કેવું અદ્ભુત છે આપણું શરીર!
આ પણ વિધિની એક વક્રતા છે કે જે દરેક શ્ર્વાસે-ઉચ્છવાસે આપણી સાથે સંકળાયેલી છે એવી આપણી જ કાયાથી કેટલા બધા અજાણ્યા છીએ!
આવો, કુદરતની આવી વિસ્મયજનક ભેટને આપણે નજીકથી ઓળખી લઈએ
આરોગ્ય + પ્લસ -સ્મૃતિ શાહ-મહેતા
માનવ શરીર એ ઈશ્ર્વર સર્જિત હરતી- ફરતી કલાકૃતિ છે, જે આપણને ઈશ્ર્વર જેવું કોઈ જરૂર છે, એવું માનવાને કારણ પૂરું પાડે છે.
આધુનિક વિજ્ઞાનને બ્રહ્માંડના ભેદ ઉકેલવામાં જેટલી સફળતા મળી છે, તેનાથી તસુભાર પણ વધુ સફળતા, શરીરના ભેદ ઉકેલવામાં મળી નથી!
આપણું આ શરીર, રચનાત્મક રીતે, અનેક કાર્યશીલ સૂક્ષ્મ એકમોનું બનેલું છે. જેને આપણે કોષ તરીકે ઓળખીએ છીએ. અંગ્રેજીમાં તેને ‘સેલ’ કહે છે. મકાનના ચણતરનો એકમ જેમ ઈંટ છે તેમ શરીરનો એકમ એટલે કોષ. શરીર આશરે ૧૦૦ પરાર્ધ (૧૦૦ x ૧૦૧૨ ) જેટલા કોષોનું બનેલું છે! આટલી મોટી સંખ્યાની ઈંટોમાંથી એક મહાનગરનું નિર્માણ થઈ શકે!
આવાં આ અદ્ભુત શરીરની ઉત્પત્તિ થાય છે કેવી રીતે?
આનો જવાબ શોધવામાં અને સમજવામાં સામાન્યજનને એક અવતાર પણ ઓછો પડે. આપણે તો એટલું સમજીએ કે, આ બધું કોષ, કોષકેન્દ્રમાં રહેલાં રંગસૂત્રો (ક્રોમોઝોમ) અને રંગસૂત્રોને વળગેલાં જીન્સ ના આધારે થતું આવે છે. શરીરની સર્જનાત્મક વિશિષ્ટતાઓનો આધાર કોષકેન્દ્રમાં રહલાં રંગસૂત્રો પર હોય છે. માણસની આંખનો રંગ, ચામડીનો રંગ, ચહેરો તથા શરીરનો ઘાટઘૂટ, અવાજ, સ્વભાવ જેવાં અનેક લક્ષણો આ રંગસૂત્રો પર અંકિત હોય છે અને તે જ પ્રમાણે શરીરની રચના થાય છે. તેથી જ તો કહ્યું છે કે, ‘બાપ એવા બેટા અને વડ એવા ટેટા’ .
આ તો ફક્ત શરીરના રંગ, રૂપ અને રચનાની વાત થઈ, પરંતુ માનવજીવન દરમિયાન થનારાં કેટલાક રોગ વિશેની માહિતી પણ આ રંગસૂત્રોમાં ગર્ભિત હોય છે. આજકાલ જિનેટિક વૈજ્ઞાનિકો રંગસૂત્રો (ક્રોમોઝોમ) અને તેમાંનાં જીન્સના ભેદ ઉકેલવામાં રાત- દિવસ એક કરે છે. તેથી જ તો ‘જિનેટિક એન્જિનિયરિંગ’નામની એક નવી જ શાખા તબીબી વિજ્ઞાનમાં વિકાસ પામી રહી છે, જેના દ્વારા ભવિષ્યમાં કદાચ અસાધ્ય રોગની સારવાર શક્ય બને તો એક માનવ જાત પર વિજ્ઞાનના મોટામાં મોટા આશીર્વાદ હશે. નવા અવતરનાર બાળકના રંગ- રૂપ પણ મનપસંદ રીતે નક્કી કરવાનો અધિકાર માતા-પિતાને મળે તો નવાઈ નહીં પામતાં. આમ ઈચ્છિત ગુણધર્મોવાળા બાળકનું સર્જન માનવના હાથમાં આવે અને સર્જનહાર હાથ ઘસતા રહી જાય એવી
ઘટના આવતી સદીમાં બને તો એને ચમત્કાર જ
ગણાશે!
અહીં શરીરની વાત આગળ વધારીએ તો:
સ્ત્રીના દરેક કોષમાં ક્રોમોઝોમ (રંગસૂત્ર) હોય છે. તે કોષનું વિભાજન થતાં બે પ્રજનન કોષ બને છે, જે બંનેમાં એક એક ડ્ઢ ક્રોમોઝોમ હોય છે.
એ જ રીતે પુરુષના દરેક કોષમાં ક્રોમોઝોમ હોય છે, તેનું વિભાજન થઈ બે પ્રજનન કોષ બને છે. તેમાંના એકમાં x અને બીજામાં ક્રોમોઝોમ હોય છે. હવે આ વિભાજિત થયેલ પ્રજનન કોષોનું સંયોજન થતાં, સ્ત્રીના ડ્ઢ ક્રોમોઝોમવાળા કોષ, પુરુષનાં ક્રોમોઝોમવાળા કોષનું સંયોજન થાય તો xy વાળો કોષ બને, જે ફરીને સ્ત્રી બાળકની રચના કરે છે. પરંતુ જો સ્ત્રીનોx ક્રોમોઝોમવાળો કોષ પુરુષના ક્રોમોઝોમવાળા કોષ સાથે સંયોજન પામે તો xy ક્રોમોઝોમવાળો કોષ બને, જે પુરુષ બાળકની રચના કરે છે.
આ બે પ્રજનન કોષના સંયોજન દ્વારા બનેલ નવા કોષનું આરોપણ સ્ત્રીના ગર્ભાશયમાં થાય છે અને ત્યાં નવા બાળકની ઉત્પતિ શરૂ થાય છે. આ પ્રક્રિયામાં આ કોષનું વિભાજન શરૂ થાય છે. એ એક કોષમાંથી બે, બેમાંથી ચાર અને ચારમાંથી આઠ એમ થતાં અસંખ્ય કોષોનો સમૂહ ઉત્પન્ન થાય છે. કોષોના આ સમૂહમાંથી જરૂરિયાત પ્રમાણે અનેક પ્રકારના અંગો બને છે, જેમકે મગજ, હૃદય, કિડની વગેરે.
આપણા આ અદ્ભુત શરીરમાં પિચ્યુટરી, એડ્રીનલ, થાઈરોઈડ, પેરાથાઈરોઈડ, પેન્ક્રિયાઝ (સ્વાદુપિંડ) જેવી અંત:સ્ત્રાવી ગ્રંથિઓ આવેલી છે. આ ગ્રંથિઓમાંથી ઉત્પન્ન થતો રસ કે જે ‘અંત:સ્ત્રાવ’ના નામે ઓળખાય છે તે ગ્રંથિમાંથી સીધો લોહીમાં ભળે છે અને લક્ષિત અવયવ સુધી પહોંચી તેને સોંપવામાં આવેલું કાર્ય કરે છે. આવા અંત:સ્ત્રાવો શરીરના આંતરિક કાર્યોનું નિયમન કરે છે. અંગ્રેજી ભાષામાં અંત:સ્ત્રાવોને હોર્મોન્સ કહે છે. હોર્મોન્સની શરીર માટે જરૂરી એવી નિશ્ર્ચિત માત્રામાં જરા સરખી પણ વધઘટ થાય તો આખા શરીરનો બૌદ્ધિક, માનસિક અને લૈંગિક વિકાસ ખોરંભે પડે છે કે ફંટાઈ જાય છે.
