તરોતાઝા

દવા-ઔષધ બનાવવાની કળાનો ઇતિહાસ અને વર્તમાન

કવર સ્ટોરી – અભિમન્યુ મોદી

ઔષધ એટલે શું? દવા તો તેનો પર્યાયવાચી શબ્દ છે. ખોરાક લેવામાં પ્રમાણભાન ભૂલી જવાય કે વારસાગત કે કુદરતી કોઈ વ્યાધિ શરીરમાં ઘર કરી જાય કે અકસ્માતને કારણે શરીરમાં અવ્યવસ્થા સર્જાય – આ બધી શારીરિક કે માનસિક ઉપાધિ/વ્યાધિને ઠીક કરવા માટે જે સંકેન્દ્રિત કે અસંકેન્દ્રિત દ્રવ્યોને ઔષધ કહી શકાય. કેમિકલમાંથી એ બનાવવામાં આવ્યું હોય તો એ એલોપેથીક દવા કહેવાય. ઔષધોની શોધ, વિકાસ અને તેમના સરળ યોગ એટલે કે ફોર્મ્યુલેશન રૂપે ઉત્પાદન અને વિતરણ સાથે સંકળાયેલ આરોગ્યલક્ષી વ્યવસાય એટલે ઔષધશાસ્ત્ર. મનુષ્ય તથા પ્રાણીઓને થતા રોગના નિદાન કે ઉપચાર માટે, રોગને હળવો કરવા કે થતો અટકાવવા માટે, રોગથી થતી વિકૃત શારીરિક અવસ્થા તથા રોગનાં ચિહ્નો દૂર કરવા માટે અને જૈવિક કાર્યના પુન: સ્થાપન, ફેરફાર કે સુધારણા વગેરે માટે વપરાતા પદાર્થો કે પદાર્થોના મિશ્રણને ઔષધો કહે છે.

ઔષધો અંગેનું જ્ઞાન માનવસંસ્કૃતિ જેટલું પુરાણું છે. ફાર્મસી’ શબ્દ ગ્રીક ફાર્માકોન= ઔષધ’ ઉપરથી આવ્યો છે. આદિમાનવે ઘવાયેલાં માંદાં પ્રાણીઓની વર્તણૂક અને પોતાની અંત:પ્રેરણાથી કેટલાંક ઔષધો શોધી કાઢ્યાં હતાં. માનવ વધુ સંસ્કૃત થતો ગયો તેમ તેમ પ્રયોગ અને અનુભવથી તેને કામ આવતી વનસ્પતિઓની જાણકારી તેણે એકઠી કરવા માંડી હતી. અમુક માણસોએ રોગનું નિદાન કરીને ઔષધો આપવાનો વ્યવસાય શરૂ કર્યો. એ રીતે એક નવો વ્યવસાય સમાજમાં વિકસ્યો હતો. છેક ઓગણીસમી સદી સુધી મોટાભાગનાં ઔષધો વનસ્પતિમાંથી અને કેટલાંક પ્રાણીઓમાંથી તથા ખનિજ પદાર્થોમાંથી મેળવવામાં આવતાં હતાં. આ બધાં ઔષધો મુખ્યત્વે અપરિષ્કૃત એટલે કે ક્રૂડ એટલે કે કાચા રૂપમાં જ હતાં.

વિવિધ સંસ્કૃતિઓએ તેમનું આગવું ઔષધશાસ્ત્ર વિકસાવ્યું હતું. ઔષધશાસ્ત્ર અંગે પ્રાચીન સમયમાં ચીન, ભારત અને ભૂમધ્ય પ્રદેશોની સંસ્કૃતિઓએ સારો વિકાસ સાધ્યો હતો. ઈ. પૂ. ૨૭૩૫ના અરસામાં ચીની વનસ્પતિ ચાંગ શાંગ જ્વરહર તરીકે વપરાતી હોવાનો ઉલ્લેખ છે. ચરક, સુશ્રુત વગેરેનો ઔષધશાસ્ત્રમાંનો ફાળો સમગ્ર વિશ્વે સ્વીકારેલો છે.

ઔષધશાસ્ત્રમાં ક્રાંતિકારી સુધારા સોળમી અને સત્તરમી સદીમાં અમલમાં આવ્યા. રોગ પારખીને ઔષધોનો નિર્દેશ કરનાર અને ઔષધ બનાવનાર – એમ બે વ્યવસાયો અલગ પડી ગયા. ઔષધની બનાવટમાં સમાનતા આણવા તથા તેમની શુદ્ધિ અંગેની ચકાસણીમાં મદદરૂપ થાય તેવા ગ્રંથો – ફાર્માકોપિયા – તૈયાર થવા માંડ્યાં. ન્યુરેમ્બર્ગમાં ૧૫૪૬માં પ્રથમ ફાર્માકોપિયા બહાર પડ્યો. ૧૬૧૭માં સોસાયટી ઑવ્ ઍપોથેકરીની સ્થાપના થઈ અને ઔષધશાસ્ત્ર એક આગવા વ્યવસાય તરીકે અસ્તિત્વમાં આવ્યો. કાયદાથી એમ ઠરાવવામાં આવ્યું કે ઍપોથેકરી જ ઔષધ રાખી/વેચી શકે. ૧૮૪૧માં ફાર્મસ્યૂટિકલ સોસાયટી ઑવ્ ગ્રેટબ્રિટન અસ્તિત્વમાં આવી અને ફાર્મસિસ્ટની વ્યવસ્થિત કેળવણી શરૂ થઈ. ઇસ્લામના આગમન સાથે યુનાની પદ્ધતિ અને યુરોપીય પ્રજાના આગમન સાથે આધુનિક ઔષધશાસ્ત્ર ભારતમાં પ્રવેશ પામ્યું. જર્મનીમાં ઓગણીસમી સદીમાં હોમિયોપથી નામની એક ચિકિત્સાપદ્ધતિનો ઉદભવ થયો હતો.

ઓગણીસમી સદીથી ઔષધશાસ્ત્રનો ઝડપી વિકાસ થયો છે. આનું મુખ્ય કારણ રસાયણશાસ્ત્રમાં થયેલો વિકાસ છે. અપરિષ્કૃત ઔષધોને બદલે તેમાં રહેલ સક્રિય ઘટકો શુદ્ધ રૂપમાં વપરાશમાં આવ્યા. આ અત્યંત અગત્યની બાબત હતી. આવા સક્રિય ઘટકોની વપરાશથી (૧) ઔષધની ચોક્કસ માત્રા આપવાનું શક્ય બન્યું. (૨) અપરિષ્કૃત ઔષધોમાં સક્રિય ઉપયોગી ઘટકની સાથે રહેલા બીજા પદાર્થોની વિષાણુ/અનિચ્છનીય અસરોથી મુક્તિ. (૩) સક્રિય ઘટકના રાસાયણિક બંધારણના જ્ઞાન ઉપરથી તેની તથા સંબંધિત વધુ ઉપયોગી ઔષધોની શોધ શક્ય બની.

આધુનિક ઔષધશાસ્ત્રની મુખ્ય ચાર શાખાઓ છે : (૧) ઔષધ-નિર્માણશાસ્ત્ર (ફાર્માસ્યુટીક્સ) (૨) ઔષધ રસાયણશાસ્ત્ર (ફાર્માસ્યુટીકલ કેમેસ્ટ્રી) (૩) ઔષધ ગુણશાસ્ત્ર (ફાર્માકોલોજી) (૪) ઔષધ-અભિજ્ઞાન (ફાર્માકોન્ગોસી).

ઔષધશાસ્ત્રમાં વ્યવસ્થિત કેળવણી લીધેલ વ્યક્તિ ઔષધો અંગેનું સંશોધન, નિર્માણ, પૃથક્કરણ, તૈયાર ઔષધોનું વિતરણ, વેચાણ તેમજ ઔષધનિયંત્રણતંત્ર વગેરે વ્યવસાયોમાં પોતાનો ફાળો આપી રહી છે.

ઔષધીય છોડવાના જીવંત કોષોનું સંવર્ધન-માધ્યમ(કલ્ચર મીડિયમ)માં સંવર્ધન કરી શકાય છે. આવા કોષો કયા પદાર્થોનું કેટલા પ્રમાણમાં જૈવિક સંશ્ર્લેષણ કરે છે તે અંગેનો અભ્યાસ કેટલાંક વર્ષોથી શરૂ થયો છે. કેટલાંક દ્રવ્યો આ રીતે સંવર્ધન દ્વારા મેળવાયાં પણ છે. એક દ્રવ્યનું બીજા દ્રવ્યમાં રૂપાંતર પણ કેટલાક પ્રકારના કોષો કરી શકે છે. ડિજિટોક્સિનમાંથી જિડોક્સિન આવી રીતે મેળવી શકાયું છે. આ પ્રકારના સંશોધનનું વ્યાપારી મહત્ત્વ સમજાયું છે અને તે બાયોટેકનોલોજી તરીકે ઓળખાય છે.

વનસ્પતિનાં વિવિધ અંગોમાંથી જે સૌથી વધુ ઉપયોગી હોય તેને યોગ્ય સમયે મેળવી, સૂકવી તેનું ચૂર્ણ બનાવી વાપરી શકાય છે. મોટે-ભાગે ચૂર્ણમાંથી આલ્કોહોલ, જલીય આલ્કોહોલ કે શુદ્ધ પાણી વડે તેમાંના સક્રિય ઘટકને દ્રાવણરૂપે (નિષ્કર્ષ-એક્સટ્રેક્ટ) અલગ કરીને, જરૂર પડ્યે તેને સાંદ્રિત કરીને ઔષધ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. આલ્કોહોલયુક્ત નિષ્કર્ષ ટિંક્ચર તરીકે ઓળખાય છે. એક સમયે આવાં નિષ્કર્ષણ બહોળા પ્રમાણમાં વપરાતાં. રસાયણશાસ્ત્રનો વિકાસ થતાં આ ઔષધ-નિષ્કર્ષમાં રહેલ સક્રિય ઘટકોને શુદ્ધ રૂપમાં અલગ પાડવામાં આવ્યાં અને નિષ્કર્ષને બદલે સૌથી વધુ સક્રિય ઘટક ઉપયોગમાં આવવા માંડ્યાં.

એટ્રોપીન અને સ્કોપોલએમાઇન (ધતૂરામાંથી), ડિજોક્સિન (ડિજિટાલિસમાંથી), અરગટએમાઇન (અરગટમાંથી), રિસર્પીન (સર્પગંધામાંથી), ક્વિનીન અને ક્વિનિડીન (સિંકોનામાંથી) તથા વિનબ્લાસ્ટિન અને વિનક્રિસ્ટીન (બારમાસીમાંથી) જેવા શુદ્ધ ઘટકો જ હાલ વપરાશમાં છે. આવા કેટલાય ઘટકોનું રાસાયણિક બંધારણ શોધી કાઢવામાં આવ્યું છે અને તેમાંના કેટલાક સંશ્ર્લેષિત રીતે બનાવાયા છે. સંશ્ર્લેષિત ઔષધ કિંમતમાં સસ્તું પડતું હોય તેવા કિસ્સામાં સંશ્ર્લેષિત ઔષધ જ વપરાશમાં લેવામાં આવે છે. દા.ત., એક સમયે આથવણથી મેળવાતું ક્લોરએમ્ફ્રેનેકોલ હાલમાં મોટા પ્રમાણમાં સંશ્ર્લેષિત રીતે જ મેળવવામાં આવે છે. રાસાયણિક બંધારણ અને ઔષધક્રિયા વચ્ચેના સંબંધના અભ્યાસની મદદથી નવાં સંશ્ર્લેષિત ઔષધો બનાવાયાં છે, જેની અનિષ્ટ આડઅસરો નહિવત્ હોય છે, જ્યારે ઔષધ તરીકેની સક્રિયતા સારી હોય છે; દા.ત., કોકેનના બદલે વપરાતાં પ્રોકેન અને ઝાયલોકેન તથા ક્વિનીનના બદલે વપરાતા ક્લોરોક્વિન અને કેમોક્વિન આ પ્રકારનાં સંશ્ર્લેષિત ઔષધો છે. હજુ પણ કેટલીક ઔષધિઓ છે જે અપરિષ્કૃત (ક્રુડ) સ્વરૂપે કે નિષ્કર્ષ રૂપે વપરાય છે, કારણ કે તેમાંનાં રાસાયણિક ઘટકો અંગેનું આપણું જ્ઞાન ઘણું પ્રાથમિક તબક્કામાં જ છે. સિલિબમ, ભાંગરો, ભોંય-આમળાં, પુનર્નવા, હળદર, મેથી વગેરેના જીવ-આમાપન તથા તેમાંના સક્રિય ઘટકોને અલગ પાડવાનું કામ ઘણું અગત્યનું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button