દેશી ગાયનું રોગપ્રતિકારક દૂધ
પંચગવ્યનું પંચાંગ – પ્રફુલ કાટેલિયા
શુદ્ધ ભારતીય ઓલાદની ગાયના દૂધમાં એ ટુ નામનું બીટા કેસિન પ્રોટીન હોય છે, જે માતાના દૂધ સાથે વધુ સામ્ય ધરાવે છે
ભારતના કરોડો હિન્દુઓ દેશી ગાયને માતા ગણી તેની પૂજા કરે છે, તેને હવે નક્કર વૈજ્ઞાનિક આધાર મળ્યો છે. આધુનિક વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યું છે કે શુદ્ધ ભારતીય ઓલાદની ગાયોના દૂધમાં એ ટુ તરીકે ઓળખાતું બીટા કેસિન પ્રોટિન હોય છે, જે માતાના દૂધની સૌથી વધુ નજીક હોય છે અને પચવામાં તદ્દન હલકું હોય છે. આ કારણે જ આયુર્વેદમાં જે બાળકને માતાનું દૂધ મળી શકે તેમ ન હોય તેને દેશી ગાયનું દૂધ આપવાની ભલામણ કરવામાં આવી છે. વિજ્ઞાનીઓએ એવું પણ શોધી કાઢ્યું છે કે વિદેશી અથવા સંકર ગાયના દૂધમાં એ વન નામનું પ્રોટીન હોય છે, જે પીવાથી શરીરમાં સોજા થવા ઉપરાંત ડાયાબિટીસ અને હૃદયરોગ જેવી બીમારીઓ પણ થાય છે.
વિદેશના વિજ્ઞાનીઓએ વર્ષો સુધી ભારતીય ગાયના દૂધ પર પ્રયોગો કરીને શોધી કાઢ્યું છે કે તેના દૂધમાં રહેલું એ ટુ પ્રોટીન આરોગ્ય માટે લાભદાયક છે. તેનો લાભ લેવા સિડનીના એક સાહસિકે એ ટુ મિલ્ક કંપની ખોલી કાઢી છે અને શુદ્ધ ભારતીય ગાયના દૂધનું વેચાણ કરવાનું પણ ચાલુ કરી દીધું છે. આ કંપનીના દૂધની ડિમાન્ડ ઓસ્ટ્રેલિયા પછી ન્યૂ ઝીલેન્ડ અને ચીનમાં પણ વધી રહી છે. હવે આ કંપની અમેરિકામાં પણ ભારતીય ગાયના દૂધનું માર્કેટિંગ કરવાની તૈયારી કરી રહી છે.
ભારતમાં પણ જે સમજદાર લોકોને ખ્યાલ આવી ગયો છે કે ગાયનું દૂધ આરોગ્ય માટે અમૃત સમાન છે, તેઓ ઊંચી કિંમત આપીને પણ ગીરની ગાયનું દૂધ ખરીદી રહ્યા છે. કેટલીક ગૌશાળાઓ પણ ગીરની ગાયનું સંવર્ધન કરીને તેમનું દૂધ વેચી રહી છે. જર્સી કે હોલેસ્ટિન ગાયનું દૂધ બજારમાં ૪૫ કે ૫૦ રૂપિયે લિટર વેચાય છે ત્યારે લોકો દેશી ગાયના દૂધના ૮૦ થી ૧૨૦ રૂપિયા પણ આપવા તૈયાર થઇ જાય છે. અમૂલે પણ આ પ્રવાહ પારખીને અમદાવાદમાં શુદ્ધ દેશી ગાયનું દૂધ અમદાવાદથી મુંબઈમાં વેચવાનું ચાલુ કર્યું છે.