આપણું શરીર ખરેખર આ પંચમહાભૂતોનું
બન્યું છે!
શરીરમાં જમીન-જળ-વાયુ-અગ્નિ અને આકાશ એવાં પંચતત્ત્વ આવેલાં છે.
(૧) જમીન : જમીનની માફક શરીરના બંધારણમાં ખનિજક્ષારો આવેલાં છે: કાર્બન-૧૮%, હાઈડ્રોજન-૧૦%, નાઈટ્રોજન-૩.૦%, ફોસ્ફરસ-૧.૧%, કેલ્શિયમ-૨.૦%, પોટેશિયમ-૦.૩૫%, સલ્ફર-૦.૨%, સોડિયમ-૦.૧૫%, ક્લોરિન-૦.૧૫%, મેગ્નેશિયમ-૦.૦૫%, આયર્ન-૦.૦૦૪%.
(૨) જળ : શરીરમાં ૬૦-૭૦% જેટલો હિસ્સો પાણીનો હોય છે. આપણી ત્વચાની કોમળતા પાણીને આભારી હોય છે. શરીરમાં આશરે ૬ લિટર જેટલું લોહી હોય છે અને લોહીમાં પણ અધિકાંશ પાણી જ હોય છે.
(૩) વાયુ : શરીરમાં પોલાણો/અવકાશ પણ આવેલાં છે, જેમ કે, જઠરનું પોલાણ, આંતરડાનાં પોલાણ વગેરે. આ પોલાણોમાં વાયુઓ વિચરે છે. મનુષ્ય આશરે દરરોજ ૪૫૦ ઘનફૂટ વાયુ એટલે કે ઓક્સિજન શ્ર્વેસ છે.
(૪) આકાશ : શરીરમાં અવકાશ પણ આવેલાં છે. જઠરનું અવકાશ, સાઈનસના પોલાણો, આંતરડાંનાં પોલાણનાં અવકાશ વગેરે.
(૫) અગ્નિ : ચયાપચયની ક્રિયા દ્વારા શરીરમાં અગ્નિ પેદા થાય છે, જે શરીરને જીવંત અને કાર્યશીલ રાખે છે. શરીરનું સામાન્ય ઉષ્ણતામાન ૯૮.૬ હોય છે, જે વધીને ૧૦૬ સુધી જઈ શકે છે. આ ઉષ્ણતામાન જો ૯૬ થી નીચે જાય તો શરીર મૃત્ય તરફ ધકેલાય છે.
આવી છે શરીર રચનાની સૂક્ષ્મતા ને ભવ્યતા…
- શરીરમાં ૨૧૩ હાડકાં હોય છે. ( આ સંખ્યા વિશે મતભેદ છે)
- મનુષ્યનાં હાડકાં ગ્રેનાઈટ પથ્થર જેટલું જ મજબૂત બંધારણ ધરાવે છે. માત્ર દીવાસળીની પેટી જેવડો હાડકાંનો ટુકડો ૯ (નવ) ટન વજન ખમી શકે છે!
- શરીરમાં ૫૦૦ કરતાં વધારે સ્નાયુ હોય છે.
- પુરુષના હૃદયનું વજન આશરે ૩૫૦ ગ્રામ અને સ્ત્રીના હૃદયનું વજન આશરે ૨૨૫ ગ્રામ હોય છે.
- શરીરની બધી જ રક્તવાહિનીઓની કુલ લંબાઈ ૯૬૫૪ કિલોમીટર જેટલી માનવામાં આવે છે.
- શરીરના એક ચોરસ ઈંચમાં ૧૦૦૦૦ કેશવાહિનીઓ હોય છે.
- આખા શરીરમાં કુલ ૩૦ લાખ પ્રસ્વેદ
ગ્રંથિઓ છે. - માનવ શરીરમાં ૯૦૦૦ સ્વાદકલિકા હોય છે.
