
અધ્યાત્મ પથ
માનવમાં એક દિવ્ય અસંતોષ છે. માનવ એક પ્રકારના ગહન અસંતોષથી પીડિત છે. માનવ સતત કોઈક પ્રકારનો ‘અભાવ’ અનુભવી રહ્યો છે. કાંઈક ખૂટતું હોવાની આ લાગણી (Sense of incompleteness) માનવચિત્તને સતત કોરી ખાય છે. માનવ આ ‘અભાવ’ની પીડાથી મુક્ત થવા માટે બહુ આકળ-વિકળ થાય છે, પરંતુ તેનો પાટો બાઝતો નથી.
આપણે સમજી લેવું જોઈએ કે માનવ પોતાની સતત ચાલતી શોધ દ્વારા વસ્તુત: શું ઈચ્છે છે? પ્રથમ દૃષ્ટિએ જોતાં તો એવું લાગે છે કે માનવી અનેક, અગણિત, અપરંપાર વસ્તુઓ ઈચ્છે છે. માનવની ઈચ્છાઓનો અંત જ ક્યાં છે?
માનવની ઈચ્છાઓ અનેક, અનેકવિધ અને અનેકવિધ વિષયોની હોવા છતાં વસ્તુત: માનવ ઈચ્છે છે – પૂર્ણ આનંદ, પૂર્ણપ્રેમ, પૂર્ણ સ્વતંત્રતા, પૂર્ણજ્ઞાન, પૂર્ણશક્તિ, પૂર્ણ શાશ્ર્વત હસ્તિ (અમરત્વ). આ બધાં તત્ત્વોના સરવાળાનો અર્થ છે- માનવ પૂર્ણત્વ પામવા માટે આતુર છે, પ્રયત્નશીલ છે.
એવું શું છે, જે માનવને આ બધું આપે? માનવજીવનમાં એવું ક્યું તત્ત્વ છે, જેમાં માનવની શોધના આ સર્વ તત્ત્વો પ્રતિષ્ઠિત છે? આ તત્ત્વ છે – માનવનું કેન્દ્રસ્થ તત્ત્વ આત્મા અર્થાત્ માનવ પોતે જ!
માનવ આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે. માનવ આત્મા સત્ હોવાને નાતે અજરઅમર છે અને પૂર્ણ સ્વતંત્ર છે.
માનવ આત્મા ચિદ્ હોવાને નાતે પૂર્ણજ્ઞાનસ્વરૂપ અને પૂર્ણ શક્તિસ્વરૂપ છે.
માનવ આત્મા આનંદ હોવાને નાતે પૂર્ણ આનંદસ્વરૂપ અને પૂર્ણ પ્રેમસ્વરૂપ છે. માનવ સ્વરૂપત: આત્મા છે. આત્મા હોવાને નાતે સચ્ચિદાનંદ સ્વરૂપ અર્થાત્ પૂર્ણ છે.
માનવ જો પૂર્ણ છે તો તેને ‘અભાવ’ શા માટે સાલે છે? પૂર્ણને શાનો અભાવ? પૂર્ણને અભાવ શા માટે? આ જ જીવનનો મૂળભૂત અધ્યાસ છે; આ જ જીવનની મૂળભૂત અવિદ્યા છે; આ જ જીવનનું મૂળભૂત અજ્ઞાન છે. પૂર્ણને અજ્ઞાનવશ અપૂર્ણ હોવાનો ભ્રમ થયો છે. પાણીને તરસ લાગી છે.
પ્રશ્ર્ન એ છે કે આ અધ્યાસ આવ્યો ક્યાંથી? આત્મા જ્ઞાનસ્વરૂપ છે તેનામાં આવું અજ્ઞાન ક્યાંથી આવ્યું? અજ્ઞાન ક્યાંયથી આવ્યું નથી. અજ્ઞાનને શીખવાની શાળાઓ નથી હોતી. આ અજ્ઞાન તો નૈસર્ગિક રીતે જ છે. ભગવાન શંકરાચાર્ય તેમના શ્રીમદ્ ભગવદ્ગીતા પરના ભાષ્યમાં આ પ્રશ્ર્નનો સુંદર ઉત્તર આપે છે –
આ નૈસર્ગિક અધ્યાસ તો છે જ. કોઈ સ્થાનમાં પ્રકાશ પ્રગટે ત્યાર પહેલાં તે અંધકાર હતો. આ અંધકાર ક્યાંથી આવ્યો? આ અંધકારને કોણે પ્રગટાવ્યો? આ અંધકાર ક્યાંયથી આવ્યો નથી અને આ અંધકારને કોઈએ પ્રગટાવ્યો નથી. આ અંધકાર તો નૈસર્ગિક સ્વરૂપે છે જ.
