નિવૃત્ત થયા પછી રમેશભાઈ શાહ નિયમિતપણે મિત્રો, સંબંધીઓ અને પાડોશીઓને મદદરૂપ થઈ રહ્યા છે. લોકોએ શોપિંગ પર જવું હોય, ડૉક્ટર પાસે જવું હોય કે બીજું કંઈ કામ હોય ત્યારે બધાને એ પોતાની કારમાં ડ્રોપ કરી દે. આટલું જ નહીં, વૃદ્ધોની મુલાકાત લેવી અને મિત્રોને કંપની આપવી વગેરે કામ પણ એ સ્વેચ્છાએ કરી લે છે.
અઠવાડિયામાં બે વખત શાક માર્કેટમાં જવું અને બીજા બે દિવસ ફ્રૂટ માર્કેટમાં જઈને પરિવારને કે અન્યોને મદદરૂપ થવાનું પણ એ હસતાં-હસતાં કરે છે. આ જ કારણે લોકોમાં રમેશભાઈ પ્રિય થઈ પડ્યા છે. લોકો એમનાં વખાણ કરતાં થાકતા નથી. સ્વાભાવિક છે, પ્રશંસા થવાથી એમને પણ ઘણું સારું લાગે છે.
અન્યોને મદદરૂપ થવાનો સ્વભાવ સુધીરભાઈ ભટ્ટનો પણ છે. એ બિઝનેસમેન છે, પરંતુ હવે બિઝનેસ પર ધ્યાન આપવાનું ધીમેધીમે ઓછું કરી રહ્યા છે, કારણ કે એમના બન્ને પુત્રએ બિઝનેસ સરસ રીતે સંભાળી લીધો છે. સુધીરભાઈ સવારના ભાગમાં સ્વિમિંગ કરવા ક્લબમાં જાય છે પછી થોડો સમય ઘરે રહે છે. બપોરે જમી લીધા બાદ અડઘો દિવસ ઑફિસે જાય છે. દર ત્રણથી ચાર મહિને એ બહાર ફરવા જાય છે. વૅકેશન પર જાય ત્યારે કુટુંબના કોઈ સભ્યને કે મિત્રને સાથે લઈને જાય છે. એમનો ખર્ચ પણ પોતે જ ઉપાડે છે.
આવા જ આપણા શરદભાઈ પણ છે. કોઈ પણ સારું ગુજરાતી નાટક આવે કે ફિલ્મ આવે ત્યારે થોડા ઘણા લોકોને પોતાની સાથે લઈ જાય છે અને એ લોકોની ટિકિટ પણ પોતે જ કઢાવે છે.
આ ત્રણેનાં ઉદાહરણ પરથી જોઈ શકાય છે કે લોકોની સાથે રહેવું અને સહાયરૂપ થવાનું એમને ગમે છે. પોતાની પ્રશંસા થાય અને કદર થાય એ પણ ઘણું ગમે છે. સ્વાભાવિક છે કે કોઈને પણ પોતાનાં વખાણ ગમે…
જો પ્રશંસા ન મળે તો શું? ફક્ત પ્રશંસા માટે કોઈ આવે ને પ્રશંસાના બે શબ્દો સાંભળવા મળે નહીં તો માઠું લાગે એ આપણી આજની ચર્ચાનો વિષય છે.
આમ જુવો તો પ્રથમ નજરે આ ભાવના ધ્યાનમાં આવતી નથી, કારણ કે એ મનના ખૂણે રહેલી હોય છે. ધારો કે તમે કોઈકના માટે ફાફડા-જલેબી લઈ આવ્યા હો અને એ વ્યક્તિ તમને કોઈ પ્રતિભાવ આપે નહીં તો તમને કેવું લાગે?
હવે બીજું ઉદાહરણ જોઈએ.
જો તમે કોઈ વ્યક્તિને પોતાની કારમાં ડૉક્ટર પાસે લઈ ગયા હો અને પછી બીજી વખત એને સારું લાગવાથી એ માણસ જાતે જ ડૉક્ટર પાસે જઈ આવે અને તમને જાણ પણ ન કરે ત્યારે તમને કેવું લાગે?
Also Read – મોજની ખોજ : ગીતા કોર્ટમાં નઇ, હાર્ટમાં જોઈએ
આમ તો આવા પ્રશ્ર્નોના કોઈ નિશ્ર્ચિત જવાબ હોઈ શકે નહીં. તમને જ ખબર પડે કે તમારા મનમાં શું ચાલી રહ્યું છે. મનનો ખેલ એવો જટિલ છે કે સત્ય તરત બહાર આવતું નથી. મનુષ્ય પોતાના અમુક વર્તનની પાછળના વિચારો અને લાગણીઓમાં ઊંડા ઊતરવાનું ટાળતો હોય છે.
જોકે, સચ્ચાઈ એ હોય છે કે લોકો તમારાં વખાણ કરે એ તમને ગમતું હોય છે અને તેથી તમે તેની અપેક્ષા રાખો છો. સારું કામ કરવાથી તમારાં વખાણ થાય એ વાત જુદી છે અને વખાણ થાય એ માટે સારું કામ કરવું એ વાત પણ જુદી છે.
બીજા શબ્દોમાં કહીએ તો માણસ નિવૃત્તિ વયની અસલામતીને દૂર કરીને સલામતી અનુભવવા માટે આવું કંઈક કરતો હોય છે. આટલી સચ્ચાઈ પચાવવાનું પણ નિવૃત્ત વ્યક્તિ માટે અઘરું હોય છે, પરંતુ આપણે આ વિશે નિખાલસ વાત કરી લેવી જરૂરી છે.
આવા સંજોગોમાં જો નિવૃત્ત વ્યક્તિ પણ અપેક્ષાઓ છોડી શકે નહીં તો મગજ એને ચકરાવે ચડાવી દે એવું શક્ય છે. આથી આ બાબતે સાવચેત જરૂર રહેવું જોઈએ.