કોઇમ્બતુરમાં રહેતા કોમ્પ્યુટર પ્રોગ્રામર વી. શિવકુમારનાં બાળકને ગાયનું દૂધ પીવાથી એલર્જી થઇ જતી હતી. તેમણે તપાસ કરી તો જાણવા મળ્યું કે જર્સી ગાયના દૂધમાં એ વન નામનું હાનિકારક પ્રોટીન હોવાથી બાળકને તે દૂધ માફક આવતું નહોતું. શિવકુમારે શુદ્ધ દેશી ગાયનું દૂધ મેળવવા તપાસ કરી, પણ મોટા ભાગના ગોપાલકો વિદેશી અથવા સંકર ગાયનું દૂધ જ વેચતા હતા. તેમને મહામહેનતે દેશી ગાયનું દૂધ મળ્યું ત્યારે તેમને વિચાર આવ્યો કે દેશી ગાયનું મોટા પાયે સંવર્ધન કરીને તેનું દૂધ વેચવું જોઇએ. તેમણે કોઇમ્બતુર નજીક જમીન ખરીદી તેમાં કોંગુ ગૌશાળા શરૂ કરી. આ ગૌશાળામાં તામિલનાડુની વિખ્યાત કાંગેયમ નસલની ગાયો રાખવામાં આવી છે. શુદ્ધ ભારતીય ગાયનું દૂધ વેચવા માટે તેમણે કોંગુ માડુ નામની મોબાઇલ એપ પણ શરૂ કરી છે.
દિલ્હી નજીક ગુરુગ્રામ ખાતે દેશી ગાયના સંવર્ધન માટે બેક ટુ બેઝિક્સ નામની કંપની શરૂ કરવામાં આવી છે. તેઓ એ ટુ પ્રોટીન ધરાવતું દૂધ પેદા કરવા માટે ગીરની ગાયો રાખે છે. આ દૂધ તેઓ દિલ્હી, નોઇડા અને ગુરુગ્રામમાં ઘેર ઘેર પહોંચતું કરે છે. મુંબઇમાં રહેતા માર્કેટ રિસર્ચર નંદગાંવ ખાતે ફાર્મ હાઉસ ધરાવે છે. તેમણે પોતાના ફાર્મમાં સેન્દ્રિય ખાતર મળી રહે તે માટે દેશી ગાયોનો ઉછેર શરૂ કર્યો. જ્યારે તેમને દેશી ગાયના દૂધના ગુણો બાબતમાં જાણવા મળ્યું ત્યારથી તેમણે દેશી ગાયનું દૂધ જ પીવાનો સંકલ્પ કર્યો છે. તેમનો અનુભવ કહે છે કે તેમનો પરિવાર દેશી ગાયોના સાન્નિધ્યમાં રહેતો હોવાથી તેમણે ક્યારેય ડૉક્ટર પાસે જવું પડતું નથી.
ભારતમાં ઇ.સ.૧૯૬૦ અને ૧૯૭૦ના દાયકામાં જર્સી અને હોલેસ્ટિન જેવી વિદેશી ગાયોનો પ્રચાર વધવાનું મુખ્ય કારણ એ હતું કે વિદેશી ગાયો અને સંકર ગાયો દૂધ વધુ આપતી હોવાથી પશુપાલકો નફો રળવા માટે તેનો ઉછેર કરવા લાગ્યા. વિદેશી ગાયોનો પ્રચાર એટલો વધી ગયો કે ગાંધીજીના ઉપદેશથી શરૂ થયેલા સાબરમતી આશ્રમની ગૌશાળામાં પણ સંકર ગાયોનો મોટા પ્રમાણમાં ઉછેર થવા લાગ્યો. સરકારે પણ સંકર ગાયોનો પ્રચાર કર્યો. હવે પરિસ્થિતિ એવી બગડી ગઇ છે કે ભારતમાં શુદ્ધ દેશી ઓલાદની ગાયો મળવી પણ મુશ્કેલ બની ગઇ છે.
