તરોતાઝા

તંદુરસ્તી-મનદુરસ્તી: સમાધિ હઠયોગની સાધનાનું અંતિમ અંગ છે…

-ભાણદેવ

એક રેશમની પાતળી દોરી હાથમાં આવી ગઈ તો દીવાનને મુક્તિનો માર્ગ મળી ગયો. આ કથા દ્વારા પ્રાણાયામનું રહસ્ય સૂચિત થાય છે.

શરીર અને મનની વચ્ચે પ્રાણનું સ્થાન છે. પ્રાણ બંનને જોડતી કડી છે. પ્રાણ શરીર અને મન, બંનેને શક્તિ પૂરી પાડે છે અને બંનેને પ્રભાવિત કરે છે. જો પ્રાણ પર નિયંત્રણ સિદ્ધ થાય તો શરીર અને મન પર નિયંત્રણ સિદ્ધ થઈ શકે છે.

પ્રાણ પર નિયંત્રણ સિદ્ધ થાય કેવી રીતે? પ્રાણનો એક પાતળો છેડો બહાર, સ્થૂળ શરીર સુધી આવેલો છે. આ બહારના છેડાને પકડી શકાય તો તેના દ્વારા સ્થૂળ શરીર અને મનને પણ પકડી શકાય તેમ છે. શ્ર્વોસોચ્છ્વાસ બહારનો છેડો છે. શ્ર્વાસ જ તે રેશમની પાતળી દોરી છે. તેને પકડી શકાય તો તેના દ્વારા જાડું દરોડું હાથમાં આવી જશે અને તો મુક્તિનો માર્ગ મળી જશે.

શ્ર્વાસની દોરીને પકડીને તેના દ્વારા પ્રાણમય શરીર પર નિયંત્રણ સિદ્ધ કરવાની વિદ્યા તે જ પ્રાણયામ છે. પ્રાણાયામ દ્વારા પ્રાણમય શરીર પર નિયંત્રણ સિદ્ધ થઈ શકે તેમ છે.

પ્રાણાયામ દ્વારા પ્રાણજય અને પ્રાણજય દ્વારા ચિત્તજય-આ હઠયોગનો કેન્દ્રસ્થ સિદ્ધાંત છે.

પ્રાણાયામના દીર્ઘ અભ્યાસથી કુંભક અને છેવટે કેવલકુંભ સિદ્ધ થાય છે. આ અવસ્થામાં શ્ર્વાસ આપોઆપ સ્તબ્ધ બની જાય છે અને તે અવસ્થામાં સુખપૂર્વક રહી શકાય છે. શ્ર્વાસ અને પ્રાણ વચ્ચે પ્રગાઢ સંબંધ છે. શ્ર્વાસ વશ થતાં પ્રાણ વશ થાય છે. પ્રાણનો નિરોધ એ જ ખરો પ્રાણાયામ છે. પ્રાણ + આયામ = પ્રાણનું નિયંત્રણ કુંભકની અવસ્થા સિદ્ધ થતાં તેનાથી આપોઆપ કુંડલિની શક્તિનું જાગરણ થાય છે.

હઠયોગના પ્રાણાયામના સ્વરૂપ વિશે આ પ્રમાણે કહી શકાય:

‘પ્રાણાયામ એટલે શ્ર્વાસના જય દ્વારા પ્રાણજય સિદ્ધ કરીને, તેના દ્વારા કુંડલિની શક્તિના જાગરણની સાધના.’
પ્રાણાયામના અનેક પ્રકારો છે. મુખ્ય પ્રાણાયામ આઠ છે-સૂર્યભેદન, ઉજ્જાયી, સીત્કારી, શીતલી, ભસ્રિકા, ભ્રામરી, મૂર્છા અને પ્લાવિની.

(3) મુદ્રા :
આસન અને પ્રાણાયામની જેમ મુદ્રા પણ કુંડલિની શક્તિના જાગરણ માટેની સાધના છે. આસનમાં શરીરની વિશિષ્ટ અવસ્થા ધારણ કરવામાં આવે છે. પ્રાણાયામમાં પ્રાણનો નિરોધ સાધવામાં આવે છે. મુદ્રામાં આ બંને તત્ત્વોનો સમન્વય સાધવામાં આવે છે. આમ હઠયોગમાં મુદ્રાને આસન અને પ્રાણાયામ પછીનું સોપાન ગણવામાં આવે છે.

મુદ્રામાં આસન અને પ્રાણાયામ, બંનેના મુખ્ય અંશોનો સમન્વય સાધવામાં આવ્યો હોવાથી તેનો અભ્યાસ વધુ અસરકારક, પરંતુ સાથે સાથે વધુ જોખમી પણ છે.

