તરોતાઝાસ્પેશિયલ ફિચર્સ

ગાડરિયા પ્રવાહથી કેવી રીતે બચવું?

મિતાલી મહેતા

બિહેવિયરલ ફાઇનાન્સના વિષયમાં આજે આપણે હર્ડ મેન્ટાલિટી વિશે વાત કરીશું. જ્યારે કોઈ વ્યક્તિ એક સમૂહ કે જૂથના બીજા લોકોનું અનુકરણ કરે ત્યારે તેને ‘હર્ડ મેન્ટાલિટી’ કહે છે. લોકો એવા સમયે પોતાના સ્વતંત્ર વિશ્લેષણ, નિરીક્ષણ કે તર્કને અનુસરવાને બદલે લાગણીમાં આવી જઈને બીજાઓનું અનુકરણ કરતા હોય છે. બિહેવિયરલ ફાઇનાન્સમાં રોકાણકારો અન્ય રોકાણકારોનું અનુકરણ કરે ત્યારે તેને હર્ડ મેન્ટાલિટી બાયસ કહેવાય છે. વ્યક્તિગત રીતે એમણે પોતે કોઈ અલગ જ નિર્ણય લીધો હોત, પરંતુ કોઈ સમૂહ કે જૂથના પ્રભાવમાં આવી જઈને એમનું અનુકરણ કરવા માંડે એને જ કહેવાય ગાડરિયો પ્રવાહ.

આવું શું કામ થાય છે?
મનુષ્ય સામાજિક પ્રાણી છે અને તેથી એને બીજા લોકોથી વિપરીત વર્તન કરવામાં હંમેશાં મુશ્કેલી નડતી હોય છે. આ મુશ્કેલી ભાવનાત્મક કે માનસિક હોય છે. આપણે જો બીજાઓ કરે છે એમ નહીં કરીએ તો શું થશે એવો ડર સૌને સતાવતો હોય છે. ક્યારેક બીજાઓથી અલગ વર્તન કરવામાં ભોંઠા પડી જવાની બીક રહેતી હોય છે. ઉદાહરણ તરીકે, ધારો કે તમે કોઈ નવા જ સ્થળે રજાઓ માણવા ગયા છો અને ત્યાં તમે નાસ્તો કરવા માટે કોઈ સારી જગ્યા શોધી રહ્યા છો. તમને નજીકમાં જ બે કેફે દેખાય છે. એક કેફેમાં માણસો ઊભરાય છે અને બીજામાં ગણ્યાગાંઠ્યા લોકો જ છે. તમે આ બન્નેમાંથી કયા કેફેમાં જવાનું પસંદ કરશો, જે ખાલી છે એમાં જશો કે ભરેલું છે એમાં? એમાં મળતી વસ્તુઓનો સ્વાદ સારો હોય તો જ ત્યાં ગિરદી વધારે હોય એવી એક સામાન્ય છાપને લીધે સહજ છે કે તમે ગિરદીવાળા કેફેમાં જશો. શક્ય છે કે જ્યાં ગિરદી ઓછી હોય ત્યાં વધારે સ્વાદિષ્ટ ખાવાનું મળતું હોય. આમ છતાં, બીજાઓને જોઈને ગિરદીવાળા કેફેમાંજ જવાનું લોકો પસંદ કરતા હોય છે. બીજાઓને જોઈને ગિરદીવાળા કેફેમાં જવું એ જ છે ગાડરિયો પ્રવાહ.

