તરોતાઝા

મારી ક્ષમાપના Speed Booster SORRY

-રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ

પર્યુષણ પર્વ
વ્યાખ્યાનમાળા

નમ્રવાણી

પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ એટલે ક્ષમાપનાનો ઉત્સવ!
આજે બધાંને સાચા દિલથી ક્ષમા આપી, બની જાવ ક્ષમાનુપ્રિય!
ગમતી વ્યક્તિની સામે મસ્તક ઝૂકાવી, ક્ષમા માગવી એ તો રાગ હોય, અણગમતી વ્યક્તિની સામે મસ્તક ઝૂકાવી, સાચા દિલથી માફી માગવી એ સાચી ક્ષમાપના હોય!
માપી માપીને ક્યારેય માફી ન હોય, માફી તો દિલની ક્ષમાને માણતા માણતા, હૈયાની હળવાશને અનુભવતા, હસતા ચહેરે અને રડતી આંખે હોય!
જો સામેવાળી વ્યક્તિની ભૂલ હોય, તો હસતાં હસતાં ક્ષમાપના કરવી, સ્વયંની ભૂલ હોય તો રડતાં રડતાં ક્ષમાપના કરવી અને જો બંનેની ભૂલ હોય તો નમતા નમતા, ઝૂકતાં ઝૂકતાં ક્ષમાપના કરવી.
ઉત્કૃષ્ટ ભાવે કરેલી ક્ષમાપનાથી કર્મોનો ક્ષય થતો જાય અને આત્મા હળવો થતો જાય છે, પરંતુ ક્ષમાપના પણ અલગ અલગ પ્રકારની હોય.
સંબંધો અને વ્યવહાર સાચવવા માટે થતી ક્ષમાપના allopathy દવા જેવી હોય, પર્યુષણ પર્વને સાચવવા માટે થતી ક્ષમાપના આયુર્વેદિક દવા જેવી હોય અને પોતાની એક એક ભૂલોને યાદ કરી, હૃદયની ભીનાશ અને વહેતા આંસુ સાથે, દિલથી થતી ક્ષમાપના naturopathy જેવી હોય.
પરંપરામાં આવે છે, નાના હોય એમણે પોતાનાથી મોટાને ખમાવવા જવાનું હોય અને મોટા પણ wait કરતાં હોય કે, નાના ખમાવવા આવે, પણ તમે એ પરંપરાને change કરી દો, તમે તમારાથી જેટલાં નાના હોય, તે બધાંને ત્યાં સામેથી ખમાવાવ જાવ. તમે જેટલાં વહેલા બધાંને ખમાવશો એટલાં વહેલાં તમે હળવા થઈ જશો. અમે તમે બીજા મને ખમાવવા આવે એની જેટલી wait કરશો, એટલું તમારા કર્મોનું weight વધતું જશે.
બીજાની ભૂલોને ભૂલતાં શીખી જાવ. જે બીજાની ભૂલોને ભૂલતાં નથી, જગત તેને ભૂલી જાય છે.
ચંડકૌશિક સર્પે ભગવાન મહાવીરને ડંખ માર્યો, ભગવાન એ ભૂલી ગયા અને એના ઉપર પ્રેમ વરસાવ્યો એટલે આજે ૨૬૦૦ વર્ષ પછી પણ જગત પ્રભુને યાદ કરે છે.
ભૂલના બીજમાંથી જ દ્વેષતા, ગુસ્સાના, અણગમાના fruits આવતા હોય છે.
કહી દો આજે એ બધાંને કે, ભૂલ તારી હતી કે ભૂલ મારી હતી, મારે બધી ભૂલોને ભૂલી જવી છે. મારે મારી past બધી યાદોને, બધી ઘટનાઓને, બધી સ્મૃતિઓને આજે અપ્પાણં વોસિરામિ કરી દેવા છે, કારણ કે જે ભૂલે છે, તે જ ખાલી થાય છે અને એ ખાલી થયેલાં હૃદયમાં ખુશી અને આનંદ ભરાય છે.
માનો કે, કદાચ ભૂલ સામેવાળાની હતી, એની ભૂલ પણ નાની હતી, પણ એ નાની ભૂલને તમે વર્ષો સુધી યાદ રાખી, એ તમારી મોટી ભૂલ હતી.
ક્ષમાપના એ જ ન કરી શકે, જેની અંદરમાં અહંકાર હોય, જે અક્કડ હોય. જે અક્કડ હોય, તે સ્વયં જ પોતાના માટે અરિહંત બનવાના દ્વારને બંધ કરવાવાળા હોય.
નિર્ણય કરો, મારે જેની જેની સાથે બહારની courtમાં case ચાલે છે, એ તો બંધ કરવા છે અને મારે મારી મગજની courtમાં પણ જેટલાં ભફતય છે એને પણ આજે close કરી, એકદમ હળવા અને પ્રસન્ન થઈ જવું છે.
