તરોતાઝા

આરોગ્યની દૃષ્ટિએ… આ ઋતુમાં કેવી ફેશન અપનાવશો?

આરોગ્ય એક્સપ્રેસ -રાજેશ યાજ્ઞિક

હજી ફેબ્રુઆરી મહિનો માંડ પત્યો છે, પણ ગરમીનો પારો મે મહિના જેટલો ઊંચો ચઢ્યો છે. જાડા અને ગરમ કપડાને હટાવીને હળવા રંગના અને પતલા કાપડના કપડાં પહેરવાનો સમય આવી ગયો છે. ગરમીમાં તમે કેવા કપડાં પહેરો છો તેની તમારા આરોગ્ય ઉપર પણ ખાસ્સી અસર થતી હોય છે. ખાસ કરીને, મુંબઈ જેવા શહેરમાં જ્યાં ભેજનું પ્રમાણ ખૂબ ઊંચું હોવાથી લોકો પરસેવે રેબઝેબ થઇ જતા હોય છે, તેથી જો યોગ્ય કપડાં પહેરવામાં ન આવે તો શરીર પર તેની વિપરીત અસર થઈ શકે અને એવી અસર થાય પણ છે.

હિટ વેવથી બચવા માટે તમારે કેટલીક સાવચેતી રાખવી જોઈએ. તમારા શરીરને માત્ર અંદરથી જ નહીં, બહારથી પણ ઠંડું રાખવું જોઈએ. માત્ર શરીરને હાઇડ્રેટેડ રાખવાથી તમારું કાર્ય પૂરું થઇ જતું નથી. તમારે યોગ્ય પ્રકારના કપડાઓનું ચયન પણ કરવું જોઈએ. ફેશનેબલ ભલે હોય, પણ ગરમીને અનુરૂપ નહીં હોય તો તમે બીમાર પણ પડી શકો છો.

હળવા રંગનાં કપડાં પસંદ કરો
રંગોનું હવામાન સાથે સમીકરણ હોય છે. કેટલાક રંગો ગરમ હોય છે, તો કેટલાક ઠંડા. તમારા ઉપર ઘેરા રંગ કદાચ બહુ સૂટ કરતા હોય તો પણ, ગરમીની મોસમમાં ઘેરા રંગના કપડાં પહેરવાનું ટાળજો. એટલે કે કાળા, નેવી અને જાંબલી રંગના કપડાં ન પહેરો. તેનાથી તમને વધુ ગરમીનો અનુભવ થશે. ઘેરા રંગના કપડાં ગરમીને શોષતા નથી. એના કારણે શરીરમાં ગરમી ઉત્પન્ન થવા લાગે છે અને તમને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. તેથી, સફેદ, ગુલાબી, પીચ જેવા હળવા રંગના કપડાં પહેરો.

હળવા રંગના કપડાંમાં શ્વાસ લેવાનું સરળ બને છે. તેનાથી તમારા શરીરનું તાપમાન યોગ્ય રહેશે. કોશિશ કરો કે પેન્ટ્સ, ટ્રાઉઝર કે પાયજામા પણ ઘેરા રંગ ના ન હોય. સુતરાઉ કપડાંની પહેલી પસંદગી સુતરાઉ વસ્ત્રો હંમેશાં શરીર માટે સારા ગણવામાં આવે છે. એટલા માટે મોટાભાગના લોકો આ ફેબ્રિકમાંથી બનેલા કપડાં પહેરવાનું પસંદ કરે છે. ઉનાળાની ઋતુમાં ગરમીથી બચવા માટે તમારે સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. કોટનના કપડાં હવાદાર હોય છે. આ ઉપરાંત, તે સૂર્યપ્રકાશને પણ સરળતાથી શોષી લે છે, જેના કારણે તમને ઓછી ગરમીનો અનુભવ થાય છે. લીનનના કપડાં પણ ગરમીમાં તમને આરામદાયક અનુભવ આપી શકે છે.

ઢીલાં કપડાં પહેરો
આ ઋતુમાં બને ત્યાં સુધી ચુસ્ત વસ્ત્રો પહેરવાનું ટાળો, કારણ કે તેનાથી રક્ત પરિભ્રમણ બગડે છે. જ્યારે આવું થાય છે, ત્યારે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ ઊભી થાય છે. તેથી, ઉનાળાની ઋતુમાં યોગ્ય વસ્ત્રો પસંદ કરો. આવા ડ્રેસ તમારા શરીર પર ચોંટી જશે નહીં, જેના કારણે તમને ગરમી નહીં લાગે. ઉનાળામાં જીન્સ પહેરવાનું ટાળો. આના કારણે તમને ફોલ્લીઓ પણ થઈ શકે છે. તમે રેયોન સ્કર્ટ સાથે લૂઝ ટોપ પહેરી શકો છો. માર્કેટમાં તમને વિવિધ પ્રકારના પેન્ટ મળશે. બેગી અને ફ્લેરેડ પેન્ટ ઉનાળા માટે એકદમ બેસ્ટ છે. સ્લીવલેસ પહેરવાનું ટાળો.

