શિયાળામાં સ્વાસ્થ્યનું રખેવાળ- ગલગોટાનું ફૂલ
હેલ્થ વેલ્થ – રેખા દેશરાજ
આપણે ગલગોટાના ફૂલનો ઉપયોગ પૂજામાં કે સજાવટમાં જ મોટેભાગે કરીએ છીએ. પણ ગલગોટાનું આ ફૂલ ઔષધીય અને સૌંદર્ય પ્રસાધનના રૂપમાં પણ ખૂબ ઉપયોગી છે, ખાસ કરીને શિયાળામાં. ગલગોટાનું ફૂલ શિયાળામાં તમારી ત્વચા મુલાયમ અને ચમકદાર રાખે છે. શિયાળમાં જ્યારે ત્વચા ફાટવા લાગે કે તેમાં કાપા પડતા હોય ત્યારે તેનો ઉપયોગ કરો, આવું નહીં થાય. વાળ માટે પણ તે બહુ મહત્ત્વનું છે. શિયાળામાં તાળવું શુષ્ક થઇ જાય છે એટલે તેને નારિયેળ કે બદામના તેલથી નરિશ કરો. પણ જો તેમાં તમે ગલગોટાના ફૂલનો ઉપયોગ કરશો તો એ ન માત્ર વધુ અસરદાર પણ તમારા વાળને બેહદ સુંદર બનાવશે. તેનો ઉપયોગ કરવો એકદમ આસાન છે. ગલગોટાના ફૂલની પાંખડીઓને કેળા અને મેથીના પલાળેલા દાણા સાથે પીસી લો અને પછી તેની પેસ્ટને હેર પેકના રૂપે ઉપયોગમાં લો. તેનાથી ન માત્ર વાળ ઊતરતા બંધ થઇ જાય છે પણ તે જથ્થાદાર, મુલાયમ અને ચમકદાર બની જાય છે.
શિયાળામાં ગલગોટાના ફૂલનો ફેસ પેક વાપરીએ તો તેનાથી ત્વચા ચમકી ઊઠે છે. શિયાળામાં ગલગોટાના ફૂલની બનાવેલી ચ્હા પીવાથી ઘણા ફાયદા થાય છે. તેનાથી આપણી ઇમ્યુનીટી તો યથાવત રહે જ છે, પણ તે વધુ મજબૂત પણ થાય છે. ગલગોટાના ફૂલથી બનેલી ચ્હા શિયાળામાં કબજિયાત દૂર કરવામાં ઉપયોગી થાય છે, પેટ દર્દ, એસિડિટી, તથા અપચો જેવી સમસ્યાઓથી કાયમી છુટકારો અપાવે છે. ડાયાબિટીઝમાં પણ એ ઘણું ફાયદાકારક છે. તેમાં મોજૂદ એન્ટીઓક્સિડન્ટ ગુણો ટાઈપ-2 ડાયાબિટીઝ ખતમ કરે છે. શિયાળામાં ઘણીવાર દાંતોમાં દુખાવો વધી જાય છે. તેવામાં જો ગલગોટાની ચ્હાથી કોગળા કરવામાં આવે તો દાંતના દુખાવામાં રાહત મળે છે. તેના માટે થોડો વખત મોઢામાં હૂંફાળી ચ્હા ભરીને રહો અને પછી થોડી વાર સુધી તેના કોગળા કરતા રહો.
ગલગોટાના ફૂલમાં ફાયટોકોન્સ્ટિટ્યુઅન્ટ્સ મોજૂદ હોય છે એટલે કરચલીઓ દૂર કરવામાં અસરકારક છે અને આ રીતે એન્ટિએજિંગ પ્રક્રિયાને ધીમી કરે છે. શિયાળામાં ગલગોટાના ફૂલની ચ્હા પીવાથી ચહેરાની કરચલીઓ ઓછી થાય છે. ગલગોટાનું ફૂલ સ્ટે્રસ બસ્ટર પણ છે. તેથી જ્યારે શિયાળાના દિવસોમાં અણજાણ્યો સ્ટે્રસ પરેશાન કરે ત્યારે ગલગોટાના ફૂલની ચ્હા પીવી જોઈએ. તેનાથી રાહત મળે છે. ગલગોટાના ફૂલની દાંડીનું ચૂર્ણ બનાવીને જો દહીં સાથે તેનું સેવન કરવામાં આવે તો શિયાળામાં અસ્થમા અને ઉધરસમાં લાભ થાય છે. લોહી બાસૂર (બવાસીર)માં પણ એ ઘણું લાભદાયક હોય છે. જો રોજ ગલગોટાના ફૂલના પાંચ થી દસ ગ્રામ રસ દિવસમાં બે થી ત્રણ વખત ઉપયોગમાં લેવામાં આવે તો વહેતું લોહી બંધ થઇ જાય છે.