આત્મા જ્ઞાનસ્વરૂપ છે. માનવ અજ્ઞાનવશ પોતાના આત્મસ્વરૂપમાંથી ચ્યુત થયો છે. આ સ્વરૂપચ્યુતિ જ આપણા અભાવનું અને તજ્જન્ય સર્વ ઈચ્છાઓનું કારણ છે. માનવ પોતાની આ સ્વરૂપચ્યુતિમાંથી મુક્ત થાય અને પોતાના આત્મસ્વરૂપમાં પ્રતિષ્ઠિત થાય, તેટલું જ કરવાનું છે.
હવે પ્રશ્ર્ન એ છે કે આ સ્વરૂપચ્યુતિમાંથી મુક્ત થવું કેવી રીતે? પોતાના આત્મસ્વરૂપમાં પ્રતિષ્ઠિત થવું કેવી રીતે?
તે માટે કોઈ વિદ્યા છે? હા, તે વિદ્યાનું નામ છે – અધ્યાત્મ વિદ્યા. તે પથનું નામ છે – અધ્યાત્મપથ. સચ્ચિદાનંદની પ્રાપ્તિ માટેનો જે પથ છે, તે અધ્યાત્મપથ છે.
અધ્યાત્મ = અધિ + આત્મા. અધિ એટલે તરફ. આત્મા તરફ વળવું તે જ અધ્યાત્મ છે.
અહીં ‘આત્મા’ અને ‘સચ્ચિદાનંદ’ શબ્દોનો ઉપયોગ થયો હોવાથી કોઈ એમ ન સમજે કે અધ્યાત્મપથ દ્વારા માત્ર જ્ઞાનમાર્ગ સૂચિત થાય છે. ભક્તની ભગવત્પ્રાપ્તિ, આત્માર્થીની આત્મપ્રાપ્તિ, જ્ઞાનીની અદ્વૈતસિદ્ધિ-બ્રહ્મપ્રાપ્તિ, યોગીનું કૈવલ્ય – આ બધાં અધ્યાત્મનાં જ સ્વરૂપો છે. આમાંના કોઈ પણ પથથી વ્યક્તિ તત્ત્વત: પોતાના સ્વરૂપને જ પામે છે.
વ્યક્તિ પોતાના અંતરતમને પામે નહિ ત્યાં સુધી તેને સાચી શાંતિ, પરમ કૃતાર્થતા અને અભાવમાંથી આત્યંતિક મુક્તિ મળી શકે નહિ. અરીસામાં પ્રતિબિંબિત થયેલો અગ્નિ કોઈની ઠંડી ઉડાડી શકે નહિ. કારણ કે તે મૂળ અગ્નિની જેમ ઉષ્મા આપી શકે નહિ. તે માટે આપણે બિંબસ્વરૂપ મૂળ અગ્નિ પાસે પહોંચ્યે જ છૂટકો છે. પ્રકૃતિમાં પ્રતિબિંબિત થયેલ આત્માના આભાસની ખોજથી એટલે કે ભોગ દ્વારા માનવી કૃતાર્થતા પામી શકે નહિ. તે માટે સ્વરૂપપ્રાપ્તિ એટલે કે અધ્યાત્મ તે જ ઉપાય છે.
સદીઓ – સહસ્રાબ્દીઓથી માનવજાતે પરમને પામવાના અનેકવિધ સફળ-નિષ્ફળ પ્રયોગો કર્યા છે. આ દીર્ધ અનુભવમાંથી અધ્યાત્મવિદ્યાનું નિર્માણ થયું છે.
