તરોતાઝા

તંદુરસ્તી-મનદુરસ્તી : શરીર ને મન બંને પર વારસાની અસર તો થાય…

  • ભાણદેવ

(ગતાંકથી ચાલુ)
આધુનિક મનોવિજ્ઞાન અને આધુનિક ચિકિત્સાવિજ્ઞાન અપસ્મારનાં કારણો વિશે શું કહે છે તે હવે આપણે જોઇએ. અપસ્મારનાં કારણો વિશે અનેક સિદ્ધાંતો રજૂ થયા છે. એમાંના ત્રણ પ્રધાન છે:

(1) આવયવિક કારણો:
જેક્સન નામના નાડીવૈજ્ઞાનિકે શોધી કાઢયું છે કે મગજમાં રહેલા જ્ઞાનતંતુઓમાંથી પ્રગટ થતાં વિદ્યુતકંપનો જ્યારે અસ્તવ્યસ્ત બને છે, ત્યારે વ્યક્તિ પોતાના શરીર પરનો કાબૂ ગુમાવે છે. જેક્સને મગજની વિદ્યુત -લહરોનું માપન કરનાર યંત્ર ઇ.ઇ.જી. (ઇલેક્ટ્રો-એન્સેફેલોગ્રામ) વડે સિદ્ધ કર્યું છે કે અપસ્મારના કુલ રોગીઓમાંથી 85 ટકાથી પણ વધારે રોગીઓના મગજની વિદ્યુતલહેરો (બફિશક્ષ ૂફદયત)માં પરિવર્તન જોવા મળ્યું છે.

અપસ્મારનો હુમલો મગજની ક્રિયાઓમાં વિધ્ન આવવાને કારણે કે અટકી જવાને કારણે આવે છે. હુમલા દરમિયાન મગજમાં લોહીની ભ્રમણક્રિયામાં અવરોધ ઉત્પન્ન થાય છે. એવી હકીકતો નોંધાઇ છે. પ્રાણવાયુની કમી પણ જવાબદાર છે. તેમ પણ નોંધાયું છે.

શરીરની જૈવરાસાયણિક ક્રિયાઓમાં ઉત્પન્ન થતી અનિયમિતતા અને અવરોધો અમુક હદથી વધારે તીવ્ર બને ત્યારે મગજમાં એક પ્રકારનું વિષ ઉત્પન્ન થાય છે. આ ક્ષતિને કારણે મગજની છાલના તંતુઓ અતિશય નબળા પડે છે. અપસ્માર મગજની છાલના સીધા ઉદ્દીપનનું પરિણામ છે. મગજના જ્ઞાનતંતુઓમાં અસાધારણ ક્રિયાઓ ઉત્પન્ન થાય છે. તેને પરિણામે દરદીમાં અપસ્મારનાં ચિહ્નો જોવા મળે છે.

મગજ પર કોઇ ભયંકર ઘા થયો હોય કે કેફી પદાર્થોને લીધે મગજ પર અસર થઇ હોય તોપણ તેને લીધે અપસ્મારનાં ચિહ્નો જન્મે છે.

મૂત્રપિંડનો રોગ કે ગ્રંથિઓ સાથે સંબંધ ધરાવતા રોગીના મગજ પર વિપરીત અસર થાય છે. તેના પરિણામે પણ અપસ્મારનાં લક્ષણો પ્રગટે છે.

કેટલીક મહત્ત્વપૂર્ણ ચયાપચયની ક્રિયાઓમાં ગરબડ પેદા થાય, લોહીમાં સાકરના પ્રમાણનું સંતુલન બગડી જાય કે અંત:સાવી ગ્રંથિઓમાં અવ્યવસ્થા જન્મે તોપણ અપસ્માર જન્મી શકે છે.
ટૂંકમાં, આ સિદ્ધાંતના પુરસ્કર્તાઓ એમ માને છે કે અપસ્મારનું કારણ મગજની કોઇક પ્રકારની અસ્તવ્યસ્તતામાં છે, એટલે કે અપસ્મારનું કારણ શારીરિક છે.

(2) મનોવૈજ્ઞાનિક કારણો:
આ સિદ્ધાંત પ્રમાણે અપસ્મારનાં કારણો માનસિક છે અને અપસ્માર માનસિક વિકૃતિ છે, તે માનનારા એમ કહે છે કે અત્યંત અસમતોલ વ્યક્તિત્વ અને કાબૂ બહારના આવેગોને કારણે અપસ્મારની વિકૃતિ જન્મે છે.

આવી વ્યક્તિઓને જ્યારે નિષ્ફળતા મળે ત્યારે હતાશાનો સામનો કરવાને બદલે વધારે પ્રમાણમાં મનોરચનાઓનો આશ્રય લે છે. પરિણામે તેમનાં ચિત્ત પર થયેલી હતાશાની તેમના જ્ઞાનતંતુઓ ઉપર અસર પડે છે અને તે અપસ્મારના પરિણામરૂપે પ્રગટ થાય છે.

અપસ્મારના રોગીઓના વ્યક્તિત્વની રચનાનો અભ્યાસ કરતાં જાણવા મળ્યું છે કે ચીડિયાપણું, અતિશય આત્મકેન્દ્રીપણું, અતિશય સંવેદનશીલતા, ભાવાત્મક નિર્બળતા આદિ લક્ષણો ધરાવનાર વ્યક્તિઓ સરળતાથી અપસ્મારનો ભોગ બને છે.

(3) વંશાનુગત કારણો:
અપસ્મારની વિકૃતિ મગજના જ્ઞાનતંતુઓ સાથે સંબંધિત હોવાથી વારસાગત છે, તેમ માનવામાં આવે છે. ઘણાં દરદીઓનાં કુટુંબીઓ આ રોેગનો ભોગ બને છે, તેવું જોવા મળે છે.
એકદળ જોડિયાં બાળકોમાંના એકને અપસ્મારની ફિટ આવતી હોય તો મોટો ભાગે બીજાને પણ આવે છે.

મગજની અમુક નબળાઇ વારસામાં મળે છે, જે અપસ્મારનું કારણ છે.

નબળા જ્ઞાનતંતુઓ, શારીરિક નબળાઇ કે અશક્તિ વધારે હોય અને મળી મગજને કોઇક સ્વરૂપે ઇજા થઇ જાય તો આ દરદ થાય છે.

વંશાનુગત કારણોને આપણે અપસ્મારની કારણમીમાંસામાં સ્થાન આપેલ છે, કારણ કે આ રોગમાં વંશાનુગત પરિબળો જોવા મળે છે. આમ છતાં આ રોગની કારણમીમાંસામાં મુખ્ય બે જ પરિબળો ગણાય- શારીરિક અને માનસિક. વંશાનુગત પરિબળો તો શારીરિક અને માનસિક બંને સ્વરૂપનાં કારણોને પ્રભાવિત કરે જ છે.

શરીર અને મન બંને પર વારસાની અસર તો હોય જ છે, તેથી હવે આપણી પાસે પ્રશ્ર્ન એ છે કે અપસ્મારનું મુખ્ત કારણ માનસિક છે કે શારીરિક?

મનોવૈજ્ઞાનિકો આ રોગને માનસિક રોગ ગણે છે અને જ્ઞાનતંતુના નિષ્ણાતો આ રોગને શારીરિક રોગ ગણે છે. બંનેમાંથી કોણ સાચું? પ્રશ્ર્ન અનુત્તરિત છે.

રોઝેન ઓફે અપસ્મારનો સૂક્ષ્મ અભ્યાસ કરીને તારવી બતાવ્યું છે કે હિસ્ટીરિયાનું કારણ માનસિક હોય છે. પરંતુ અપસ્મારનું કારણ શારીરિક હોય છે.

અપસ્મારના રોગનો નિશ્ર્ચિત ઇલાજ મળી શક્યો નથી. આમ છતાં ફેનોબાબિંટલ, ડિલેન્ટીન, મેસાન્ટોઇન, ટ્રિડિઓન, માઇસોલીન, ફેનેટોઇન, એબ્સોલીન આદિ દવાઓનો ઉપયોગ અપસ્મારના ઇલાજ તરીકે કરવામાં આવે છે.

ક્વયિત મગજના ઓપરેશન દ્વારા પણ અપસ્મારની ચિકિત્સા કરવામાં આવે છે. અપસ્મારના રોગમાં શારીરિક કારણોને પ્રધાન ગણીએ તોપણ માનસિક પરિબળોનો સર્વથા ઇનકાર કરી શકાય નહીં. તેથી દરદીને ઉચિત મનોવૈજ્ઞાનિક વાતાવરણ આપવું હિતાવહ છે. આનંદી અને સ્વસ્થ જીવનપદ્ધતિ ફિટને ઓછી કરે છે. દરદી પ્રત્યે પ્રેમપૂર્વક વ્યવહાર કરવો, તેની કાળજી રાખવી, તેનું જીવન નિષ્ક્રિય અને નિરુત્સાહી ન બને, પરંતુ કાર્યશીલ અને ઉમંગપૂર્ણ બને તેવા ઉપાયો યોજવા અને દરદીના જીવનમાં આંતરિક સંતોષ જન્મે તેમ કરવું જોઇએ.

આ પણ વાંચો…કેજરીવાલના કહેવાથી મુંબઈ અસુરક્ષિત શહેર ના બની જાય

આ સ્વરૂપના મનોવૈજ્ઞાનિક ઉપાયો દ્વારા અપસ્મારની ચિકિત્સામાં ઘણી સહાય મળે છે.

અત્યાર સુધી આપણે અપસ્મારનાં સ્વરૂપ, પ્રકારો, કારણો અને ચિકિત્સાનો આધુનિક મનોવિજ્ઞાન અને આધુનિક ચિકિત્સાવિજ્ઞાનની દષ્ટિએ વિચાર કર્યો છે.
હવે આપણે યૌગિક દષ્ટિકોણથી અપસ્મારનો કરીએ.

અપસ્માર શું છે?
યોગ મૂલત: અધ્યાત્મવિદ્યા છે, ચિકિત્સાપદ્ધતિ કે માનસચિકિત્સાવિજ્ઞાન નથી તેથી સ્વાભાવિક જ છે કે યોગમાં અપસ્મારની કારણમીમાંસા કે ચિકિત્સાનો વિશેષ રૂપે વિચાર થયો નથી. આપણે અપસ્મારના સ્વરૂપને સમજીને તથા યોગવિદ્યાને સમજીને, તેમના આધારે અપસ્મારના કારણ અને ચિકિત્સાવિષયક યૌગિક દષ્ટિકોણ અને પદ્ધતિનું નિર્ધારણ કરવાનું છે.

આપણે જોયું છે તે પ્રમાણે આધુનિક મનોવિજ્ઞાન અને ચિકિત્સાવિજ્ઞાનમાં અપસ્મારનું કારણ બે સ્થાન બતાવવામાં આવે છે. એક દષ્ટિકોણ રોગનું કારણ મનમાં બતાવે છે અને બીજો દષ્ટિકોણ રોગનું કારણ શરીરમાં
બતાવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button