શાકાહાર શ્રેષ્ઠ કેમ છે?
`આહારમાં વિવેક ન હોય તો મનુષ્યમાં અને પશુમાં શું અંતર રહે?’
સંસ્કૃતિ – ઉર્મિલ પંડ્યા
ઉપરોક્ત ઉદ્ગારો મહાત્મા ગાંધીજીના છે. સારું થયું કે 30 જાન્યું. 1948માં ગાંધીજી કાયમ માટે પોઢી ગયા. જો આજે જીવતા હોત તો કૃષિપ્રધાન દેશમાં જે રીતે પ્રાણીઓની હિંસા થાય છે. એ જોઈને રોજ ટુકડેટુકડે મૃત્યુ પામતા હોત. જે દેશની સવાર પણ વનસ્પતિના દર્શનમાત્રથી થતી હતી એ દેશમાં આજે નવાનવા કતલખાના ખોલવાની સરકારી મંજૂરી મળતી જાય છે. જો તમે ધર્મની રીતે અહિંસક ન બની શકો કે માંસાહાર ન છોડી શકો તો વિજ્ઞાનની રીતે પણ આપણે માંસાહારને લાયક નથી જ. ગાંધીજીના જીવન કાળનો એક પ્રસંગ મમળાવીને પછી આપણે આ વાત આગળ વધારશું.
ઈંગ્લેન્ડમાં ગાંધીજી એક પાદરીના આમંત્રણથી દર રવિવારે તેમને ત્યાં જમવા જતા. મિશનરીના કુટુંબીઓ માંસાહાર કરી લેતા જ્યારે ગાંધીજી ફક્ત શાકાહાર જ કરતા. આ જોઈને ત્યાં હાજર અંગ્રેજ બાળકો પૂછવા લાગતા કે મિ. ગાંધી અમુક (માંસાહારી) વાનગીઓ કેમ ખાતા નથી? ત્યારે તેમનાં મા-બાપ કહેતા, તેમનો ધર્મ માને છે કે પશુ પક્ષીઓને આત્મા હોય છે, સુખદુ:ખની લાગણી હોય છે, પ્રાણીઓને મારવામાં ક્રૂરતા છે, પાપ છે.
બાળકો કહેતા “વાત સાચી છે. આપણે કેમ એ વસ્તુ પાપ નથી ગણાતાં?” આપણે માનીએ છીએ કે પશુ-પક્ષીને આત્મા નથી હોતો. બાળકો કહેતાં, આત્માની વાત તો કોણ જાણે, પણ એમને મારવાં ક્રૂરતા તો છે જ, મારતી વખતે તેઓ નાસભાગ કરે છે. જોરથી ચીસો પાડે છે. એટલું તો આપણે પણ જોઈએ છીએ. આવતી કાલથી અમે એ વસ્તુઓ નથી ખાવાનાં!
મા-બાપ કહેતાં નહીં ખાઓ તો નબળાં પડશો, ત્યારે મિ. ગાંધી કેમ નથી નબળા પડતા? બાળકોએ પ્રશ્ન પૂછ્યો.
ઉપરોક્ત પ્રસંગ પ્રખ્યાત લેખક કાકા કાલેલકરે પોતાના એક પુસ્તકમાં ટાંક્યો છે. આમાં એક પ્રશ્ન ઊડીને આંખે વળગે એ તે છે કે યુરોપના અમુક પ્રદેશો કે જ્યાં બરફ વધારે ને ખેતીવાડીનું પ્રમાણ ઓછું હોય ત્યાં પણ બાળકોને માંસાહાર છોડી દેવાની સ્ફુરણા થતી હોય તો ભારત જેવા ખેતીપ્રધાન દેશમાં સવારના દાતણથી લઈ ભોજન સુધી અને સૌંદર્ય પ્રસાધનથી લઈ ઔષધ સુધી વિપુલ પ્રમાણમાં વનસ્પતિઓ, ફળો, અનાજ-દાળ, શાકભાજી, જડીબુટ્ટીઓ ઊગે છે ત્યારે તેને પ્રાધાન્ય મળવાને બદલે કતલખાના કેમ વધતાં જાય છે?
હવે આપણે જાણીએ કે વૈજ્ઞાનિક રીતે પણ શાકાહાર કેમ શ્રેષ્ઠ છે.