અધ્યાત્મવિદ્યા સ્વરૂપત: અનુભવગમ્યવિદ્યા છે, પરંતુ હજારો વર્ષના અનુભવોમાંથી અધ્યાત્મનું એક ભાથું પણ તૈયાર થયું છે, જેનાથી અધ્યાત્મપથ પર ચાલનાર સાધક માટે ઉપયોગી માર્ગદર્શન મળી શકે છે. લાંબા ગાળે અધ્યાત્મવિદ્યાએ એક શાસ્ત્રનું સ્વરૂપ ધારણ કર્યું છે. અધ્યાત્મવિદ્યા એટલે પરમના સાક્ષાત્કારનું શાસ્ત્ર.
પરમ સત્યનાં અગણિત સ્વરૂપો છે, તેને પામવાના અગણિત માર્ગ છે અને આધ્યાત્મિક સાક્ષાત્કારનાં અનેકવિધ સ્વરૂપો છે.
પરમ સત્ય, પરમાત્મા મૂલત: એક હોવા છતાં તેનાં અનેકવિધ સ્વરૂપો (પાસાંઓ) છે. તે નિર્ગુણ નિરાકાર છે; તે સગુણ નિરાકાર છે; તે સગુણ સાકાર છે; તે માનવ સ્વરૂપે અવતરે પણ છે; તે વિરાટ સ્વરૂપ પણ છે; તે અંતર્યામી પણ છે અને તેનાં બીજાં કેટલાંયે સ્વરૂપો હશે – આપણે જાણતા નથી. જે અનંત છે, તેના વિશે તે આવો અને આટલો જ છે, તેમ કહેવું તે તેના અનંતસ્વરૂપનો ઈનકાર કરવા બરાબર છે.
સાધક પરમાત્માના કોઈ એક કે વધુ સ્વરૂપોનો સાક્ષાતકાર પામી શકે. પરમસત્તાના આ ભિન્ન ભિન્ન સ્વરૂપો અને તેમના સાક્ષાત્કાર મૂલત: એક જ હોવા છતાં સંપૂર્ણત: એક જ છે તેમ નથી. પ્રત્યેક સાક્ષાત્કારની વિશિષ્ટ લાક્ષણિકતા પણ હોય છે. એક જ મહાસત્તાના ભિન્ન ભિન્ન પાસાંઓના આ સાક્ષાત્કાર છે. મીરાં અને રમણ બંને સત્યને પામે છે, પરંતુ બંનેના સાક્ષાત્કારનું સ્વરૂપ સર્વથા સમાન છે, તેમ ન કહી શકાય.
અધ્યાત્મપથ અનંતની યાત્રા છે. આધ્યાત્મિક વિકાસનો કોઈ અંત નથી. પરમ તો અનંત છે અને અનંતને પૂર્ણત: કોણ પામી શકે? કીડી સાકરના પહાડમાંથી એક કણ કે થોડા વધુ કણ લઈ શકે પણ આખો પહાડ ઊંચકી શકે નહિ.
પરમની પ્રાપ્તિ સાધ્ય છે. તે સાધ્યને સિદ્ધ કરવા માટે સાધક જે કોઈ ઉપાય, માર્ગ કે પદ્ધતિનું અનુસરણ કરે તે સાધના છે. સાધનાના અર્થાત્ અધ્યાત્મપથના અનેકવિધ સ્વરૂપો છે. આમ હોવાનાં મુખ્યત્વે ત્રણ કારણો છે –
- પરમ તત્ત્વનાં અનેકવિધ સ્વરૂપો છે, અનેકવિધ પાસાંઓ છે; તેથી તેને પામવાનાં સાધનો પણ અનેકવિધ હોય તે સ્વાભાવિક જ છે.
- સાધકોની રુચિ, પ્રકૃતિ, યોગ્યતા, સંસ્કારો, દેશકાળ આદિ પરિબળો સાધનાના સ્વરૂપને નિર્ધારિત કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આ પરિબળોની વિવિધતાને કારણે સાધનાનાં સ્વરૂપોમાં પણ વિવિધતા આવે છે.
- માનવજાત પાસે અધ્યાત્મપથનો એક વિશાળ વારસો છે. અધ્યાત્મવિદ્યાનું ઘણું ખેડાણ થયું છે. દરેક સમાજનું, દરેક ધર્મનું, દરેક સંપ્રદાયનું, દરેક ગુરુ પરંપરાનું અધ્યાત્મપથમાં એક વિશિષ્ટ પ્રદાન હોય છે. હજારો વર્ષથી ભિન્ન ભિન્ન સમાજ, ધર્મ, સંપ્રદાય અને ગુરુપરંપરામાં ભિન્ન ભિન્ન સાધન પદ્ધતિઓનો વિકાસ થયો છે. અધ્યાત્મપથનો આ સમૃદ્ધ અને અનેકવિધ વારસો પણ સાધનમાર્ગની વિવિધતાનું નિર્માણ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.
