તરોતાઝા

મનની ક્રિયાઓમાં રાચવાનું બંધ થાય કેવી રીતે? અવધાન અથાત્ જાગૃતિ તે માટેનો સમર્થ ઉપાય છે.

યોગ મટાડે મનના રોગ

તંદુરસ્તી-મનદુરસ્તી -ભાણદેવ

મન તો ત્યાં સુધી રોકી રાખે છે. જ્યાં સુધી આપણે મનની ક્રિયાઓમાં રમમાણ રહીએ છીએ. જ્યારે આપણે મનની ક્રિયાઓમાં રાચવાનું બંધ કરીએ ત્યારે સહજ સરળ રીતે આપણે મનસાતીત ભૂમિકામાં પ્રવેશ કરીએ છીએ. મનની ક્રિયાઓમાં રાચવાનું બંધ થાય કેવી રીતે? અવધાન અથાત્ જાગૃતિ તે માટેનો સમર્થ ઉપાય છે. પ્રગાઢ અવધાનના પ્રકાશમાં મનની ક્રિયાઓ બંધ થતાં જ આપણી ચેતના સડસડાટ મનસાતીત ભૂમિકામાં પ્રવેશ પામે છે. આમ અવધાન મનસાતીત ભૂમિકાએ ઊર્ધ્વાવસ્થામાં પ્રવેશનું સાધન બની શકે તેમ છે.

(૩) ભાગવત ચેતનાનો સ્પર્શ:
ચિત્ત જ્યારે મનસાતીત ભૂમિકાએ પહોંચે ત્યારે ભાગવત ચેતના સાથે તેનો સંપર્ક પણ થાય છે. વસ્તુત: વ્યક્તિ-ચેતનાનો ભાગવત ચેતના સાથે સંબંધ છે જ. મનની પ્રક્રિયાઓમાં રમમાણ રહેવાને કારણે આપણે અહંકારની સીમાથી બદ્ધ રહીએ છીએ. આમ હોવાથી આપણી વ્યક્તિગત ચેતનાના ભાગવત ચેતના સાથેના સંબંધ વિશે આપણે સભાન નથી. મનની ક્રિયાઓથી મુક્ત થતાં જ અહંકારની સીમાનું ભેદન થાય છે અને આપણને ભાગવત ચેતનારૂપી મહાસમુદ્રમાં દર્શન થાય છે- ભાગવત ચેતનાનો સ્પર્શ મળે છે.

અવધાન દ્વારા આપણી ચેતના નિ:સ્પંદ બને છે, નીરવ બને છે અને આવી નિ:સ્પંદ ચેતના ભાગવત સ્પર્શ પામવા માટેનું સમુચિત માધ્યમ છે- સમુચિત આધાર છે.

અવધાનમાં વિકસેલી ચેતના કૃપા માટે યથાર્થ પ્રાર્થના કરી શકે છે અને ભાગવત કૃપાનો સ્પર્શ પણ પામી શકે છે.

અવધાનના પ્રકાશથી પરિશુદ્ધ બનેલું ચિત્ત ભાગવત કૃપાને પામવાનું યોગ્ય પાત્ર બને છે.

આમ જાગૃતિ અર્થાત્ અવધાન દ્વારા ભાગવત સ્પર્શની ત્રીજી ઘટના પણ ઘટી શકે છે.

આનો અર્થ એમ કે જાગૃતિ અર્થાત્ અવધાનનું આધ્યાત્મિક રૂપાંતર માટે ઘણું મોટું મૂલ્ય છે. અવધાન આધ્યાત્મિક વિકાસ અને આધ્યાત્મિક રૂપાંતર માટેનું એક સમર્થ સાધન બની શકે
તેમ છે.

૬. જાગૃતિ અને નિત્યજીવન:
જાગૃતિ માત્ર અધ્યાત્મપથના યાત્રીઓ માટે જ છે. તેવું નથી. જાગૃતિ માત્ર અધ્યાત્મસાધન જ છે, તેવું પણ નથી. વળી જાગૃતિ કોઇ વિરલ ઘટના છે અને અસાધારણ યોગ્યતાવાળા વિરલ માનવો જ તેને પામી શકે, તેવું પણ નથી.

