તરોતાઝાસ્પેશિયલ ફિચર્સ
તંદુરસ્તી-મનદુરસ્તી દમિત ઇચ્છાઓ અજાગૃત મનમાં સ્થાન લે છે
- ભાણદેવ
(ગતાંકથી ચાલુ)
- દમિત ઇચ્છાઓ:
દમિત ઇચ્છાઓ અજાગૃત મનમાં સ્થાન લે છે અને ત્યાં રહીને વ્યક્તિના વર્તનને પ્રભાવિત કરે છે, વ્યક્તિ પોતે પોતાની આ દમિત ઇચ્છાને જાણી કે સમજી શકતી નથી, તેથી તેનાથી પ્રભાવિત થયેલું વર્તન પણ તેના માટે એક અકળ અને સમસ્યારૂપ ઘટના બની જાય છે. દમિત ઇચ્છાની પૂર્તિ કરવા માટે વ્યક્તિના જીવનમાં કોઇક વિચાર કે ક્રિયાનું સતત પુનરાવર્તન થયા કરે છે અને આમ તેના જીવનમાં અનિવાર્ય મનોદબાણ કે અનિવાર્ય કૃતિદબાણની વિકૃતિ પેદા થાય છે.
એક પવિત્ર સ્ત્રીના ચિત્તમાં પરપુરુષ સાથે જાતીય સંબંધોના વિચારો સતત આવ્યા કરતા આવા વિચારોથી તે અતિશય પરેશાન અને વ્યાકુળ રહેતી, કારણ કે તેના વ્યવહારમાં તથા જાગૃત જીવનમાં તો તે ખૂબ પવિત્ર સ્ત્રી જ હતી. વસ્તુત: તેના પૂર્વજીવનની કોઇ અજાગૃત અને દમિત જાતીયવૃત્તિને ગ્રંથિનું સ્વરૂપ ધારણ કર્યું હતું અને તે વૃત્તિ અજાગૃત મનમાં રહીને તેના ચિત્તમાં આ પ્રકારના વિચારો ઉત્પન્ન કરતી હતી. આવા વિચારો તેના ચિત્તમાં સતત અને અનિવાર્ય સ્વરૂપે આવતા હતા, પરિણામે તે અનિવાર્ય મનોદબાણની વિકૃતિનો ભોગ બની હતી.
એક દરદીના મનમાં પોતાના પુત્રના માથામાં હથોડા મારવાના વિચારો સતત આવતાં હતા. આવા વિચારોથી તે ખૂબ વ્યાકુળ રહેતો અને આવા વિચારોથી મુક્ત થવા માટે તે ખૂબ પ્રયત્નો કરતો. પરંતુ આવા વિચારો અનિવાર્યપણે તેના મનમાં આવ્યા જ કરતા.
વસ્તુત: આ પુત્રના જન્મથી તેના પત્ની સાથેના સંબંધોમાં મોડી તિરાડ ઊભી થઇ હતી અને તેનો ગૃહસંસાર અને જાતીય જીવન ખોરવાઇ ગયાં હતાં. આ નવી અનિચ્છનીય પરિસ્થિતિ માટે પોતાનો પુત્ર કારણભૂત હતો, તેમ માનીને તે પોતાના પુત્રને દૂર કરવા ઇચ્છતો હતો. તેની આ ઇચ્છા અનુચિત હોવાથી દમિત થઇ ગઇ હતી અને અજાગૃત મનમાં રહીને આવા પુત્રવિરોધી વિચારો પ્રેરી રહી હતી. વિચારોનું આ દબાણ અનિવાર્ય બનતાં તે વ્યક્તિ અનિવાર્ય મનોદબાણનો ભોગ બની હતી.
એક પુત્ર પોતાના પિતા સાથે સતત સંઘર્ષ કર્યા જ કરતો. તે પોતે પણ સમજતો કે મારી આવી પિતા વિરોધી પ્રવૃત્તિ બરાબર નથી, પરંતુ અવશપણે અને અનિવાર્ય સ્વરૂપે તે પિતાની સાથે સંઘર્ષ કર્યા જ કરતો.
વસ્તુત: નાની વયે તેના પિતા તેને ખૂબ માર મારતા, તેથી તેના ચિત્તમાં પિતા પ્રત્યે વિરોધભાવ જન્મ્યો હતો. તે પોતાના પિતાને દૂર કરવા ઇચ્છતો હતો, આમ બનવું શક્ય કે સમાજમાન્ય ન હતું, તેથી ઇચ્છા દમિત થઇ હતી. આ દમિત ઇચ્છા મોટી વયે પિતા સાથે સંઘર્ષરૂપે વ્યકત થતી હતી.