આયુર્વેદ અને યુનાની ચિકિત્સામાં ગલગોટાના ફૂલને ઔષધીય ફૂલ માનવામાં આવ્યું છે અને ગલગોટાના છોડના પ્રત્યેક ભાગના આરોગ્ય માટેના લાભ બતાવાયા છે. ગલગોટાના ફૂલ અને તેની પાંખડીઓ ન માત્ર તાવ ઉતારવામાં સહાયક છે, પણ તે રોગાણુરોધી પણ હોય છે. સાથે તેનાથી ફિટ આવવાની સમસ્યામાં પણ રાહત મળે છે. કાનમાં દુખાવો હોય તો ગલગોટાના ફૂલથી રાહત મળે છે. ફોડલા અને ફોડલીઓ પણ તે દૂર કરે છે અને શિયાળામાં જો તમને આંખોમાં સોજા હોય તો તેમાં પણ તે ઘણું ફાયદાકારક છે. માત્ર ગલગોટાના ફૂલની તાજી પાંખડીઓ જ નહીં પણ તેની સૂકી પાંખડીઓ અને છોડના અન્ય ભાગો પણ ઉપયોગી હોય છે. જો પગની ફાટેલી એડીઓ સારી થવાનું નામ ન લેતી હોય તો ગલગોટાના પાનને મીણમાં ગરમ કરીને પછી ઠંડા કરી લો અને પછી ફાટેલી એડીઓમાં ભરી લો તેનાથી તે સારી થઇ જાય છે.
પણ મોટાભાગે લોકો ગલગોટાના ફૂલ કેવી રીતે ખાવા જોઈએ તે જાણતા નથી. ગલગોટાના ફૂલનો ઉપયોગ કોઈપણ વેજિટેબલ ટોર્ટમાં રંગ અને સૂક્ષ્મ સ્વાદ જોડવા માટે પાંખડીઓનો ઉપયોગ કરવો જોઈએ. તેની પાંખડીઓનો પનીર સાથે સલાડ રૂપે પણ ઉપયોગ થઇ શકે છે. ચ્હામાં લીલા પણ અને સૂકા પણ સાથે ફૂલની પાંખડીઓ પણ નાખી શકાય છે. કેમકે, આ એક હાનિરહિત અને વિષમુક્ત ફૂલ છે, એટલે તેને કોઈ પણ રીતે ખાઈ શકાય છે. એ દરેક રીતે ઉપયોગી છે અને દુનિયાના ખાઈ શકાતાં ફૂલોમાં મહત્ત્વપૂર્ણ છે. તેથી તેને પ્રાચીનકાળથી ખાવામાં આવે છે. પ્રાચીનકાળમાં જ્યારે લોકો વિટામિનો અને અન્ય શરીરને પૌષ્ટિકતા આપતા તત્ત્વો વિશે જાણતા નહોતા, ત્યારે પણ તેના ફાયદાથી પરિચિત હતા. ગલગોટાનું ફૂલ મોટાભાગે પીળું હોય છે જે તેની ઔષધિય ગુણવત્તામાં વધારો કરે છે. કેમકે આ પીળાશ કેરોટીન અને કેરોટિનોઇડનું કારણ હોય છે. ગલગોટામાં લાઈકોપીન પણ હોય છે જે પ્રોસ્ટેટ કેન્સર અને હૃદય રોગનું જોખમ ઓછું કરે છે.
ગલગોટાની પાંખડીઓ, પાંદડાઓ, કળીઓ અથવા તેના કોઈપણ હિસ્સાને જે રીતે ગમે તે રીતે ખાઈ લો કેટલાક લોકો તેને એમજ સૂકા ચાવી જાય છે, કેટલાક તેને મીઠાઈ કે ચવાણાની જેમ ખાય છે. પણ એ વાતની જાણકારી હોવી પણ જરૂરી છે કે ખાવા અને ઔષધીય ગુણો માટે ગલગોટાની બધી પ્રજાતિઓ સારી નથી હોતી. સૌથી સારી પ્રજાતિ પોટ મેરીગોલ્ડ અથવા કેલેંડયુલા ઓફિસિનાલિસ હોય છે. ફ્રેન્ચ મેરીગોલ્ડ, મેક્સિકન મિન્ટ મેરીગોલ્ડ અને લેમન મેરીગોલ્ડ પણ અલગ અલગ રીતે આરોગ્ય માટે ગલગોટાની સારી પ્રજાતિઓ છે. ગલગોટાનો પાવડર પણ બને છે. પણ એ યાદ રાખો કે ગલગોટાની ઘણી જાતિમાં પ્રોટોએનેમોનિન નીકળે છે, જે ત્વચામાં બળતરા પેદા કરે છે. તેવી જ રીતે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે ગલગોટાની વધુ ફ્રેન્ચ પ્રજાતિઓ ખાવા યોગ્ય નથી હોતી. પણ તે ઔષધીય ઉપયોગ માટે બહેતર છે, એટલેકે તેને ખાધા વિના ત્વચા પર વાપરવાથી ફાયદાકરક છે. ફ્રેન્ચ મેરીગોલ્ડની સૌથી સારી વાત એ છે કે તે બગીચામાં બહુ સુંદર દેખાય છે.