ઘડપણમાં સંતાનો પર કેટલું નિર્ભર રહેવું?
ગૌરવ મશરૂવાળા
પૈસાની વાત આવે ત્યારે ભાગ્યે જ તર્ક ચાલતો હોય છે.આ વાત કોઈ એક વયજૂથને લાગુ પડતી નથી. બધા માટે
એ સાચી છે. આમ છતાં ઘડપણમાં અસલામતી વધારેસતાવતી હોવાથી તર્કની સાવ બાદબાકી થઈ જાય છે.
મારી પાસે પૈસા બચે તો શું થશે, શું મારે સંતાનો પાસેથી મદદ માગવાનો વારો આવશે, જો કોઈ મોટી બીમારી આવી જશે તો નાણાં ક્યાંથી લાવીશ વગેરે પ્રશ્ન મનમાં ઘૂમરાયા કરતાહોય છે.મનમાં આ બધી લાગણીઓ ઊઠે એ સ્વાભાવિક છે. આપણા અંતરમનમાં ઊઠતા આ તરંગો આપણા નિર્ણયો પર અસર કરે છે.અહીં એક ખાસ વાત યુવાવર્ગને કહેવાની છે. ક્યારેય વડીલોને તાર્કિક અને બુદ્ધિગમ્ય જવાબ આપવાનો પ્રયાસ કરવો નહીં, કારણ કે તેનાથી એમની સમસ્યાનો હલ નહીં આવે.
‘મેં મારા પિતાજીને કેટલીય વખત કહ્યું કે એમણે ચિંતાકરવાની જરૂર નથી, એમનો ખર્ચ પૂરો થાય એટલી પૂરતી ફિકસ્ડ ડિપોઝિટ અને બોન્ડ છે. મેં બધી ગણતરીઓ કરીને એમને પણ બતાવી છે, પરંતુ એમનું મન કોચવાયા કરે છે. ક્યારેક તો એ રોજની વિટામિનની ગોળી લેવાનું પણ માંડી વાળે છે, કારણ કે એક જ બાટલી વધારે દિવસ ચાલે અને પૈસા બચે એવું એ વિચારતા હોય છે’ મારા કૉલેજકાળનો મિત્ર મોહિત આમ કહે છે.
કોઈને પણ સંતાનો પર નિર્ભર રહેવાનું ગમતું નથી. આ વાત સમજી શકાય એવી છે. માણસ ઉપર-ઉપરથી ભલે ના કહેતો હોય, પરંતુ કોઈના પર આધાર રાખવો પડે એ સ્થિતિ લઘુતાગ્રંથિ નોતરે છે. સામેવાળો માણસ એટલે કે, જે પૈસા આપતો હોય એ માણસ ભલે એવું વિચારે નહીં, પણ લેનારના મનમાં લઘુતાગ્રંથિ આવી જતી હોય છે.આ સમસ્યાનો હલ લાવવા માટે કોઈ ચોક્કસ રસ્તો નથી. તેનું કારણ આપણું સુષુપ્ત મન છે. સુષુપ્ત મનની સમસ્યાઓનો ઉકેલ જાગૃત મન લાવી શકતું નથી. આ સ્થિતિને કેવી રીતે સંભાળી લેવી તેના અનેક માર્ગ છે. તેમાં સાચો કે ખોટો કોઈ રસ્તો હોતો નથી. જે માર્ગે આપણું મન સ્થિર અને ચિંતામુક્ત રહે એ પથ સાચો.
અમુક વખત પરિવારજનો મોકળા મનથી વાતચીત કરીને આ પરિસ્થિતિને સંભાળી લે છે. મારા પાડોશીની પરિણીત દીકરીએ એક વખત મને કહ્યું હતું: ‘મારાં સાસુ-સસરા અમારા દર મહિનાના ખર્ચ સહિતના પોતાના બધા જ ખર્ચ સંભાળી લે છે. અમારે અમારા અંગત ખર્ચ જાતે પૂરા કરવાના હોય છે.’બીજી બાજુ, મારા મામાના પરિવારમાં દીકરો જ બધા ખર્ચ પૂરા કરે છે, પણ મામા-મામીનો ખર્ચ એમનાં પોતાનાં અંગત બૅન્ક એકાઉન્ટમાંથી થાય છે. આનું કારણ એ કે મામા-મામીને ક્યારેય એવું લાગવું જોઈએ નહીં કે એ પુત્ર પર નિર્ભર છે.મારા એક ક્લાયન્ટનું ઉદાહરણ પણ જોવા જેવું છે. એ વૅકેશન, કલબનાં સબસ્ક્રિપ્શન વગેરેના ખર્ચ જાતે જ કરી લે છે. બાકીના બધા ખર્ચ માટે દીકરો છે, પણ પોતાના પ્રવાસ અને મનોરંજન માટેના ખર્ચ એ પોતાના જ પૈસે કરવાનું પસંદ કરે છે. ફિલ્મ જોવા જવું હોય તોપણ પોતાની ટિકિટ પોતે જ ખરીદે છે.
આમ અલગ અલગ રીતે લોકો પોતપોતાનો માર્ગ કાઢે છે. ક્યારેક સંતાનો માતા પિતાના તબીબી ખર્ચ પૂરા કરે અને અમુક વખત માત્ર કપડાં-લત્તાનો ખર્ચ કરે. જેમ હમણાં કહ્યું તેમ કોઈ રસ્તો સાચો કે ખોટો હોતો નથી. આપણા મનને અને પરિવારને માફક આવે એ સાચું, પણ એકવાત ચોક્કસ કે કોઈ વડીલને સંતાનો પર નિર્ભર રહેવાનું નહીં ગમે. વળી, એય સાચું છે કે બાળકો તમારા ખર્ચ પૂરા કરે એમાં જરાય વાંધો નથી. જરૂર પડ્યે પોતાનો ખર્ચ પોતે પણ કરી શકાય. ટૂંકમાં, એટલું જ કહેવાનું કે જીવનમાં કોઈ તકલીફ આવે નહીં એ જ બધાને ગમતું હોય છે.