તરોતાઝાસ્પેશિયલ ફિચર્સ

સ્વાસ્થ્ય સુધાઃ શિયાળામાં ઘેર ઘેર વાપરવા જેવી જડીબુટ્ટી ‘ગંઠોડા કે પીપરીમૂળ’

શ્રીલેખા યાજ્ઞિક

શિયાળાની ઠંડીમાં વિવિધ પ્રકારના સ્વાદ વાળી ચા પીવામાં આવતી હોય છે. કોઈને આદું-ફૂદીનાના સ્વાદ વાળી ચા પીવી ગમે છે, તો કોઈને ચાના સ્પેશ્યલ મસાલાનો ઉપયોગ કરીને તૈયાર થતી ચા પીવાની ગમે છે, કોઈને લીલી ચાના પાનને ઉકાળીને ચા પીવાનું ગમે છે.

શિયાળામાં ઠંડીથી બચવા માટે વિવિધ પ્રકારના પીણાં પીવામાં આવે છે. તંદુરસ્તીને જાળવવા ખાસ પીણાં પીવામાં આવતાં હોય છે. જેમાં સૂંઠનું પાણી, આદું-લીંબૂ-મધનું ગરમ પાણી, આમળાંનું શરબત, તાજી પીળી-સફેદ હળદર-આમળાંનો રસ, હળદરવાળું દૂધ, સૂંઠ-ગંઠોડાની રાબ વગેરેનો સમાવેશ થાય છે.

ભારતના પ્રત્યેક રાજ્યમાં ઠંડીમાં ઉપયોગી ગરમ-ઠંડા-આયુર્વેદિક પીણાંની યાદી તો ઘણી લાંબી છે. તેમાંથી ફક્ત કેટલાંકના નામ આપણે ઉપર જોયા. આયુર્વેદિક ઉપચાર હોય કે રસોડામાં ઉપયોગમાં લેવાતા મસાલામાં ગંઠોડા પાઉડરનો ઉપયોગ ભારતમાં મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. જાવા તેમજ ઈન્ડોનેશિયામાં તેની અન્ય જાતિના છોડ જોવા મળે છે.

ઘરેલુ ઉપાયની યાદીમાં તેનું સ્થાન આગળ પડતું હોય છે. પ્રાચીન છોડના મૂળમાંથી પીપરીમૂળ મળે છે. પીપરીમૂળ જડીબુટ્ટી છે. તેની ચાર પ્રજાતિ છે. બે પ્રકારનો જ ઉપયોગ કરવામાં આવે છે. નાની અને મોટી. ચોમાસામાં તેની વેલી ઉપર ફૂલ આવે છે. ફળ ઠંડીની મોસમમાં આવે છે. તેના ફળને પિપરીમૂળ કે પિપલીમૂલ તરીકે ઓળખાય છે.

બજારમાં તેના મૂળ તથા ગાંઠ બને મળી રહે છે. તેના મૂળ જેટલાં વધુ વજનદાર તેટલાં વધુ ગુણકારી મનાય છે. પીપરીમૂળને સંસ્કૃતમાં માગધી, વૈદેહી કે કૃષ્ણા કહેવાય છે. હિન્દીમાં પીપર, અંગ્રેજીમાં લૉંગ પેપર, ક્ધનડામાં હિપપ્પલી, તમિળમાં ટિપિલી, તેલુગુમાં પિપ્પલુ, ગુજરાતીમાં પીપર, મરાઠીમાં પિંપલી, પંજાબીમાં પિપ્પલિજડ કહેવામાં આવે છે. સ્વાસ્થ્યવર્ધક અનેક ગુણો તેમાં સમાયેલાં છે.