જાગૃતિ સર્વજનસુલભ છે. જાગૃતિ સર્વ જનોના નિત્યજીવનમાં સહાયક તત્ત્વ છે, એટલું જ નહિ, પરંતુ જીવનના નાના-મોટા સર્વ વ્યવહારો અને સંબંધોનું રૂપાંતર કરી શકે તેવું તેનું પોત છે. તેથી આપણે જાગૃતિની સાધના તો સાધુબાબાઓ માટે જ છે, તેમ માનીને તેની અવગણના કરવા માંડીએ તો આપણે જીવનની એક બહુ મૂલ્યવાન વસ્તુથી વંચિત રહી જઇએ છીએ, તેમ સમજવું જોઇએ.
જાગૃતિ વ્યક્તિના જીવનને સ્વસ્થ બનાવે છે. જાગૃતિ દ્વારા વ્યક્તિના નિત્યજીવનની અનેક સમસ્યાઓનું નિરાકરણ પ્રાપ્ત થાય છે. જાગૃતિના પ્રકાશથી વ્યક્તિના જીવનમાં ઊંડાણ પ્રગટે છે અને વ્યક્તિનો એક નવા પરિમાણમાં પ્રવેશ થાય છે. મનની અનેક સમસ્યાઓ જાગૃતિના અભાવમાં પેદા થાય છે અને જાગૃતિના પ્રકાશમાં તેમનું નિરાકરણ લાધે છે.

જાગૃતિ દ્વારા વ્યક્તિના અન્ય સાથેના સંબંધોમાં સંવાદિતા પ્રગટે છે. વ્યક્તિ-વ્યક્તિના સંબંધોમાં જે ગૂંચો પેદા થાય છે તેનું પાયાનું કારણ જાગૃતિનો અભાવ છે. જાગૃત વ્યક્તિ સ્વસ્થ હોય છે અને જાગૃત વ્યક્તિનો અન્ય વ્યક્તિઓ સાથેનો વ્યવહાર પણ સ્વસ્થ જ હોવાનો.

આ ધરતી પર માનવી સુખચેનથી કેમ રહી નથી શક્તો? કારણ એ છે કે હજુ માનવીમાં પર્યાપ્ત પ્રમાણમાં જાગૃતિનો વિકાસ થયો નથી. એવું લાગે છે કે જાગૃતિના પંથ પર હજુ માનવી પા-પા-પગલી જ કરે છે. પણ સદ્ભાગ્યે માનવી ઇચ્છે તો વધુ ને વધુ જાગ્રત થઇ શકે છે. અને આમ બને તો? માનવો- આ પૃથ્વી પરના માનવો વધુ ને વધુ જાગ્રત બને તો? તો-તો આ બ્રહ્માંડમાં જે કોઇ ગ્રહો પર માનવો વસતા હશે ત્યાંના માનવો અવકાશયાન દ્વારા પૃથ્વીની યાત્રા કરવા માટે આવવા માંડશે! જાગૃતિનો આવો મહિમા છે! માનવજીવનનું રૂપાંતર કરવાની જાગૃતિની આવી અને આટલી ક્ષમતા છે!

૭. જાગૃતિ દ્વારા માનસચિકિત્સા:
સાંજના સમયે એક બાળક પોતાના ઘરના એક ખૂણામાં પોતાની દોરીની ગૂંચ ઉકેલતો હતો. અંધારું થવા માંડ્યું હતું. બાળક પોતાની દોરીની ગૂંચ ઉકેલવા માટે ફાંફાં મારતો હતો, પરંતુ અંધારાના કારણે ગૂંચ ઉકેલાતી ન હતી, પણ દોરી વધુ ને વધુ ગૂંચવાતી જતી હતી.

તે જ વખતે બીજા ઓરડામાંથી તેની માતાએ બાળકને કહ્યું:
“ઓરડામાં લાઇટ કરજે!