ભાવપ્રધાન-હૃદયપ્રધાન વ્યક્તિ પ્રેમપંથનો સાધક છે. તે ભક્તિમાર્ગે આગળ વધતાં પરમતત્ત્વના કોઈ સગુણ સાકાર કે સગુણ નિરાકાર સ્વરૂપને પામે છે.
બુદ્ધિપ્રધાન વ્યક્તિ જ્ઞાનપંથનો સાધક છે અને જ્ઞાનમાર્ગે – સ્વરૂપચિંતનના માર્ગે સત્ – અસત્ના વિવેક દ્વારા પરમ તત્ત્વના નિર્ગુણ નિરાકાર સ્વરૂપને પામે છે.
સાધકના વ્યક્તિત્વનું સ્વરૂપ કાયમ માટે એક જ રહે છે અને તેના સાધનમાર્ગનું સ્વરૂપ પણ કાયમ માટે એક જ રહે છે, તેવું પણ નથી. જ્ઞાનમાર્ગના સાધકો મહાનભક્તો બન્યા હોય તેવાં દૃષ્ટાંતો પણ છે અને તેનાથી ઊલટું પણ બની શકે છે.
આ ત્રણ સાધનમાર્ગનાં પણ અનેકવિધ સ્વરૂપો છે અને વિવિધમાર્ગના સમન્વયની પ્રક્રિયા પણ સતત ચાલતી રહે છે. ખરેખર તો જેટલા સાધકો તેટલી સાધન પદ્ધતિઓ છે. પ્રત્યેક વ્યક્તિ પરમાત્માનું વિશિષ્ટ સર્જન છે અને તેની જીવનપદ્ધતિ અને સાધનમાર્ગ પણ વિશિષ્ટ હોવાના જ.
એટલું જ નહિ, પરંતુ સાધનપદ્ધતિ પણ સતત વિકસતી પ્રક્રિયા છે. જેમ જેમ સાધક વિકસતો જાય છે, તેમ તેમ તેની સાધન પદ્ધતિ પણ વિકસતી જાય છે. સાધકમાં થતું રૂપાંતર તેની સાધનપદ્ધતિના સ્વરૂપમાં પણ રૂપાંતર કરે જ છે.
ઉપનિષદ (મુ. ઉ. 1.5)માં જેને પરાવિદ્યા કહેલ છે, તે જ આ આધ્યાત્મવિદ્યા છે અને તે જ બ્રહ્મવિદ્યા છે.
અધ્યાત્મવિદ્યા શું છે, તે સમજવા માટે તે શું નથી, તે પણ સમજી લેવું જોઈએ. અધ્યાત્મવિદ્યા તત્ત્વજ્ઞાન નથી; અધ્યાત્મવિદ્યા ધર્મશાસ્ત્ર નથી; અધ્યાત્મવિદ્યા નીતિશાસ્ત્ર નથી; અધ્યાત્મવિદ્યા ક્રિયાકાંડ નથી; અધ્યાત્મવિદ્યા ગુહ્યવિદ્યા નથી; અધ્યાત્મવિદ્યા પરિવેશ કે પાંડિત્ય નથી. આ બધાં સાથે અધ્યાત્મવિદ્યાને કોઈ ને કોઈ સ્વરૂપનો સંબંધ છે, પણ તેમાંનું કશું સાક્ષાત્ અધ્યાત્મ નથી, તેટલું સ્પષ્ટ સમજી લેવું આવશ્યક છે. તેમાંના કોઈ પણને અધ્યાત્મ સમજીને તેમાં રમમાણ રહેવામાં આવે તો યથાર્થ અધ્યાત્મની પ્રાપ્તિ થઈ શકે નહિ.
