આરોગ્ય પ્લસ : બાળરોગની કક્કો બારાખડી જાણી લો

-સંકલન: સ્મૃતિ શાહ-મહેતા
ભગવાન જ્યારે મા-બાપને બાળકની ભેટ આપે છે ત્યારે
પ્રાય: તે સંપૂર્ણ સ્વસ્થ જ આપે છે. માટે બાળકનો
ઉછેર પૂર્ણ સ્વસ્થતા સાથે કરવાની પહેલી ફરજ તેનાં
મા-બાપની છે.
હા, એ વાત ચોક્કસ છે કે, બાળકની જાળવણી એટલી સહેલી નથી, પરંતુ આજનું બાળક આવતીકાલનું ભવિષ્ય છે તેથી જો આજથી જ બાળકના સ્વાસ્થ્ય બાબતે આપણે સાવધાની રાખીશું તો તે જ બાળક યુવાનીમાં સ્વસ્થ જીવન જીવીને મા-બાપ તથા સમાજને મદદરૂપ બની શકશે.
મોટા ભાગના બાળકો પોતાના રોગ માંદગી વિશે પોતે જણાવી શકતું નથી. આથી ખાસ કરીને માતાએ જ પોતાના
બાળકની રુચિ, લાગણી, સ્વભાવ આદિ બાહ્ય અને આંતરિક બાબતનો ઝીણજટપૂર્વક ખ્યાલ રાખવો જરૂરી છે.
અને તેને અનુસાર બાળકોના શારીરિક સ્વાસ્થ્ય અંગેની નાની-મોટી ચિકિત્સાઓ શીખી રાખવી જોઈએ. આટલું
કરવાથી બાળકોની મોટા ભાગની તકલીફો માતાઓ
સહેલાઈથી સમજી શકશે અને તેના ઉપચારો ઘરમાં જ કરી
શકશે.
બાળકોને લાગું પડતા અમુક રોગ જેવા કે, પેટમાં ચૂંક આવવી, ઝાડા થઈ જવા, ઊલટી થવી, કબજિયાત , શરદી-ખાંસી વગેરે બીમારીઓ સામાન્ય છે. તેથી આવી બીમારીઓમાં માતા-પિતાએ ઘાંઘા થયા વિના, ધીરજ રાખીને બને ત્યાં સુધી સૌ પ્રથમ ઘરગથ્થુ ઉપચારો અપનાવી બાળકોને અમુક ઉંમર સુધી દવાઓ વિના સ્વસ્થ રાખવા.
વળી, બાળક જે કાંઈ શીખે છે તે બધું માતા-પિતાના
આચરણથી જ શીખે છે માટે માતા-પિતા જેટલું સ્વસ્થ અને સંસ્કારી જીવન જીવતા હશે તેટલું જ એમનાં સંતાનમાં
આવશે.
બાળસ્વાસ્થ્યની પ્રાથમિક જરૂરિયાત
સંપૂર્ણપણે રસીકરણ કરાવવું.
બાળકની એકમાત્ર ભાષા છે રડવાની. તેના દ્વારા એ પોતાની લાગણી અને માંગણી વ્યક્ત કરે છે. શરૂઆતમાં રડવાનું મોટે ભાગે અકારણ હોય છે, પરંતુ જેમ બાળક મોટું થતું જાય છે તેમ રડવાનો ઉદ્દેશ સ્પષ્ટ થતો જાય છે. બાળક રડે ત્યારે શરૂઆતમાં સામાન્ય બાબત જોઈ લેવી જોઈએ કે, બાળક ભૂખ્યું થયું છે? ઊંઘ આવે છે? ઝાડો-પેશાબ થયો છે? કપડાંને કારણે અગવડતા પડે છે? વળી, ક્યારેક નાક બંધ થવાને લીધે કે વધુ પડતાં પ્રકાશ અને ઘોંઘાટને લીધે બાળકને ઊંઘ આવતી હોવા છતાં ઊંઘી શકતું નથી. આ બધાં કારણ જોઈ-જાણી લીધા પછી પણ જો બાળક શાંત ન થાય તો ખભે તેડીને થાબડવું, જેથી કરીને ચૂંકને કારણે રડતું હોય તો તે ઓછું થઈ જાય.
આમ છતાં ચૂપ ન થાય તો ચિકિત્સકની સલાહ લેવી.
નવજાત શીશુઓ માટે પહેલાં 6 મહિના સુધી તેની જરૂરિયાત પ્રમાણે માતાએ સ્તનપાન જ કરાવવું, પણ ચિકિત્સકની સલાહ સિવાય બીજું કાંઈ પણ ખાવા-પીવા માટે આપવું નહીં.
સામાન્ય રીતે માતાનું દૂધ લેતું બાળક દિવસમાં ઘણીવાર સંડાસ કરે તે સામાન્ય બાબત છે. તે બાળકની પ્રકૃતિ ઉપર આધાર રાખે છે માટે તેની ચિંતા ન કરવી.