પણ બાળક તો પોતાની દોરીની ગૂંચ ઉકેલવામાં એવો તો તન્મય હતો કે તેણે માતાના બોલ પર ધ્યાન આપ્યું નહીં. માતાએ ફરીફરી ઓરડામાં લાઇટ કરવાની તાકીદ કરી. પણ બાળક પોતાના કાર્યને વહેવું પૂરું કરવા ઇચ્છતો હતો. માતાએ વારંવાર લાઇટ કરવાની સૂચના આપી એટલે બાળકે તેને જવાબ આપ્યો:
“મા! મારી આ દોરી ગૂંચાઇ ગઇ છે. પહેલાં હું આ દોરીની ગૂંચ ઉકેલી લઉ છું. પછી તરત લાઇટ કરીશ.
આટલું કહીને બાળક પોતાના કાર્યમાં તલ્લીન બની ગયો. બાળક અંધારામાં દોરીની ગૂંચ ઉકેલવા માટે ફાંફાં મારતો રહ્યો અને દોરી વધુ ને વધુ ગૂંચાતી રહી.

આખરે માતા બાળક પાસે આવી તેણે જોયું કે બાળક પોતાની દોરીની ગૂંચ ઉકેલવા માટે અંધારામાં પ્રયત્નો કરે છે. અંધારામાં ગૂંચ ઊકલે કેવી રીતે? અંધારામાં તો ગૂંચ વધુ ને વધુ ગૂંચાતી જાય છે:
માતાએ તરત ઓરડામાં લાઇટ કરી. ઓરડો પ્રકાશિત બન્યો. માતાએ બાળકને કહ્યું: “બેટા! અંધારામાં ગૂંચ ન ઊકલે. પહેલાં પ્રકાશ પ્રગટાવ, તે પ્રકાશની સહાયથી તારી દોરીની ગૂંચ ઉકેલી નાખ.
ઓરડામાં પ્રકાશ પ્રગટતાં બાળકના કાર્યનું સ્વરૂપ બદલાઇ ગયું, હવે પ્રકાશમાં તો દોરીની ગૂંચ કયાં છે તે બાળક તરત સમજી ગયો અને પ્રકાશની મદદથી તેણે દોરીની ગૂંચ તરત ઉકેલી નાખી.

હવે પ્રશ્ર્ન એ છે કે પહેલાં પ્રકાશ પ્રગટાવવો કે પહેલાં ગૂંચો ઉકેલવી? જીવનમાં અનેક ગૂંચો હોય છે. જાગૃતિના પ્રકાશના અભાવમાં અર્થાત્ બેભાનાવસ્ઘાના અંધકારમાં આપણે તે ગૂંચો ઉકેલવા ફાંફાં મારીએ છીએ, હવે કહો, ગૂંચો ઉકેલાય કેવી રીતે?

પહેલાં જીવનમાં જાગૃતિનો પ્રકાશ પ્રગટાવો, પછી જીવનની ગૂંચો ઉકેલવાનું કાર્ય ઘણું સરળ બની જશે.

આ સત્ય જેમ સામાન્ય માનવીને લાગુ પડે છે. તેમ માનસિક રોગોનાં દરદીને પણ લાગુ પડે છે. માનસિક બીમારીઓ વસ્તુત: મનની ગૂંચો જ છે ને! મનની સમસ્યાઓ જ છે ને! દરદી આ ગૂંચોમાંથી મુક્ત થવા માટે પોતાની રીતે લગભગ બેભાન રીતે ફાંફાં મારતો જ હોય છે. પરંતુ અંધકારને કારણે આ ગૂંચો વધુ ને વધુ કઠિન બનતી જાય છે. જો આ દરદીના જીવનમાં કોઇ ક રીતે જાગૃતિનો પ્રકાશ પ્રગટે તો? તો જાગૃતિના પ્રકાશમાં દરદીના જીવનથી અનેક ગ્રંથો સરળતાથી ઉકેલાવા માંડશે.

બેભાનાવસ્થા દરદીની સમસ્યાના પાયામાં હોય છે અને જાગૃતિ દ્વારા આ સમસ્યાઓનો ઉકેલ સરળતાથી હાથવગો બને છે. (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button