(1) કુદરતે મનુષ્યની શરીર રચના શાકાહારને અનુકૂળ જ ઘડી છે. માંસભક્ષી પશુ-પક્ષી જેવા અણિયાળા તીક્ષ્ણ દાંત કે નખ મનુષ્યને આપ્યાં નથી.
(2) ખોરાકનો સીધો સંબંધ સ્વાદ સાથે છે અને છ જાતના સ્વાદ જેમ કે ગળ્યો, તીખો, ખારો, ખાટો, તૂરો અને કડવો રસ વનસ્પતિમાં જ છે. પ્રાણીઓમાં નથી જેમ કે.
ગળ્યો રસ: શેરડી, ફળો,જેઠી મધ વગેરે
તીખો રસ: મરચાં, મરી, તજ, લવિંગ વગેરે
ખાટો રસ: ટામેટાં, લીંબુ, આમલી, આમળા વગેરે
તૂરો રસ: હળદર, હરડે, વનસ્પતિનાં દાતણ વગેરે
કડવો રસ: કારેલાં, કડુ-કરિયાતું, કંટોલા વગેરે,
એક ખારો રસ વનસ્પતિમાં નથી પરંતુ (મીઠું) સમુદ્ર કે સિંઘના પર્વતોમાં મળી આવે છે જે પ્રાણીમાં તો નથી જ.
આમ કુદરતે જીભ-આપી, પેટ આપ્યું તો વનસ્પતિના રૂપમાં રસ અને પોષક તત્ત્વો પણ આપ્યાં, શાકાહાર હોય કે માંસાહાર તમને જે વિવિધ મસાલાના સ્વાદ મળે છે જે પ્રાણીમાં તો નથી જ.
(3) માંસાહારથી તાકાત વધે, પોષક તત્ત્વો વધુ મળે- એવી માન્યતા આજની પેઢીમાં છે જે બિલકુલ ભ્રામક છે. માંસ જેટલાં કે તેનાથી વધુ પ્રોટિન્સ મગ, મઠ, ચણા, વટાણા, સોયાબીન જેવાં કઠોળમાંથી મળી રહે છે. ચરબી જોઈતી હોય તો તેલ, દૂધ-ઘીમાંથી મળતી રહે છે. (દૂધ-ઘી પ્રાણીજન્ય ખોરાક કહેવાય પરંતુ એમાં જીવની હિંસા થતી નથી) વિવિધ ફળોમાંથી વિટામિન્સ, ક્ષાર, કાર્બોદિત પદાર્થો મળી રહે છે અને આ બધુ ખાવાથી બળ, બુદ્ધિનો વિકાસ થાય જ છે. અત્યંત બળવાન ગણાતા હાથી કે ઘોડા કે ખેતીમાં મદદ કરીને આખી દુનિયાને અનાજ ખવડાવતા બળદ બધા શાકાહારી છે અને બળવાન પણ છે. (અંગ્રેજીમાં હોર્સ પરથી હોર્સ પાવર શબ્દ આવ્યો તેમ આપણે ત્યાં બળદ પરથી બળ શબ્દ આવ્યો હોય તો નવાઈ નહીં.)
ટૂંકમાં શાકાહારથી નબળા થઈ જવાય છે એ બાબત વૈજ્ઞાનિક રીતે પણ અસ્વીકાર્ય છે.
(4) વનસ્પતિનાં ફળ, ફૂલ, પત્રો તોડીએ તો એ મરી જતી નથી. જ્યારે માંસ ખાવા માટે પ્રાણીને સંપૂર્ણ મારી જ નાખવું પડે છે અને આ સમયે એ પ્રાણીઓની કિકિયારી સાંભળીને ભલભલા લોકોના હૃદય દ્રવી જાય છે. જો તમારે માંસાહાર છોડવો હોય કે કોઈનો માંસાહાર છોડાવવો હોય તો તેવા લોકોને લઈને કતલખાનામાં પહોંચી જજો. ત્યાં જ રીતે યાંત્રિક કરવતો પશુઓ પર ફરી વળતી હોય છે અને તે વખતે પશુઓનાં મોઢા પર જે લાચારી નિ:સહાયતા, વેદના હોય છે એ જોઈને ઘણા લોકો માંસાહાર છોડી દેશે. રેસ્ટોરાંમાં સજાવી ધજાવીને પિરસાયેલું માંસ કેટલાંય પશુ-પક્ષીઓની હાય લઈને આવ્યું હશે તે તમે તાદૃશ જોશો તો ઘણી અસર થશે.