કોઈ પણ માંદગીમાં છ માસની વય સુધી બાળકને ધવરાવવાનું અવશ્ય ચાલુ રાખવું, પરંતુ ચિકિત્સકની મનાઈ હોય તો ન ધવરાવવું.
નાના બાળકોને દૂધ પીવડાવવા માટે સીપર, ફીડર તથા અન્ય પ્રકારની બોટલો પણ નુકસાન કરે છે, માટે તેનો ઉપયોગ ન કરવો. બોટલથી દૂધ પીવડાવવાથી ગમે તેટલી કાળજી રાખવા છતાં ઝાડા-ઊલટી, શરદી-ખાંસી તથા અન્ય બીમારી થઈ શકે છે. તેમ જ કબજિયાત થવી, બોટલની આદત પડી જવી, બીજો ખોરાક લેવો નહિ જેવી મુશ્કેલી આગળ જતાં થાય છે અને માનું ધાવણ બાળક લેતું નથી. માટે જરૂર પડે તો બોટલની જગ્યાએ બાળકને ચમચી કે કટોરીથી દૂધ પીવડાવી શકાય.
ખાંસી, શરદીવાળા બાળકોને અન્ય બાળકો સાથે રહેતા અટકાવવા તથા તેમણે વાપરેલ રૂમાલ, કપડાં તથા રમકડાં વગેરે બીજાં બાળકો માટે ન વાપરવાં; જેથી ચેપ બીજાને ન ફેલાય.
નાના બાળકોને ઠંડી કે શરદીનો તાવ આવતો હોય ત્યારે બરફ કે ઠંડા પાણીના પોતા ન મૂકતાં નળના સાદા પાણીના પોતા મૂકવા વધુ હિતાવહ છે. પોતા માત્ર માથાના ભાગ ઉપર ન મૂકતાં આખા શરીર ઉપર મૂકવા.
ધવડાવ્યા પછી બાળકને પહેલાં ખભે લેવું અને ઓડકાર ખાધા પછી જ નીચે સૂવડાવવું.
ઝાડા-ઊલટી થાય ત્યારે પ્રવાહી, હળવો આહાર જ વધારે આપવો.
વધુ પ્રમાણમાં ઝાડા-ઊલટી, તાવ, ખાંસી-શરદી વગેરે બીમારી થાય ત્યારે બાળકોને સ્કૂલમાં કે રમવા ન મોકલતાં ઘરે જ આરામ કરાવવો.
માટી, ચોક અથવા સ્લેટપેન વગેરે બાળકોને ન ખાવા દેવાં.
દૂધ, શાકભાજી, ફળફળાદિ તથા અન્ય પૌષ્ટિક આહાર પૂરતા પ્રમાણમાં આપવા.
ગળ્યાં, ચીકણાં, મેંદાવાળા તથા ઠંડા પદાર્થો મર્યાદિત પ્રમાણમાં જ આપવા.
બજારમાં મળતા અસ્વચ્છ ખાન-પાનથી દૂર રાખવા.
વ્યવસ્થિત રીતે હાથ-પગ ધોઈને જ ખાવા-પીવાની ટેવ પડાવવી.
દરરોજ યોગ્ય રીતે સ્નાન કરાવવું તથા નખ, વાળ વગેરે સમયાંતરે કાપવા-કપાવવા. જેથી શારીરિક અસ્વચ્છતાથી થતા રોગને તથા લાંબા નખથી થતી ઈજાને અટકાવી શકાય.
આ પણ વાંચો…પ્રવાહિતાના જોખમને આગોતરા ઓળખી લો
દરરોજ નિયમિતપણે બ્રશ કરાવી દાંતને સ્વચ્છ રખાવવા. ખાસ કરીને ગળ્યા પદાર્થો જમ્યા બાદ કોગળા કે બ્રશ કરાવવું.
દાંતમાં ક્યાંય પણ કાળો ડાઘ દેખાય તો વહેલી તકે દાંતના ચિકિત્સકની સલાહ લેવી.
પાંચ વર્ષ સુધીના બાળકોને મોબાઈલ, ટી.વી., કોમ્પ્યુટર, આઈપેડ, વીડિયોગેમ વગેરે કોઈ પણ લાઈટ સ્ક્રીનમાં કાંઈ પણ જોવા ન દેવું. કેમ કે, તે સમયે એમની આંખ ખૂબ જ કોમળ હોય છે, તેથી એને ખૂબ જ નુકસાન પહોંચે છે.
બાળકોને ટી.વી., મોબાઈલ, કોમ્પ્યુટર વગેરે જોતાં-જોતાં જમવાની કુટેવ ક્યારેય ન પડાવવી.
નવજાત શીશુઓ તથા બાળકોની બીમારી વિશે આપણે સંપૂર્ણપણે જાણી શકતા નથી. તેમ જ તેમનું શરીર વિકાસના પ્રાથમિક તબક્કામાં હોય છે. તેવા સમયે તેમની યોગ્ય સમયે, યોગ્ય સારવાર કરવી ખૂબ જ આવશ્યક છે. તેથી બાળકોની કોઈ બીમારી લાંબી ચાલે તો તુરંત જ ચિકિત્સક પાસે સારવાર કરાવવી.