તરોતાઝાસ્પેશિયલ ફિચર્સ

આરોગ્ય પ્લસ : અળખામણી એસિડિટીના આ છે લક્ષણો

-સંકલન: સ્મૃતિ શાહ-મહેતા

પેટને સાંક્ળી લેતી અમુક બીમારી કે રોગ વચ્ચે આમ તો એસિડિટી એ પાચનતંત્રની સામાન્ય છતાં એક અળખામણી સમસ્યા છે. એસિડિટી એટલે કે અમ્લતા-ખટાશનાં અમુક લક્ષણ જાણવા જેવાં છે, જેમકે… જમ્યા પછી ઘચરકા (ખાટા ઓડકાર) આવે. (ક્યારેક કડવા કે તીખા ઓડકાર આવે.)

– ગળામાં, છાતીમાં કે પેટમાં બળતરા થવી તથા હેડકી આવવી. રાતના સમયે ઉધરસ આવે અને ઊંઘ ઓછી આવે. પછી સવારે જાગીએ ત્યારે મોંમાં ખાટો સ્વાદ હોય.
– મોઢામાં ચાંદા પડે કે અવાજ બેસી જવો.
– હથેળી અને પગના તળિયામાં બળતરા થવી.
– વધુ પડતો અપાનવાયુ છૂટવો.
– વધુ એસિડિટીમાં લીલી-પીળી અને કડવી ઊલટી થઈ શકે.
– બેચેની તથા ગભરામણ પણ થાય.

એસિડિટીનાં કારણ: એસિડિટીનો રોગ શરીર અને મન બંનેની અસંતુલિતતા ((psycho Somatic Disorder))ના કારણે થાય છે.

માનસિક કારણ: ઈર્ષ્યા, અદેખાઈ, વધુ પડતી હરીફાઈવાળી વૃત્તિ, ભય, ટેન્શન કે વધુ પડતો લોભ રાખવાથી એસિડિટી થઈ શકે છે. સોંપેલું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેની ચિંતા રહેવાથી પણ એસિડિટી થઈ શકે..

શારીરિક કારણ: જે કારણોથી અર્જીણ થાય છે પ્રાય: તે કારણોથી એસિડિટી થાય છે.
આહારનું વ્યવસ્થિત પાચન ન થવાથી.

– અન્નનળીનો વાલ્વ ઢીલો હોવાથી જઠરાગ્નિમાં રહેલા એસિડના ઓડકાર આવવાની સંભાવના વધી જાય છે.
– વધુપડતા તીખા, તળેલા કે નશીલા પદાર્થોના સેવનથી.
– ઉપવાસની આગલી સાંજે તળેલું, તીખું કે ખાટું જમવાથી.
– જમ્યા બાદ તરત જ સૂઈ જવાથી.
– અમુક દુ:ખાવો દૂર કરવા (ફશક્ષ સશહહયિ)ની દવાના સેવનથી પણ આ સમસ્યા વકરે

મેદસ્વિતા – જાડી વ્યક્તિઓના પેટ ઉપર વધુ દબાણ આવવાથી સમયાંતરે પેટનો વાલ્વ ઢીલો થઈ શકે છે.
કમરથી વધુ ફીટ કપડાં પહેરવાની આદતને કારણે.

એસિડિટીમાં આહાર-સંહિતા: આ રોગ કેવળ ખાન-પાનની સંભાળ લેવાથી મટે છે. ગમે તેવી દવાઓ હોય તોપણ તે આહારની સંભાળ લીધાં વિના કાંઈ જ ફાયદો કરતી નથી.

– બને તો અન્નાહાર બંધ કરી ફક્ત દૂધ અને તાજાં ફળોના આહાર પર થોડા દિવસ રહેવાથી વગર દવાએ આ રોગ સારો થઈ જશે.
– લીલાં પાંદડાંવાળાં શાકભાજીનો ઉપયોગ વધુ કરવો.
વધુ મસાલેદાર અને તીખો આહાર ન લેતાં, સાદો અને સાત્ત્વિક આહાર લેવો.
ટમેટાં અને ટમેટાંમાંથી બનતી વસ્તુનો ત્યાગ કરવો…
એસિડિટીના ઉપચાર: બપોરે અને સાંજે ભોજન બાદ ૧ ચમચી આમળાનું ચૂર્ણ પાણી સાથે લેવું.
વિકટ સંજોગોમાં એસિડિટી થઈ હોય અને જ્યારે કાંઈ પણ ઉપચારની વ્યવસ્થા ન હોય ત્યારે પોતાની જ લાળ ગળ્યા કરવી. આપણી લાળ અનેક પાચકરસોથી ભરપૂર છે. તે પાચકરસો પેટને પાચન કરવામાં ખૂબ જ સહાયક થતા હોય છે અને પેટના એસિડને સંતુલિત રાખતા હોય છે.

– ૧-૨ ગ્લાસ માટલાનું ઠંડું પાણી પી જવું.
– ૨૫-૩૦ ગ્રામ કુંવરપાઠાનો રસ પીવો.
– ૧ કપ પાણી કે છાશમાં શેકેલું થોડું જીરું તથા સાકર મેળવીને પીવું.
– ૨ કેળાંમાં ૨ ચમચી ઘી અને ૧ ચમચી સાકર નાખીને ખાવા.
– ૩ ચમચી આમળાંનો રસ, ૧૦ ગ્રામ કાળી દ્રાક્ષ અને ૧ ચમચી મધ ભેગું કરી ખાવાથી એસિડિટી મટે છે.
– અનાનસના ટુકડા પર સાકર અને મરી ભભરાવીને જમવું.
– જીરું અને સાકરનું ચૂર્ણ પાણી સાથે લેવું.
– ૧૦૦ મિલી લીટર ગાજરનો રસ રોજ પીવાથી એસિડિટી મટે છે.
– શતાવરીનું ચૂર્ણ દૂધ સાથે લેવું.
– ૨૦ નંગ કાળી દ્રાક્ષ ધોઈને રાત્રે પાણીમાં પલાળી સવારે મસળી તેનું પાણી પીવું.

આ પણ વાંચો…મમતા આંધળી બને ત્યારે….વૃદ્ધ માતા-પિતાની મુશ્કેલીઓનું આ પણ છે કારણ

આટલી સાવધાની જરૂર રાખો
આહાર-વિહાર અને માનસિક વલણમાં ફેરફારો કરવાથી આ રોગ કાયમી નાબૂદ થઈ શકે છે માટે માત્ર કામચલાઉ ઉપચાર ન કરવા.

– પોતાની ઇચ્છા મુજબ ન થાય ત્યારે ગુસ્સે ન થઈ જવું.
– ધીરજતા અને ક્ષમાનો ગુણ જીવનમાં અપનાવવો.
– કાર્યભાર અને આંતરિક જીવનનું સંતુલન કરતાં શીખવું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button