તરોતાઝા

ગૌ અને ગંગા સાથે ગાયત્રીનું મહત્ત્વ

પંચગવ્યનું પંચાંગ – પ્રફુલ કાટેલિયા

સમસ્ત જગતમાં ગૌ, ગંગા અને ગાયત્રી સમાન પવિત્ર બીજું કોઈ નથી.
‘ગાયત્રી મંત્ર’ વિશે આ તમારે જાણવું જ જોઈએ.

આસો નવરાત્રી આવી રહી છે. ઘણા મિત્રો આસોની નવરાત્રીમાં ગાયત્રી અનુષ્ઠાન કરતા હોય છે. ૯ દિવસમાં ૨૪૦૦૦ ગાયત્રી મંત્ર કરવાના હોય છે. રોજની ૨૭ માળા કરવાની હોય છે. તો આ ગાયત્રી મંત્ર ખરેખર શું છે? શું એ ખરેખર ચમત્કારી છે?

આજે આપણે ગાયત્રી મંત્રના રહસ્યો વિશે ચર્ચા કરીશું. સૌ પ્રથમ તો આ મંત્રનો અર્થ સમજી લઈશું એટલે એનું મહત્ત્વ આપોઆપ સમજાઈ જશે.

કોઈપણ મંત્રમાં પહેલો અક્ષર ૐ આવે છે. ૐનો ઉચ્ચાર કરવાથી નાભીમાં આવેલા સૂર્યના મણિપુર ચક્રમાંથી નાદબ્રહ્મ બહાર આવે છે. ૐનો ઉચ્ચાર કરવાથી તમે જે પણ મંત્ર એની સાથે બોલો છો એ અવાજનાં મોજાં સીધાં દિવ્ય ચેતના તરફ આગળ વધે છે.

તમે ખાલી નમ: શિવાય બોલો તો એ શબ્દોનો માત્ર શિવને નમસ્કાર કરું છું એટલો જ અર્થ થાય, પરંતુ આગળ ૐ બોલો તો એ મંત્ર બની જાય અને એ મંત્ર બ્રહ્માંડમાં સીધો દિવ્ય ચેતનાને સ્પર્શ કરે. દરેક મંત્રની સાથે ૐ જોડાય તો જ એનાં આંદોલનો બ્રહ્માંડમાં દિવ્ય ચેતના તરફ આગળ વધે! ૐ એ મંત્ર રૂપી ટ્રેઈનનું એન્જિન છે જે મંત્રને બ્રહ્માંડમાં ઉપર લઈ જાય છે!

ગાયત્રી મંત્રના પહેલા ત્રણ શબ્દો ભૂર ભુવ: સ્વ: છે. બ્રહ્માંડમાં સાત ઊર્ધ્વલોકની વાત કરી છે. આ સાત ઊર્ધ્વલોકમાં સૌથી પ્રથમ ત્રણ લોક એ ભૂર ભુવ: અને સ્વ: છે. જગતના મોટાભાગના જીવો મૃત્યુ પછી આ ત્રણ લોક સુધી જ ગતિ કરતા હોય છે.

ત્રીજા લોકથી ઉપરના સાતમા લોક સુધીની યાત્રા કરવા માટે કુંડલિની જાગૃત હોવી જોઈએ. અને એ અનાહત ચક્ર અને એનાથી ઉપરનાં ચક્રો સુધી જવી જોઈએ. સાત લોક આપણાં સાત ચક્રો સાથે જ સીધે સીધાં જોડાયેલાં છે. ધ્યાનમાં બેસીને તમે જેટલાં ચક્ર સુધી પહોંચી શકો અને તમારાં જેટલાં ચક્રો ખુલી જાય એટલા લોકમાં જવાનો તમને અધિકાર મળે.