- મનુષ્યના શરીરનું સૌથી મોટું અંગ તેની
ચામડી છે. - મનુષ્યના માથામાં એક લાખ જેટલા વાળ હોય છે. એક મહિનામાં ૧થી ૨ સેન્ટિમીટર જેટલા વાળનો વિકાસ થાય છે.
- મનુષ્યના નખ દર ત્રણ મહિને ૧ સેન્ટિમીટર .જેટલા વધે છે.
- માણસને જોરદાર છીંક આવે ત્યારે નાકમાંથી ફેંકાતી હવાના દબાણની ઝડપ ૧૬૦ માઈલ હોય છે.
દષ્ટિ એટલે કે આંખ….
મનુષ્યની આંખમાં દુનિયાની સાત નહીં , પણ સાત લાખ અજાયબી છુપાયેલી છે.
- આંખનો પલકારો દર બેથી દસ સેકંડે થતો હોય છે, અને ૦.૩,થી ૦.૪ સેકંડ ચાલતો હોય છે. માણસ
દર કલાકે ૧૮૦થી ૩૬૦ વાર પાંપણ પટપટાવે છે. આપણી જાગૃતિના સમયમાંથી લગભગ અડધો કલાક આંખને પલકારવામાં વીતે છે. જન્મ પછીના શરૂઆતના મહિનાઓમાં બાળક આંખના પલકારા મારતું નથી…! - આંખની ખુલ્લી સપાટી હલનચલનની નોંધપાત્ર સ્વતંત્રતા ધરાવે છે. આંખનો ગોળો ૩૫ અંશના ખૂણે ઉપરના દિશામાં, ૫૦ અંશ નીચેની તરફ, ૪૫ અંશ બહારની દિશામાં અને ૫૦ અંશ નાકની દિશામાં ફરી શકે છે.
- આપણા દષ્ટિજ્ઞાન નો આધાર આપણી જાણકારી અને જ્ઞાનના સ્તર પર ઘણે અંશે આધાર રાખે છે. તેથી એવી કહેણી છે કે, મનને જેની જાણકારી હોતી નથી તે આંખો કદાપિ જોઈ શકતી નથી. ઉદાહરણ તરીકે, ઓસ્ટ્રેલિયાના મૂળ વતનીઓ મેઘધનુષ્યના તમામ રંગ પારખી શકતા નથી, કેમ કે એમને માત્ર ચાર જ રંગની જાણકારી અને તેનાં નામ આવડતાં હોય છે!
- તમામ સજીવોમાં એક માત્ર મનુષ્ય જ લાગણીઓનો ઊભરો પેદા થાય તો આંસુ સારી શકે છે.
- નાનું બાળક તેની આંખથી ૩ ઈંચના અંતરે રહેલા પદાર્થને જોવા માટે બન્ને આંખને નાકની દિશામાં અંદરની તરફ વાળી શકે છે, જ્યારે વ્યક્તિ ૩૦ વર્ષની ઉંમરે પહોંચે ત્યાં સુધીમાં સાડા પાંચ ઈંચના
અંતરે રહેલી ચીજ તરફ આંખને કેન્દ્રીત કરી શકે છે.
ગંધ… નાક
માણસના શરીરની ગંધ પણ તેની આંગળીઓની છાપની માફક વિશિષ્ટ અને આગવી હોય છે.
પોલીસનાં કૂતરાંઓ સમરૂપ જોડિયાં બાળકોનાં શરીરની ગંધ વચ્ચે ભેદ પાડી શકતા નથી. પછી ભલે બન્ને જોડિયા વ્યક્તિઓ અલગ સ્થાનમાં વસતા હોય, અલગ કામ કરતા હોય અને ભિન્ન ખોરાક ખાતાં હોય.