(5) કુદરતે ખોરાક બનાવવાની સગવડ વનસ્પતિને જ આપી છે.: આ મુદ્દો તો હવે વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થઈ ચૂક્યો છે કે વનસ્પતિ સૂર્યપ્રકાશની મદદ વડે, પાણી અને લીલા કણોની હાજરીમાં પોતાનો ખોરાક પોતે જ બનાવે છે અને સંગ્રહ કરે છે. પ્રસિદ્ધ વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈને સંશોધનમાં જણાવ્યું છે કે શક્તિ અને પદાર્થ વચ્ચે ગાઢ સંબંધ છે ઊ=ળભ2 ના સૂત્ર અનુસાર સૂર્યપ્રકાશની શક્તિને વનસ્પતિ સ્ટાર્ચ (કાર્બોહાઈડે્રટ્સ)માં ફેરવે છે, આ જ પદાર્થ મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓ ગ્રહણ કરીને જીવન જીવવાની શક્તિ મેળવે છે.આમ, પ્રાણીજગતને ખોરાક પૂરો પાડવાની જવાબદારી વનસ્પતિની જ છે. કોઈ નિર્દોષ ગાય-બકરાં કે સસલાં-હરણની નથી.
(6) વનસ્પતિ કે વૃક્ષો પોતાનું સ્થાન છોડતાં નથી: પ્રાણીઓનો શિકાર કરવા જાવ કે પકડવા જાવ તો તેઓ છટકવાનો કે ભાગવાનો પ્રયત્ન કરે છે. જ્યારે ઈશ્વરે વનસ્પતિની રચના એવી રીતે કરી છે કે તેઓ જમીનમાં મૂળ ઘાલીને એક જ સ્થાનને દૃઢપણે વળગેલા રહે છે. તેની નજીક આવનાર પશુપંખી કે મનુષ્યમાં પોતે બનાવેલો ખોરાક લૂંટાવીને ધન્યતા અનુભવે છે. અન્ન તેવા ગુણ એ ઉક્તિ પ્રમાણે જે ડરતું હોય, થરથર કાંપતુ હોય, મરવાને લાચાર બન્યું હોય, નિ:સાસા નાખતું હોય એવા પ્રાણીનું માંસ ખાઈને તમારે જીવવું જોઈએ કે એક દાણો વાવીએ તો હજાર દાણા પરત કરતી પોતાના ફૂળફૂલ ખુશી ખુશી હસતા મોંએ તમને અર્પણ કરતી વનસ્પતિનું સેવન કરવું છે તે તમે નક્કી કરજો.
(7) મનુષ્ય અને પ્રાણીઓને જીભ હોવાથી જીભના ચટાકા પણ હોય છે. આથી બીમાર પણ વારંવાર પડી શકે છે, પરંતુ વનસ્પતિને જીભના ચટાકા પોષાય નહીં એ તો સૂર્ય ભગવાનનો પ્રસાદ ખાય અને પોતાની શક્તિ વધાર્યા કરે. માંસાહારમાં રોગગ્રસ્ત પ્રાણીના સેવનની તક વધુ રહેલી છે. જ્યારે શાકાહારમાં તેની સંભાવના ઓછી હોય છે. વળી વનસ્પતિમાં ફાઈબર્સ (તાંતણા)નું પ્રમાણે વધારે હોઈ જેમ એક ઝાડુથી રૂમ સાફ થાય છે તેમ તેનાથી પાચનતંત્રના અવયવો સાફ રહે છે. વિષદ્રવ્યો એકત્ર થતા નથી અને આરોગ્ય પર સારી અસર થાય છે. વનસ્પતિમાં શાક કે ફળ આવે તે પહેલાં ફૂલ કે મ્હોર (મંજરી) આવતાં હોય છે. સુંગધી વાતાવરણમાં રંગબેરંગી પંતગિયાં આસપાસ ફરતા હોય છે. તે તમામ પ્રક્રિયા જોવી ગમે છે, જેથી મન પ્રફુલ્લિત થાય છે. જ્યારે પ્રાણીઓમાંથી ખોરાક મેળવવા માટે તેને કાપવું પડે, લોહીના ખાબોચિયામાં તરફડતું જોવું પડે. આ બધું જોઈને મન વ્યથિત થાય છે. પ્રખ્યાત ચિંતક પોલ મેકનીએ કહ્યું હતું કે કતલખાનાની દીવાલો અગર કાચની બનેલી હોત તો જગતમાં માંસાહારનું પ્રમાણ ઘણું જ ઘટી જાત.