એકવાર બહારથી sorry કહેવું હજી પણ સહેલું છે, પણ મગજમાં પકડી રાખેલી પકડ છોડવી બહુ અઘરી છે.
માનો કે, તમે કોઈને પાંચ લાખ કે પચાસ લાખનો cheque આપો છો, પણ એ cheque ઉપર તમે sign નથી કરી, તો એ chequeની value કેટલી? Zero! એમ તમે રોજની ૫ સામાયિક કરો, ૫૦ લાખ donationમાં આપો કે માસક્ષમણ જેવી શ્રેષ્ઠ તપ સાધના કરો, પણ પરમાત્માએ કહ્યું છે, જો દિલમાં ક્ષમાની sign ન હોય તો તમારા તપની, તમારી સાધનાની, તમારા દાનની value zero થઈ જાય છે.
પર્વાધિરાજ પર્યુષણનું heart છે ક્ષમાપના!
જ્યાં ક્ષમા નથી, ત્યાં હિંસા છે.
જ્યાં ક્ષમા નથી, ત્યાં અસત્ય છે.
જ્યાં ક્ષમા નથી, ત્યાં ચોરી છે.
જ્યાં ક્ષમા નથી, ત્યાં અબ્રહ્મ છે.
જ્યાં ક્ષમા નથી, ત્યાં બીજાની ભૂલોનો મહા પરિગ્રહ છે.
જીવ સાથે જીવની જેમ રહેવું, એ ક્ષમા છે અને જડ સાથે જીવની જેમ રહેવું એ મહાક્ષમા છે.
દરવાજા જોરથી બંધ કરવા, કાગળ ફાડવા, વાસણ પછાડવા, કચરાને ઉપરથી ફેંકવો, એ બધું જડ પદાર્થનું અપમાન કર્યું કહેવાય છે, માટે આજે એ બધાંની પણ દિલથી ક્ષમાપના કરી લેવાની છે. જે જડ સાથે જડ જેવો વ્યવહાર કરે છે, તેને ભવિષ્યમાં જડનો પણ સારો સંયોગ મળતો નથી. જે જડ સાથે પ્રેમથી રહે છે, તે જીવ સાથે પણ પ્રેમથી રહી શકે છે.
આજે તમારા હૃદયને ક્ષમાના જળથી ભીનું કરીને, હૃદયને ઋજુ બનાવીને, અહંકારને ઓગાળીને દરેક જીવોની સાથે, દરેક અજીવ પદાર્થોની પણ સાચા દિલથી ક્ષમાપના કરી, અજીવ પ્રાદોષિક નામની ક્રિયાથી મુક્ત થઈ જાવ.
જો અંતે રાખ જ થવાનું છે તો કોઈની સાથે શા માટે વેર-ઝેર રાખવાના?
જે value ક્ષમાની હોય, એ value ક્યારેય પ્રહાર કે પ્રતિકારની ન હોય!
જે value ક્ષમાની હોય, એ value ક્યારેય react કરવાની કે reactions આપવાની ન હોય!
ક્ષમાપનામાં, જ્યાં terms અને condition હોય, ત્યાં relationsની condition પણ worst થઈ જતી હોય છે.
ક્ષમાપનામાં નડતા તત્ત્વો જો ego, jealousy, possessiveness, blaming, cheating અને misunderstanding છે, તો ક્ષમાપનાને boost કરવાવાળું તત્ત્વ છે, Sorry!
મારી તમને એજ પ્રેરણા છે કે આજે મનમાં જેટલાં વેર-ઝેર હોય, અણગમો હોય અને નડતા તત્ત્વો હોય, એ બધાંને ભૂલીને હશરયની આ છેલ્લી સંવત્સરી છે, એમ માનીને જો જીવ અને અજીવ બધાં સાથે સાચા દિલથી ક્ષમાપના કરી લેશો તો, સદાય હળવા થઈને રહેશો. જો કાયમ હળવા રહેશો તો વિદાય થવાના અવસરે પણ હૈયામાં હળવાશ લઈને વિદાય થશો, નહીં તો અણગમતી કડવાશ સાથે વિદાય થશો. અંતિમ સમયે જેના ચહેરા પર હળવાશ અને હાસ્ય હોય, તેનાં આવતા ભવમાં પણ ચહેરા પર હળવાશ અને હાસ્ય હોય.
ક્ષમા આપો સર્વ જીવોને, સર્વ અજીવ પદાર્થોને અને બની જાવ ક્ષમાનુપ્રિય!

સમાધિને પામવા કરો પ્રયોગ:
જીવનમાં અને પરિવારમાં શાંતિ, સમાધિ અને પ્રસન્નતાને પામવા સાચા હૃદયના ઉત્કૃષ્ટ ભાવથી વારંવાર કરો આ ત્રિપદીનો ઉપયોગ…
હું ખમાવું છું, મિચ્છામિ દુક્કડમ્, I am Sorry!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button