શેરબજારમાં પણ ગાડરિયો પ્રવાહ ખાસ જોવા મળે છે. ઇન્ડેક્સ ઘટે ત્યારે બીજાઓને શેર વેચતા જોઈને ભલભલા લોકો પોતાનો પોર્ટફોલિયો ખાલી કરવા લાગી જતા હોય છે. એ જ રીતે ઇન્ડેક્સ વધતો હોય ત્યારે મોંઘા ભાવે પણ ખરીદી કરવામા લાગી જાય. અહીં ઓછા ભાવે ખરીદવું અને ઉંચા ભાવે વેચવું એવા વણલખ્યા નિયમને પણ લોકો અનુસરતા નથી. આમ થવાનું કારણ ગાડરિયો પ્રવાહ એટલે કે હર્ડ મેન્ટાલિટી છે. ‘બીજા લઈ ગયા ને આપણે રહી ગયા’ જેવી વૃત્તિ અહીં જોવા મળે છે. બજારમાં શેર ઉંચા ભાવે મળી રહ્યા છે કે વાજબી ભાવે, એનું વિશ્લેષણ પણ લોકો કરતા નથી. પોતાના માટે આ શેર સારો છે કે નહીં એનો પણ વિચાર કર્યા વગર લોકો બીજાઓનું અનુકરણ કરે છે.

ગાડરિયા પ્રવાહમાંથી કેવી રીતે બહાર આવવું ?
સામાજિક પ્રાણી તરીકે મનુષ્યનું આ વર્તન ઘણું જ સહજ છે અને તેથી જ એમાંથી બહાર આવવાનું ઘણું જ મુશ્કેલ છે. પોતે આ પૂર્વગ્રહથી કેવી રીતે બચી શકે છે એનો વિચાર દરેક વ્યક્તિએ કરવો જ રહ્યો. તેમાંથી બહાર આવવા માટે કેટલાંક સૂચનો આ રહ્યા :
સમજી-વિચારીને આગળ વધવું…
તમારે સાંભળવું બધાનું અને કરવું પોતાના મનનું એવું વલણ અપનાવતાં શીખવું જોઈએ. બીજાઓ કરતાં અલગ રીતે વિચાર કરવો અને સંજોગોને સમજીને આગળ વધવું.

બીજાઓથી વિપરીત વિચાર પણ કરી જોવો…
રોકાણ જગતમાં એવો અનુભવ છે કે ઘણા લોકો બીજા બધા કરતાં સાવ અલગ પડતા હોય છે. પ્રવર્તમાન માન્યતા કે પ્રવૃત્તિ કરતાં વિરુદ્ધ દિશામાં જવામાં આ લોકોને કોઈ છોછ કે ડર હોતો નથી. બીજાઓ જ્યારે શેર વેચી રહ્યા હોય ત્યારે તમે સમય-સંજોગોને જોઈને ખરીદી કરવાનો નિર્ણય લઈને ગાડરિયા પ્રવાહથી વિરુદ્ધ જઈ શકો છો.

પરિસ્થિતિનું વિશ્લેષણ કરવું…
ભવિષ્યમાં શું પરિણામ આવી શકે અથવા તો શું સ્થિતિ સર્જાઈ શકે એનો વિચાર કરવો અને વર્તમાન તથા ભાવિનું વિશ્લેષણ કરવું એ પણ ગાડરિયા પ્રવાહની વૃત્તિમાંથી છૂટકારો મેળવવા માટેનો એક રસ્તો છે.

એક ઉદાહરણ જોઈએ..
તમે પોતાના વાહનમાં કોઈ પ્રવાસે જવા ઊપડો ત્યારે કારનું સંપૂર્ણ ચેકિંગ કરાવી લો છો. ટાયર બરોબર છે કે નહીં, એમાં હવા ભરાયેલી છે કે નહીં, પૂરતું પેટ્રોલ છે કે નહીં, એ બધી વાતનું ધ્યાન રાખવામાં આવે છે. હવે ધારો કે હાઇ-વે પર તમારી કારનું બ્રેક ડાઉન થઈ ગયું. તો શું તમે એ સ્થિતિનો સામનો કરવા માટે સજ્જ છો?

આથી જ કહેવાનું કે આર્થિક નિર્ણયો લેતી વખતે કોઈ પણ સ્થિતિનો સર્વાંગી વિચાર કરીને આગળ વધવું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker