તરોતાઝા

નિવૃત્તિ પછી આરોગ્યની યોગ્ય સંભાળ કેટલી જરૂરી?

છઠ્ઠા કે સાતમા ધોરણમાં ભણતા કોઈ પણ વિદ્યાર્થીને ‘વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશને’ આપેલી આરોગ્યની વ્યાખ્યા પૂછો કે તરત જ એ સડસડાટ બોલી જશે: a state of complete physical, mental and social well-being; and not merely the absence of disease or infirmity.: અર્થાત્ આરોગ્ય એટલે સંપૂર્ણ શારીરિક, માનસિક અને સામાજિક તંદુરસ્તી. બીમારી કે ખોડખાંપણ ન હોય ફક્ત એવી સ્થિતિને આરોગ્ય કહેવાય નહીં. ખરા અર્થમાં માણસ તંદુરસ્ત ક્યારે કહેવાય એ આ વ્યાખ્યામાં ઘણું સારી રીતે દર્શાવ્યું છે.

ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોના સ્વાસ્થ્ય માટે આવું ઘણું જ જરૂરી છે. લોકો પેથોલોજિકલ રિપોર્ટ સારા આવે તેને આરોગ્ય માની લેતા હોય છે. વાસ્તવમાં, એ બરોબર નથી. મનુષ્યને તંદુરસ્ત કહેવા માટે વૈશ્ર્વિક આરોગ્ય સંસ્થાએ શારીરિકની સાથે સાથે માનસિક અને સામાજિક તંદુરસ્તીને પણ સમાન મહત્ત્વ આપ્યું છે.

સદનસીબે ભારતીય સમાજમાં હજી વડીલોને માન આપવામાં આવે છે. આથી એમની સામાજિક તંદુરસ્તી સચવાઈ રહે છે. વિદેશમાં ને હવે તો ભારતમાં પણ, માનસિક આરોગ્યની ઘણી કમી છે. છેલ્લાં થોડાં વર્ષોમાં માનસિક આરોગ્ય મોટી ચિંતાનો વિષય બની ગયું છે.

વર્તમાન સમયમાં લોકોમાં અસલામતી, નકારાત્મકતા, નિરાશા, ચીડિયાપણું, ઉપેક્ષા અને ગ્લાનિ એ બધી ભાવનાઓ વધી ગઈ છે. મોટાં શહેરોમાં આ સમસ્યા વધારે છે, કારણ કે ત્યાંનું જીવન ઝડપી છે. મન વધારે ચંચળ રહે તો વધારે ગ્લાનિ, ચીડ વગેરે લાગણી વધારે આવે છે. આથી દરેકે તેનાથી બચવું જરૂરી છે. શારીરિક દૃષ્ટિએ હૃષ્ટપુષ્ટ વ્યક્તિ પણ માનસિક રીતે તંદુરસ્ત ન હોય તો તેને પૂર્ણ આરોગ્ય કહી શકાય નહીં.

અંગત રીતે અને સામાજિક સ્તરે સ્વસ્થ રહેવા માટેનો સૌથી સારો ઉપાય કુદરતની નજીક વધારે સમય રહેવાનો છે. આપણે મોટા ભાગે ઘરમાં કે ઑફિસમાં ભરાઈને રહીએ છીએ. કુદરતી હવા અને પ્રકાશ પૂરતા પ્રમાણમાં મળતાં નથી. પ્રકૃતિ જ એક એવી વસ્તુ છે, જે આપણામાંથી નકારાત્મકતાને શોષી લેવાની શક્તિ ધરાવે છે.

આથી આપણે બાગ-બગીચા, દરિયાકિનારો, નદીકિનારો, પર્વત, વગેરે જેવી કુદરતી અને ખુલ્લી જગ્યાઓએ જવાનું રાખવું જોઈએ. આવી જગ્યાએ પણ ટોળામાં કે બધાની સાથે રહેવાને બદલે થોડો સમય એકલા ગાળવો જોઈએ. લોકો સાથે હળવું-મળવું, પરંતુ કુથલી, ટોળટપ્પાં કે અન્યોની ટીકાથી દૂર રહેવું જોઈએ. ફક્ત કુદરતના સાંનિધ્યમાં રહેવું.

અહીં આપણો એક પરંપરાગત સિદ્ધાંત પણ યાદ રાખવા જેવો છે: ‘જેવો આહાર તેવો વિચાર’ (વિકાર). જો આપણે પોષણ વગરનો અને અયોગ્ય ખોરાક લઈએ તો તેનાથી શારીરિકની સાથે સાથે ભાવનાત્મક આરોગ્યને પણ નુકસાન પહોંચાડે છે. વધુપડતો ગરમ કરેલો, મસાલેદાર, અતિશય ઠંડો કે પ્રોસેસ કરેલો ખોરાક ખાવાથી તબિયત બગડે છે તથા મન પણ બગડે છે.
મોટા ભાગે લોકો આના વિશે ધ્યાન આપતા નથી. ઘણી વાર ખબર હોવા છતાં લોકો ફક્ત સ્વાદના શોખ પૂરા કરવા માટે એવી બધી વસ્તુઓ ખાઈ લે છે અને તબિયત બગાડે છે.

કોઈ પણ ઉંમરે શારીરિક ચુસ્તી-સ્ફૂર્તિનું મહત્ત્વ ભૂલવું જોઈએ નહીં. મોટી ઉંમરે આકરો વ્યાયામ કરવો નહીં. સહેલાં યોગાસનો કે હળવી કસરતો કરો એ પૂરતું છે. અમારી શાળાના એક શિક્ષક કહેતા કે ચાલવું એ સૌથી સારો વ્યાયામ છે. વાત સાચી છે. ગાંધીજી પણ એમ કહી અને કરી ગયા છે.

જોકે, અહીં એ પણ જાણી લેવું જરૂરી છે કે ફક્ત ચાલવાનું પૂરતું નથી. શરીરનો દરેક સ્નાયુ વપરાય અને કસાય એ પણ જરૂરી છે. યોગાસન કરવાથી આ લાભ થાય છે. યોગાસન શરીરનાં આંતરિક અવયવોને પણ કસે છે. યોગાસન કરવા માટે પ્રશિક્ષિત યોગ શિક્ષક જરૂરી છે. જેમને વરિષ્ઠ નાગરિકો સાથેનો અનુભવ હોય એવા પ્રશિક્ષક વધારે સારા. પ્રાણાયામના લાભ વિશે વાચકોને વધારે કહેવાની જરૂર નથી, કારણ કે આજના સમયમાં તો બાળક-કિશોરોને પણ એ સમજાઈ ગયું છે.

Also Read – આરોગ્ય એક્સપ્રેસ : વાયુ પ્રદૂષણ – આબોહવા જ નહીં, આરોગ્ય માટે પણ એટલું જ જોખમી

આમ શારીરિક, માનસિક અને સામાજિક આરોગ્યની કાળજી રાખ્યા બાદ આપણે ઈશ્વર સાથે પણ સંધાન સાધવું જોઈએ. ફક્ત ભજન સાંભળવાથી, મંદિરે જવાથી કે ક્રિયાકાંડ કરવાથી વધુ ફાયદો થતો નથી. આ બધી પ્રવૃત્તિથી પ્રભુ સાથે તાદાત્મ્ય સધાય છે, પરંતુ છેવટે તો મેડિટેશન-ધ્યાન ધરવાથી-મંત્રજાપ કરવાથી કે નિ:સ્વાર્થ સમાજસેવા કરવાથી જ લાભ થાય છે. જગ પ્રત્યેની પ્રીત ઘટાડીને ઈશ્વરની સમીપ જવું.
યાદ રહે, નિવૃત્તિ પછી વાનપ્રસ્થાશ્રમમાંથી સંન્યસ્તાશ્રમમાં જવાનું હોય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button