આજના સમયમાં… સુપર ટોપ અપ પોલિસી કેવી રીતે ઉપયોગી થાય?

નિશા સંઘવી
આજે તબીબી ખર્ચ વધી ગયા છે ત્યારે વીમા કંપનીઓએ બહાર પાડેલી સુપર ટોપ અપ પોલિસી ઘણી ઉપયોગી સાબિત થઈ રહી છે. કોઈ બીમારી કે અકસ્માતને લીધે જો વધારે ખર્ચ થઈ જાય તો ઓછા પ્રીમિયમમાં સુપર ટોપ અપ પોલિસી સ્થિતિ સંભાળી લે છે.
મેડિક્લેમની બેઝ પોલિસી ઊંચા કવરની લેવા જઈએ તો ઘણું ઊંચું પ્રીમિયમ ચૂકવવું પડે, પરંતુ બેઝ પ્લાનની ઉપર મળતું સુપર ટોપ અપ ઓછા ખર્ચે વધુ કવર આપે છે. બેઝ પ્લાનના આરોગ્ય વીમાની રકમ (જે ડિડક્ટિબલ કહેવાય છે) વપરાઈ ગયા બાદ સુપર ટોપ અપ લાગુ પડે છે.
સુપર ટોપ અપ પોલિસી બેઝ પોલિસી આપનાર વીમા કંપની પાસેથી કે બીજી કંપની પાસેથી લઈ શકાય છે.
ઉદાહરણ તરીક્ે, તમે 3 લાખ રૂપિયાનો બેઝ પ્લાન લીધો હોય અને તેની ઉપર 10 લાખ રૂપિયાનો ટોપ અપ પ્લાન લઈ શકો છો. સારવારનું બિલ 3 લાખ રૂપિયા કરતાં વધુ થઈ ગયું હોય તો તેની ઉપરની રકમ 10 લાખ રૂપિયાના ટોપ અપમાંથી ચૂકવવામાં આવી શકે છે.
સુપર ટોપ અપ પોલિસી ખરીદતી વખતે આ છ મુદ્દા ધ્યાનમાં રાખવા:
1) રૂમ રેન્ટની મર્યાદા:
સુપર ટોપ અપ પોલિસીમાં રૂમ રેન્ટની મર્યાદા બેઝ પોલિસી કરતાં અલગ હોય છે. મોટાભાગના સુપર ટોપ અપ પ્લાનમાં સિંગલ એર કન્ડિશન્ડ (એસી) રૂમનું ભાડું આવરી લેવાય છે, જે દરેક હોસ્પિટલમાં અલગ અલગ હોય છે. સિંગલ એસી રૂમમાં પણ અલગ અલગ શ્રેણી હોય છે. વીમા કંપની પોલિસીમાં સ્પષ્ટપણે લખીને આપે છે કે એ વાજબી અને પ્રથા પ્રમાણે લાગુ પડતા ચાર્જિસની જ ચૂકવણી કરશે. આથી વીમો લેતાં પહેલાં ગ્રાહકે ક્લેમ આવે એ સ્થિતિમાં ચોક્કસ કેટલી રકમ મળશે એની પૂછપરછ કરી લેવી જોઈએ.
2) વેઇટિંગ પીરિયડ:
ગ્રાહકે ખાસ જાણવું જોઈએ કે સુપર ટોપ અપ પોલિસી માટેનો પ્રિ-એક્ઝિસ્ટિંગ ડિસીઝ માટેનો વેઇટિંગ પીરિયડ બેઝ પોલિસી કરતાં અલગ હોઈ શકે છે. ઉપરાંત, કિડની સ્ટોન, મોતિયો કે બીજી કોઈ સર્જરી માટેના ખર્ચ સંબંધેનો વેઇટિંગ પીરિયડ પણ અલગ હોય એ શક્ય છે.
3) વીમો લેતી વખતની લઘુતમ અને મહત્તમ ઉંમર:
આ પોલિસી હેઠળ 91 દિવસના બાળકથી લઈને 80 વર્ષની વ્યક્તિનો નવો વીમો મળી શકે છે. જોકે, બેઝ પોલિસીમાં વીમો લેતી વખતની વ્યક્તિની ઉંમર બાબતે અમુક મર્યાદા હોય છે. આથી સુપર ટોપ અપ પોલિસી લેતી વખતે આ વાત પણ ધ્યાનમાં લેવી.
4) બન્ને પોલિસીઓ હેઠળ કરવાના ક્લેમ:
બેઝ પોલિસી અને સુપર ટોપ અપ એ બન્ને હેઠળ ક્લેમ કરવાનો સમય આવે ત્યારની સ્થિતિને ઉદાહરણ દ્વારા સમજીએ:
અ) બેઝ અને સુપર ટોપ અપ પોલિસી બન્ને એક જ કંપનીની હોય ત્યારે ધારો કે સારવારનો ખર્ચ 5 લાખ રૂપિયા થયો. વીમા કંપની સમાન હોવાથી કેશલેસ સ્કીમ હેઠળ 5 લાખ રૂપિયાનો પૂરેપૂરો ક્લેમ ચૂકવવામાં આવશે, જેમાં 3 લાખ રૂપિયા બેઝ પોલિસીમાંથી અને 2 લાખ રૂપિયા સુપર ટોપ અપમાંથી ચૂકવવામાં આવશે.