તમે ધ્યાનમાં જો ત્રીજા ચક્ર મણિપુર ચક્ર સુધી જઈ શકતા હો તો મૃત્યુ પછી ત્રીજા લોક સુધી આરામથી જઈ શકો છો. મોટાભાગના મૂઢ જીવો પહેલા બીજા ચક્રમાં જ રમે છે. જે ચક્રોમાં માત્ર ધનસંપત્તિ, કામવાસના અને ખાવાપીવાનું જ લક્ષ્ય રહેતું હોય છે! શરૂઆતનાં આ બે ચક્રો માત્ર માયાનાં છે. ત્રીજું ચક્ર સત્તાનું અને અધિકારનું છે.

પ્રથમ ત્રણ લોક એ બ્રહ્માંડનાં શરૂઆતનાં ત્રણ પગથિયાં છે. ગાયત્રી મંત્રમાં આ ત્રણ પગથિયાંથી ઉપર જવાની વાત છે.

ગાયત્રી મંત્રનો સીધો સાદો ભાવાર્થ એટલો જ છે કે સમગ્ર બ્રહ્માંડમાં એટલે કે સાતેય લોકમાં પ્રકાશ અને ઊર્જા આપનારા એ પવિત્ર સૂર્યના દિવ્ય પ્રકાશનું અમે ધ્યાન ધરીએ છીએ કે જે અમારી બુદ્ધિને જાગૃત કરે. અમને માર્ગદર્શન આપે. અમારો હાથ પકડી અમારી ઉર્ધ્વગતિ કરે!

જોવાની ખૂબી એ છે કે ગાયત્રી મંત્ર માત્ર આધ્યાત્મિક પ્રગતિ નથી કરાવતો, પરંતુ એ માનવીના હૃદયમાં પેદા થતી તમામ ઈચ્છાઓની પૂર્તિ પણ કરે છે. કોઈપણ વસ્તુ આ મંત્રથી અશક્ય નથી. ગાયત્રી મંત્ર કામધેનુ છે. જે માગો તે મળે છે. આપણા શાસ્ત્રોમાં ગુરુકુળની વાત લખેલી છે. એ સમયે વિદ્યાર્થીઓ ભણવા માટે ગુરુકુળમાં જતા. આ ગુરુકુળમાં તમામ વિદ્યાર્થીઓ માટે ગાયત્રી મંત્ર ફરજિયાત રહેતો. સતત ગાયત્રી મંત્ર કરવાથી મગજ એકદમ પાવરફુલ થાય છે. યાદશક્તિ તીવ્ર બને છે. વ્યક્તિ મેધાવી બને છે.

ગાયત્રી મંત્રની વિશેષતા એ છે કે ભોગો તો મળે જ, કારણ કે આ બ્રહ્માંડ આખું જગદંબાની માયાથી વ્યાપ્ત છે, પરંતુ સાથે સાથે અંદરથી આધ્યાત્મિકતા પણ પ્રગટે છે. એટલે ભોગોથી પહેલાં તૃપ્તિ થાય છે અને પછી ધીમે ધીમે અરુચિ થાય છે.

જેમ જેમ ઉપર તમારી ગતિ થાય તેમ તેમ નીચેની વસ્તુઓ નાની અને નાની થતી જાય છે. તમારો દૃષ્ટિકોણ વિશાળ બનતો જાય એટલે કેટલીક બાબતો જેની તમે જ ઈચ્છા કરી હતી તે ક્ષુલ્લક બનતી જાય. જ્ઞાન પ્રગટે એટલે અજ્ઞાન દૂર થાય.

ગાયત્રી મંત્ર કોઈ ધર્મનો મંત્ર નથી. આપણે હિંદુઓ વધારે પડતા શ્રદ્ધાળુ છીએ અને વ્યક્તિ પૂજક પણ છીએ. આપણે નદીને પણ માતા કહીએ છીએ એટલે જો નદીની મૂર્તિ બનાવી મંદિર બનાવીએ તો એનો અર્થ એવો નથી કે નદી એ હિન્દુઓની દેવી છે. પાણીને કોઈ ધર્મ સાથે લેવાદેવા નથી.

એવી જ રીતે સૂર્યની આ દિવ્ય પ્રકાશ શક્તિનું નામ ઋષિઓએ ગાયત્રી આપ્યું. ગાયત્રીનો મતલબ જેનું ગાન કરવાથી તરી જવાય.

