તરોતાઝા

લક્ષ્યથી જુદાં ફંટાવ તો…

ગૌરવ મશરૂવાળા

‘એક રોકાણકારે બહુ ઓછું કરવાનું રહે છે, જ્યાં સુધી એ મોટી ભૂલો ન કરે’ – અમેરિકાના વિખ્યાત રોકાણકાર વોરેન બફેટ અમદાવાદથી મુંબઈ સુધીના મારા પ્રવાસની આ વાત છે. હું ‘દુરોન્તો એક્સપ્રેસ’માં પ્રવાસ કરી રહ્યો હતો. આ ટ્રેન અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચે ક્યાંય ઊભી રહેતી નથી. મારા એક સહ-પ્રવાસીને બોરીવલી ઉતરવું હતું, પરંતુ એમને ખબર ન હતી કે આ ટ્રેન બોરીવલી ઊભી રહેતી નથી. આવા સંજોગોમાં એમની પાસે બે વિકલ્પ હતા. એક, ટ્રેન બોરીવલી પહોંચે ત્યારે ગાડીમાંથી ભૂસકો મારવો અને બે, મુંબઈ સેન્ટ્રલ જઈને પાછું આવવું…

જો એ પહેલો વિકલ્પ અજમાવાનું વિચારે તો ટ્રેન ધીમી હોય તો પણ તેમાંથી કૂદવાનું જોખમી હોય છે. આથી એમણે બીજો વિકલ્પ પસંદ કર્યો. એ પસંદગી કર્યા બાદ એમણે બોરિવલી પાછા આવવાની વ્યવસ્થા કરવાની હતી. તેમાં એમનાં સમય- શક્તિ અને પૈસા વધારે વપરાઈ ગયાં. એમણે જ્યાં જવું હતું અને ટ્રેન જ્યાં જઈ રહી હતી એ બન્ને સ્ટેશન વચ્ચે અંતર હોવાથી આ પરિસ્થિતિ સર્જાઈ હતી. રોકાણનું પણ આવું જ છે. રોકાણ કરતી વખતે પણ લોકો આવા જ પ્રકારની ભૂલ કરતાં હોય છે.

ઘણાં વર્ષો પહેલાંની વાત છે. આધેડ વયના એક દંપતીએ મને બોલાવ્યો હતો. ગુજરાતના એક નાના શહેરમાં એ રહેતા હતા. એ શહેરની દૃષ્ટિએ એમની ગણના ત્યાંના શ્રીમંતોમાં થતી. એ બંગલામાં રહેતા અને એમની કુલ સંપત્તિનું મૂલ્ય પાંચેક કરોડ રૂપિયા હતું. તેમાં જમીનનો ટુકડો, બે ઘર અને અમુક દુકાનોનો સમાવેશ થતો હતો.

આ પાંચ કરોડમાંથી ફક્ત 25 લાખ રૂપિયા બેન્કની ફિક્સ્ડ ડિપોઝિટ, શૅર અને મ્યુચ્યુઅલ ફંડ્સનાં યુનિટ, વગેરે જેવાં પ્રવાહિતા ધરાવતા રોકાણમાં હતા. એમની પોતાની દીકરીને વિદેશમાં ભણાવવા ઇચ્છતા હતા અને તેનો ખર્ચ 47 લાખ રૂપિયા આવે એમ હતું. આથી એમણે મારી સલાહ માગી હતી. એમની પાસે બે વિકલ્પ હતા. એક, શૈક્ષણિક લોન લેવી અને બે, આશરે 90 લાખ રૂપિયા મૂલ્યના એક પ્લોટનું વેચાણ કરી દેવું.

અહીં, એમની નાણાકીય જરૂરિયાતો અને રોકાણના પ્રકાર વચ્ચે અંતર હતું. આમ થવાનું કારણ એ છે કે આપણામાંથી મોટાભાગના લોકો નાણાકીય લક્ષ્યોની યાદી બનાવતા નથી. આપણે કયા હેતુસર નાણાં બચાવીએ છીએ અને રોકાણ કરીએ છીએ એ બન્ને પ્રશ્ર્નોના જવાબ સ્પષ્ટ હોય તો આવું અંતર ઊભું થાય નહીં. આ જ તફાવતને લીધે આપણે મિસમેચના જોખમનો ભોગ બનીએ છીએ. આપણને બધાને ઝડપથી મળે અને મહત્તમ પ્રમાણમાં મળે એવા વળતરનાં સાધનમાં રોકાણ કરવામાં રસ હોય છે.

વિમાન અને સાઈકલ એ બન્નેમાંથી ઝડપી કોણ? દેખીતી વાત છે, વિમાન. પરંતુ જો આપણે ફક્ત ત્રણ કિલોમીટરના અંતરે જવું હોય તો શેના પર જવું પડે? દેખીતી વાત છે, સાઈકલ. આપણે મહત્તમ વળતર નહીં, પણ ઉત્તમ વળતર પર ધ્યાન આપવું જોઈએ. આપણને જરૂર પડે એવા સમયે ઉપયોગમાં લઈ શકાય નહીં એવા મહત્તમ વળતરનો શું ફાયદો ?! આથી, આપણે જ્યારે પણ રોકાણ કરીએ ત્યારે પોતાની જાતને સવાલ કરવો કે આ રોકાણ કયા નાણાકીય લક્ષ્ય માટે છે. જો, રોકાણ નાણાકીય લક્ષ્યને અનુરૂપ નહીં હોય તો મિસમેચનું જોખમ અને આગળ જતાં બીજી સમસ્યા સર્જાઈ શકે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button