તરોતાઝા

‘રાજયોગ’ એટલે શું…? ‘યોગ’ એટલે શું…?

તંદુરસ્તી-મનદુરસ્તી -ભાણદેવ

(ગતાંકથી ચાલુ)
(1) શ્રીમદ્ ભગવદ્ ગીતાના નવમા અધ્યાયને ‘રાજવિદ્યા રાજગુહ્ય યોગ’ નામ અપાયું છે. અહીં વિશેષ કરીને तत्कुरुष्वमदर्पणम् (તે બધું મને સમર્પિત કર) – ની વાત કહેવામાં આવે છે. એનો અર્થ એમ કે અહીં રાજવિદ્યાનો અર્થ સમર્પણયોગ છે. ગીતા ઉત્તમ કોટિનો સાધનગ્રંથ છે. ગીતોક્ત આ સમર્પણયોગ શિરમોર સાધનમાર્ગ છે. ગીતોક્ત સાધનમાર્ગની સર્વોચ્ચ ઉપયુક્તતા વિશે બે મત જ ન હોય, પરંતુ એટલું સમજી લેવું આવશ્યક છે કે ભગવાન પતંજલિ યોગસૂત્રમાં જે ‘રાજયોગ’ની વાત કહે છે, તે અને ગીતાના નવમા અધ્યાયમાં જે રાજવિદ્યાની વાત કરવામાં આવેલ છે, તે બંને એક જ નથી. બંને ઉચ્ચકોટિના સાધનમાર્ગ છે અને બંનેમાં ‘રાજ’ શબ્દ સામાન્ય છે, છતાં બંનેમાં ભિન્ન ભિન્ન સાધનમાર્ગની વાત કરવામાં આવી છે, એટલું સમજી લેવું જોઈએ.

(2) વર્તમાનકાળમાં અનેક નવી નવી સાધન પદ્ધતિઓ પ્રચારમાં આવી છે. તેમાંની કેટલીક પદ્ધતિઓ માટે ‘રાજયોગ’ શબ્દ પ્રયોજાય છે. તેમાંની કોઈ પદ્ધતિનો નામોલ્લેખ કર્યા વિના કે તેમનું અવમૂલ્યન કરવાના ઈરાદા વિના અહીં માત્ર એટલું જ કહેવાનું છે કે આપણી સનાતન પરંપરા પ્રમાણે ‘રાજયોગ’ શબ્દ જે સાધનમાર્ગ માટે પ્રયોજાય છે તે અને આ નવા સાધનમાર્ગો સાવ ભિન્ન છે. માત્ર નામના સાદૃશ્યને કારણે આપણે ભ્રમમાં ન પડીએ તે જરૂરી છે.

  1. રાજયોગ એટલે શું?
    યોગસૂત્રમાં ભગવાન પતંજલિ દ્વારા અપાયેલ ‘અષ્ટાંગ યોગ’ને સનાતન પરંપરાથી ‘રાજયોગ’ કહેવામાં આવે છે. યોગસૂત્રમાં ‘રાજયોગ’ શબ્દનો ઉપયોગ એક પણ વાર થયો નથી, પરંતુ પરંપરાથી પતંજલિ પ્રણિત અષ્ટાંગ યોગ માટે ‘રાજયોગ’ શબ્દનો પ્રયોગ થાય છે. ‘રાજ’ શબ્દ અહીં પ્રધાન, વિશાળ કે ઉત્તમ (Royal))ના અર્થમાં વપરાયો છે. અથવા રાજમાર્ગ એટલે વિશાળ રસ્તો, તે પ્રમાણે રાજયોગ વિશાળ રાજમાર્ગ જેવો સાધનમાર્ગ છે, જેના પર સૌ કોઈ ચાલી શકે તેમ છે, એવો અર્થ પણ લેવાય છે. આ ઉપરાંત ‘રાજ’ શબ્દ દ્વારા આ ઉત્તમ સાધનપથ છે, એમ પણ સૂચિત થાય છે.

રાજયોગ અર્થાત્ અષ્ટાંગયોગનો પ્રધાન ગ્રંથ ભગવાન પતંજલિપ્રણિત ‘યોગસૂત્ર’ છે. યોગસૂત્ર બીજા સૂત્રમાં રાજયોગની સર્વાંગસંપૂર્ણ કહી શકાય તેવી સુંદર, યથાર્થ અને ટૂંકી છતાં સચોટ વ્યાખ્યા આપવામાં આવેલ છે.