આજની તારીખમાં ભારતમાં શુદ્ધ ગીરની ઓલાદની માંડ ૧૫ થી ૨૦% ગાયો જ બચી છે. બાકીની બધી ગાયોનું સંકરીકરણ થઇ ગયું છે. બ્રાઝિલે ઇ.સ.૧૯૬૦ના દાયકામાં ભારતમાંથી ગીરની ગાયની મોટા પ્રમાણમાં આયાત કરીને તેનું સંવર્ધન ચાલુ કર્યું હતું. આજે ભારતમાં જો શુદ્ધ ગીરની ગાય જોઇતી હોય તો તેની બ્રાઝિલથી આયાત કરવી પડે તેવી હાલત છે.
ભારત સરકાર પણ દેશી ગાયના ગુણો બાબતમાં મોડે મોડે જાગી છે. તેણે હરિયાણાના કર્નાલમાં દેશી ગાયોના ઉછેરને પ્રોત્સાહન આપવાનું કેન્દ્ર શરૂ કર્યું છે, જે નેશનલ બ્યૂરો ઓફ એનિમલ જિનેટિક રિસોર્સિસ તરીકે ઓળખાય છે. તેના કાર્યકરો હરિયાણાના પશુપાલકોને સંકર ગાયોને બદલે દેશી ગાયોનો ઉછેર કરવા માટે પ્રેરણા કરે છે. આ કેન્દ્રનાં વિજ્ઞાની ડોક્ટર મોનિકા સોઢી કહે છે કે સંકર ગાયનું દૂધ ૪૦થી ૪૫ રૂપિયે લિટરના ભાવે વેચાય છે, જ્યારે દેશી ગાયનું દૂધ ૬૫થી ૭૦ રૂપિયે લિટરના ભાવે વેચાય છે. દેશભરના પશુપાલકો દ્વારા તેમને આખલાના વીર્યના ૧,૦૦૦ નમૂનાઓ મોકલવામાં આવ્યા છે. તેઓ જાણવા માગે છે કે આ વીર્યમાં ૧૦૦ ટકા દેશી ગાયના જિન્સ છે કે તેમાં કોઇ ભેળસેળ થઇ ગઇ છે? તેનું કારણ એ છે કે આ પશુપાલકો શુદ્ધ દેશી ગાયના સંવર્ધન કરીને તેમના દૂધનું મોટા પાયે માર્કેટિંગ પણ કરવા માગે છે.
ડૉ. મોનિકા સોઢીએ ઇ.સ.૨૦૧૨માં ઇન્ડિયન જર્નલ ઓફ એન્ડોક્રિનોલોજીમાં એક રિસર્ચ પેપર છપાવ્યું હતું, જેમાં લખવામાં આવ્યું હતું કે જે પ્રદેશોમાં દેશી ગાયોનું એ ટુ પ્રોટીન ધરાવતું દૂધ વધુ વપરાશમાં હોય છે ત્યાં ટાઇપ વન ડાયાબિટીસ અને હૃદયરોગનું પ્રમાણ ઓછું જોવા મળે છે. તેથી વિરુદ્ધ વિદેશી ગાયોના દૂધમાં જોવા મળતું એ વન પ્રકારનું દૂધ જ્યારે આપણા જઠરમાં જાય છે ત્યારે તેનું વિઘટન થતાં જે કેમિકલ પેદા થાય છે તે આપણા આરોગ્ય માટે હાનિકારક છે.
શુદ્ધ ભારતીય ઓલાદની દેશી ગાય અને વિદેશી ગાય વચ્ચે પાયાનો તફાવત હોય છે કે વિદેશી ગાયને ક્યારેય ખૂંધ હોતી નથી; જ્યારે ૪૦ જાતની શુદ્ધ ભારતીય ગાયને ખૂંધ હોય છે. કહેવાય છે કે દેશી ગાય પોતાની ખૂંધનો ઉપયોગ કરીને સૂર્યના પ્રકાશને ગ્રહણ કરે છે અને તેનો ઉપયોગ કરીને પોતાના શરીરમાં સુવર્ણનું સર્જન કરે છે. આ કારણે ગાયનું દૂધ સુવર્ણના રંગનું હોય છે. હકીકતમાં આપણે જેને વિદેશી ગાય કહીએ છીએ તે ગાય નથી પણ કોઇ અલગ જાતનું પ્રાણી છે, જે ગાય કરતાં ડુક્કરને વધુ મળતું આવે છે. વિદેશી ગાય હકીકતમાં ગાય જ નથી. માટે ગાયના દૂધમાં જેટલાં ગુણોનું વર્ણન આયુર્વેદમાં કરવામાં આવ્યું છે તે વિદેશી ગાયના દૂધમાં જોવા મળતા નથી.