પૃથ્વી ઉપરનો કોઈપણ જીવ પછી તે ગમે તે ધર્મનો હોય સૂર્યનું ધ્યાન કરી શકે છે. સૂર્યનો આભાર માની શકે છે. સૂર્યને પ્રાર્થના કરી શકે છે. સૂર્ય પાસેથી પ્રકાશ અને માર્ગદર્શન માગી શકે છે. સૂર્યથી જ આપણું જીવન છે. આખા વિશ્ર્વમાં વ્યાપેલું પ્રાણ તત્ત્વ માત્ર સૂર્ય જ આપે છે.

ગાયત્રી મંત્ર આપણી અંદર દીવા પ્રગટાવે છે એટલે આપણે શું કરવું એની અંત: પ્રેરણા થવા લાગે છે. ભવિષ્યમાં જે થવાનું હોય એની અગાઉથી સ્ફુરણા થવા લાગે છે. વાક્સિદ્ધિ મળે છે. જે બોલાઈ જાય તે સાચું પડે છે. ભવિષ્યમાં બનનારી ઘટનાને અગાઉથી જાણી શકાય છે. શરીરના તમામ કોષો નવપલ્લવિત થાય છે. એટલે તમામ રોગો દૂર થાય છે.
ગીતામાં જે સ્થિતપ્રજ્ઞની વાત કરી છે એ સ્થિતપ્રજ્ઞતા હૃદયમાં પ્રગટવા લાગે છે. એટલે આપણી આજુબાજુ બનતા બનાવોથી આપણે ડિસ્ટર્બ થતા નથી. એક ઘટનાક્રમ તરીકે સ્વીકારી લઈએ છીએ. આ પ્રત્યક્ષ અનુભવ છે
ગાયત્રી મંત્રથી ચક્રો ધીમે ધીમે ખુલવા લાગે છે અને જેમ જેમ ઉપરનાં ચક્રો ખુલતાં જાય તેમ તેમ મૃત્યુ પછી આપણી ગતિ પણ ચોથા પાંચમા અને છઠ્ઠા લોક સુધીની થતી જાય છે. જ્યાં સુધી પૃથ્વી ઉપર છીએ ત્યાં સુધી ગાયત્રી મંત્ર સારા ભોગો પણ આપે છે.
ગાયત્રી મંત્ર બ્રહ્માંડની પ્રાર્થના છે. ગાયત્રી મંત્ર દ્વારા આપણે યુનિવર્સ પાસે, બ્રહ્માંડ પાસે માર્ગદર્શન માગીએ છીએ. સૂર્ય એ પ્રત્યક્ષ નારાયણ છે!

ગાયત્રી મંત્રના અદ્ભુત અનુભવો મને અને મારા મિત્રોને થયા છે. એટલા માટે જ મારી નવલકથામાં વારંવાર ગાયત્રી મંત્રનો ઉલ્લેખ કરેલો છે. મારા એક મિત્ર કાંતિભાઈ શાહને સતત ગાયત્રી મંત્રનું માનસિક સ્મરણ કરવાથી બ્લડ કેન્સર મટી ગયેલું. બીજા એક મિત્રને વાક્સિદ્ધિ થઈ ગયેલી એ જે કહે તે સાચું પડે. જે વસ્તુની ઈચ્છા રાખો તે પ્રાપ્ત થાય છે. મંજુસરના મુગટલાલ મહારાજે જીવનમાં ખૂબ જ ગાયત્રી મંત્ર કરેલા. એમણે યોજેલા એક ભોજન સમારંભમાં ઘી ખૂટી ગયું તો પાણી ભરેલા બે ડબાને ઘીના ડબામાં રૂપાંતર કરેલા અને ભક્તોને જમાડેલા.