કોઇ વાર એવું પણ બને છે કે આ દમિત ઇચ્છાનો આવિષ્કાર સીધા વર્તનરૂપે નહીં, પરંતુ પ્રતીકાત્મક ક્રિયાના રૂપે થાય છે, એટલે કે વ્યક્તિનું વર્તન તદ્ન જુદું જ સ્વરૂપ ધારણ કરે છે. ઇચ્છા જ્યારે સરળ સ્વરૂપે વ્યક્ત થઇ શકે તેમ ન હોય ત્યારે આવી રીતે પ્રતીકાત્મક વર્તનરૂપે વ્યકત થાય છે, દા. ત. એક વ્યક્તિને ચમચી ચોરવાની અનિવાર્ય ટેવ પડી ગઇ છે. અહીં ચમચીની પ્રાપ્તિ મુખ્ય નથી. વસ્તુત: વ્યક્તિ કોઇ અન્ય વસ્તુ પ્રાપ્ત કરવા ઇચ્છે છે. તે વસ્તુની પ્રાપ્તિ શક્ય ન હોવાથી તે ચમચીને તે મૂળ વસ્તુનું પ્રતીક બનાવે છે અને ચમચી પ્રાપ્ત કરીને અન્ય મૂળ વસ્તુ પ્રાપ્ત કર્યાનો સંતોષ પામવા પ્રયત્ન કરે છે. આવી ક્રિયા અનિવાર્ય બનતાંતે અનિવાર્ય કૃતિદબાણનું સ્વરૂપ ધારણ કરે છે. - પલાયનવૃત્તિ:
ઘણી વાર એવું જોવા મળે છે કે વ્યક્તિ પોતાની દુ:ખદાયક માનસિક અવસ્થામાંથી છટકવા માટે કોઇ અન્ય પ્રવૃત્તિનો આશરો લે છે. કોઇ અન્ય વિચાર કે અન્ય ક્રિયાનો આશરો લઇને તે પોતાની દુ:ખદ આંતરિક સ્થિતિમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરે છે. દરદી જે ક્રિયા કે વિચારનો આશરો લે છે તે ક્રિયા કે વિચાર સાવ અસંગત પણ હોઇ શકે છે અને તેથી દરદી સાવ હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાઇ જાય છે, પરંતુ આંતરિક રીતે આ ક્રિયા કે વિચાર દ્વારા દરદી પોતાની કોઇક આંતરિક દુ:ખદ સ્થિતિમાંથી મુક્ત થવા ઇચ્છતો હોય છે. આ એક સ્વરૂપની પલાયનવૃત્તિ છે.
એક વ્યક્તિ કોઇ નિરર્થક ક્રિયામાં રોકાયેલી રહે છે. તેમ કરીને તે તેના ચિત્તની કોઇક દુ:ખદ સ્થિતિમાંથી પલાયન શોધે છે. જો તે આ રીતે પલાયન ન કરે તો તેને પોતાની તે દુ:ખદ મન:સ્થિતિની અવસ્થામાં રહેવું પડે. આવી દુ:ખદ મનોદશામાં રહેવું કોને ગમે? તે દુ:ખદ મનોદશામાંથી છુટકારો મેળવવા માટે તે વ્યક્તિનું મન કોઇક અવનવી પ્રવૃત્તિનો આશરો લે છે અને આ પ્રવૃત્તિમાં સતત રમમાણ રહે છે. પછી આ ક્રિયા કે વિચાર અનિવાર્ય બની જાય છે અને આમ દરદી અનિવાર્ય ક્રિયાદબાણ કે અનિવાર્ય વિચારદબાણની બીમારીનો ભોગ બની જાય છે.
દા.ત. દુ:ખી વ્યક્તિ પોતાના દુ:ખમાંથી રાહત મેળવવા માટે કામોપભોગ, દારૂ, સિગારેટ વગેરેનો આશરો લે છે અને પછી તે વ્યસન બની જાય છે. વ્યક્તિ વારંવાર છાપું શા માટે વાંચે છે? આખો દિવસ ટી.વી. શા માટે જોયા કરે છે? પોતાની આંતરિક દુ:ખદ મનોદશામાં થી છટકવા માટે પણ કોઇ શકે છે. આ બધાં તો સામાન્ય વ્યવહારનાં દષ્ટાંતો છે. પરંતુ આ પ્રકારની પલાયનવૃત્તિમાંથી જન્મેલી કોઇક સાવ અસંગત ક્રિયા જ્યારે અનિવાર્ય સ્વરૂપે અને અવશપણે ચાલવા માંડે ત્યારે તે વ્યક્તિ મનોદબાણ કે કૃતિદબાણની બીમારીનો ભોગ બની છે. (ક્રમશ:)
Taboola Feed