(8) ઘણા માંસાહારીઓ એવી દલીલ કરતા હોય છે કે જો તેઓ માંસ ન ખાતા હોય તો શાકાહાર મોંઘુ પડતું હોત. જોકે આ દલીલમાં બિલકુલ વજૂદ નથી.
એક પ્રાણીને ઉછેરવા માટે જે ખર્ચ થાય, જે જગ્યા જોઈએ એટલી જ જગ્યામાં એટલા જ ખર્ચમાં વનસ્પતિ ઉગાડી હોય તો તે 10 માણસને ખોરાક પૂરો પાડી શકે છે. વનસ્પતિને જીવતી રાખીને માત્ર તેના ફળ અને શાકભાજીને ઉતારીને કરંડિયામાં ભરી શકાય, પણ આટલી જ જગ્યામાં મરઘાં-બતકાંને ઠાંસી ઠાંસીને ભર્યા હોય તો મરતાં પહેલાં જ શરીર અને મનથી બીમાર પડી જાય. શહેરોમાં મરઘાંની હેરફેર કરતી જાળીવાળી ટ્રકોમાં રીંગણા-બટાટાની જેમ એક પર એક લદાયેલા લાચાર મરઘાં તો તમે જોયાં જ હશે.
ટૂંકમાં, પશુઓને સારી રીતે રાખવા માટે જે જગ્યા વપરાય, તેમના ખોરાક માટે વનસ્પતિ ઉગાડવા પાછી જમીન વપરાય અને પછી કત્તલખાનાં માટે જે જમીન ફાળવાય અને ખર્ચ થાય એ બધાનો સરવાળો કરો તો ડાયરેક્ટ વનસ્પતિ ખાવાનું સોંધુ પડે, સાહેબ!
હા, દુનિયાના અમુક બરફીલા પ્રદેશો કે રણ પ્રદેશો જ્યાં વનસ્પતિ ઊગી શકતી નથી ત્યાં માણસ પોતાના જીવન ટકાવવા અન્ય વિકલ્પો અપનાવે એ સમજી શકાય, પણ ભારત જેવા ખેતીપ્રધાન દેશમાં જ્યાં તમને માંસના વિકલ્પ રૂપે કેટલીય વિવિધ શાકાહારી ચીજો મળી રહે છે, ત્યાં માંસાહારને ઉત્તેજન આપવાની જરૂર હોય ખરી? શાકાહારનું પ્રમાણ વધે તો ફરજિયાત વધુ ખેતી કરવી પડે, વધુ વૃક્ષો વાવવા પડે. તેમની પાસેથી ફળ અને શાક લઈ લઈએ તો પણ તે જીવતા રહે અને મનુષ્ય સહિત પ્રાણી જગતે ઉચ્છવાસમાં કાઢેલા અગારવાયુને શોષી લઈ નવો ખોરાક ઉત્પન્ન કરતા જાય અને પૃથ્વી પર વધી રહેલા અંગારવાયુને કારણે પર્યાવરણ પર જે જોખમ ઊભું થાય છે તે બહુ જ સસ્તામાં ટળતું જાય.
(9) વૈજ્ઞાનિક રીતે શાકાહારનું મહત્ત્વ સમજ્યા પછી હવે તમને આપણી ધર્મ-સંસ્કૃતિની વાતો વધુ સાચી લાગશે એવી આશા છે, તો હાલો એમાંય થોડી ડૂબકી ખાવાનું પુણ્ય પ્રાપ્ત કરી લઈએ.