એ ઉપરાંત , ગંધ સ્મરણ શક્તિ સાથે પણ સંકળાયેલ છે તેથી અમુક પરિચિત ગંધ આપણા મનમાં લાગણી અને પુરાણી યાદોના તીવ્ર પ્રતિભાવ પેદા કરે છે. આપણું મગજ સ્વાદ અને ગંધ પ્રત્યે એક સાથે ધ્યાન આપતું હોય છે, તેથી આપણને શરદી થઈ હોય ત્યારે ખોરાક પ્રત્યેની રુચિ નાશ પામે છે , કારણ કે તેની ગંધ મગજ પારખી શકતું નથી.
સ્વાદ… જીભ
પુખ્ત વ્યક્તિની જીભ પર સરેરાશ ૯૦૦૦ જેટલી સ્વાદગ્રંથિઓ હોય છે, જ્યારે નાનાં બાળકોમાં તેનાથી અનેકગણી વધારે. બાળકોને ગાલના અંદરના ભાગમાં પણ સ્વાદગ્રંથિઓ હોય છે. તેથી જ તેઓ જલદ સ્વાદ પ્રત્યે ઉગ્ર પ્રતિભાવ આપતાં હોય છે. જેમ જેમ આપણી ઉંમર વધતી જાય તેમ તેમ સ્વાદગ્રંથિઓ ઘસાઈને નાશ પામે છે.
મોંના કૅન્સરના વહેલા નિદાન માટે આજકાલ સંશોધન ચાલી રહ્યાં છે જેમાં વ્યક્તિના સ્વાદ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. એવું અવલોકન છે કે, કૅન્સરની શરૂઆતમાં મહિનાઓ કે વર્ષો દરમિયાન વ્યક્તિની સ્વાદની અનુભૂતિમાં ન સમજાય તેવો ફેરફાર થતો હોય છે. એટલે દર્દીને ચાનો કપ કે બાફેલું ઈંડું ખાય તો એવો વિચિત્ર સ્વાદ આવે છે. તરીકે ઓળખાતી આ વાત હજુ સમજી શકાઈ નથી.
*ગળ્યો અને ખારો સ્વાદ પારખવાની સ્વાદગ્રહિતાઓ (ટેસ્ટ બડસ) જીભને ટોચના ભાગે હોય છે. અને કડવો સ્વાદ પારખનારી સ્વાદગ્રહિતાઓ જીભના પાછળના ભાગે આવેલી હોય છે. જીભના ટોચ પર ખોરાકનું તાપમાન અને બંધારણ નક્કી કરનારી સ્વાદગ્રહિતાઓ આવેલી હોય છે, જેથી દરેક કોળિયા સાથે કેવો વહેવાર કરવો એ મગજ નક્કી કરી શકે છે.
*વૃદ્ધાવસ્થામાં જીભની સ્વાદગ્ંરથિઓ ઘણી ઘસાઈ જાય છે. તેથી વૃદ્ધ વ્યક્તિઓનો સ્વાદ ઘણે અંશે જતો રહે છે, અને તેમની ખોરાકમાંથી રૂચિ ઓછી થઈ જાય છે.
( સંકલિત સૈજન્ય : આપણું સ્વાસ્થ્ય)
આ દેહ દેવાલય શું છે
રાજસ્થાનની ‘નારાયણ સેવા સંસ્થા’ ને દેશનો સૌપ્રથમ વિશાળ હ્યુમન એનેટોમી પાર્ક બનાવ્યો છે. જેનું નામ ‘દેહ દેવાલય’ છે. અહીં શિલ્પીઓએ શરીરનાં વિવિધ અંગોનું ફાઈબરમાંથી સર્જન કર્યું છે. આ વિરાટકાય શિલ્પના મોઢામાં બાળકો પ્રવેશે એટલે મોંની અંદરની રચના બાળકો જાણી શકે છે. તે જ રીતે કાનમાં પ્રવેશી કાનની રચના અને અન્ય અંગોનું નિરીક્ષણ કરી શકે છે!