જે ભગવાન સુધી પહોંચાડે તે અધ્યાત્મ; જે આત્મદર્શન કરાવે તે અધ્યાત્મ; જે બ્રાહ્મી સ્થિતિમાં સ્થિર કરે તે અધ્યાત્મ; જેને જાણવાથી કશું જાણવાનું બાકી ન રહે તેવું જ્ઞાન જે આપે તે અધ્યાત્મ; જેને પામ્યા પછી કશું પામવાનું બાકી ન રહે તે આધ્યાત્મિક પ્રાપ્તિ છે; જ્યાં પહોંચ્યા પછી ક્યાંય પહોંચવાનું બાકી ન રહે તે અધ્યાત્મનું
લક્ષ્ય છે.
અસ્તિત્વનું કેન્દ્ર ચૈતન્ય છે, તેથી ચૈતન્યનું જ્ઞાન અસ્તિત્વના સર્વજ્ઞાનનું કેન્દ્રસ્થ જ્ઞાન હોય તે સ્વાભાવિક છે. અધ્યાત્મજ્ઞાન સર્વજ્ઞાનનું કેન્દ્રસ્થ જ્ઞાન છે; અધ્યાત્મજ્ઞાન સર્વમાં રહેલાં એકનું જ્ઞાન છે. તેથી જ ભગવાન શ્રીકૃષ્ણ પોતાની વિભૂતિઓ ગણાવતાં અર્જુનને કહે છે –
‘સર્વ વિદ્યાઓમાં હું અધ્યાત્મવિદ્યા છું.’
આ સર્વોચ્ચ વિદ્યા અધ્યાત્મવિદ્યાનાં અનેક સ્વરૂપો છે. તેમાંનું એક સ્વરૂપ છે – યોગવિદ્યા.
યોગ એક પ્રકારની શારીરિક શિક્ષણની પદ્ધતિ છે; યોગ એક ચિકિત્સા પદ્ધતિ છે અથવા યોગ અસાધ્ય રોગોમાંથી મુક્ત થવાની વિદ્યા છે – આવી ધારણાઓ ખૂબ વ્યાપક પ્રમાણમાં વિસ્તરી રહી છે. કોઈ ઊંચાઈ વધારવા માટે, કોઈ વજન ઘટાડવા માટે, કોઈ બી.પી. ઘટાડવા માટે, કોઈ મોઢા પરના ખીલ મટાડવા માટે, કોઈ સુંદર ચહેરાની પ્રાપ્તિ માટે – આ અને આવા અનેક અને અવનવા હેતુઓની સિદ્ધિ માટે લોકો યોગ પ્રત્યે લગભગ દોડી રહ્યા છે, તેમ જોવા મળે છે.
આ પણ વાંચો…ફોકસ : એવા ઇન્ડોર પ્લાન્ટ લગાવો જે ઘરની હવાને તરોતાજા રાખે
યોગનાં શિબિરો, સેમિનારો, વર્ગો ખૂબ વ્યાપક પ્રમાણમાં ચાલી રહ્યા છે. બિલાડીના ટોપની જેમ યોગશિક્ષકો ફૂટી નીકળ્યા છે. સૌ પોતાની રીતે યોગ શીખવી રહ્યા છે. અનેક પ્રકારનાં નવાં નવાં આસનો અને પ્રાણાયામો પ્રયોજાઈ રહ્યાં છે અને તેમનો પ્રસાર પણ વધી રહ્યો છે. યૌગિક ક્રિયાઓનું શાસ્ત્રીય સ્વરૂપ લગભગ દબાઈ ગયું છે, એક ખૂણામાં હડસેલાઈ
ગયું છે.
હવે કે જ્યારે પરિસ્થિતિ આવી છે, ત્યારે યોગ ખરેખર શું છે; તે સમજી લેવું ખૂબ આવશ્યક છે. કોઈ પણ વિદ્યા જ્યારે અતિ પ્રચાર પામે ત્યારે તે વિદ્યાનું મૂળ સ્વરૂપ ખોવાઈ જાય એવું જોખમ રહેલું છે. યોગવિદ્યા ઉપર પણ આવું જોખમ ઊભું થયું છે. યોગને આ જોખમમાંથી બચાવી લેવાની જવાબદારી યોગાચાર્યો અને યોગશિક્ષકોની છે. યોગવિદ્યાનો અનેકવિધ સ્વરૂપે વિકાસ થાય તો પણ તે પોતાનું મૂળભૂત યથાર્થ સ્વરૂપ ગુમાવી ન બેસે તેની કાળજી આપણે સૌએ રાખવી પડશે.
(ક્રમશ:)