આ મંત્રનો વિદેશની લેબોરેટરીમાં ટેસ્ટ પણ થયેલો છે. એના આંદોલનોથી પડદા ઉપર ચોક્કસ આકૃતિઓ રચાતી વૈજ્ઞાનિકોએ નોંધી હતી. આ મંત્રથી સૂર્યનારાયણની પ્રાણ શક્તિ આપણા શરીરમાં આવે છે. સૂક્ષ્મ જગતમાં ગયેલા કેટલાક દિવ્ય આત્માઓ પણ સૂક્ષ્મ શરીરે ગાયત્રી મંત્ર કરતા હોય છે. જેથી એમના પાપ કર્મોનો ક્ષય થાય છે. ગાયત્રી મંત્ર વિશે જેટલું લખાય એટલું ઓછું છે.

શ્રી ગોપીનાથ કવિએ પોતાના પુસ્તકમાં સૂર્યશક્તિના ચમત્કારો વિશે ઘણું લખેલું છે. તેઓશ્રી અનેક સિદ્ધપુરુષોને મળેલા હતા.

હું ૧૯૮૫માં જ્યારે નોકરી કરતો હતો ત્યારે અમારા એક ઓફિસર શાહ સાહેબ રોજ પરોઢિયે બે વાગે ઊઠીને પાંચ વાગ્યા સુધી ઘરના ધાબા ઉપર બેસીને ગાયત્રી મંત્ર કરતા. રાત્રે બે વાગે કદાચ એ જાગી ગયા ના હોય તો રાત્રે બે વાગે એમને ઢંઢોળીને કોઈ જગાડતું કે “ઊભો થા. બે વાગી ગયા.

એમને આકાશમાં જાતજાતનાં દિવ્ય દૃશ્યો દેખાતાં હતાં. ક્યારેક દિવ્ય રાગથી ગાયત્રી મંત્ર ગાતી ગાતી કોઈ મંડળી એમને આકાશમાં દેખાતી. ક્યારેક કોઈ પ્રેતાત્મા પોતાની મુક્તિ માટે એમની સામે આવીને દૂર ઊભો રહેતો.

ઘણા બધા અનુભવો સાંભળેલા છે. ચમત્કારો આજે પણ બને છે. મને પોતાને પણ ઓખા દ્વારકામાં ગાયત્રી મંત્રના ઘણા અનુભવ થયેલા છે. આપણે ચમત્કારો માટે નહીં, પરંતુ જીવનમાં પ્રગતિ માટે પણ ગાયત્રી મંત્રની રોજ અગિયાર, પાંચ કે ત્રણ માળા તો કરવી જ જોઈએ.

(ગાયત્રી અનુષ્ઠાન નવ દિવસનું હોય છે. રોજ ૨૭ માળા કરવાની હોય છે. મોટાભાગની માળા સવારના ભાગમાં જ પતાવી દેવી. સવારના પાંચથી અગિયાર સુધીનો સમય શ્રેષ્ઠ ગણાય. બાકી રહેલી થોડીક માળાઓ તમે સાંજે સંધ્યાકાળે પણ કરી શકો. જ્યાં સુધી માળા ચાલે ત્યાં સુધી ગાયના ઘીનો દીવો ચાલુ રાખવો. ગાયત્રી મંત્ર મોટેથી બોલવા કરતા મનમાં બોલવો વધારે સારો. જો કે શરૂઆતમાં મોટેથી બોલી શકો છો, પરંતુ મંત્ર એકદમ યાદ રહી જાય પછી મનમાં જ બોલવાની પ્રેક્ટિસ કરવી. દરેક વ્યક્તિ અને દરેક સ્ત્રી પુરુષ કરી શકે છે. તમારી શ્રદ્ધા અને ભાવના જ મુખ્ય છે. આવાહ્ન અને વિસર્જનના મંત્રો ના આવડતા હોય તો ચિંતા નહીં કરવાની. માનસિક રીતે પ્રાર્થના કરી માળા ચાલુ કરી શકો. પ્રાર્થનામાં ઘણી તાકાત છે!)

જે મિત્રોને ગાયત્રીમંત્ર બિલકુલ ન ફાવે તે લોકો ગાયત્રી ચાલીસાના રોજના ૧૨ પાઠ નવ દિવસ સુધી કરી શકે છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત