તરોતાઝા

ડાયાબિટીસ તથા કબજિયાતની તકલીફનો રામબાણ ઉપાય છે ‘જામફળ’

જામફળના સ્વોાસ્થ્યવર્ધક લાભ જાણી લઈએ

સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક

શિયાળાની શરૂઆત થાય તેની સાથે જામફળની આવક શરૂ થાય. ફળ વેચતાં ફેરિયાની પાસે બે પ્રકારના જામફળ ઊડીને આંખે વળગે તે રીતે સજાવેલાં જોવા મળે. કોઈની પાસે નાના જામફળ હોય જેનો રંગ ઉપરથી લીલો પરંતુ અંદરથી કાપીને જુઓ તો લાલ કે આછો ગુલાબી જોવા મળે. બીજા લીલા કે આછા પીળા રંગના પાકેલાં જામફળ કાપીને ખાવ તો મીઠાશથી ભરપૂર જોવા મળે. ‘જામફળ’ ફળ જ એવું છે કે જો તેને કાપીને સંચળ-લાલ મરચું ભભરાવીને ખાવા બેસો તો એકની જગ્યાએ બે-ત્રણ તો આરામથી ખવાઈ જાય. જામફળ વિષે એવું કહેવાય છે કે અનેક રોગથી બચવામાં ઉપયોગી ફળ છે. તેનું મુખ્ય કારણ તેમાં પ્રોટીન, વિટામિન તથા ફાઈબરની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે. જે તંદુરસ્ત શરીર માટે આવશ્યક ગણાય છે. ડાયાબિટીસ તથા કબજિયાતની તકલીફનો રામબાણ ઉપાય ગણાય છે ‘જામફળ.’ વળી ચમકદાર ત્વચા તથા વાળનો જથ્થો વધારવામાં ગુણકારી ગણાય છે. ‘ગરીબોનું સફરજન’ તરીકે જામફળ પોતાની આગવી ઓળખ ધરાવે છે.

જામફળની ખેતી પરંપરાગત રીતે કરીએ તો ખેડૂત કમાણી કરી જ લેતાં હોય છે. હાલમાં તો જામફળની ખેતીમાં વિવિધતા જોવા મળે છે. જેમાં જમ્બો જામફળ, કાળા જામફળ તથા જાપાની જામફળની ખેતી ભારતમાં મોટા પ્રમાણમાં થવા લાગી છે. જાપાની જામફળની ખેતી મધ્ય પ્રદેશના ધારમાં થતી જોવા મળે છે. જાપાની જામફળનો અંદરથી રંગ તરબૂચ જેવો લાલ હોય છે. જેમાં બીની સંખ્યા નહીવત્ હોય છે. ધારમાં ખેતી કરતાં ખેડૂતનું કહેવું છે કે ૧ વર્ષ પહેલાં ૨૦ એકર જમીનમાં જાપાની જામફળનાં છોડ લગાવ્યાં હતાં. એક વર્ષ બાદ તેમને ૨૦ લાખની આવક મળી હતી. વળી જાપાની જામફળની ખાસ વાત એ છે કે તેના છોડની ઊંચાઈ દોઢથી બે ફૂટની જોવા મળે છે. બે વર્ષમાં છોડની ઊંચાઈ વધીને ૬થી ૭ ફૂટ જેટલી થાય છે. બે વર્ષ બાદ છોડ જામફળથી ભરાઈ જતાં હોય છે. ફ્રૂટની પલ્પ ઈન્ડસ્ટ્રીમાં જાપાની જામફળની બહુ જ મોટી ઘરાકી જોવા મળે છે. તેનો કિલોનો ભાવ ૧૦૦થી ૧૫૦ રૂપિયાની આસપાસ જોવા મળે છે. જ્યારે દેશી જામફળનો ભાવ ૫૦-૬૦ રૂપિયે કિલોનો જોવા મળે છે.

