કંપનીએ આપેલો આરોગ્ય વીમો કેમ અપૂરતો કહેવાય?

નિશા સંઘવી
અંકિતને હાલમાં ઊંચા પગારની નોકરી મળી. સાથે અનેક ભથ્થાં અને બીજા લાભ પણ મળ્યા. એણે ઑફર સ્વીકારી લીધાં બાદ જાણ થઈ કે એની કંપનીએ કર્મચારીઓને આરોગ્ય વીમો આપવા માટે અગ્રણી કંપની સાથે કરાર પણ કર્યા છે. આમ, ઘણા ઓછા પ્રીમિયમમાં અને ઓછામાં ઓછી મહેનતે અંકિતને આરોગ્ય વીમો મળવાનો હોવાથી એ રાજી થઈ ગયો.
જોકે, એણે ખરેખર રાજી થવા જેવું છે? ના, વાસ્તવમાં એને મળનારો આરોગ્ય વીમો અનેક રીતે અપૂરતો ગણાય. આવું કેમ છે એના વિશે આજે આપણે વાત કરીશું. કંપની તરફથી આપવામાં આવતા આરોગ્ય વીમાને ‘કૉર્પોરેટ હેલ્થ ઇન્સ્યોરન્સ’ કહેવાય છે. એમાં એક નિશ્ચિત રકમનો વીમો હોય છે અને મોટા ભાગે એનું પ્રીમિયમ કર્મચારીને આપવામાં આવતાં કુલ વેતનનો જ એક હિસ્સો હોય છે. કર્મચારી ના પાડે તોપણ એ વીમો એને મળતો જ હોય છે, કારણ કે એ કૉર્પોરેટ પ્લાન હેઠળ બધા કર્મચારીને આપોઆપ મળતો હોય છે. જોકે, કૉર્પોરેટ પ્લાન હેઠળના વીમાની રકમ અપૂરતી નીવડી
શકે છે.
ધારો કે વીમાનું કવચ 5 લાખ રૂપિયાનું હોય અને હૉસ્પિટલાઇઝેશનનો ખર્ચ 7 લાખ રૂપિયા આવે તો ઉપરની રકમ સંબંધિત કર્મચારીએ પોતાના ખિસ્સાંમાંથી ભરવી પડે છે. અહીં આપણે એવી ત્રણ સ્થિતિ વર્ણવી છે, જેમાં કૉર્પોરેટ પ્લાન હેઠળનું વીમાનું કવચ અપૂરતું ગણાય. આથી ફક્ત એના પર નિર્ભર રહેવામાં મોટું જોખમ રહેલું હોય છે.
1) કર્મચારી કંપની છોડે કે તરત જ એ વીમો બંધ થઈ જાય:
કૉર્પોરેટ પ્લાન હંમેશાં ગ્રુપ ઇન્સ્યોરન્સ પ્લાન હોય છે. આથી તમે કંપનીમાં કામ કરતા હો ત્યાં સુધી જ એ લાગુ રહે છે. જે દિવસે તમે કંપની છોડો એ દિવસે વીમાનું કવચ પણ દૂર થઈ જાય. તમે જો ઉચ્ચાભ્યાસ માટે જવાના હો કે પછી પોતાનું સ્ટાર્ટઅપ કે બિઝનેસ શરૂ કરવાના હો અને તમારી પોતાની અંગત કોઈ આરોગ્ય વીમા પૉલિસી ન હોય તો તમારા માટે નાણાકીય જોખમ સર્જાય છે. આ પરિસ્થિતિ ઘણી વિકટ હોય છે. તમે કંપની છોડતી વખતે મોટી ઉંમરના હો તો એને લગતી બીજી સમસ્યાઓ સર્જાય છે, જેના વિશે આપણે હવે પછીના મુદ્દામાં વાત કરી રહ્યા છીએ.
2) કદાચ પૉલિસી મળે પણ નહીં:
જેમ જેમ ઉંમર વધે તેમ તેમ આરોગ્ય વીમાનું પ્રીમિયમ મોંઘું પડે. નાની ઉંમરે તબીબી પરીક્ષણો વગર વીમો મળી જાય, પણ જો ઉંમર વધી જાય તો ફરજિયાતપણે તબીબી પરીક્ષણો કરાવવાં પડે અને શક્ય છે કે એમાં ડાયાબિટીસ, હૃદયરોગ કે જીવનશૈલી સાથે જોડાયેલી બીજી કોઈ બીમારી બહાર આવે તો વીમાનું પ્રીમિયમ 20થી 50 ટકા વધી જાય. ક્યારેક પૉલિસી આપવામાં જ આવે નહીં એવું પણ શક્ય હોય છે. તમે નિવૃત્તિની નજીક પહોંચ્યા હો અને તમને આરોગ્ય વીમો મળે નહીં અથવા તો મોંઘો પડે એવી સ્થિતિમાં તમારી ચિંતા વધી જાય એ સ્વાભાવિક છે. એવા સમયે બીજો કોઈ વિકલ્પ ન હોવાની પરિસ્થિતિ આર્થિક દૃષ્ટિએ ઘણી જોખમી પુરવાર થાય છે.
3) એ કૉર્પોરેટ પૉલિસી કર્મચારીના પરિવાર માટે કદાચ અનુરૂપ ન હોય:
દરેક પરિવારની આરોગ્ય વીમાને લગતી જરૂરિયાતો અલગ અલગ હોય છે, જે કૉર્પોરેટ પ્લાન હેઠળ સંતોષાય નહીં એવું બને. કંપની પોતાના નિશ્ચિત બજેટના આધારે કૉર્પોરેટ પ્લાન બનાવડાવતી હોય છે, જે એમના માટે બરોબર હોય, પણ કર્મચારીઓ માટે અપૂરતો હોઈ શકે છે. દરેક કર્મચારીની તમામ જરૂરિયાત પૂરી થાય એવો પ્લાન બનાવવાનું શક્ય હોતું નથી. એવું શક્ય હોય તોપણ કર્મચારી જ્યાં સુધી નોકરીમાં હોય ત્યાં સુધી જ એને વીમાનું કવચ મળે… આમ કૉર્પોરેટ પ્લાનમાં રહેલી શરતો અને એનાં બીજાં ફીચર્સ તમારા પરિવારની જરૂરિયાતો પૂરી કરનારાં નથી હોતાં.
આ જ કારણ છે કે કર્મચારીએ પોતાના પરિવાર માટે અલગથી આરોગ્ય વીમા પૉલિસી લઈ લેવી જોઈએ. પરિવારની દરેક વ્યક્તિની મેડિકલ હિસ્ટરી અને જીવનશૈલીના આધારે અલગ અલગ ખાસિયતો ધરાવતો આરોગ્ય વીમાનો પ્લાન તૈયાર કરાવી શકાય છે, જે કૉર્પોરેટ પ્લાનમાં શક્ય હોતું નથી.
અહીં એ પણ નોંધવું ઘટે કે કૉર્પોરેટ પ્લાનનો પોતાના હિતમાં સારામાં સારો ઉપયોગ કરી શકો છો, જેમ કે…
1) કંપની જ્યાં સુધી તમારી પાસેથી પ્રીમિયમ લીધા વગર તમને આરોગ્ય વીમો આપતી રહે ત્યાં સુધી એનો ઉપયોગ કરવો. કોઈ ક્લેમ આવે ત્યારે પોતાની અલગથી લેવાયેલી પૉલિસીને બદલે કૉર્પોરેટ પૉલિસી હેઠળ જ ક્લેમ કરવો, જેથી અંગત પૉલિસીમાં ‘નો ક્લેમ બૉનસ’ મળતું રહે.
2) અંગત પ્લાન હેઠળ ઘણીવાર શરૂઆતમાં વિન્ડો પીરિયડ હોય છે અર્થાત્ કોઈ બીમારી માટેનો ક્લેમ અમુક સમય વીત્યા બાદ જ મળતો હોય છે. બીજી બાજુ, કૉર્પોરેટ પ્લાનમાં અનેક પ્રી-એક્ઝિસ્ટિંગ ડિસીસીઝ એટલે કે પૉલિસી શરૂ થવા પહેલાંથી જ હોય એવી બીમારીઓને પહેલા જ દિવસથી આવરી લીધી હોય છે (એટલે કે એમાં વેઇટિંગ પીરિયડ હોતો નથી) અને તેથી એનો ક્લેમ મળતો હોય છે.
બીજી તરફ, વીમાધારકના પરિવારની કોઈ પણ વ્યક્તિની પ્રી-એક્ઝિસ્ટિંગ બીમારી આવરી લેવાયેલી હોવાને કારણે કૉર્પોરેટ પ્લાન અમુક સમયે ખૂબ જ ઉપયોગી થતા હોય છે. આમ, જ્યાં સુધી અને જેટલા પ્રમાણમાં કૉર્પોરેટ પ્લાન તમારી જરૂરિયાત પૂરી કરતો હોય ત્યાં સુધી અચૂકપણે એનો લાભ લેવો. આખરે તો એનું પ્રીમિયમ તમારા માટે કંપનીએ નક્કી કરેલા કોસ્ટ ટુ કંપની (સીટીસી)નો જ ભાગ હોય છે.
આ મુદ્દાઓ પરથી એટલું તો સ્પષ્ટ થઈ જ ગયું હશે કે માત્ર કૉર્પોરેટ પ્લાન પર આધાર રાખવાને બદલે દરેક નોકરિયાતે પોતાના પરિવાર માટે અંગત ધોરણે આરોગ્ય વીમા પૉલિસી લઈ જ લેવી જોઈએ અને મળતો હોય ત્યાં સુધી કૉર્પોરેટ પ્લાનનો આવશ્યકતા મુજબ વિનાસંકોચે ઉપયોગ કરી લેવો જોઈએ.