જમન -પ્રકરણ: 4
‘અરે.. રોગ ભેદી નથી, આ માણહ જ ભેદી સે, નવરો પડે એટલે શંકરની ડેરીએ બેહે અને કાં મહાણમાં જઇને બેહે સે., ઇને જ કાઢો ગામમાંથી’

અનિલ રાવલ
‘ડાક્ટર, તમને ગાયોના મોતનું કોઇ કારણ કેમ નથી મળતું?’ સરપંચે નગરશેઠને ઘરે બોલાવેલી મીટિંગમાં પૂછ્યું. ‘કોઇ જાણીતો રોગ હોય તો પકડાયને’ ઘોડા ડાક્ટરે જવાબ આપ્યો. ‘એટલે તમને આ કોઇ ભેદી રોગ લાગે છે.?’ હરજીવન અદા બોલ્યા. ‘છે તો કોઇ ભેદી રોગ’ ઘોડા ડાક્ટરે કહ્યું. ‘ડાક્ટર સાહેબ, જો આ કોઇ ભેદી કે રહસ્યમય રોગ હોય તો બીજા પશુઓને કેમ નથી થતો..? મરે છે માત્ર ગાયો જ.’ હરજીવન અદાએ કહ્યું. ઘોડા ડાક્ટર આ વાત પહેલા દિવસથી સમજી ગયા હતા. છતાં ચૂપ હતા. આજે હરજીવન અદાએ વાત છેડી એટલે બોલ્યા: ‘મને એજ નથી સમજાતું કે બીજા કોઇ ઢોર નહીં ને ગાયો જ કેમ મરે છે.?’
‘કોઇ ભેદીબેદી રોગ નથી…આ વરગાડ સે. કોઇ ભૂવાને બોલાવો ને ગાયોને ભરખી જાતા ભૂતને ભગાડો.’ એક મોભી વચ્ચે જ ટપકી પડ્યા. ‘મને તો આ આપણી હામે બેઠો સેને ઇની ઉપર જ સંકા સે. એની આંખો ઝોઇ સે તમે.? કાયમ લાલ જ હોય…એટલે ચશ્માં ચડાવીને ફરે સે. મેલી નજરવાળો કાળમુખો આ જ સે.’ પંચાયતના અન્ય એક મોભી દલપતભાઇએ જમનની સામે જોઇને નવી જ વાત કરી. ‘અરે.. રોગ ભેદી નથી, આ માણહ જ ભેદી સે, નવરો પડે એટલે શંકરની ડેરી એ બેહે અને કાં મહાણમાં જઇને બેહે સે., ઇને જ કાઢો ગામમાંથી’ બીજો એક મોભી જમન પર તૂટી પડ્યો. ‘જુઓ, ભૂતપ્રેત, પિશાચ, વરગાડ, મેલી નજર કે મેલી વિદ્યા જેવું કંઇ હોતું નથી. આ બધા મનના વહેમ છે.’ ઘોડા ડાક્ટરે કહ્યું. એમની વાત સાંભળીને હરજીવન અદા તરત બોલ્યા’અને હા વડીલ, જમન ગામમાંથી નહીં જાય. બાકી વાત રહી ગાયોના મોતની..તો ગાયોના મોતનું કારણ આપણે ગોતવું જ રહ્યું.’ જમન બધાની સામે જોઇને ફડફડતા હોઠની ભાષા ઉકેલવાની કોશિશ કરતો હતો.
ગામ સામે આવી પડેલા આ વિકટ પ્રશ્નનો ઉકેલ સૌ પોતપોતાની રીતે કરવા લાગ્યા હતા. કોઇએ પોતાની ગાયની નજર ઉતારી, કોઇએ ભૂવાને તેડાવીને ડાકલાં વગડાવ્યાં, કોઇએ હોમહવન કરાવ્યા, કોઇએ ગાયને ગળે લીંબુમરચાં બાંધ્યા. કેટલાંક શાણા લોકો ગાયને ચારો નાખતા પહેલા ચારાને ય ચકાસવા લાગ્યા. હવાડો સાફ કરાવ્યો, જાતે જ ગાય ચરાવા લાગ્યા, પણ ગાયની માથે ભમતા મોતને કોઇ ભગાડી શક્યું નહીં.