ઉનાળામાં, યુવતીઓ સ્ટાઇલ અને આરામ માટે કટ સ્લીવ અથવા સ્લીવલેસ આઉટફિટ પહેરે છે તો યુવકો પણ સ્લીવલેસ ટી-શર્ટ પહેરવાનું પસંદ કરે છે. આ પ્રકારનાં ડ્રેસ તમને આરામદાયક ભલે લાગે, પરંતુ જો વધુ પડતી ગરમી, સૂર્યપ્રકાશ અને યુવી કિરણો સીધા ત્વચા પર પડે છે તો તે ઝડપથી કાળી થવા લાગે છે. તેથી, ફક્ત સંપૂર્ણ બાંયના કપડાં જ પહેરવાં જોઈએ. જો કે, તમે ઢીલા કપડાંનો વિકલ્પ પસંદ કરી શકો છો. ઉપરાંત જો તમારે ઓફિસની બહાર કામ કરવાનું હોય તો આખી બાંયના કપડાં યોગ્ય રહેશે, પણ જો તમે ઓફિસની અંદર રહીને જ કામ કરતા હો, તો અડધી બાંયના કપડાં પસંદ કરી શકો.

સ્કાર્ફ
તમે જોયું હશે કે ગામડામાં પુરુષો ગમછો રાખે છે અને મહિલાઓ કોઈપણ ઉંમરની હોય, સાડી પહેરી હોય તો માથે છેડો રાખે અથવા દુપટ્ટો તો હોય જ. આજે એ ફેશન શહેરમાં અપનાવવા જેવી છે, સ્કાર્ફના રૂપમાં. તમને માર્કેટમાં અલગ-અલગ ડિઝાઈન અને કલરના સ્કાર્ફ મળશે. તે તમને સુંદર દેખાવામાં મદદ કરે છે પરંતુ ટેનિંગથી પણ બચાવે છે. સ્કાર્ફ તમારા ચહેરાને સૂર્યપ્રકાશથી બચાવવામાં મદદ કરે છે. તમે સ્કાર્ફને કોઈપણ રીતે સ્ટાઇલ કરીને પહેરી શકો છો. હેટ અથવા કેપ પણ પહેરવાનું રાખો સ્ટ્રો હેટ્સ ઉનાળા માટે જરૂરી છે. તે તમને બજારમાં ઘણી સુંદર ડિઝાઇનમાં મળશે. તે તમારા ચહેરાને યુવી કિરણોથી બચાવવામાં મદદ કરે છે. તમારે ઉનાળામાં હંમેશાં ટોપી પહેરવી જોઈએ, કારણ કે તે તમને ટેનિંગથી બચાવશે. તમને આવી હેટ ન ગમતી હોય તો અન્ય કાપડમાંથી બનેલી કેપ પણ પસંદ કરી શકો. તેનાથી માથામાં સીધો સૂર્યપ્રકાશ નહીં પડે ને ગરમી પણ ઓછી લાગશે.

આ બધા વચ્ચે અન્ય કેટલીક વાતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે, જેમકે હંમેશાં સનસ્ક્રીન લગાવીને બહાર જાવ. તે ત્વચાને થતા નુકસાનને અટકાવે છે. સનગ્લાસ અને છત્રીનો ઉપયોગ કરવાનું ન ચૂકો. આ તમને હિટ વેવથી બચાવશે. હિટ વેવ દરમિયાન શરીરને હાઇડ્રેટેડ રાખવું ખૂબ જ જરૂરી છે. તેથી, તમારી બેગમાં પાણીની બોટલ રાખો. તમારા આહારમાં માત્ર ઠંડા ફળો અને શાકભાજીનો જ ઉપયોગ કરો. ગરમીથી બચવાનો આ શ્રેષ્ઠ ઉપાય છે. -અને હા, તમે ઇચ્છો તો, તમે ઉનાળામાં શરીરને અંદરથી ઠંડું રાખવા માટે સત્તુનું સેવન કરી શકો છો કારણ કે તે ઠંડકની અસર સાથેનો ખાદ્યપદાર્થ છે અને આજે પણ તેને ગરમીનો શ્રેષ્ઠ ઈલાજ માનવામાં
આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button