સૃષ્ટિની શરૂઆતમાં માણસ અજ્ઞાની હતો ત્યારે શિકાર કરીને કે કુદરતી ઉગેલા ફળ-ફૂલ કે કંદમૂળ ખાઈને પોતાની ભૂખ ઠારતો હતો, પરંતુ જેમ માણસ પ્રાકૃત અવસ્થામાંથી સંસ્કૃત અવસ્થામાં આવતો ગયો તેમ તેમ પૃથ્વી પર (ખાસ કરીને ભારતમાં) ખેતીવાડી અને પશુપાલનનું પ્રમાણ વધતું ગયું. હિંસાથી દુ:ખ થાય એ હિંદુ એવી એક માન્યતા હોય તો તે બહુ સાચી અને સારી માન્યતા છે. આ જ કારણસર ભારતીય વેપારીઓએ દરિયાઈ માર્ગે વેપાર-વાણિજ્યનો વિકાસ કર્યો હતો એવું ઈતિહાસ કહે છે, પરંતુ ભારતીયોએ વિદેશોમાં હિંસા આચરીને જમીનો પચાવી પાડી હોય તેવું ક્યારેય બન્યું નથી. અલબત્ત, આખી દુનિયામાં ભારત જ એક એવો દેશ છે જેણે વિદેશોમાં હુમલા કર્યા નથી. માત્ર સ્વરક્ષણ માટે જે યુદ્ધો કર્યા છે. માત્ર માણસ જ નહીં, પશુપંખી, વનસ્પતિ સર્વેને પૂરતું જીવવાનો અધિકાર છે તે આપણા ઋષિમુનિઓ અને પૂર્વજો માનતા હતા.
યજ્ઞોમાં પશુબલિ ચડાવવો એ તો કેટલાક ડાબેરી વિચારો ધરાવતા લોકોની ક્રિયાઓ હતી, જે કદાચ દશ હજારમાં એકની વિચારધારા પણ નહીં હોય. ઉલટાનું વેદો અનુસાર જે પાંચ યજ્ઞ છે તેમાંનો એક ભૂતયજ્ઞ તો નબળાં પશુ-પંખીઓ માટે ખોરાકની વ્યવસ્થા કરવાનું સૂચવે છે. જેમ કે કિડિયારું પૂરવું ગાયને ઘાસ ખવડાવવું, કૂતરાને રોટલો નાખવો, કબૂતરોને ચણ નાખવું વગેરે વગેરે.
વિશ્વના સૌથી જૂના ગ્રંથ તરીકે જેને માન્યતા મળી છે તે ઋગવેદના 10.37.11માં શ્લોકનો અર્થ આવો થાય છે.
“આપણી બે-પગી તેમ જ ચો-પગી દરેક પ્રાણી જાતોનું રક્ષણ કરો. તેમને ખોરાક, પાણી અને અન્ય જરૂરતો પૂરી પાડો. આપણી સાથે તેમનો પણ વિકાસ થાઓ.”
યજ્ઞ-કાર્યોનું જેમાં વધુ વિગતવાર વર્ણન થયું છે તે યજુર્વેદમાં (12.32)માં શ્લોકમાં જણાવ્યું છે કે તમને ઈશ્વરે જે શરીર ભેટમાં આપ્યું છે તેનાથી અન્ય મનુષ્ય, પ્રાણી કે કોઈ પણ શરીર ન હણાવું જોઈએ.
ભગવદગીતાના નવમાં અધ્યાયના છવ્વીસમાં શ્લોકમાં શ્રીકૃષ્ણે જણાવ્યું છે કે જે પણ મને પ્રેમ અને ભક્તિભાવથી પત્ર, પુષ્પ, ફળ કે જળ અર્પણ કરશે તેનો હું સહર્ષ સ્વીકાર કરીશ.
આમ ધર્મગ્રથોમાં ક્યાંય પ્રાણીઓને મારવાની કે ભોગ ધરવાની વાતો આવતી નથી.
કેટલાંક હિંસક પશુઓ પ્રકૃતિ અનુસાર અન્ય પશુઓને મારી ખાય એ તેમની પ્રકૃતિ છે, પણ વિકાસશીલ મનુષ્યે તો આ પ્રકૃતિમાંથી ક્યારનુંય બહાર આવી જવું જોઈએ. ખાસ કરીને ભારતીય પ્રદેશ અને આબોહવામાં કે જ્યાં ખેતી વાડીને સંપૂર્ણ અવકાશ હોય. માટે હે સુજ્ઞ વાચકો! હવે તમે જ નક્કી કરજો કે નિર્દોષ પ્રાણીઓને ખાઈને તમારે પ્રાકૃતિમાંથી વિકૃત થવું છે કે પછી એવાં પ્રાણીઓને ઉલટાનું પાળી પોષીને સુસંસ્કૃત થવું છે?