આ આયુએ હવે કેવી હોવી જોઈએ ખાણી-પીણીની ટેવ?
ગૌરવ મશરૂવાળા
‘મેં આખી જિંદગી સ્વાદિષ્ટ ખોરાકનો આનંદ માણ્યો છે. હવે સ્વાદના શોખ ઘણા થઈ ગયા. મેં જે ખાધું તેનાથી મને સંતોષ થઈ ગયો છે.’ ‘હવે મારે ક્યાં વધારે વર્ષ જીવવાનું છે? સ્વાદના શોખ પૂરા કરવા દો!’
ઉપરોક્ત આ બન્ને નિવેદન વ્યક્તિની માનસિકતા વ્યક્ત કરે છે. આ પ્રકરણનો મુદ્દો વરિષ્ઠ નાગરિકોએ શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ તેની ચર્ચા કરવાનો નથી. ખરું પૂછો તો, બધાને લાગુ પડે એવો કોઈ ચોક્કસ ખોરાક હોઈ શકે નહીં. દરેકના શરીરનું બંધારણ અને જરૂરિયાતો અલગ અલગ હોય છે. વળી, દરેક વ્યક્તિનો ઉછેર, હવામાન, ખોરાકની ઉપલબ્ધતા વગેરે પરિબળોના આધારે ખાણી-પીણી નક્કી
થાય છે.
મોટી ઉંમરે એ સવાલ અગત્યનો છે કે તમને સ્વાદિષ્ટ ખાવાનું ગમે છે કે પછી સ્વાદના ચટાકા કરવા જોઈએ જ છે. સ્વાદિષ્ટ ખાવાનું મળે અને તેનો આનંદ લેવો એક વાત છે અને શરીરને નુકસાન થાય તેની પરવા કર્યા વગર સ્વાદના શોખ પૂરા કરવા એ સાવ જુદી વાત છે.
જેમને જીભના ચટાકા વહાલા હોય એવા અનેક માણસો આપણને જોવા મળે છે. દાખલા તરીકે મહેન્દ્રભાઈ. એમણે રોજ કોલેસ્ટરોલ અને ડાયાબિટીસની દવા લેવી પડે છે. દવા લે ત્યાર સુધી એમની આ બન્ને તકલીફ નિયંત્રણમાં રહે છે. આમ છતાં એમને ચટાકેદાર ભોજન વગર ચાલતું નથી. જે માણસને તંદુરસ્ત રહેવા માટે દવા લીધાં વગર ચાલતું નથી, એ માણસ જો બીમારી માટે કારણભૂત ખોરાક લેવાનું બંધ કરી ન શકે તો એમને આ સ્વાદની લત છે એવું જ કહેવું પડે. આ જ મહેન્દ્રભાઈના મિત્ર શિશિરભાઈ છે. 70 વર્ષની ઉંમરે એ સંપૂર્ણ ચુસ્તી-સ્ફૂર્તિ ધરાવે છે.
એમને ફક્ત વિટામિનની ગોળીઓ આપવામાં આવી છે. એ સિવાય એમણે કયારેય કોઈ દવા લેવાની જરૂર પડતી નથી. અત્યાર સુધીના એમના બધા મેડિકલ રિપોર્ટ પણ નોર્મલ આવ્યા છે. એ મસ્ત-મોજીલા માણસ છે. ક્યારેક એ પણ તળેલો અને મસાલેદાર ખોરાક લઈ લે છે. વળી, એમને મીઠાઈ પણ પ્રિય છે. આમ છતાં, એ આ બન્ને પ્રકારનો ખોરાક મર્યાદામાં લે છે. એમને સ્વાદિષ્ટ ખાણી-પીણી ગમે છે એમ કહી શકાય, પણ એમને તેની લત છે એમ ન કહેવાય.
કોઈકે ખાણી-પીણીની વિવિધ આદત પરથી માણસનું યોગી-ભોગી ને રોગી એમ ત્રણ શ્રેણીમાં વર્ગીકરણ કર્યું છે. પોતે કઈ શ્રેણીમાં આવે છે એ દરેકે જાતે જ નક્કી કરવાનું હોય છે. તમારી આદતોને લીધે ફક્ત તમને જ નહીં, તમારા પરિવારજનોને પણ તકલીફ થતી હોય છે. જો જાડો-સ્થૂળ માણસ માંદો પડે તો એને પથારીમાં ઉઠાડવા-બેસાડવાનું કે વ્હીલચેરમાં ફેરવવાનું અઘરું પડે છે. કૉર્પોરેટ વિશ્ર્વમાં રહી ચૂકેલા નિવૃત્ત આર. વેંકટે એક વખત મને અર્થપૂર્ણ વાત કરી હતી.
પોતાના દસ-પંદર મિનિટના સ્વાદના આનંદની પાછળ પડી ગયેલા માણસને પહેલાં તો ખાણી-પીણી પર ખર્ચ થાય છે. પછી એ બીમાર પડે ત્યારે સેવા-ચાકરી કરનારા માણસ રાખવાનો ખર્ચ કરવો પડે છે અને હૉસ્પિટલમાં દાખલ થવું પડે તો તેનો ખર્ચ વધારાનો. એમની વાત ખરેખર સાચી છે. કોઈ પણ સ્વાદ વધુમાં વધુ થોડી મિનિટો સુધી જ મોંમાં રહે છે. એ થોડી મિનિટો માટે માણસ પોતાની અને બીજાઓની તકલીફો વધારી દે છે.
આપણાં શાસ્ત્રોમાં કહેવાયું છે કે જમતી વખતે શાંત જગ્યાએ બેસવું. બોલવાનું ટાળવું અને ખોરાક પર ધ્યાન આપવું. હું તેને જમવાનું મેડિટેશન કહું છું. આ રીતે જમવાનું કહેવાયું તેની પાછળ ઘણો મોટો વિચાર રહેલો છે. આપણે જ્યારે શાંત બેસીએ અને બોલવાને બદલે ખોરાક પર ધ્યાન આપીએ ત્યારે લાળ ઝરવાનું પ્રમાણ વધી જાય છે. લાળને લીધે ખોરાક સારી રીતે પચતો હોય છે. સ્વાદગ્રંથિઓ અને તંદુરસ્તી બન્ને માટે આ જરૂરી છે. જમતી વખતની એકાગ્રતાને લીધે આપણે વધારેપડતું ખાવાથી બચી જઈએ છીએ.ટૂંકમાં એટલું જ કહેવાનું કે વ્યક્તિ નાની ઉંમરની હોય કે મોટી ઉંમરની, ખાવાની વાતને લઈને દરેક વ્યક્તિ જો અહીં કહેલી વાત પર બરાબર ધ્યાન રાખે એ એના પોતાના હિતમાં છે.