જામફળની ખેતીમાં ઉત્તર પ્રદેશ ૨૧.૭૮ ટકા સાથે પ્રથમ ક્રમાંક ધરાવે છે. ત્યારબાદ મધ્ય પ્રદેશ ૧૭.૨૦ ટકા ઉત્પાદન સાથે બીજા ક્રમાંકે આવે છે. ૯.૬૨ ટકા ઉત્પાદન સાથે બિહાર ત્રીજા ક્રમાંકે આવે છે. ૭.૪૨ ટકા ઉત્પાદન સાથે આંધ્રપ્રદેશ ચોથા ક્રમાંકે આવે છે. પાંચમા ક્રમાંકે ૬ ટકા ઉત્પાદન સાથે હરિયાણા આવે છે. છઠ્ઠા ક્રમાંકે ૪.૫૧ ટકા ઉત્પાદન સાથે બંગાળ તથા આઠમાં ક્રમાંકે ૪.૧૪ ટકા ઉત્પાદન સાથે છત્તીસગઢ આવે છે. ૩.૮૮ ટકા ઉત્પાદન ગુજરાતમાં થાય છે. જામફળની ખરીદી કરતી વખતે તે વધુ પડતાં પાકેલાં ન હોય તેની ચકાસણી કરી લેવી. આજકાલ જામફળમાં પણ ઈયળ જોવા મળે છે. તેથી તેને કાપીને ચકાસ્યા બાદ ખાવું. રાત્રિના જામફળનું સેવન કરવું ટાળવું. વહેલી સવારે, બપોરના કે સાંજના સમયે સંચળ-લાલ મરચું ભભરાવીને ખાવાથી કબજિયાતની તકલીફથી બચી શકાય છે. એકલાં જામફળનું શાક, મેથીની ભાજી તથા જામફળનું શાક, ઊંધિયામાં જામફળ ભેળવીને ખાવામાં આવે છે. જામફળનું રાઈતું, જામફળનું શરબત સ્વાદિષ્ટ લાગે છે. જામફળનો જામ, જામફળનો મુરબ્બો, જામફળની ચટણી, જામફળનો આઈસક્રીમ બનાવી શકાય છે.

કબજિયાતમાં લાભદાયક
જામફળમાં ફાઈબરની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે. જેથી કબજિયાતની તકલીફ ધરાવતી વ્યક્તિ જો જામફળનો આહારમાં સમાવેશ કરે તો તેને પાચન સંબંધિત તકલીફમાંથી છુટકારો મળે છે.

લોહીના ઊંચા દબાણની તકલીફમાં લાભદાયક
જામફળમાં પોટેશિમ તથા ફાઈબરની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે. જેનો ઉપયોગ લોહીનું ઊંચું દબાણ હોય તેવી વ્યક્તિને કાબૂમાં લેવામાં સહાય કરે છે. હાઈ બ્લડ પ્રેશર હોય તેમણે જામફળનું સેવન એકલું જ કરવું. તેની ઉપર મસાલો ભભરાવવાનો ટાળવો.

થાઈરોઈડની તકલીફમાં ગુણકારી
જામફળમાં કૉપરનું પ્રમાણ સારા પ્રમાણમાં સમાયેલું હોય છે. જે થાઈરોઈડને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. થાઈરોઈડની સમસ્યા ધરાવતી વ્યક્તિને નિષ્ણાત આયુર્વેદાચાર્ય પણ જામફળનું સેવન કરવાની સલાહ આપતાં હોય છે.

યાદશક્તિ વધારવામાં લાભદાયક
જામફળમાં વિટામિન બી-૩, વિટામિન બી-૬નું પ્રમાણ સમાયેલું જોવા મળે છે. જે વ્યક્તિની યાદશક્તિને વધારવામાં ટૂંકમાં કહીએ તો મગજના વિકાસમાં મદદ કરે છે. નિયમિત જામફળનું સેવન કરતી વ્યક્તિની યાદશક્તિ સતેજ બની શકે છે. મગજ સ્વસ્થ બને છે.

વજન ઘટાડવામાં મદદરૂપ
જામફળમાં પ્રોટીન, ડાયેટરી ફાઈબર, ઝિંક, પોટેશિયમ કૅલ્શિયમ જેવા પોષક ગુણો સમાયેલાં જોવા મળે છે. જામફળના સેવન બાદ પેટ લાંબા સમય સુધી ભરાયેલું રહે છે. વારંવાર ભૂખ લાગી જવાની સમસ્યાથી બચી શકાય છે. જે લાંબે ગાળે વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.