બ) બેઝ અને સુપર ટોપ અપ પોલિસી બન્ને અલગ અલગ કંપનીની હોય ત્યારે ધારો કે સારવારનો ખર્ચ 5 લાખ રૂપિયા થયો. આ સંજોગોમાં બેઝ પોલિસીમાંથી 3 લાખ રૂપિયા ચૂકવાશે અને બાકીના 2 લાખ રૂપિયા સુપર ટોપ અપ પોલિસીમાંથી ચૂકવાશે. સુપર ટોપ અપ પોલિસી હેઠળ ક્લેમ મેળવવા માટે દરદીને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ આવશ્યક દસ્તાવેજો સુપરત કરવાના હોય છે.
5) નેટવર્ક હોસ્પિટલ:
જો સુપર ટોપ અપ પોલિસી બેઝ પોલિસીની કંપની સિવાયની કોઈ કંપનીની હોય તો એનું કેશલેસ હોસ્પિટલનું નેટવર્ક અલગ હોઈ શકે છે. આથી સારવાર માટે હોસ્પિટલની પસંદગી કરતી વખતે પણ ધ્યાન રાખવું જરૂરી છે.
6) સમાન સમયે ખરીદી:
બેઝ પોલિસી અને સુપર ટોપ અપ પોલિસી એક જ મહિનાની સમાન તારીખે લેવામાં આવે એ ઉત્તમ કહેવાય, કારણ કે એ સ્થિતિમાં અરજી પર પ્રક્રિયા કરતી વખતે અને ક્લેમ વખતે કોઈ તકલીફ પડતી નથી. સુપર ટોપ અપ પ્લાનમાં ડિડક્ટિબલની ગણતરી વાર્ષિક ધોરણે થાય છે. તેનો અર્થ એવો થયો કે આખા વર્ષમાં ડિડક્ટિબલ રકમ પૂરી થઈ ગયા પછી જ સુપર ટોપ અપ પોલિસી હેઠળ ક્લેમ મળે છે.
7) વૈકલ્પિક કવર:
આરોગ્ય વીમામાં ઍર ઍમ્બ્યુલન્સ, ગંભીર બીમારીઓ, પ્રી-એક્ઝિસ્ટિંગ ડિસીઝ માટેના વેઇટિંગ પીરિયડમાં ઘટાડો, વગેરે બાબતોને આવરી લેવામાં આવે છે. આ બધી બાબતોને બેઝ પોલિસી હેઠળ આવરી લેવામાં આવે છે, પરંતુ સુપર ટોપ અપ પોલિસી હેઠળ આવરી લેવામાં આવતી નથી. એ મેળવવા માટે વધારાનું પ્રીમિયમ ચૂકવવું પડે છે.
અહીં ખાસ જણાવવું રહ્યું કે ટોપ અપ પ્લાન સુપર ટોપ અપ કરતાં સસ્તા હોય છે. સુપર ટોપ અપમાં અનેક વસ્તુઓ ઘટાડી દેવાયેલી હોય છે. આથી બેઝ પ્લાન, ટોપ અપ અને સુપર ટોપ અપ વચ્ચેના તફાવત સમજી લીધા બાદ જ પોલિસી નક્કી કરવી.
આપણ વાંચો: શું તમે ખાઈ ખાઈને ભૂખ્યા રહો છો? તો આ કારણો જવાબદાર હોઈ શકે
પ્રશ્ન: સુપર ટોપ અપ પોલિસી લેવા માટે બેઝ પોલિસી હોવી જરૂરી છે?
ઉત્તર: ના, જરૂરી નથી. બેઝ પોલિસી ન હોય તો પણ સુપર ટોપ અપ પોલિસી લઈ શકાય છે. જોકે, સુપર ટોપ અપમાં જેટલી રકમ ડિડક્ટિબલ હોય એટલો ખર્ચ વીમાધારકે પોતાના સામાંથી કરવો પડે છે. આથી, બેઝ પોલિસી લેવાનું સલાહભર્યું છે, ફરજિયાત નથી. ડિડક્ટિબલ ઉપરાંતનો ખર્ચ આવે ત્યારે સુપર ટોપ અપ લાગુ પડે છે.
પ્રશ્ન: શું આધારભૂત આરોગ્ય વીમા પોલિસી અને સુપર ટોપ અપ પોલિસી એ જ વીમા કંપનીમાંથી લેવી જરૂરી છે?
જવાબ: આવશ્યક નથી કે બેઝ હેલ્થ પોલિસી અને સુપર ટોપ અપ પોલિસી એ જ વીમા કંપનીમાંથી લેવાય. તમે અલગ-અલગ વીમા કંપનીમાંથી બંને પોલિસી ખરીદી શકો છો, પરંતુ જો બંને પોલિસી એક જ વીમા કંપનીમાંથી હોય, તો ક્લેમ પ્રક્રિયા વધુ સરળ અને ઝડપભરી બની શકે છે. એક જ કંપની હોય તો દસ્તાવેજોની ચકાસણી, ક્લેમ મંજૂરી અને કેશલેસ સુવિધા મેળવવામાં સરળતા રહે છે. જો તમે અલગ કંપનીમાંથી સુપર ટોપ અપ લો છો, તો ડિડક્ટિબલ રકમના ક્લેમ માટે વધુ દસ્તાવેજો માંગવામાં આવે છે અને વધારે માહિતી ચકાસવામાં આવે છે. તેથી ટેકનિકલી શક્ય હોવા છતાં, વાસ્તવમાં જોવાતું હોય તો એક જ વીમા કંપની પસંદ કરવી વધુ અનુકૂળ ગણાય છે.