આરોગ્ય એક્સપ્રેસ : ઉનાળામાં અધોમુખશ્વાનાસનથી થતા ફાયદા…

-દિવ્ય જ્યોતીનંદન
આ આસન શરીરને સ્ટ્રેચ કરીને બ્લડ સરક્યુલેશનને વધારે સારું કરી શરીરને ઠંડું રાખવામાં મદદ કરે છે. અધોમુખશ્વાનાસન કરોડરજ્જુને મજબૂત બનાવે છે, જેનાથી પીઠના દર્દમાં રાહત મળે છે. આ આસન શરીરના નીચેના ભાગ, હાથ અને પગને સ્ટ્રેચ કરે છે જેથી શરીરની ફ્લેકિસબિલિટી અને તાકાત વધે છે. અધોમુખશ્વાનાસન મનને શાંત કરે છે અને ચિંતા ઓછી કરવામાં મદદ કરે છે. આ આસન માથામાં બ્લડ સરક્યુલેશન વધારી વાળને પોષણ આપે છે.
આ આસન પાચન તંત્રને સુધારે છે , જેનાથી પાચનક્રિયા સારી થાય છે અને એસીડીટી તથા અપચાની સમસ્યાથી રાહત મળે છે. અધોમુખશ્વાનાસન કરવાથી હાથ અને પગના સ્નાયુઓ મજબૂત થાય છે. આ આસન શરીરનું સંતુલન જાળવી રાખવામાં મદદ કરે છે .
સૂર્ય નમસ્કારના શરૂઆતના સ્ટેપ્સ ભેળવીને શરૂ થનારું આ શરૂઆતનું યોગાસન છે. આ આસન ત્રણ શબ્દોથી મળીને બન્યું છે. આ સૌથી આસાન અને સોથી ફાયદાકારક યોગાસન છે. તેથી જે વ્યકિત યોગ કરવા માગે છે તેમને સૌ પ્રથમ આ જ યોગાસન કરવાની સલાહ આપવામાં આવે છે. આ આસન કરવા માટે સૌ પ્રથમ સીધા ઊભા રહેવું. બન્ને પગ વચ્ચે થોડું અંતર રાખવું. ત્યાર બાદ ધીરે ધીરે નીચે નમવું જેનાથી શરીરનો વી શેપ થાય.પગની જેમ બન્ને હાથો વચ્ચે પણ અંતર રાખવું. ઓછામાં ઓછા 30 સેક્ધડ સુધી કશું જ ન કરવું અને આ જ મુદ્રામાં રહેવું.
એ દરમિયાન શ્વાસ લેતી વખતે તમારા પગની આંગળીઓની મદદથી કમરને પાછળની તરફ ખેંચવી . આ યોગાસન કરતી વખતે બને ત્યાં સુધી હાથ અને પગ વળવા ન જોઇએ. આ આસનના ઘણા ફાયદા છે. પાચન તંત્રમાં સુધારો થાય છે, મેન્ટલ સ્ટ્રેસ ઓછું થાય છે,ડિપ્રેશન ઓછું કરવામાં મદદ કરે છે. જે મહિલાઓ પેરી મેનોપોઝમાં છે તેઓને આ આસન કરવાથી ગભરાહટ અને બેચેનીમાં રાહત મળે છે.
બીપી નોર્મલ રહે છે, સાઈટીકા અન સાયનસ જેવી બીમારીમાં થોડી રાહત મળે છે. જે મહિલાઓને મેનોપોઝ નજીક છે તેઓ જો આ આસન કરે તો મેનોપોઝ દરમિયાન થતી તકલીફોમાં રાહત મળે છે. માથું દુખવું, ઊંઘ ન આવવાની સમસ્યા , પીઠનો દુખાવો અને થાક લાગવાથી પણ રાહત મળે છે. અધોમુખશ્વાનાસન કરતી વખતે સાવચેતી રાખવી જેમકે, જો પીઠમાં વાગ્યું હોય તો કયારે પણ આ આસન કરવું નહીં. -ગર્ભવતી મહિલાઓએ આ આસન કયારે પણ કરવું નહીં. – જો આસન કરવામાં થોડી પણ તકલીફ થતી હોય તો આ આસન કરવું નહીં. જો તમને પીઠમાં પહેલા કયારે પણ વાગ્યું હોય તો પણ આ આસન કરવું નહીં.
આ આસન જેટલું મહિલાઓ માટે ફાયદાકારક છે તેટલું જ પુરુષો માટે પણ ફાયદાકારક છે. મહિલાઓએ આ આસન શરૂઆતમાં પાંચ થી સાત મિનિટ સુધી જ કરવું. ધીરે ધીરે જેમ ક્ષમતા વધે તેમ ટાઈમ વધારી 10 થી 15 મિનિટનો કરવો. ઓછામાં ઓછું પાંચ થી સાત વખત શ્ર્વાસ લેવો અને છોડવો . પરંતુ આ શ્વાસની પ્રક્રિયા તમારા શરીર અને ઉંમરને
અનુરૂપ કરવી. યોગ ચાલુ કરતા પહેલા ડોકટરની સલાહ જરૂરથી લેવી.
આપણ વાંચો : આરોગ્ય એક્સપ્રેસ : તમે ચાલશો તો તમારું આરોગ્ય સારું એવું દોડશે !