રોગપ્રતિરોધકશક્તિ મજબૂત કરે છે
જામફળમાં વિટામિન- સીના ગુણો સમાયેલાં જોવા મળે છે. જે શરીરને વિવિધ રોગથી લડવામાં મદદ કરે છે. નારંગી કરતાં પણ જામફળમાં વધુ માત્રામાં વિટામિન-સીનું પ્રમાણ સમાયેલું જોવા મળે છે. જેના સેવનથી ખાંસી-તાવ જેવી નાની મોટી બીમારીથી બચી શકાય છે.

દાંતને મજબૂત બનાવવામાં ગુણકારી
દાંત તથા પેઢાંને મજબૂત બનાવવા હોય તો જામફળનું સેવન ગુણકારી ગણાય છે. મોંમા છાલા કે ચાંદા પડી ગયા હોય તેઓ જામફળના પાન ચાવી જાય તો રાહત મળે છે.

માસિકધર્મમાં થતાં દર્દમાં લાભદાયક
માસિકધર્મ કે પિરિયડ્સ વખતે પેટમાં દુખાવો, માથાનો દુખાવો, સ્વભાવ ચિડીયો બની જવો જેવી વિવિધ તકલીફ મહિલામાં જોવા મળે છે. એક અધ્યયન દ્વારા જાણવા મળ્યું હતું કે જામફળના સેવન બાદ પિરિયડ્સની તકલીફમાં રાહત થતી જોવા મળી હતી. પ્રત્યેક વ્યક્તિની જીવનશૈલી અલગ-અલગ જોવા મળે છે. તેથી દુખાવા માટે નિષ્ણાત તજજ્ઞની સલાહ લેવી વધુ યોગ્ય ગણાય.

આંખોની તંદુરસ્તી માટે લાભકારક
સતત વિવિધ પ્રકારના સ્ક્રિનની સામે જોતાં રહેવાથી આંખો ઉપર દબાણ વધતું જાય છે. તો વળી પોષ્ટિક આહારની ઊણપ પણ આંખોની તંદુરસ્તીને નુકસાન પહોંચાડે છે. આંખોની તંદુરસ્તી જળવાઈ રહે તે માટે જામફળનો આહારમાં સમાવેશ મોસમ પ્રમાણે કરવો હિતાવહ ગણાય છે. તેનું મુખ્ય કારણ છે જામફળમાં વિટામિન એ, વિટામિન સી, ફૉલેટની માત્રા ભરપૂર પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે. વળી ઝિંક તથા કૉપર જેવાં તત્ત્વો સમાયેલાં છે. જે આંખોની તંદુરસ્તી માટે લાભદાયક ગણાય છે. વળી વય વધવાની સાથે થતી આંખોની તકલીફમાં જામફળનું સેવન
ગુણકારી ગણાય છે.

સામગ્રી : ૪ નંગ પાકા લાલ જામફળનો માવો, ૧ કપ દળેલી ખાંડ,૧ ગ્લાસ પાણી, સ્વાદાનુસાર ચાટ મસાલો, સ્વાદાનુસાર સંચળ પાઉડર, ૩-૪ બરફના ટુકડાં.
બનાવવાની રીત : સૌ પ્રથમ પાકા લાલ જામફળને વહેતાં પાણીમાં સાફ કરી લેવાં. ત્યારબાદ એક સરખાં ટુકડાં કરી લેવાં. તેને મિક્સરમાં જરૂર મુજબ પાણી ઉમેરી વાટી લેવું. હવે તેમાં દળેલી ખાંડ, બરફનાં ટુકડાં, ચાટ મસાલો, સંચળ પાઉડર વગેરે ભેળવીને મિક્સરમાં એકરસ કરી લેવું. હવે ગ્લાસમાં કાઢીને સર્વ કરવું. તેનો સ્વાદ વધારવા તેમાં ફૂદીનાના પાન, તકમરિયા કે લીંબુનો રસ ભેળવી શકાય છે. લાલ જામફળનું શરબત તાજું પીવાની મજા કાંઈક અલગ જ હોય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button