સ્વાસ્થ્ય સુધા : સાદી સફેદ ખાંડ છોડીને અપનાવો નાળિયેરની ખાંડ…

-શ્રીલેખા યાજ્ઞિક
સફેદ ‘ખાંડ’ની મીઠાશ આપણાં રોજબરોજના આહારમાં સરળતાથી સમાઈ ગઈ છે. આપણા દિલો-દિમાગમાં એવી માન્યતા ઘર કરી ગઈ છે કે ખાંડના ગળપણ વગર આપણો દિવસ ખુશનુમા બને જ નહીં. માન્યું કે સફેદ ખાંડ સ્વાસ્થ્ય માટે લાભકારક નથી. વહેલી સવારની ચા-કૉફી-ઉકાળો-ગરમાગરમ દૂધ પીવાતું હોય ત્યારે તેમાં થોડી ખાંડ હોવી જરૂરી છે. નોકરી ઉપર જતાં, લીંબુ શરબત કે ઘરે બનાવેલી લસ્સી સાથે લઈ જવા ચાહે તો તેમાં પણ સફેદ ખાંડનો ઉપયોગ થતો જ હોય છે. આપણે બધા જ જાણીએ છીએ કે ત્રણ સફેદ ખાદ્ય પદાર્થ જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તેમાં ખાંડનો સમાવેશ થાય છે. (મેંદો, મીઠું, ખાંડ) તેમ છતાં તેનો ઉપયોગ ભારતીયોના રસોડામાં થતો જ આવ્યો છે.
બજારમાં હવે સાદી ખાંડના વિકલ્પમાં સલ્ફરમુક્ત ખાંડ મળવા લાગી છે, તેનો ઉપયોગ અનેક સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ લોકો કરવા લાગ્યા છે. તેમ છતાં ખાંડ તથા તેમાંથી બનતી વિવિધ વાનગી આરોગ્ય માટે ગુણકારી નથી. મુખ્ય કારણ જોઈએ તો ખાંડના અતિ ઉપયોગથી ટાઈપ -2 ડાયાબિટીસ, મોટાપો તથા સ્વાસ્થ્ય સંબંધિત પ્રશ્ર્નો ઊભા થવા લાગે છે. ઉપરોક્ત સમસ્યાથી બચવું હોય તો અનેક વિકલ્પ વિચારી શકાય તેમ છે. જેમ કે ખાંડને બદલે ગોળ કે ગોળના પાઉડરનો ઉપયોગ કરવો. મધનો ઉપયોગ કરી શકાય. ખાંડનો ઉપયોગ ઘટાડી દેવો. ખાંડના બીજા એક વિકલ્પ વિશે આજે માહિતી મેળવીએ. તે છે ‘નાળિયેરની ખાંડ’. જે ‘કૉકોનટ પામ શુગર ’તરીકે પણ ઓળખાય છે. દેખાવમાં બ્રાઉન શુગર જેવી જ હોય છે. જેમાં કુદરતી મીઠાશ સમાયેલી હોય છે.
કૉકોનટ શુગર નાળિયેરના વૃક્ષ ઉપર થતાં ફૂલના રસમાંથી તૈયાર કરવામાં આવે છે. તેને બનાવવા માટે સૌ પ્રથમ નાળિયેરના ફૂલના ભાગને ઉપરથી કાપવામાં આવે છે. જેથી તેમાંથી રસ બહાર નીકળે છે. તેને એક મોટા વાસણમાં ભેગો કરવામાં આવે છે. પાણીનો ભાગ જ્યાં સુધી સુકાઈ ના જાય ત્યાં સુધી તેને પકાવવામાં આવે છે. અંતમાં સુકાઈ ગયા બાદ નાળિયેરની ખાંડ કે જે કૉકોનટ શુગર તરીકે ઓળખાય છે તે તૈયાર થાય છે.
ચાલો જાણી લઈએ કૉકોનટ શુગરના સ્વાસ્થ્ય લાભ
લૉ ગ્લાઈસેમિક ઈન્ડેક્સ: સફેદ ખાંડની તુલનામાં નાળિયેરમાંથી બનાવવામાં આવેલી ખાંડનો ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ઓછો હોય છે. એથી તેનો અર્થ થાય છે, કૉકોનટ સુગરનો ઉપયોગ કરવામાં આવે તો લોહીમાં શર્કરાની માત્રામાં વધારો થતો નથી. ફક્ત ડાયાબિટીસની તકલીફ ધરાવતાં દર્દીઓ જ નહીં પરંતુ સામાન્ય લોકો દ્વારા નાળિયેર ખાંડનો ઉપયોગ કરવામાં આવે તો ડાયાબિટીસના ખતરાથી બચી શકાય છે.
પૌષ્ટિક્તાથી ભરપૂર: પ્રકૃતિની ભેટ તરીકે નાળિયેર ઓળખાય છે. વૃક્ષમાં પોષકતત્ત્વો તથા બાયોઍક્ટિવ કમ્પાઉન્ડ સમાયેલાં હોય છે. નાળિયેરમાંથી બનાવવામાં આવતી ખાંડમાં નાળિયેરના પૌષ્ટિકગુણો તેમાં જળવાઈ રહે છે. જેમાં આયર્ન, કૅલ્શિયમ, પોટેશિયમ, ઝિંક જેવાં મિનરલ્સનો સમાવેશ થાય છે. નાળિયેરમાં હોય તેના કરતાં તેમાંથી તૈયાર થતી ખાંડમાં પોષકતત્ત્વો ઘટી જાય છે. તેમ છતાં તેનો ફાયદો શરીરને મળી રહે છે. દક્ષિણ પૂર્વ એશિયામાં મુખ્યત્વે શેરડી, તાડ તથા નાળિયેરમાંથી તૈયાર કરવામાં આવતી ખાંડ અનરિફાઈન્ડ હોય છે. તેમ છતાં તે સ્વાદ-સભર હોય છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે ગુણકારી: નાળિયેરમાંથી બનતી ખાંડનો ઉપયોગ કરવાથી ડાયાબિટીસની સમસ્યાને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે. તેનું મુખ્ય કારણ છે કૉકોનટ શુગરમાં ઈન્સ્યુલિન તથા ફાઈબર સમાયેલું છે. જે લોહીમાં શર્કરાની માત્રાને વધતી રોકે છે. કૉકોનટ શુગરનો ઉપયોગ હાઈપોગ્લાઈસીમિયાની સ્થિતિ હોય ત્યારે કરી શકાય છે. હાઈપોગ્લાઈસીમિયા એક ખતરનાક સ્થિતિ છે. જેમાં ચક્કર આવવાં, પરસેવો વધી જવો, ધ્રુજારી થવી, જોરદાર ભૂખ લાગવાની સ્થિતિમાં ક્યારેક વ્યક્તિ કૉમામાં જઈ શકે છે. તેનાથી બચવા માટે પ્લાન્ટ બેઝડ્ સ્વિટનર તરીકે કૉકોનટ શુગરનો ઉપયોગ કરી શકાય છે.
વજનને ઘટાડવામાં લાભકારી: સાદી સફેદ ખાંડનો વધુ પડતો ઉપયોગ કરવાથી વજન વધી જવાની શક્યતા રહે છે. કૉકોનટ શુગર સામાન્ય ખાંડની સરખામણીમાં ધીમે ધીમે શરીરને ઍનર્જી પ્રદાન કરે છે. વળી તે ધીમે ધીમે પચે છે. જેથી લાંબા સમય માટે વ્યક્તિને ભૂખ લાગતી નથી. જેથી થોડા થોડા સમયે ખાતા રહેવાની આદતથી બચી શકાય છે.
હૃદયની તંદુરસ્તી માટે ગુણકારી: નાળિયેર ખાંડમાં સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ જેવાં મિનરલ્સ સમાયેલાં હોય છે. જે શરીરના વિવિધ અંગો જેવા કે હૃદય, ન્યૂરોન્સ તથા મસલ્સની મજબૂતાઈ જાળવી રાખવામાં મદદ કરે છે. એવું કહેવાય છે કે સામાન્ય ખાંડની સરખામણીમાં નાળિયેર ખાંડમાં 400 ગણી વધુ માત્રામાં પોટેશિયમ સમાયેલું હોય છે.
ઍન્ટિ-ઓક્સિડન્ટથી ભરપૂર: નાળિયેરમાં ઍન્ટિ-ઑક્સિડન્ટની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી હોય છે. જેને કારણે ત્વચાની કોમળતાં જળવાઈ રહે છે. ઝડપથી અન્ય રોગનો ચેપ લાગવાથી બચી શકાય છે.
બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખે છે: આપણું શરીર ઍનર્જી માટે ગ્લુકોઝની સહાય લે છે. એનક પોષકતત્ત્વોથી ભરપૂર નાળિયેરની ખાંડ લૉ બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. ઉચ્ચ રક્તચાપને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. વધી ગયેલાં બ્લડપ્રેશરને કારણે શરીરમાં ઊભાં થતાં અન્ય જોખમથી બચવામાં મદદ કરે છે.
પાચનતંત્રમાં સુધારો લાવે છે: નાળિયેર ખાંડનો ઉપયોગ કરવાથી પાચનતંત્રમાં સુધારો થાય છે. આંતરડાં સંબંધિત તકલીફમાંથી રાહત મળે છે. તેમાં રહેલું ઈન્સ્યુલિન શરીરમાં પ્રોબાયોટિક્સ તરીકે કામ કરે છે.
સામાન્ય ખાંડ તથા નાળિયેર ખાંડ વચ્ચેનો તફાવત: સામાન્ય ખાંડમાં ફ્રુક્ટોઝની માત્રા વધુ હોય છે. વળી તેનાથી ફક્ત સ્વાદ મળે છે. કોઈપણ પ્રકારનું પોષણ મળતું નથી. જ્યારે કૉકોનટ શુગરમાં આયર્ન, ઝિંક, પોટેશિયમ, કૅલ્શિયમ સમાયેલું હોય છે. વળી તેમાં પૉલિફિનોલ્સ તથા ઍન્ટિઑક્સિડન્ટ જેવાં ફેટી એસિડ તથા ફાઈબર સમાયેલું હોય છે. વળી નાળિયેર ખાંડ સંપૂર્ણ રીતે પ્રાકૃતિક ગણાય છે. તેને બનાવવા માટે કોઈ રસાયણનો ઉપયોગ કરવામાં આવતો નથી. તેમાં 16 પ્રકારના એમિનો એસિડ સમાયેલાં હોય છે. નાળિયેર શુગરમાં કેટલાંક ઍન્ટિ ઑક્સિડેન્ટ સમાયેલાં હોય છે જે આપણાં શરીરમાં રહેલાં ઑક્સિડેટિવ સ્ટ્રેસને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.
કૉકોનટ શુગર કે પામ શુગર વિશે આહાર તજજ્ઞોનું માનવું છે કે બંને પ્રાકૃતિક મીઠાશ ધરાવે છે. નાળિયેરની શુગરના ભાવની વાત કરીએ તો સામાન્ય ખાંડની સરખામણીમાં થોડી મોંઘી લાગશે. 300 ગ્રામ ખાંડનો ભાવ 315 રૂા.ની આસપાસ જોવા મળે છે. શ્રીલંકામાં નાળિયેર ખાંડનો ઉપયોગ છૂટથી કરવામાં આવે છે. ઈન્ડોએશિયાઈ વાનગીમાં નાળિયેરની ખાંડનો ઉપયોગ થાય છે. જેમાં એક ખાસ પ્રકારનો મીઠો સૉસ તૈયાર કરવામાં આવે છે જે ‘કેકૈપ મૈનિસ’ તરીકે જાણીતો છે.
નાળિયેર ખાંડથી બનાવેલો મીઠો ભાત
સામગ્રી: 1 કપ નાળિયેરની ખાંડ, 1 વાટકી રાંધેલાં બાસમતી ચોખા, 3 નંગ પિસ્તા, 3 નંગ બદામ, 1 નાની ચમચી એલચી-જાયફળનો ભૂકો, 1 મોટી ચમચી ઘી
બનાવવાની રીત: સૌ પ્રથમ એક નૉનસ્ટીક પૅનમાં થાડું ઘી મૂકી સૂકામેવાને ગુલાબી રંગનો થાય ત્યાં સુધી સાંતળી લેવા. ત્યારબાદ તેમાં રાંધેલાં ભાત સાંતળી લેવા. ભેળવવાં. નાળિયેરની ખાંડ તથા આવશ્યક્તા પ્રમાણે દૂધ ઉમેરવું. ચોખાને ધીમી આંચ ઉપર બરાબર હલાવી લેવું. થોડું ઠંડું થાય ત્યારબાદ તેને મિક્સરમાં ભેળવી લેવું. કડાઈમાં ધીમી આંચ ઉપર પકાવવું. રાંધલાં ભાતને કડાઈમાં લેવા. નાળિયેરની ખાંડ તથા સૂકું કોપરું ભેળવીને થોડો સમય આંચ ઉપર રાખવું. એલચી-જાયફળનો ભૂકો ભેળવવો. સાંતળેલાં સૂકામેવાથી સજાવીને ગરમાગરમ પીરસવો.
આપણ વાંચો : સ્વાસ્થ્ય સુધા : ગરમીમાં રાહતદાયક છે શેરડીનો રસ