તરોતાઝા

સ્વાસ્થ્ય સુધા ઃ બેકાર પાન તરીકે ઓળખાતાં હિમશૈલ સલાડ પત્તાં છે ઉપયોગી

-શ્રીલેખા યાજ્ઞિક

શિયાળામાં ઠંડીમાં થરથર કાંપતાં રહેવાનો એક આગવો આનંદ છે. ગરમાગરમ ફૂલકાં રોટલી કે બાજરાના રોટલા સાથે લીલાછમ શાકભાજીનો સ્વાદ માણવાનો આનંદ સવારે અનેરો હોય છે. તો રાત્રિના ભોજનમાં ગરમાગરમ વિવિધ જાતના સૂપ પીવાનો આનંદ હટકે હોય છે.

ચોક્કસ શાકભાજી બપોરના ભોજનમાં જ લેવાતા હોય છે. તો સૂપનો સ્વાદ રાત્રિના ભોજન વખતે માણવામાં આવે છે. વિવિધ જાતના સલાડ બનાવીને ખાવામાં કોઈ બાધ નથી.

ભારતીય ભોજનમાં સલાડને આગવું સ્થાન આપવામાં આવ્યું છે. તેમાં પણ જો આપ કાઠિયાવાડની મુલાકાત લો તો ભોજન પીરસાય તે પહેલાં એક મોટી થાળીમાં વિવિધ સલાડ, કચુંબર, સંભારો શિયાળુ અથાણાં તથા ગોળ-ઘીની વાટકીઓ દરેક ટેબલ ઉપર સજાવેલી જોવા મળે છે.

જમાનામાં બદલાવ આવતો ગયો તેમ ભોજનની સામગ્રીમાં ફેરફાર થવા લાગ્યો છે. એક સમય હતો જ્યારે દિવસ પ્રમાણે ખાસ પ્રકારના શાક-દાળ-કઠોળ તથા સલાડ બનાવીને તેનો ઉપયોગ કરવામાં આવતો. વર્તમાનમાં વિદેશી શાકભાજી કહો કે વિદેશી ફળ કહો આપને ઘેર બેઠાં સરળતાથી મળી રહે છે. જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ગણાય છે. આઈસબર્ગ સલાડના પાનને ‘હિમશૈલ સલાડ પાન’ તરીકે ઓળખવામાં આવે છે. આ પાનમાં કૅલરીની માત્રા ઘણી ઓછી હોય છે. તેથી વજનને નિયંત્રણમાં રાખવામાં ઘણા જ ઉપયોગી થાય છે.

હિમશૈલ સલાડ પાનને ‘બેકાર’ ભાજી તરીકે ઓળખવામાં આવે છે. વાસ્તવમાં તે પૂર્ણ રીતે નકામી નથી. તેમાં ઘણા સ્વાસ્થ્યવર્ધક ગુણો સમાયેલાં છે. ૧૯૪૫માં સૌ પ્રથમ બજારમાં જોવા મળી હતી. તે સમયે જ સલાડ -જગતમાં તેના પાનનું આગમન થયું હતું. બજારમાં તેને ‘ક્રિસ્પીડ સલાડ’ તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યો હતો.

ધીમે ધીમે તેને ‘હિમશૈલ સલાડ’ તરીકે ઓળખ મળી. તેનું મુખ્ય કારણ હતું પાનને એક જગ્યાથી બીજે સ્થળે લઈ જવા માટે બરફથી ઢંકાયેલાં ટ્રકોમાં લઈ જવામાં આવતાં. તેથી જ આઈસ બર્ગ પાન તરીકે ઓળખાયાં. પાન ચાવવામાં કડક એટલે કે કુરકુરા હોય છે. તેથી જ વિદેશી સલાડમાં તેનો ઉપયોગ વધુ કરવામાં આવે છે.

આઈસ બર્ગ પાનના પોષ્ટિક ગુણોની વાત કરીએ તો તેમાં સાડિયમ, મેંગેનિઝ, પોટેશિયમ, આયર્ન, કૅલ્શ્યિમ મેગ્નેશિયમ તથા ફોસ્ફરસની માત્રા સમાયેલી છે. વિટામિન એ, વિટામિન સી, વિટામિન કે, વિટામિન બી-૬ તથા થિયામિનના ગુણો સમાયેલાં છે.

Also Read – આહારથી આરોગ્ય સુધી: હૃદયના સ્વાસ્થ્ય માટે પોટેશિયમ છે ગુણકારી

આઈસ બર્ગ લેટ્યૂસ પાનના સ્વાસ્થ્યવર્ધક ગુણો

રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ઉપયોગી: આઈસ બર્ગ લેટ્યૂસમાં મેંગેનીઝ, મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન, ફોસ્ફરસ તથા કૅલ્શિયમ જેવા શરીર માટે અગત્યના ખનીજ તત્ત્વો સમાયેલાં છે. જે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. શરીરના હાનિકારક મુક્તકણોને ઘટાડવામાં મદદ કરે છે. વાઇરલ ચેપ કે મોસમ પ્રમાણે વધતી બીમારીથી બચાવે છે.

ઍનિમિયાની વ્યાધિથી બચાવે છે: હિમશૈલ સલાડના પાનમાં આયર્નની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી હોય છે. તેથી જ તેના નિયમિત સેવનથી નવી રક્ત-કોશિકા બનાવવામાં મદદ કરે છે. આયર્ન શરીરના વિવિધ ભાગોને ઑક્સિજન પહોંચાડવામાં મદદ કરે છે. ઍનિમિયાની વ્યાધિથી બચવું હોય તો શરીરમાં લાલ રક્તકણોની માત્રા વધતી રહે તે આવશ્યક છે.

