તરોતાઝા

ગરમી સંબંધિત તમામ સમસ્યાઓનો ઉકેલ છે ફુદીનો

હેલ્થ-વેલ્થ – સંધ્યા સિંહ

પ્રત્યેક મોસમની પોતાની આરોગ્ય સંબંધિત સમસ્યાઓ હોય છે. ગરમીની મોસમ પણ આપણા માટે અનેક પ્રકારની સમસ્યાઓ લઈને આવે છે. વધારેપડતી ગરમીને કારણે ઘણીવાર શરીરમાં પાણી ઘટી જાય છે, લૂ લાગી જાય છે તો ઘણીવાર ભારે થાક લાગ્યો હોવાનો અનુભવ થાય છે અને ક્યારેક ફૂડ પોઈઝનિંગ, અળાઈ, ચિકન પોક્સ કે ડાયેરિયા પણ થઈ જાય છે.

ગરમીની મોસમમાં આવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આમ તો દરેક સમસ્યા અલગ અને ખાસ હોય છે અને તેથી જ તેનું નિદાન કરવાની રીત અને સારવાર પણ અલગ જ હોય છે. આ મોસમમાં કારગત નીવડે તેવો ફુદીના ગરમી સંબંધિત મોટાભાગની સમસ્યાઓમાં રાહત આપવાનું કામ કરે છે અને એટલે ફુદીનાને ગરમીની મહાઔષધી કહેવામાં આવે છે. લૂ લાગવી, ફૂડ પોઈઝનિંગ, ત્વચા સૂકી થવી, શરીરમાં પાણી ઘટી જવા જેવી સમસ્યાઓમાં ફુદીનો આપણને તાત્કાલિક રાહત આપે છે.

ફુદીનાની એક સારી વાત એ છે કે આ જડીબુટ્ટીનો પ્રત્યેક હિસ્સો ઔષધીય હોય છે. ફુદીનાની દાંડી, પાંદડા, મૂળ સહિતનો કોઈપણ હિસ્સો ગરમીમાં રાહત આપવાનું કામ કરે છે. ફુદીનામાં ભરપૂર ઔષધીય અને પોષક તત્વો હોય છે. ફુદીનાની સુગંધ પણ દરેકને પસંદ પડે છે. ફુદીનાની ગંધની એલર્જી હોય એવા બહુ ઓછા લોકો હોય છે. ફુદીનો આપણી ત્વચાને ચમકદાર અને આકર્ષક બનાવે છે તેમ જ મોઢામાં છાલા પડતાં પણ રોકે છે. આ કારણે જ હર્બલ નિષ્ણાતો ગરમીની મોસમમાં દરેકને ફુદીનાનું સેવન કરવાની સલાહ આપે છે.

ફુદીનો એક અદ્ભુત હર્બલ છે. જો તમને ડાયાબિટીસ ન હોય અને ગરમીની મોસમમાં જો તમે દરરોજ સવાર-સાંજ બે ગ્લાસ ફુદીનાનું પાણી કે શરબત પીઓ તો ગરમી સંબંધિત મોટાભાગની સમસ્યાઓથી તમને છુટકારો મળી શકે છે. ગરમીની મોસમમાં ફુદીનાના ઉપયોગને કારણે ફાયદો એ થાય છે કે તેના કારણે મોઢામાંથી તેમ જ પરસેવાની દુર્ગંધ નથી આવતી. ફુદીનો આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તડકો લાગવા સંબંધિત મોટાભાગની સમસ્યાઓથી ફુદીનો તાત્કાલિક છુટકારો અપાવે છે. ગરમીની મોસમમાં ફુદીનાના વીસપચીસ પાંદડાને વાટીને તેનો લેપ મોઢા પર લગાડવામાં આવે તો આખો દિવસ નહીં, પરંતુ દિવસો સુધી ચહેરા પર તાજગી વર્તાય છે. અન્યથા ગરમીની મોસમમાં ત્વચા સૂકી, મુરઝાયેલી અને અજબ દેખાય છે. ગરમીને કારણે થાક લાગ્યો હોય તો ફુદીનાનું પાણી પી લેવાથી થાક તરત ઊતરી જાય છે.

ગરમીની મોસમમાં મોટાભાગના લોકોને અપચાની સમસ્યા થાય છે અને એવામાં ફુદીનો ભારે રાહત આપે છે કેમ કે ફુદીનો એન્ટિઓક્સિડન્ટ હોય છે જેને કારણે તે આપણા પાચન તંત્રને મિનિટોમાં દુરસ્ત કરી નાખે છે.

ગરમીની મોસમમાં ફુદીનો એલર્જી ને અસ્થમામાં પણ રાહત આપે છે. જો કફ શ્વાસનળીમાં ફસાયો હોય તો ફુદીનો તેને બહાર કાઢવામાં મદદ કરે છે. ફુદીનામાં એન્ટિ ઈન્ફ્લેમેટરી અને એન્ટિ માઈક્રોબિયલ ગુણ હોવાને કારણે તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. ફુદીનો શ્વાસમાં રહેલા બીમાર કરતા બેક્ટેરિયાનો નાશ કરે છે અને એટલે જ ફુદીનાને આયુર્વેદિક મહાઔષધી લેખવામાં આવે છે.

ફુદીનામાં એનેક ઔષધીય ગુણ હોય છે. ફુદીનો ભોજનને સ્વાદિષ્ટ બનાવવાનું પણ કામ કરે છે. ફુદીનો વાપરવાને કારણે અનેક ખોરાક અતિ સ્વાદિષ્ટ થઈ જાય છે. જોકે ડૉક્ટરોનું માનવું છે કે પુરુષોએ ફુદીનાનો વધારે ઉપયોગ ન કરવો જોઈએ કેમ કે તેને કારણે પુરુષોમાં શુક્રાણુઓનું ઉત્પાદન ઘટી જાય છે.

જોકે ફુદીનાના અનેક લાભ છે. ફુદીનાનું નિયમિત રીતે સેવન કરવાથી કફ, વાત, પિત્ત જેવા દોષો દૂર થઈ જાય છે. પાચન શક્તિ સારી થાય છે ને ભૂખ પણ ખૂબ લાગે છે. જો કોઈ વ્યક્તિને ગરમીના કારણે ચક્કર આવી ગયા હોય તો તેને ફુદીનાનો રસ સૂંઘાડવો જોઈએ. આને કારણે તેની મૂર્છા દૂર થઈ જાય છે. પ્રસૂતિના સમયે સગર્ભા સ્ત્રીને ફુદીનાનો રસ પીવડાવવાથી પ્રસૂતિ બહુ સરળ રીતે થાય છે. વીંછુએ ડંખ માર્યો હોય તો તેવા સંજોગોમાં ફુદીનાનો રસ લગાડવાથી તે વીંછુના ડંખને અંદરથી ખેંચી લાવે છે. આમ જોવા જઈએ તો ફુદીના પાસે ગરમી સંબંધિત મોટાભાગની સમસ્યાઓનો ઉકેલ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