ભગવાન પતંજલિ અહીં કહે છે -

योगश्चितवृत्तिनिरोध: | – योगसूत्र; १.२
‘યોગ એટલે ચિત્તવૃત્તિઓનો નિરોધ’

રાજયોગના યથાર્થ સ્વરૂપને સમજવા માટે આ વ્યાખ્યાને સ્પષ્ટ રીતે સમજી લેવાનું આવશ્યક અને અનિવાર્ય છે. આ વ્યાખ્યામાં આવતા ચારે શબ્દો રાજયોગને સમજવા માટે ચાવીરૂપ શબ્દો છે, તેથી આપણે પ્રથમ આ ચારે શબ્દોનો અર્થ સમજીએ અને પછી આ વ્યાખ્યાને સમગ્રતયા સમજવાનો પ્રયત્ન કરીએ.

(1) योग:
‘યોગ’ શબ્દ સંસ્કૃત `યુજ’ ધાતુ પરથી બનેલો છે. સંસ્કૃતમાં યુજ એટલે જોડવું, એવો થાય છે. આ અર્થમાં યોગ એટલે જોડાણ. ‘युज्यते असौ અલળે योग:’।’ એવી વ્યુત્પત્તિ ‘યોગ’ શબ્દની આપવામાં આવે છે. આ રીતે યોગ શબ્દનો આવો અર્થ સિદ્ધ થાય છે – યોગ એટલે જેનાથી જોડાણ સધાય છે તે. આમ શબ્દના વ્યુત્પત્તિમૂલક અર્થની દૃષ્ટિએ વિચારીએ તો યોગ એટલે જોડાણ અથવા જે સાધનમાર્ગથી જોડાણ સિદ્ધ થાય છે તે સાધનમાર્ગ. હવે પ્રશ્ર્ન એ થાય છે કે અહીં કોનું જોડાણ સિદ્ધ થાય છે. પ્રત્યકે આત્મા (Individual Soul)નું પરમાત્મા સાથેનું આ જોડાણ છે.

યોગના આ અર્થની વિરુદ્ધમાં એમ કહેવામાં આવે છે કે રાજયોગના દર્શન સાથે આ અર્થ સુસંગત નથી. કારણ કે સાંખ્ય આધારિત યોગદર્શનમાં વેદાંતની જેમ પ્રત્યકે આત્માના પરમાત્મામાં સંપૂર્ણ વિલીન થવાની વાત માનવામાં આવતી નથી, તેથી ‘યોગ’ શબ્દનો બીજો અર્થ લેવામાં આવે છે.

‘પાતંજલ યોગસૂત્ર’ પરના વ્યાસભાષ્યમાં યોગની‘योग: समाधि:(યોગ એટલે સમાધિ) – એવી વ્યાખ્યા આપવામાં આવી છે. આ વ્યાખ્યા દ્વારા એમ સૂચવવામાં આવે છે કે ઉપરોક્ત ‘યોગ એટલે જોડાણ’ અર્થ લેવાને બદલે આ ‘યોગ એટલે સમાધિ’ અર્થ વધુ સાચો અને યોગદર્શન સાથે વધુ સુસંગત છે. સમગ્ર યોગસૂત્રમાં સમાધિની વિગતે વિચારણા થઈ છે, પરંતુ તેમાં ક્યાંય પ્રત્યક્ આત્માના પરમાત્મા સાથેના જોડાણની વાત જોવામાં આવતી નથી.

આપણે માત્ર બાહ્ય અર્થ લેવાને બદલે બંને વ્યાખ્યાના અંતરંગ અર્થને સમજવાનો પ્રયત્ન કરીએ તો ઉપલક દૃષ્ટિએ તેમની વચ્ચે જે વિરોધ છે તે દૂર થઈ જાય છે. અહીં ‘જોડાણ’ શબ્દનો અર્થ આપણે ભૌતિક જગતમાં જે જોડાણની વાત કરીએ છીએ તેવો નથી. પરંતુ અહીં પ્રત્યક્ આત્માની પરમાત્મા સાથેની તદાકારતાના અનુભવની વાત છે. અહીં જોડાણ એક અનુભૂતિ છે. આ પ્રકારની તદાકારતાની અનુભૂતિ સમાધિમાં જ થાય છે. આ સમાધિ યોગમાર્ગે થઈ હોય, ભાવમાર્ગે થઈ હોય કે જ્ઞાનમાર્ગે થઈ હોય; આવી તદાકારતાની અર્થાત્ આધ્યાત્મિક જોડાણની અનુભૂતિ તો થાય જ છે. આમ યોગ એટલે જોડાણ અને યોગ એટલે સમાધિ – આ બંને અર્થો દ્વારા એક જ તથ્ય સૂચિત થાય છે. આમ હોવાથી આ બંને વ્યાખ્યામાં પ્રથમ દૃષ્ટિએ દેખાતા વિરોધનો નિરાસ થાય છે.