હરજીવન અદાના ઘરેથી નીકળીને જમન સીધો શંકરની ડેરીએ ગયો. શંકરની ડેરી સુધીની એની ચાલમાં ગુસ્સો હતો. કદાચ પેલા વડીલના ફફડેલા હોઠની ભાષા એણે ઉકેલી લીધી હતી. શંકરની ડેરી, મહાણ, ઇને કાઢો ગામમાંથી બરાડીને પોતાના તરફ ચીંધેલી આંગળી….આ બધું એની નજર સામેથી પસાર થઇ રહ્યું હતું. રસ્તામાં ઝાડ પરથી ઉતારી લાવેલાં કરેણનાં તાજાં ફૂલ શિવલિંગ પર ચડાવતા પહેલાં તાંબાનો લોટો ભરીને જળાભિષેક કર્યો. પછી ઝભ્ભો ઉતારીને કપાળે, છાતી પર અને ભૂજાઓ પર ભભૂત ચોપડી. આંખો મીચીને કંઇક બબડવા લાગ્યો. કદાચ શિવસ્તોત્ર હતું, પણ એ તો સાવ મૂંગો-બહેરો હતો. આ ન સમજાય એવું તો એ શું બબડી રહ્યો હતો. મોટેથી બરાડી બરાડીને એની આંખો લાલ થઇ ગઇ. હાથમાં તાંબાનો લોટો અને ઠીકરું લઇને વગાડવા લાગ્યો. પછી અચાનક એક પગે ઊભો થઇને તાંડવ કરવા લાગ્યો. એની આંખોમાં લાલાશ ઊતરી આવી. ખભા સુધીના એના વાળ વિખરાઇને ધૂણવા લાગ્યા. આખું શરીર પરસેવે રેબઝેબ થઇ ગયું અને ચોપડેલી ભભૂત ભૂંસાવા લાગી. કૂવે પાણી ભરવા આવેલી બાઇઓ જમનનું આવું રૂપ જોઇને ગભરાઇ ગઇ. બે પગે હરખું હાલી નૈ શકતા જમનિયામાં આટલી શક્તિ ક્યાંથી આવી ગઇ. કુતૂહલ ખાતર ભેગા થયેલા છોકરાઓ દૂરથી જમનનું શિવતાંડવ માણવા લાગ્યા. જમનના પગ અચાનક અટકી ગયા. એ ક્યાંય સુધી શિવલિંગને બાથ ભરીને બેસી રહ્યો. પછી કૂવે જઇને સિંચણિયું બાંધેલી ડોલ કૂવામાં ઉતારી ગરગડીના ગરગરાટ સાથે પાણીમાં ઊતરેલી ડોલનો છપાક અવાજ આવ્યો…જમને પાણી ભરેલી ડોલનું વજન અનુભવ્યું ને પૂરી તાકાતથી સીંચીને પાણી ભરેલી આખી ડોલ પોતાના શરીર પર રેડી દીધી. એનું પાણી નિતરતું શરીર અને થાકેલા પગ લાકડીને ટેકે ઘર તરફ ઘસડાવા લાગ્યા. ગામમાં ગાયોના મરવાનું ભૂત ધૂણી રહ્યું હતું ત્યાં જમનનું આ રૌદ્ર સ્વરૂપ પેલા વડીલે એના માટે કહેલા શબ્દો પર મહોર લગાવી ગયા.
***
જમનના ધૂણવાની અને બેહૂદા વર્તનની વાત આખાય ગામમાં વાયરાની જેમ વહેતી થઇ ગઇ. ગામમાં જેટલા મોઢા એટલી વાતો જમન માટે થવા લાગી. ‘જમન ભેદી માણહ સે. મસાણે જઇને બેહે એ કોઇથી બીવે નૈ..ઇનાથી બધાયે બીવું પડે. ઇ મહાણિયો મહાણે જઇને કોણ જાણે હુંય કાળી કાંડી કરતો હઇસે અમાસની કાળી રાયતે કાળું કૂતરું ય મહાણે નો જાય તંયે આ કાળમુખો ન્યાં જઇને બેહે.. શેરીના કૂતરા કોઇની હામે ભહતા નથી, પણ ઇને જુએ એટલે ભહે જ…બાકી કૂતરા બઉ હમજુ જાત…કારણ વિના નો ભહે. મને તો પેલેથી જ ઇ ગમતો નથ. ઇને ગાય ચરાવવા આપવાની વાત તો બાજુએ રહી હું તો મારી ગાયને એની હામે ય નો આવવા દઉં. ઇ કાંઇક તો કરે જ સે…એટલે જ ગાય જીવતી રેતી નથ આજે જે જોયું એ તો હદ હતી. કેવો ધૂણતો’તો શંકરની ડેરી હામે. હું તો ઇને હવે લોટ…. સીધુસામાન કાંઇ કરતા કાંઇ આપવાની નથી. ગામના બધાય ઘર જો આવું નક્કી કરે તો ઇવડો ઇ એની મેળે ગામ સોડીને જાતો રેસે.
જમનને એક વાતનું સુખ હતું કે એણે કોઇના કડવા વેણ સાંભળવા પડતા નહીં, પણ એક વાતનું દુ:ખ હતું કે ગામવાળાઓના રોષનો ભોગ બનવું પડતું હતું. ગામવાળાઓનો તિરસ્કાર વધવા લાગ્યો. જે આંખોમાં અમી ઝરતી એ આંખો એની સામે લાલ થવા લાગી હતી. દયાભાવની જગ્યા ક્રોધે લઇ લીધી. શેરીના છોકરાઓ હુરિયો બોલાવતા. એ મોટા ભાગે ખાટલામાં પડી રહેતો. મન બહેલાવવા વાંસળી વગાડતો. એ સૂર જે એ સાંભળી શકતો નહીં, એજ એના સાચા સાથી હતા. આ એજ વાંસળી હતી જેના સૂર સાંભળીને ગાયો ઝુમી ઊઠતી, ટંકે સેરેક દૂધ વધુ આપતી. વગડાનાં વૃક્ષો ડોલતાં.
એક રાતે અરજણ ઘરે આવ્યો. હાથમાંનું ટિફિન બતાવતા સાંકેતિક ભાષામાં બોલ્યો: ‘હાલ ઊઠ, જમી લે. મારી માએ મોયક્લું છે.’ જમનની આંખમાંથી ગંગા-જમના વહી રહ્યા. જમન જમ્યો ત્યાં સુધી અરજણ એની પાસે બેઠો. જતા જતા કહ્યું: ‘કાલે સવારે નગરશેઠે તને ઘરે બોલાયવો છે. પહોંચી જાજે.’ ગામમાં નગરશેઠનું વજન સરપંચ કરતાય વધુ હતું. એનો શબ્દ કોઇ ઉથાપતું નહીં. નગરશેઠે શું કામ બોલાવ્યો હશે. મનના આવા ભાર સાથે એની આંખ ક્યારે લાગી ગઇ એને ખબર પડી નહીં. (ક્રમશ:)