આરોગ્ય એક્સપ્રેસ : તમે ચાલશો તો તમારું આરોગ્ય સારું એવું દોડશે !

-રાજેશ યાજ્ઞિક
દરેક વ્યક્તિ સ્વસ્થ જીવન ઇચ્છે છે. તાજેતરનાં વર્ષોમાં, સ્વસ્થ અને ફિટ જીવનનો અર્થ જીમમાં જવું એવો થઈ ગયો છે, પણ એવું બિલકુલ નથી. કારણ કે તાજાં સંશોધન મુજબ, વિશ્વના સૌથી સ્વસ્થ લોકો ક્યારેય જીમમાં જતા નથી. આ સંશોધન અમેરિકન કેન્સર સોસાયટી દ્વારા કરવામાં આવ્યું છે. સંશોધન મુજબ, જે લોકો અઠવાડિયામાં 6 કલાક ચાલે છે એ સૌથી સ્વસ્થ હોય છે. એટલું જ નહીં, જે લોકો અઠવાડિયામાં આટલું ચાલે છે એ પણ લાંબા સમય સુધી જીવે છે. જોકે, આજકાલ લોકો એટલા વ્યસ્ત થઈ ગયા છે કે એમની પાસે યોગ્ય રીતે ખાવાનો પણ સમય નથી. આવી સ્થિતિમાં, દરરોજ કસરત કરવા જેવી સ્વસ્થ આદતોનું પાલન કરવાનું વિચારવું પણ એમના માટે એક મોટું કામ બની જાય છે.
આ જ કારણ છે કે જો કોઈ વ્યક્તિ દરરોજ કસરત ન કરી શકે તો એને ચાલવાની સલાહ આપવામાં આવે છે. અગાઉ થયેલા એક સંશોધન મુજબ, ચાલવાથી હૃદયરોગનું જોખમ 31 ટકા ઓછું થાય છે. ‘હાર્વર્ડ મેડિકલ સ્કૂલ’ દ્વારા કરવામાં આવેલા આ સંશોધન મુજબ, દરરોજ ચાલતા લોકોમાં મૃત્યુદર પણ 32 ટકા ઘટે છે.
આ સંશોધન મુજબ, દર કલાકે થોડી મિનિટો ઝડપથી ચાલવું એ દિવસભર જીમમાં એક કલાક કસરત કરવા બરાબર છે, પરંતુ જો આપણે આંકડાઓની વાત કરીએ તો, 9 માંથી પાંચ લોકો આરામની શોધમાં પોતાની ખુરશીઓ સાથે ચોંટી રહે છે. બાકી હતું તે આજના સમયમાં આધુનિક ઉપકારણોએ પૂરું કર્યું છે. ટેલિવિઝન, મોબાઈલ અને લેપટોપને કારણે,
લોકોમાં એક જગ્યાએ બેસવાની આદત વધી ગઈ છે.
સામાન્ય લોકોને પ્રશ્ન એ પણ થાય કે ઝડપથી ચાલવું એટલે કેટલું ઝડપથી? કારણકે દરેકની ચાલવાની ઝડપ આમ પણ અલગઅલગ જ હોય છે. ‘સિડની યુનિવર્સિટી’ના ‘ચાર્લ્સ પર્કિન્સ સેન્ટર એન્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ’ના પ્રોફેસર ઇમેન્યુઅલ સ્ટેમાટાકિસ સમજાવે છે: ‘એક ઝડપી ગતિ સામાન્ય રીતે પ્રતિ કલાક પાંચથી સાત કિલોમીટરની હોય છે, પરંતુ તે ખરેખર ચાલનારના ફિટનેસ સ્તર પર પણ આધાર રાખે છે.’
ઝડપથી ચાલવાથી શું ફાયદા થાય છે તે પણ નિષ્ણાતો આ રીતે સમજાવે છે.
ચાલવાથી તમારી કાર્ય ક્ષમતા વધે છે. એટલું જ નહીં, તે તમારા શરીરને ચપળ અને સ્ફૂર્તિલું બનાવવામાં મદદ કરે છે. ઘણાં સંશોધનોમાં એ પણ બહાર આવ્યું છે કે ચાલવાથી હૃદયરોગનું જોખમ ઓછું થાય છે. હકીકતમાં, દોડવાની શૈલીમાં દરરોજ ચાલવાથી રક્ત પરિભ્રમણ અને હૃદયના ધબકારા બરાબર રહે છે, જેનાથી હૃદય સ્વસ્થ રહે છે.
દરરોજ ચાલવાથી બ્લડ સુગર લેવલ નિયંત્રિત કરવામાં મદદ મળે છે. આનાથી ડાયાબિટીસનું સંચાલન સરળ બને છે. ચાલવાથી ઇન્સ્યુલીન સંવેદનશીલતા વધે છે, જે શરીરમાં ઇન્સ્યુલીનનું સ્તર સુધારવા અને ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
જો તમે ખરેખર વજન ઓછું કરવા માગતા હો, તો તમારે દરરોજ ઓછામાં ઓછા 10 હજાર પગલાં ચાલવું જોઈએ. આનાથી શરીરની વધારાની ચરબી ઓછી થશે અને તમારું શરીર આકારમાં રહેશે. ચાલવાથી શરીરના સ્નાયુઓ પણ સ્વસ્થ રહે છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે ચાલવું એટલું મુશ્કેલ નથી જેટલું જીમમાં પરસેવો પાડવો. દરરોજ 30 મિનિટ ચાલવાથી હાડકા અને સાંધાના દુખાવામાં જલ્દી રાહત મળશે. ચાલવાથી હાડકાં લચીલા અને મજબૂત બને છે.
આપણ વાંચો: આરોગ્ય વીમા પૉલિસીની કંપની કેવા સંજોગોમાં બદલવી જોઈએ?
ઘણી વખત, સતત બેસીને કામ કરવાથી કમરનો દુખાવો થઈ શકે છે. આવી સ્થિતિમાં, દરરોજ ઓછામાં ઓછા અડધો કલાક ચાલવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તેનાથી ન માત્ર કમરનો દુખાવો ઘટે છે, તે તમારા શરીરને પણ ફિટ રાખે છે અને ચાલવાથી તમારા મનને પણ તાજગી મળે છે. દરરોજ ચાલવાથી શરીરના હાડકાં મજબૂત બને છે. ખાસ કરીને આપણી કમર, હિપ્સ અને પગના સ્નાયુઓને હાડકાંને આનાથી ઘણો ફાયદો થાય છે. સંશોધન મુજબ, ખાસ કરીને જે લોકોનું વજન વધારે છે અથવા જેઓ પ્રી-ડાયાબિટીસથી પીડાય છે તેમના માટે ચાલવાની કસરત ખૂબ લાભકારક સાબિત થઇ શકે છે.
જોકે, અહીં એ નોંધવું મહત્ત્વપૂર્ણ છે કે ચાલવાની ગતિ માત્ર એક પરિબળ છે. આ ઉપરાંત, વ્યક્તિની એકંદર જીવનશૈલી – જેમાં આહાર, તણાવ વ્યવસ્થાપન અને ઊંઘ જેવી સ્વસ્થ ટેવોનો સમાવેશ થાય છે – પણ ડાયાબિટીસ અને અન્ય બીમારીઓને રોકવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
કેટલાંક સામાન્ય સૂચનો અપનાવવા જેવા છે. જેમકે..
-સવારે કે સાંજે પાર્કમાં અથવા મિત્રો કે પરિવાર સાથે ફરવા જવાનું ભૂલશો
નહીં.
-જો તમને ડાન્સ કરવાનો શોખ છે, તો દરરોજ થોડી મિનિટો ડાન્સ કરો.
-લિફ્ટને બદલે સીડીનો ઉપયોગ કરવાથી પણ તમારું ફિટનેસ સ્તર વધે છે.
ટૂંકમાં, તમે ચાલશો તો તમારું આરોગ્ય પણ સારું એવું દોડવા માંડશે !