હોળી…
આહારથી આરોગ્ય સુધી -ડૉ. હર્ષા છાડવા
માનવ જીવન અનેક વિવિધતાઓથી ભરેલું છે આપણે આપણાં જીવનકાળમાં અનેક પ્રકારનાં કર્તવ્યો અને જવાબદારીઓ નિભાવવી પડે છે. જવાબદારીમાં માનવી એટલો બધો વ્યસ્ત થઈ જાય છે કે મનોરંજન કે હરવા-ફરવા માટે સમય મુશ્કેલીથી મળે છે. ત્યારે તહેવારો જીવનમાં સુખદ પરિણામ લાવે છે. જીવનમાં આનંદ-ઉલ્લાસ અને નવીનતાનો સંચાર કરે છે. ધર્મની અલગ-અલગ માન્યતાઓ હોય છે તેવી જ રીતે તહેવારો પણ મનાવવાની પરંપરા અલગ હોય છે. ઉત્સવો અને તહેવાર સાથે ભારતીય પ્રજા જીવંત રીતે સદીઓથી બંધાયેલી છે. દરેક તહેવાર અને ઉત્સવ મનાવવા પાછળ સાંસ્કૃતિક, ધાર્મિક, સામાજિક કે વૈજ્ઞાનિક દૃષ્ટિ બિંદુ હોય છે.
રાષ્ટ્રીયભાવના, સામાજિકભાવના અને પ્રેમભાવના જગાવવામાં તહેવારો અને ઉત્સવો મહત્ત્વનો ભાગ ભજવે છે. જીવનમાં ઉત્સાહ, આનંદ અને ઉમંગ જળવાઈ રહે છે.
ભારતીય તહેવારોમાં સૌથી લોકપ્રિય તહેવાર હોળી છે. ઉત્તર ભારતમાં હોળી તહેવારનું ખાસ મહત્ત્વ છે. એક મહિના અગાઉથી હોળી ઉત્સવ મનાવે છે. જેમાં પ્રકૃતિનું વર્ણન ગીત-દોહા-છંદ ગવાય છે. પ્રેમગાથાઓનું વર્ણન થાય છે. હોળી પ્રગટાવાય છે. જે ખાસ કરીને ઘઉંનો છોડા (ઘઉં કાઢી લીધા પછી તેનો ઉપયોગ બાળવામાં કરવામાં આવે છે જેથી હવામાં રહેલા સંક્રમિત જીવાણુનો નાશ થાય) છાણા અને સૂકાપાન બાળવામાં આવે છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ શરીરમાં સંક્રમિત જીવાણુનો નાશ થાય તેની માટે પ્રગટાવવામાં આવે છે.
હોળી સાથે ઘણી ધાર્મિક કથાઓ પણ જોડાયેલી છે. શોર્યપૂર્ણ રમતો રમવામાં આવે છે. યુવાનો વાજતે-ગાજતે ગામમાં ફરે છે અને ફાળો ઉઘરાવે છે જેને ઘેરૈયાઓ કહેવામાં આવે છે.
હોળી આવતાં લોકો ઉત્સાહિત થઈ જાય છે. આ સમય વસંતઋતુના વધામણાનો સમય હોય છે. ખેતરો પાકથી લહેરાતા હોય છે. કુદરતમાં પુષ્પોની પમરાટ અને એક જાતની માદકતા છવાઈ જાય છે. ઢોલીના ઢોલ સાથે ગવાતા ફાગણના ફાગ અને ધુળેટીના રંગોમાં રંગાઈ ઝૂમી ઊઠતાં જુવાન નર-નારીઓમાં જણાઈ આવે છે એટલે હોળીને દોલયાત્રા કે વસંતોત્સવ તરીકે પણ ઓળખાય છે. હોળી પ્રગટાવી આસૂરી તત્ત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું.
હોળીના બીજા દિવસે ધુળેટી મનાવાય છે. અબીલ – ગુલાલ તેમ જ કેસૂડાના ફૂલોથી બનેલા રંગો છાંટી ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે.
કેસૂડાનાં ફૂલો એક ઔષધિ છે. જે જીવાણુના સંક્રમણથી બચાવે છે. તેમ જ શારીરિક સમસ્યાઓથી નિજાત અપાવે છે. આપણા ઋષિઓ આનું મહત્ત્વ જાણતા તેથી આનો ઉપયોગ કઈ રીતે કરવો તેમને ખૂબ જ ઊંડું જ્ઞાન હતું. હોળી એ માત્ર તહેવાર કે પરંપરા નથી. પર્યાવરણથી માંડીને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ મહત્ત્વપૂર્ણ તહેવાર છે. હોળી તહેવાર એવા સમયે આવે છે જ્યારે વાતાવરણમાં પરિવર્તન આવે. ઠંડીમાંથી ગરમ વાતાવરણ થવાને કારણે શરીરમાં થકાવટ અને સુસ્તીનો અનુભવ થાય છે. ઠંડીમાં ત્વચા સૂકી થઈ જાય છે. કફની પ્રવૃત્તિ શરીરમાં વધી જાય છે. કેસૂડાનાં ફૂલોના પાણીથી ત્વચાના છિદ્ર ખુલ્લા થાય, ત્વચા ઉત્તેજિત થાય. જીવાણુનું સંક્રમણ દૂર થાય, શારીરિક શક્તિ વધી જાય છે.