મુદ્રાનો અભ્યાસ જરૂર પડે ત્યારે જ, યોગ્ય ગુરુના માર્ગદર્શન હેઠળ અને ખૂબ સાવચેતીથી કરવો જોઈએ. વળી આસન અને પ્રાણાયામના દીર્ઘકાલીન અભ્યાસથી શરીર અને પ્રાણ તૈયાર કર્યા હોય તેમણે જ મુદ્રાનો અભ્યાસ કરવો જોઈએ.
મુદ્રાનો અભ્યાસ કુંડલિનીના જાગરણ માટે છે. આ વિશે હઠપ્રદીપિકાકાર કહે છે-:

तस्मात् सर्वप्रयत्नेन प्रबोधयितुमीश्वरीम् |
ब्रह्मद्वारमुखे सुप्तां मुद्राभ्यासं समाचरेत् ॥

  • ह. प्र.; ३-५/‘તેથી બ્રહ્મદ્વાર (સુષુમ્ણા નાડી)ના મુખમાં સૂતેલી ઈશ્ર્વરી (કુંડલિની)ને બધા પ્રયત્નો વડે જગાડવા માટે મુદ્રાઓનો સારી રીતે અભ્યાસ કરવો જોઈએ.’

મુદ્રાઓ ઘણી છે. હઠપ્રદીપિકામાં દશ મુદ્રાઓનું વર્ણન છે :

महामुद्रा महाबन्धो महवेधश्व खेचरी|
उड्डियानं मूलबन्धश्च बन्धो जालंधराभिध ॥
करणी विपरीतारण्या वज्रोली शक्तिचालनम् |
इदं हि मुद्रादशकं जरामरणनाशनम् ॥

  • ह. प्र.; ३-६/७

‘મહામુદ્રા, મહાબંધ, મહાવેધ, ખેચરી, ઉડ્ડિયાન, મૂલબંધ, જાલંધરબંધ, વિપરીતકરણી, વજ્રોલી અને શક્તિચાલિની- આ દશ મુદ્રાઓ વૃદ્ધાવસ્થા અને મૃત્યુનો નાશ કરનારી છે.’

ઘેરંડ સંહિતામાં આ ઉપરાંત બીજી ઘણી મુદ્રાઓનું વર્ણન જોવા મળે છે. અશ્ર્વિનીમુદ્રા, ષન્મુખી (યોનિ) મુદ્રા, તડાગીમુદ્રા, માંડુકીમુદ્રા, ભુજંગીમુદ્રા આદિ નોંધનીય છે.

(4) સમાધિ :
સમાધિ હઠયોગની સાધનાનું અંતિમ અંગ છે. વસ્તુત: સમાધિ સાધના નહીં, પરંતુ સાધનાનું લક્ષ્ય અને પરિણામ છે.

હઠયોગના સિદ્ધાંત પ્રમાણે આસન, પ્રાણાયામ અને મુદ્રાઓના અભ્યાસથી કુંડલિની શક્તિનું જાગરણ થાય છે. ઉત્થિત કુંડલિની જ્યારે સહસ્રારમાં પહોંચે છે ત્યારે સાધક સમાધિ અવસ્થામાં પ્રવેશે છે.
સ્વાત્મારામે હઠપ્રદીપિકાના પ્રારંભમાં જ કહ્યું છે-

केवलं राजयोगाय हठविद्योपदिश्यते |
– ह. प्र.; १-२

‘કેવળ રાજયોગ માટે હઠવિદ્યાનો ઉપદેશ કરવામાં આવે છે.’

હઠપ્રદીપિકાકાર ‘રાજયોગ’ શબ્દ સમાધિના પર્યાયવાચક શબ્દ તરીકે પ્રયોજે છે, આ તથ્ય નીચેના શ્ર્લોકો પરથી સ્પષ્ટ સમજાય છે :

राजयोगः समाधिश्च उन्मनी च मनोन्मनी |
अमरत्वं लयस्तत्वं शून्याशून्यं परं पदम् ॥
अमनस्कं तथाऽद्वैत निरालम्बं निरन्जनम् |
जीवन्मुक्तिश्च सहजा तुर्या चेत्येक वाचकाः ॥

‘રાજયોગ, સમાધિ, ઉન્મની, મનોન્મની, અમરતા, લય, તત્ત્વ, શૂન્ય, અશૂન્ય, પરંપદ, અમનસ્ક, અદ્વૈત, નિરાલંબ, નિરંજન, નિરંજન, જીવનમુક્તિ, સહજાવસ્થા, તુરિયાવસ્થા- આ બધા શબ્દો એકાર્થવાચક છે.’

હઠપ્રદીપિકાકાર સમાધિના બે પ્રકારો વર્ણવે છે- સંપ્રજ્ઞાત સમાધિ અને અસંપ્રજ્ઞાત સમાધિ. અહીં તેઓ બંનેના સ્વરૂપનું વર્ણન સુંદર રીતે કરે છે. સંપ્રજ્ઞાત સમાધિ વિશે તેઓ કહે છે:

सलिले सैन्धवं यद्वत् साम्यं भजति योगतः |
तथात्ममनसोरैकयं समाधिरभिधीयते ॥
-ह.प्र.; ४-५

‘જેમ મીઠું પાણીમાં ઓગળીને પાણીરૂપ બની જાય છે, તેમ મન આત્મા સાથે એકરૂપ બની જાય; તે અવસ્થાને (સંપ્રજ્ઞાત) સમાધિ કહેવામાં આવે છે.’

હઠપ્રદીપિકાકાર અસંપ્રજ્ઞાત સમાધિનું વર્ણન નીચેની રીતે કરે છે-

तत्समं च द्वयोरैकयं जीवात्मपरमात्मनोः |
प्रनष्ट सर्वसंड्कल्प समाधिः सोऽभिधीयते- ॥
-ह.प्र.; ४-७

‘તે જ રીતે જીવાત્મા અને પરમાત્માનું ઐક્ય સધાય છે અને સર્વ સંકલ્પો નાશ પામે છે, તે અવસ્થાને (અસંપ્રજ્ઞાત) સમાધિ કહે છે.’

નામની સમાનતા હોવા છતાં સમાધિના વર્ગીકરણ અને તેમના સ્વરૂપના વર્ણનમાં હઠપ્રદીપિકાકાર યોગસૂત્રકારથી જુદા પડે છે, એ નોંધનીય છે.

આપણ વાંચો:  ફોક્સ: ઉનાળામાં શું બનાવ્યું?

  1. હઠયોગની વિશિષ્ટતાઓ:
    (1) હઠયોગની સૌથી મહત્ત્વપૂર્ણ વિશિષ્ટતા છે- કુંડલિની અને કુંડલિનીના જાગરણ માટેની વિશિષ્ટ સાધનપદ્ધતિ.
    અધ્યાત્મસાધનના દરેક માર્ગમાં ચેતનાના જાગરણની ઘટના કોઈ ને કોઈ રીતે ઘટે જ છે. ચેતનાના
    જાગરણની ઘટના અને કુંડલિનીના જાગરણની ઘટના આ બંને સર્વથા એક નથી. આમ છતાં બંનેમાં કાંઈક સમાનતા પણ છે જ.

જે સાધકો હઠયોગ સિવાયના અન્ય માર્ગે અધ્યાત્મપથનું અનુસરણ કરી રહ્યા હોય છે તેમના જીવનમાં પણ કુંડલિનીના જાગરણની ઘટના ઘટે છે, તેથી કુંડલિનીના જાગરણની ઘટના માત્ર હઠયોગના સાધકોના જ જીવનમાં ઘટે છે, તેમ નથી. પરંતુ આ વિષયમાં હઠયોગની વિશિષ્ટતા એ છે કે કુંડલિની અને કુંડલિની જાગરણ દ્વારા સમાધિ અવસ્થાની પ્રાપ્તિ એ હઠયોગની મૂળભૂત ધારણા છે. આ હઠયોગની મૌલિકતા અને પ્રધાન વિશિષ્ટતા છે. હઠયોગની સમગ્ર સાધના કુંડલિનીના જાગરણ માટે ગોઠવવામાં આવી છે. અન્ય સાધનપથમાં કુંડલિનીના જાગરણ માટે સાધના કરવામાં આવતી નથી; કુંડલિનીના જાગરણ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત નથી. એ તો આડપેદાશરૂપે બની આવે છે. અહીં હઠયોગમાં તો લક્ષ્ય જ કુંડલિનીના જાગરણ તરફ રાખવામાં આવે છે અને સાધનક્રમ પણ કુંડલિનીના જાગરણ માટે ગોઠવાયો છે. કુંડલિની વિશે આટલી વિશદ વિચારણા અને કુંડલિનીના જાગરણ માટે આટલી ચોક્કસ સાધન પદ્ધતિ અન્ય સાધનપથમાં જોવામાં આવતી નથી.

(2)હઠયોગ પદ્ધતિસરની સાધના છે. આમ તો પ્રત્યેક સાધનમાર્ગને પોતાની પદ્ધતિ હોય છે, પરંતુ પદ્ધતિસરતાની દૃષ્ટિએ જોઈએ તો હઠયોગ એક વિશિષ્ટ સાધનપદ્વતિ છે. શોધનકર્મ, આસન, પ્રાણાયામ, મુદ્રાઓ આદિના અભ્યાસ વિશે હઠયોગમાં વૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુથી વિચાર થયો છે અને સાધનપદ્ધતિ ખૂબ ચોકસાઈપૂર્વક રચવામાં
આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button