(2) चित्त:
હવે આપણે બીજો શબ્દ ‘ચિત્ત’ સમજીએ. સામાન્ય વ્યવહારમાં ચિત્ત માટે ‘મન’ શબ્દનો પ્રયોગ થાય છે. વળી ક્યારેક તે માટે ‘અંત:કરણ’ શબ્દનો પ્રયોગ પણ થાય છે. આધુનિક મનોવિજ્ઞાનમાં પણ ‘મન’ શબ્દનો એક ભિન્ન અર્થ છે અને ચિત્તનું અંગ્રેજી ભાષાંતર કરતી વખતે તેના માટે Mind કે ‘Mind Stuff’ એવો શબ્દ પ્રયોજાય છે. પરંતુ ‘ચિત્ત’ શબ્દનો પારિભાષિક અર્થ આ અર્થો કરતાં વ્યાપક છે અને આપણે તે સમગ્ર યોગદર્શનના પરિપ્રેક્ષ્યમાં સમજવો જોઈએ.

ચિત્ત એટલે ચેતાયેલું – ચેતનવંતુ બનેલું. સાંખ્યદર્શન પ્રમાણે પુરુષના ચૈતન્યથી જડ પ્રકૃતિ ચેતનવંતી બને છે. પ્રકૃતિના ચોવીશ તત્ત્વોમાં સૌથી સૂક્ષ્મ અને એટલે પુરુષની સૌથી નજીકનું તત્ત્વ સમષ્ટિમાં મહત્ છે; તેને જ વ્યષ્ટિમાં બુદ્ધિ કહે છે અને તેને જ યોગમાં ‘ચિત્ત’ કહેવામાં આવે છે. એટલે આ રીતે ચિત્ત એટલે પ્રકૃતિનું વ્યક્તિમાં રહેલ સૌથી સૂક્ષ્મ અને સૌથી પ્રથમ ચેતનવંતુ બનેલ તત્ત્વ (The first ignited principal) આ ચિત્તમાં જડ અને ચેતન, એમ બંનેના ગુણધર્મો જોવા મળે છે. ચિત્ત વ્યક્તિમાં રહેલા પ્રકૃતિમાં તત્ત્વો અને પુરુષ વચ્ચે કડીરૂપ છે.

વ્યક્તિના વ્યક્તિત્વમાં પુરુષ (પ્રત્યક્ આત્મા)ને બાદ કરતાં ચિત્ત, સૌથી સૂક્ષ્મ, સૌથી ચેતનયુક્ત અને વ્યક્તિના અસ્તિત્વ અને વ્યવહારકનું નિયંત્રણ કરનાર સૌથી મહત્ત્વનું તત્ત્વ છે.

ચિત્ત એટલે પુરુષ કે આત્મા અને ચિત્ત એટલે આ ચૈતન્યસ્વરૂપ આત્મા દ્વારા ચેતનવંતુ બનેલું પ્રકૃતિનું પ્રથમ તત્ત્વ.

વ્યવહારમાં આપણે વ્યક્તિના શરીર કરતાં સૂક્ષ્મ કરણ માટે ‘અંત:કરણ’ શબ્દનો પ્રયોગ કરીએ છીએ. આ અંત:કરણના પાયામાં જે તત્ત્વ છે અને અંત:કરણ જે તત્ત્વનું બનેલું છે તે ચિત્ત છે.

યાદ રહે, વેદાંતના મનોવિજ્ઞાનમાં ‘ચિત્ત’ શબ્દનો અર્થ અને યોગના મનોવિજ્ઞાનમાં ‘ચિત્ત’ શબ્દનો અર્થ સમાન નથી.