પેટ માટે ગુણકારી: સતત બહારનું ભોજન ખાતા રહેવાથી, રાત્રિના ઊજાગરા, માનસિક તાણની અસર સૌ પ્રથમ પેટ ઉપર થતી હોય છે. જેવી કે ગેસ, કબજિયાત, આફરો ચઢી જવો, વારંવાર ચૂક આવવી વગેરે. પીપરીમૂળ-અજમો-ગોળને ગરમ પાણીમાં ઉકાળીને પીવાથી પેટની તકલીફથી ઝડપથી છૂટકારો મેળવી શકાય છે.

અનિદ્રાની તકલીફમાં લાભકારી: કામની ચિંતા, શારીરિક સમસ્યા તથા રોજબરોજના કામની ચિંતા કે પરીક્ષા ઢૂંકડી આવતાં સગીરાવસ્થામાં પ્રવેશતાં સંતાનોને સતત હરિફાઈમાં આાગળ રહેવાની ચિંતાને કારણે અનિદ્રાંની તકલીફ નાની વયમાં પજવતી હોય છે, તેનાથી બચવાના ઉપાયમાં ગાયના દૂધમાં ગંઠોડા પાઉડર ભેળવીને પીવડાવવાથી અનિદ્રાની તકલીફમાં રાહત મળે છે.

સાંઘાના દુખાવામાં લાભકારી: આપણાં વડીલો હંમેશાં કહેતાં કે શિયાળામાં ગોળ-ઘી- તેજાના-સૂકોમેવાનો ઉપયોગ બને તેટલો વધુ કરવો જોઈએ. માનવશરીર માટે વર્ષભરની શક્તિ મળી રહે. ઉપરોક્ત વસ્તુનો ઉપયોગ ત્યારે જ કરવો જ્યારે, પૂરતાં પ્રમાણમાં વ્યાયામ કરવામાં આવ્યો હોય. શિયાળામાં સાંધામાં કળતર થવાની સમસ્યાથી બચવું હોય તેમણે ગંઠોડાનો ઉપયોગ વિવિધ રીતે કરવો જોઈએ. શરીર માટે 4 ખનીજ તત્ત્વોની આવશ્યક્તા પડે છે. તેમાંથી એક છે મેગ્નેશિયમ. ગંઠોડામાં મેગ્નેશિયમની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી હોય છે.

મોટાપો દૂર કરવામાં મદદરૂપ: નવા વર્ષની શરૂઆત થતાંની સાથે અનેક લોકો વિવિધ સંકલ્પ લેવાનું પસંદ કરતાં હોય છે. તેમાંથી સૌથી વધુ સંકલ્પ લોકો વજનને નિયંત્રણમાં રાખવાં કે વજન ઘટાડવા માટે લેતાં હોય છે. લગભગ 1 ગ્રામ ચૂર્ણ પાણી કે મધમાં ભેળવીને નરણે કોઠે નિયમિત પીવાથી વજન અચૂક ઘટવા લાગે છે. પીપરીમૂળના બે-ત્રણ દાણા દૂધમાં ઉકાળીને પીવાથી અથવા તો તેને ધીમે ધીમે ચાવી જવાથી વજન અચૂક ઘટવા લાગે છે.

ઊલટી કે ઝાડાની તકલીફમાં ગુણકારી: પિપરીમૂળનો ઉપયોગ વિવિધ રીતે કરવામાં આવતો હોય છે. પીપરીમૂળનો કાઢો બનાવવા માટે 2-3 પીપરીમૂળને ગરમ પાણીમાં ઉકાળીને તેનો કાઢો બનાવી લેવો. દિવસમાં 2-3 વખત તેને પીવાથી ઊલટી કે દસ્તની તકલીફમાં આરામ મેળવી શકાય છે. ગંઠોડાનો પાઉડર બજારમાં સરળતાથી મળી રહે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ગુણકારી: ગંઠોડાને એક સ્વાસ્થ્ય વર્ધક ઔષધી ગણવામાં આવે છે. ડાયેટરી ફાઈબરની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી હોય છે. જે પાચનક્રિયાને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તો વળી પોટેશિયમની યોગ્ય માત્રા જળવાઈ રહેવાને કારણે કોશિકામાં પોષક તત્ત્વો સરળતાથી ભળી જાય છે. વિટામિન એ ની માત્રા તેમાં સારા પ્રમાણમાં હોવાને કારણે શરીરને ચેપી રોગથી બચાવવામાં મદદ કરે છે. વળી આંતરડાને બેક્ટેરિયાના પ્રભાવથી બચાવવામાં મદદ કરે છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવામાં અત્યંત ગુણકારી ગણાય છે..

શરદી-ખાંસી-અસ્થમા જેવી તકલીફમાં અત્યંત ગુણકારી: પિપરીમૂળનો ઉપયોગ શિયાળામાં કરવાથી અસ્થમા જેવી ગંભીર બિમારીમાં અચૂક ફાયદો મેળવી શકાય છે. વાસ્તવમાં આયુર્વેદમાં ગંઠોડાને ‘ત્રિકુટ’ નામક ઉપયોગી ઔષધીનું મુખ્ય ઘટક માનવામાં આવે છે. તેમાં પીપરીમૂળની સાથે આદું કે સૂંઠ તેમજ ગોળનો ઉપયોગ ખાસ કરવામાં આવે છે.
ગંઠોડાની તાસીર ગરમ હોય છે. કેમકે તેમાં ઍલ્કેલૉઈડ પાઈપરાઈન હોય છે. જેને કારણે તેનો સ્વાદ તીખો લાગે છે. શરદી-ખાંસી-અસ્થમાં જેવી તકલીફમાં ઝડપી ફાયદો કરે છે.

દાંતના દુખાવમાં લાભકારી: દાંતનો દુખાવો થતો હોય તે સમયે ગંઠોડાના પાઉડરને દાંત તેમજ પેઢાં ઉપર ઘસવાથી ઝડપથી દાંતના દુખાવમાં રાહત મળી રહે છે. દાંતમાં થતાં કળતરથી બચાવે છે.

Also Read – આહારથી આરોગ્ય સુધીઃ ઔષધિય ગુણોવાળા થોર-કેકટસ

ગંઠોડા-સૂંઠ પાઉડરની રાબ

સામગ્રી: 1 ચમચી ગંઠોડાનો પાઉડર, સૂંઠ પાઉડર 1 ચમચી, 1 ચમચી ચોખ્ખુ ઘી, 2 મોટી ચમચી ઘઉનો લોટ, 1 નાની વાટકી ગોળની કતરણ, 1 નાની ચમચી વરિયાળી, ચપટી એલચી પાઉડર, ચપટી જાયફળ પાઉડર, 1 ચમચી બદામ-પીસ્તાની કતરણ, 2 વાટકી ગરમ દૂધ અથવા 2 વાટકી ગરમ પાણી.
બનાવવાની રીત: સૌ પ્રથમ એક કડાઈમાં 2 ચમચી ઘી ગરમ કરવું. તેમાં ઘઉનો લોટ શેકી લેવો. શેકાવા આવે એટલે ગેસ ધીમો કરીને તેમાં બદામ-પીસ્તાની કતરણ, એલચી-જાયફળનો પાઉડર, વરિયાળી, ગંઠોળા પાઉડર, સૂંઠ પાઉડર, વગેરે ઉમેરવું. થોડું શેકીને ગરમ દૂધ કે ગરમ પાણી ઉમેરીને ઝડપથી હલાવતા રહેવું. જેથી ગાંઠા પડે નહીં.
દૂધ ઉકળવા લાગે એટલે તેમાં ગોળની કતરણ ઉમેરીને 2 મિનિટ ધીમી આંચ ઉપર રાખવું. ગરમાગરમ રાબ શિયાળાની ઠંડીમાં પીવાથી શરીરમાં શક્તિનો સંચાર થશે. સ્વાસ્થ્ય તંદુરસ્ત બનશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button