કેસૂડો એન્ટીવર્મ જે પેટના કીડા પણ નષ્ટ કરે છે. એસ્ટ્રીનજેન્ટ ગુણના કારણે ઝાડા થતાં નથી. તેમ જ મધુમેહ, હાઈપ્રેશર ને પણ નિયંત્રિત કરી નાખે છે.
અબીલ-ગુલાલ પણ ત્વચા ને જીવાણુથી મુક્ત કરે છે અને મનમાં ઉત્સાહ ભરી દે છે. આધુનિક કેમિકલ રંગો ત્વચાને નુકસાન પહોંચાડે છે. પ્રાકૃતિક રંગો આપણી પાસે ભરપૂર હાજર છે. ઘણાં પ્રકારનાં ફૂલોના ચૂર્ણથી પણ ધુળેટી રમી શકાય છે. જે શરીરને સ્ફૂર્તિથી ભરી દે છે. ધુળેટીની મજા એક મહિના સુધી લેવાય છે. એક મહિના સુધી રંગોત્સવનો પર્વ ચાલે છે. વિવિધ વાનગીઓ ખવાય છે.
જુવારની ધાણી જે રુક્ષ છે જે કફને શોષી લે છે તેમાં હળદર, મરી અને હીંગ નાખી ખવાય છે. જુવારનો ગ્લાયસેમિક ઈન્ડેક્ષ ઓછો છે જે કફને સૂકો બનાવી દે છે. ધાણી સાથે ખજૂર ખવાય છે. ધાણી રુક્ષ છે વધુ રુક્ષતા આવી જાય તો નબળાઈ જેવું લાગે તેથી ખજૂરનો ઉપયોગ કરાય છે. ખજૂર રસતૃપ્તિનું કામ કરે છે. જેથી શરીરના કોષોને ત્વરિત શક્તિ મળે. ધાણી જુવારમાંથી બને છે. જુવાર ધાન છે. તેને શેકી કાઢવામાં આવે તો તે પચવામાં હલકું બની જાય છે. કફને કારણે શારીરિક શક્તિ ઓછી હોય છે તેથી પચાવવાની શક્તિ નબળી હોય છે. તેથી હલકી ફૂલકી ધાણી વપરાય છે.
હારડા જેને હાયડા પણ કહેવાય છે જે મિશ્રીમાંથી બને છે. બાળકોને ગળામાં હારડાનો હાર પહેરાવવામાં આવે છે. બાળકો તેને ચૂસીને ખાય છે. જે બાળકોને રી-હાઈડ્રેશનથી બચાવે છે. આધુનિક કલરવાળા કે કેમિકલયુક્ત હારડા શરીર માટે જોખમી છે. હોળીના સમયે ઘણી વાનગીઓ બને છે જે પ્રાકૃતિક રીતથી બનેલી હોય તો શરીર ઊર્જાવાન બની જાય છે. શારીરિક સૌંદર્ય પણ નિખરી આવે. ગુજિયા, ખાજા, ઠંડાઈ અને અન્ય પકવાન ઘરે ઘરે બને છે તેમ જ બજાર પણ પકવાનોથી ભરેલી રહે છે.
ગરમીના સમયમાં પસીનો થાય જેથી શારીરિક ક્ષમતા ઓછી થઈ જાય. ગરમીની ઋતુમાં લૂ કે ગરમી કે રીહાઈડ્રેશન બચવાની તૈયારી એટલે હોળી-ધુળેટીના તહેવાર અથવા એમ કહો કે શરીરને ગરમીના સમય માટે તૈયાર કરવાની પ્રક્રિયા. ભારતીય તહેવારો એટલે ભારતીયો ને જીવન જીવવાની કળા અને ઉત્સાહ, ઉમંગથી રહેવા માટે મળેલી અમૂલ્ય ભેટ છે.
આપણી કહેવતો પણ અમૂલ્ય છે.
એક હતો રાજા
ખાય ખૂબ ખાજા
વાગે એના વાજા
હોળીના સમયમાં ખાજા ખાવાથી શરીરની શક્તિ વધી જાય છે.
એક હતી રાણી
તેને ખૂબ થઈ ખાંસી
તે ખાય ખૂબ ધાણી
પછી પીએ પાણી.
ખાસીનો ઈલાજ ધાણી છે
ધાણી રુક્ષ હોય તેથી પાણી પીવું જોઈએ.