(3) वृत्ति::
હવે વ્યાખ્યામાં આવતા ત્રીજા શબ્દ ‘વૃત્તિ’નો અર્થ સમજીએ. સામાન્ય વ્યવહારમાં ‘વૃત્તિ’નો અર્થ ‘મનની ઈચ્છા’ એવો લેવામાં આવે છે. આધુનિક મનોવિજ્ઞાન પણ લગભગ એવો જ અર્થ લે છે. પરંતુ અહીં આ વ્યાખ્યામાં અને સમગ્ર યૌગિક મનોવિજ્ઞાનમાં ‘વૃત્તિ’ શબ્દ વધુ વ્યાપક અર્થમાં વપરાયેલો છે.

વ્યક્તિનું સમગ્ર વર્તન ચિત્તને આધારે ચાલે છે. વર્તના મૂળમાં ચિત્ત છે. ચિત્ત અનેક સ્વરૂપો ધારણ કરે છે અને તે જ આપણી સર્વ પ્રવૃત્તિઓના મૂળમાં છે. ચિત્ત જે અનેકવિધ ગતિ કરે છે, સ્વરૂપો ધારણ કરે છે કે વર્તન કરે છે; તેને ‘વૃત્તિ’ કહેવામાં આવે છે. વૃત્તિ એટલે વ્યાપાર કે વર્તન અને તેથી ચિત્તવૃત્તિ એટલે ચિત્તનું વર્તન. આમ તો ચિત્તની વૃત્તિઓ અસંખ્ય છે. પરંતુ યોગસૂત્રકાર ચિત્તની વૃત્તિઓને પાંચ વિભાગમાં વહેંચે છે – પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ.

(4) निरोध:
યોગની વ્યાખ્યામાં આવતો ચોથો શબ્દ ‘નિરોધ’ છે. ચિત્તની વૃત્તિઓ સતત ઉત્પન્ન થયા કરે છે અને શાંત થયા કરે છે. વૃત્તિઓના આ સતત વહેતા પ્રવાહને કારણે આપણે આપણી સ્વરૂપસ્થિતિ, આત્મસ્થિતિમાં રહી શકતા નથી. આપણે સતત વૃત્તિઓના પ્રવાહમાં ખેંચાતા રહીએ છીએ. આ સતત ચાલતી વૃત્તિઓના પ્રવાહ બંધ થાય તેને ‘નિરોધ’ કહે છે. નિરોધ એટલે રોકવું. અહીં નિરોધનો અર્થ છે ચિત્તની વૃત્તિઓનું શમન.

આપણ વાંચો:  ગરમીમાં અળાઈથી પરેશાન?

આમ ‘योगश्वित्तवृत्तिनिरोध::’નો અર્થ આ પ્રમાણે થશે – ‘યોગ એટલે ચિત્તની વૃત્તિઓનું શાંત થવું – રોકાઈ જવું’.

યોગની વ્યાખ્યા બે રીતે થાય છે – સાધ્યલક્ષી વ્યાખ્યા અને સાધનલક્ષી વ્યાખ્યા. યોગની આ બંને વ્યાખ્યાઓ યોગસૂત્રમાં આપેલ ઉપરોક્ત વ્યાખ્યામાં આવી જાય છે.

‘યોગ એટલે ચિત્તની વૃત્તિમુક્ત અવસ્થા’ – આ યોગની સાધ્યલક્ષી વ્યાખ્યા છે.

‘યોગ એટલે ચિત્તની વૃત્તિમુક્ત અવસ્થા સુધી પહોંચાડનાર સાધનમાર્ગ’ – આ યોગની સાધનલક્ષી વ્યાખ્યા છે.

જ્યારે ચિત્ત વૃત્તિમુક્તબને છે ત્યારે પુરુષનું પ્રકૃતિ સાથેનું તાદાત્મ્ય તૂટે છે. કારણ કે પુરુષ વૃત્તિઓ દ્વારા જ પ્રકૃતિના પથારા સાથે જોડાયેલો રહે છે. તેથી યોગ ચિત્તવૃત્તિઓના પ્રવાહને શાંત કરવાનો સાધનપથ છે. યોગસાધના દ્વારા જ્યારે ચિત્તની વૃત્તિઓનો નિરોધ સધાય છે, ત્યારે ચિત્ત ધારણા-ધ્યાન-સમાધિના માર્ગે આગળ વધે છે. એ જ માર્ગે આગળ વધતાં કૈવલ્યની પ્રાપ્તિ થાય છે, જે યોગનું આખરી લક્ષ્ય છે.

 (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button