માનવ માટે અમૃત સમા ગણાય છે બરી

સ્વાસ્થ્ય સુધા -શ્રીલેખા યાજ્ઞિક
તંદુરસ્ત માનવ જીવન ઈશ્ર્વરનું વરદાન ગણાય છે. શરીરની નિયમિત કાળજી કરવી પ્રત્યેક વ્યક્તિના વિચારો ઉપર નિર્ભર કરે છે. હાલમાં અનેક વ્યક્તિ સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ જોવા મળે છે. તેઓ આરોગ્ય સદાબહાર જળવાઈ રહે તે માટે ભારતીય પ્રાચીન ભોજન વ્યવસ્થાને અપનાવવા લાગ્યા છે. ભારતની વિસરાઈ ગયેલી કે ફક્ત ગામડાંમાં ખવાતી મીઠાઈને શહેરીજનો ઉત્સાહપૂર્વક અપનાવવા લાગ્યા છે. જેમાં ‘બરી’નો સમાવેશ થાય છે. એક સમય હતો કે જ્યારે બરી ખાવાની ઈચ્છા થાય ત્યારે દાદી-નાની ઘરે દૂધ પહોંચાડતા દૂધવાળા ભૈયાજીને અગાઉથી કહેતાં. ‘બરી’, ‘ખરવસ’ કે ખીસ’ તરીકે જાણીતી આ મીઠી વાનગીથી શહેરી યુવાવર્ગ કદાચ અપરિચિત હોઈ શકે. ચાલો, તો આજે જાણી લઈએ નાના-મોટા બધા જ માટે
વરદાન સમાન ગણાતી બરીના સ્વાસ્થ્યવર્ધક ગુણો વિશે :
જેમ બાળકના જન્મ બાદ માતાનું પ્રથમ દૂધ બાળકના સંપૂર્ણ વિકાસ માટે અત્યંત ગુણકારી ગણાય છે . ગાય-ભેંસના વિયાવ્યા બાદ વાંછરડાનો જન્મ થાય છે. ત્યારબાદ જે પ્રથમ દૂધ ગાય-ભેંસના આંચળમાં બને છે, તે અત્યંત ફાયદાકારક હોય છે. તેનું મુખ્ય કારણ છે પ્રથમ દૂધમાં ઍન્ટિ-ઓક્સિડન્ટ તથા ઍન્ટિ બૉડીનું પ્રમાણ વધુ હોય છે. જે બૅક્ટેરિયા તથા વાયરલ સંક્રમણથી બચાવે છે. પાચનતંત્રને મજબૂત બનાવવા માટે ગુણકારી ગણાય છે. આ દૂધને અંગ્રેજીમાં ‘કૉલોસ્ટ્રોમ મિલ્ક’ કહેવામાં આવે છે.
આપણે બધા જ જાણીએ છીએ કે ગાયનું દૂધ સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી ગણાય છે. બરી કે ખીસ તરીકે ગાયની પ્રસૂતિ બાદ જે પ્રથમ દૂધ બને છે, તે વિશેષ ગુણકારી ગણાય છે. તેનું મુખ્ય કારણ આ દૂધમાં પ્રોટીન, મૈગ્નેશ્યિમ, વિટામિન તથા ખનીજ સમાયેલું છે. વળી તેમાં લેક્ટોફેરિન હોય છે, જે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અત્યંત ઉપયોગી બને છે. બરીનો આહારમાં ઉપયોગ નાના બાળકો માટે અત્યંત લાભદાયક ગણાય છે.
