાના તરીકે ઓળખ મળી છે. રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે ત્વચાને ફંગલ ઈન્ફેક્શનથી બચાવવામાં જાવંત્રી ઉપયોગી બને છે. અનેક લોકોને સતત શરીરમાં નબળાઈ વર્તાતી હોય છે. થોડું કામ કરવાથી થાક લાગી જતો હોય છે. તાવ આવી જવો કે શરદી-ખાંસીની તકલીફ લાંબો સમય પરેસાન કરતી હોય છે. જે વ્યક્તિ જાવંત્રીનો ઉપયોગ રોજબરોજના જીવનમાં વિવિધ રીતે કરવાની ટેવ પાડે તો શરીર અંદરથી તંદુરસ્ત બને છે. સ્વસ્થ રહે છે.
કેસરી ગાજર-ટમેટાનો સૂપ
સામગ્રી : ૪ નંગ કેસરી ગાજર, ૨ નંગ ટમેટા, ૨ નાની ચમચી મરી પાઉડર, ૧ નાની ચમચી જાવંત્રીનો પાઉડર, સ્વાદાનુસાર મીઠું, ૧ ચમચી માખણ, ૧ ચમચી લીંબૂનો રસ, સજાવટ માટે કોથમીર.
બનાવવાની રીત
સૌ પ્રથમ કેસરી ગાજર-ટમેટાને બે ગ્લાસ પાણીમાં નાના ટૂકડાં કરીને બાફી લેવાં. ઠંડા પડે એટલે મિક્સરમાં બરાબર ક્રશ કરી લેવું. હવે એક કડાઈમાં સૂપ કાઢી લેવો. તેમાં સ્વાદાનુસાર મીઠું, મરી પાઉડર, જાવંત્રીનો પાઉડર ભેળવીને ઉકાળી લેવું. ગરમાગરમ સૂપમાં ૧ ચમચી માખણ ભેળવવું. સૂપને બાઉલમાં કાઢી લીધા બાદ લીંબુનો રસ ભેળવવો. કોથમીરથી સજાવીને સ્વાદિષ્ટ સૂપનો આનંદ કોઈપણ મોસમમાં માણી શકાય છે.