અનિદ્રાથી બચાવે છે: હિમશૈલ સલાડનું સેવન કરવાથી આંખોને સંપૂર્ણ ઠંડક મળે છે. શરીરનાં વિવિધ અવયવોને પૂરતાં પ્રમાણમાં આરામ મળે છે. આથી જ નિષ્ણાત આહાર તજજ્ઞો અનિદ્રાની વ્યાધિથી પીડાતી વ્યક્તિને સલાડની માત્રા વધુ લેવાની સલાહ આપે છે.

પાચનતંત્ર સુધારવામાં ગુણકારી: હિમશૈલ સલાડનો આહારમાં ઉપયોગ કરવાથી પેટની તકલીફથી છુટકારો મેળવવો સરળ પડે છે. કેમ કે લેટ્યૂસ પાન શરીરમાં રહેલાં વજનદાર કાર્બોહાઈડ્રેટ તથા પ્રોટીનને તોેડવામાં મદદ કરે છે. જેને કારણે પાચનક્રિયા સુચારૂ રીતે ચાલે છે. લેટ્યૂસના પાનમાં ૦.૪ ગ્રામ ફાઈબરની માત્રા સમાયેલી હોય છે. વળી પાણીની માત્રા વધુ હોવાથી પાચનક્રિયા સરળ બનવામાં મદદ મળે છે. કબજિયાત રોકવામાં ઉપયોગી ગણાય છે.

તંદુરસ્તી જળવાય છે: સલાડનો ઉપયોગ સામાન્ય રીતે શરીરની પ્રત્યેક પ્રક્રિયા વ્યવસ્થિત રીતે કામ કરે છે. હિમશૈલ પાનમાં વિટામિન એની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે. વિટામિન એ આંખોની તંદુરસ્તી માટે લાભકારક ગણાય છે. હાડકાંને મજબૂત બનાવવામાં વિટામિન એની મુખ્ય ભૂમિકા હોય છે. શરીરની રોગપ્રતિરક્ષા પ્રણાલીને મજબૂત કરવામાં મદદ કરે છે.

ડાયાબિટીસમાં લાભકારી: ડાયાબિટીસના દર્દીઓ માટે આઈસબર્ગ લેટ્યૂસના પાન કાચા ચાવવા ગુણકારી ગણાય છે. કેમ કે આઈસબર્ગ લેટ્યૂસ પાનનો ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ૧૫ છે. ગ્લાઈસેમિક લોડ ૧ છે. વળી અડધી વાટકી લેટ્યૂસ પાનમાં ૧.૫ ગ્રામ કાર્બ્સ હોય છે. જે લોહીમાં ગ્લુકોઝની માત્રાને ઝડપથી વધવા દેતી નથી. આથી જ મધુમેહના દર્દી માટે આઈસબર્ગ સલાડ ઉત્તમ ગણાય છે.

આઈસબર્ગ લેટ્યૂસના પાનનો ઉપયોગ મુખ્યત્વે સલાડમાં થતો હોય છે. તેની ખેતી સૌ પ્રથમ મિસ્રમાં થતી હતી. ધીમે ધીમે તે વધતી ગઈ તથા અમેરિકા પહોંચી ગઈ. ત્યારબાદ તે વિશ્ર્વના પ્રત્યેક દેશમાં ઊગવા લાગ્યા. અમેરિકામાં સૌથી વધુ વપરાતા સલાડ પાનમાં તેનો નંબર પ્રથમ આવે છે. હાલમાં તો ભારતમાં તેની માગ વધવા લાગી છે. તેનું વૈજ્ઞાનિક નામ ‘લૈક્ટુકા સૈટિવા’ છે. સૈંન્ડવીચ, સૂપ, બર્ગર તથા કટલેસની સજાવટમાં તેનો વધુ ઉપયોગ થાય છે. આછા લીલા રંગના પાન કોબી પરિવારના સભ્ય ગણાય છે.

લેટ્યૂસ પાન તથા હરાભરા ચણા સલાડ

સામગ્રી : ૧ મોટી વાટકી અડધા કાપેલાં લેટ્યૂસ પાન, ૧ વાટકી લીલા બાફેલાં ચણા, ૧ નંગ લીલી કાકડીના ટુકડા,૧ નંગ બીજ કાઢીને કાપેલું ટામેટું, ૧ નંગ લીલી ડુંગળી કાપેલી, ૧ વાટકી પનીરના ટૂકડાં, સ્વાદાનુસાર ફુદીનાના પાન, સ્વાદાનુસાર કોથમીર, અડધી ચમચી લીંબુનો રસ, ૧ નાની ચમચી ખાંડ, ૧ નાની ચમચી ચાટ મસાલો, ચપટી સંચળ
બનાવવાની રીત : સૌ પ્રથમ લીલા ચણાને બાફી લેવા. એક બાઉલમાં લેટ્યૂસના પાન હાથેથી કાપીને લેવા. તેમાં બાફેલાં ચણા, લેટ્યૂસના પાન, કાકડી, ટમેટું, પનીર, લીલી ડુંગળી, ફુદીનાના પાન, ખાંડ, ચાટ મસાલો, કોથમીર, લીંબુનો રસ, વગેરે ભેળવીને બરાબર હલાવી લેવું. આયર્ન તથા પ્રોટીનથી ભરપૂર સલાડ અત્યંત પોષ્ટિક બનશે. ઠંડીમાં તમારી ત્વચા ગુલાબી બની જશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button