બરીના સ્વાસ્થ્યવર્ધક લાભ :
અતિસારની તકલીફમાં લાભદાયક : બરીને પાચનતંત્ર માટે અત્યંત લાભકારી ગણવામાં આવે છે. પેટને લગતી સમસ્યાથી બચાવે છે. વારંવાર અતિસારની તકલીફ રહ્યા કરતી હોય તેમને માટે બરીનો આહારમાં સમાવેશ અત્યંત ફાયદાકારક બને છે. કેમ કે આ દૂધમાં ઍન્ટિબોડી તથા પ્રોટીન પ્રચુર માત્રામાં સમાયેલું હોય છે. જે ઝાડાની સમસ્યાને કાયમ માટે દૂર કરવામાં મદદ
કરે છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે લાભકારી :
બરી બનાવવા માટે વપરાતા દૂધમાં સામાન્ય રીતે ગોળ કે ખાંડનો ઉપયોગ ગળપણ તરીકે કરવામાં આવે છે. ગળપણનો ઉપયોગ કર્યા વગર તૈયાર કરવામાં આવતી બરી સ્વાદમાં રૂચિકર લાગે છે. ડાયાબિટીસના દર્દીઓ તે મજાથી ખાઈ શકે છે. બરીના સેવન બાદ શરીરમાં ઈન્સ્યૂલિનનું સ્તર નિયંત્રીત કરવામાં મદદ મળે છે. બરી માટેના સ્પેશ્યલ ગાય કે ભેંસના દૂધને ‘બોવાઈન કોલોસ્ટ્રોમ’ કહેવામાં આવે છે. તેમાં કેટલાંક માઈક્રોન્યૂટ્રિઅન્ટસ્ રહેલાં છે. જે શરીરને શરદી, તાવ કે ચેપી જીવાણુંથી ફેલાંતા રોગથી બચાવે છે. આ દૂધનો રંગ આછો પીળો હોય છે. ભાવની વાત કરીએ તો લગભગ 250 રૂપિયે પ્રતિ લિટર જોવા મળે છે. કૉલોસ્ટ્રોમ ગ્લૂકોઝના સ્તરને નિયંત્રીત કરવામાં મદદ કરે છે. કૉલોસ્ટ્રોમ બૈક્ટેરિયા તથા વાયરસ જેવા રોગ ઊભા કરતાં એજન્ટ સામે લડે છે. બરી માટેના ખાસ દૂધમાં ઍન્ટિબોડીનું સ્તર નિયમિત દૂધના સ્તરની તુલનામાં 100 ટકા વધુ હોય છે.
શરીરના અંગોનો યોગ્ય વિકાસ જોવા મળે છે :
બરીનું સેવન કરવાથી શરીરમાં યોગ્ય પ્રમાણમાં પ્રોટીન, તેમજ આવશ્યક પોષક તત્ત્વો મળી રહે છે. બાળકોને બરીનું સેવન કરાવવાથી તેમનો શારીરિક તથા માનસિક વિકાસ વધુ સારી રીતે થાય છે. ‘બરી’નો સૌથી વધુ ઉપયોગ મહારાષ્ટ્રમાં થાય છે. શુદ્ધ બરી ખાવી હોય તો દૂધની ડેરીનો સંપર્ક કરવો હિતાવહ છે. મુંબઈ જેવા શહેરમાં તો રેકડીમાં સરળતાથી મળી રહે છે. ઑનલાઈન માર્કેટમાં બરી માટેનું ખાસ દૂધ મળવા લાગ્યું છે. ઘરે બનાવીને ખાઈ શકાય તે માટે બરીનો ખાસ પાઉડર મળવા લાગ્યો છે. તેનો ભાવ 900 રૂપિયાથી 1 હજાર રૂપિયે પ્રતિ કિલોનો હોય છે. તાજી મળતી બરીની સાથે ખાસ લખાણ લખેલું હોય છે કે ‘વાછંરડાને પૂરતું દૂધ આપ્યા બાદ વધેલાં દૂધનો બરી બનાવવા માટે ઉપયોગ કરવામાં આવ્યો છે.’ મહારાષ્ટ્રીયન વાનગી પીરસતી વિવિધ રેસ્ટોરાંમાં જઈને શુદ્ધ ‘ખરવસ’નું સેવન કરી શકાય છે. સરળ રીતે બનતી બરી
સામગ્રી : 1 લિટર દૂધ, 1 વાટકી ખાંડ, 4 નંગ બદામ, 5-6 તાંતણા કેસર, 1 નાની ચમચી એલચી પાઉડર
બનાવવાની રીત : સૌ પ્રથમ દૂધને ગરમ કરવા મૂકવું. તેમાં એક નાની વાટકી ખાંડ ઉમેરવી. કેસરના તાંતણાને સાદા દૂધમાં પલાળીને ભેળવવા. દૂધમાં ખાંડ ઓગળી જાય ત્યારબાદ તેને ઉતારી લેવું એક મોટી કડાઈમાં પાણી ગરમ કરવું. તેમાં ઢોકળા બનાવતાં હોઈએ તે રીતે એક થાળીમાં ઘી લગાવીને દૂધ રેડવું. હવે તે થાળીને વરાળથી બાફવા મૂકવી. 10 મિનિટમાં બરી બનીને તૈયાર થઈ જશે. તેની ઉપર એલચી પાઉડર તથા બદામની કતરણથી સજાવીને તેનો સ્વાદ માણવો.