ભારતમાં ગાયના પંચગવ્યનું મોટું બજાર ખુલી ગયું છે. ગાયના દૂધ, ઘી, દહીં, છાશ, ગોબર ઉપરાંત ગોમૂત્રમાંથી વિવિધ ઔષધિઓનું નિર્માણ કરીને તેનું મોટા પાયે માર્કેટિંગ કરવામાં આવે છે. વલસાડ નજીક ગાયના પંચગવ્યને આધારે કેન્સરની સારવાર કરતી હૉસ્પિટલ પણ ચાલી રહી છે. આપણે પણ વિદેશી ગાયોના મોહમાંથી બહાર આવીને દેશી ગાયોનો જ ઉછેર કરવો જોઇએ.
નાના બાળકને જો માતાનું દૂધ ઘટે અને ઉપરથી આપવું પડે તેવી સ્થિતિમાં નીચે મુજબ દૂધ આપવું.
પહેલા તો સારી ગાયનું દૂધ ૫૦ થી ૧૦૦ એમ એલ લઈ તેમાં દૂધ કરતા અડધાથી પોણી માત્રામાં ઉકાળીને ઠંડુ કરેલું પાણી મિક્ષ કરવું તેમાં ૨ થી ૪ વાવડિંગના આખા દાણા નાખવા અને સાકર (ખાંડ નહિ) એટલી નાખવી કે દૂધ ગળ્યું પણ ન લાગે અને મોળું પણ ન લાગે, હવે તેને એક કે બે ઉકાળા આવે એટલું ઉકાળો, હવે બોડી ટેમ્પરેચર જેટલું હુંફાળું રહે ત્યારે સ્ટરિલાઈઝ બોટલમાં ગાળીને બાળકને પાવું, જ્યારે પણ બાળકને ઉપરનું દૂધ આપો ત્યારે બોડી ટેમ્પરેચર જેટલું ગરમ આપવું, મલાઈ કે વાવડિંગ ન જાય તે માટે ગાળીને આપવું, અને બાળકને દૂધ આપવા પહેલા બોટલ નિપ્પલ ઢાંકણું ગરમ પાણીથી સ્ટરિલાઈઝ કરીને પછી આપવું અને બાળક દૂધ પી લેય પછી પણ બોટલ સ્ટરિલાઈઝ કરવી.
અત્યારે ઘણી માતાઓ દૂધ બોટલમાં આપે બાળકને પિતા બોટલમાં વધે તો બોટલ મૂકે ફ્રીજમાં ને પાછું બાળક ભૂખ્યું થઈ ને રડે એટલે બોટલ ફ્રીજમાંથી બાળકના મોઢામાં, પછી લીલા ઝાડા થાય, એટલે ડૉકટર દૂધ આપવાની ના કહી ને પાવડર કે અન્ય કોઈ આહાર લખી આપે.
આવી રીતે ઉંમર વધે તેમ ધીરે ધીરે પાણીની માત્રા ઘટાડવી
ઉપરની રીતે સારી ગાયનું દૂધ બાળકને આપો જો દૂધને લીધે કાઈ થાય તો જવાબદારી મારી ખાસ વાત દૂધ એટલે દેશી ગાયનું દૂધ, જર્સી HF કે ભેંસનું દૂધની વાત નથી.