તરોતાઝા

ઘરમાં પાળેલું પ્રાણી હોવું પણ આરોગ્યપ્રદ છે

હેલ્થ વેલ્થ – રાજેશ યાજ્ઞિક

આપણને એવો વિચાર આવી શકે કે આરોગ્ય અને પાલતું પ્રાણીઓ વચ્ચે શું સંબંધ? આજકાલ મોટાભાગના લોકો ઘરમાં પાલતું પ્રાણીઓ રાખે છે. હા, ઘણાં લોકોને ઘરમાં કૂતરો કે બિલાડી રાખવાનું ગમે છે. પરંતુ શું તમે જાણો છો કે તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે? કેટલાક લોકોને પ્રાણીઓ ઉછેરવાનું પસંદ નથી. ઘણાને પાળેલું પ્રાણી ઘરમાં ગંદકી વધારનાર અને આરોગ્ય માટે હાનિકારક પણ લાગતું હોય છે. પણ એવા અભ્યાસો જોવા મળે છે જે પ્રાણીઓને ઉછેરવાના ફાયદા હોવાનું જાહેર કરે છે, જે જાણીને તમે પણ ચકિત થઇ જશો. એ જાણવા જેવું છે કે ઘરમાં કૂતરો કે બિલાડી જેવા પાલતું પ્રાણીઓ રાખવાથી શું ફાયદા થાય છે.

પહેલાના જમાનામાં તો ગામડામાં સ્વતંત્ર ઘરોમાં રહેતા ગાય જેવા પ્રાણીઓ જે સામાજિકની સાથે ધાર્મિક દૃષ્ટિએ પણ મહત્ત્વપૂર્ણ છે તેને પાળતા હતા. તેમને પરિવારની જેમ સાચવતા. પણ શહેરીકરણની સાથે એ વૃત્તિ અને પ્રવૃત્તિ બંને છૂટી ગઈ. જે લોકો પ્રાણીઓને રાખે છે તેઓ ખૂબ સારી રીતે સમજે છે કે તેમના જીવનમાં પાલતું પ્રાણીનું હોવું કેટલું મહત્ત્વપૂર્ણ છે. હકીકતમાં, દરરોજ તમારા પાલતું પ્રાણી સાથે થોડો સમય વિતાવવાથી, તણાવ એક ક્ષણમાં અદૃશ્ય થઈ જાય છે. આનાથી માત્ર સ્ટ્રેસ જ નહીં પરંતુ માનસિક અને શારીરિક સ્વાસ્થ્યમાં પણ સુધારો થઈ શકે છે.

પાલતું પ્રાણીઓને ઘરમાં રાખવા અને તેમની સાથે થોડો સમય વિતાવવાથી તણાવ, ચિંતા, હાઈ બ્લડ પ્રેશર અને હૃદયની બીમારીઓનું જોખમ ઓછું થાય છે. ચાલો જાણીએ પાલતુ પ્રાણીઓ સાથે સમય વિતાવવાના અદ્ભુત સ્વાસ્થ્ય લાભો.
તણાવ થશે દૂર
જો તમે વારંવાર તણાવનો અનુભવ કરતા હો, તો તમારી પસંદગીનું કોઈપણ પ્રાણી લાવો અને તેને તમારા ઘરમાં રાખો. પાલતું પ્રાણીઓ સાથે રહેવા અથવા થોડો સમય વિતાવવાથી, તણાવ એક ક્ષણમાં અદૃશ્ય થઈ જાય છે. એક રિસર્ચ અનુસાર, ઘરના પાલતું પ્રાણીઓ તમને સુરક્ષિત અને ખુશ અનુભવ કરાવે છે, જેનાથી તણાવ ઓછો થાય છે.

પ્રવૃત્તિને પ્રોત્સાહન આપે છે
પાલતું પ્રાણી (ખાસ કરીને જો તે કૂતરો હોય તો) હોવાનો અર્થ, ઘણા લોકો માટે, દરરોજ બહાર જવા અને ઘણી વાર ચાલવાનું કારણ હોઈ શકે છે. જો કે આમ તો આ ચાલવા માટેનું મુખ્ય કારણ પાલતું પ્રાણીના ફાયદા માટે છે, પણ તેના માલિકોને પણ આ સહેલગાહથી ફાયદો થાય છે. ખાસ કરીને એવા લોકો માટે મહત્ત્વપૂર્ણ છે કે જેઓ બેઠાડું જીવનને અનુસરે છે અથવા કસરત વગેરે કરવાનો કંટાળો કે મંદ ઇચ્છાશક્તિ ધરાવે છે.

બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે
હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ઘરમાં કોઈ પ્રાણીને રાખવું અને તેની કાળજી લેવી ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે તમારા જીવનમાં કોઈ સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છો અથવા હાઈ બ્લડ પ્રેશરથી પીડિત છો, તો પાલતું પ્રાણીનો પ્રેમ તમને તેમાંથી રાહત મેળવવામાં મદદ કરી શકે છે.

કોલેસ્ટ્રોલ ઘટાડે
એક અધ્યયન મુજબ, જે લોકો પ્રાણીઓને ઘરે રાખે છે તેમનામાં ખરાબ કોલેસ્ટ્રોલની માત્રા ઓછી હોય છે. ખાસ કરીને પુરુષોમાં કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડનું સ્તર ઓછું હોય છે. જો કે આ કેવી રીતે થાય છે તે સ્પષ્ટ નથી, પરંતુ તેનું સૌથી મોટું કારણ એ છે કે પ્રાણીઓ રાખવાથી દિનચર્યામાં સકારાત્મક ફેરફારો આવે છે, જે કોલેસ્ટ્રોલ ઘટાડે છે.

મૂડ સુધારે છે
પ્રાણીઓને પાળવા એ માનસિક અને ભાવનાત્મક રીતે ફાયદાકારક માનવામાં આવે છે. કહેવાય છે કે જેમના ઘરમાં પાલતું પ્રાણી હોય છે, તેઓ ટેન્શન ઓછું લે છે અને વધુ હસતા હોય છે. ઘરમાં પ્રાણીઓનો પ્રેમ જોવાથી બધી ચિંતાઓ દૂર થઈ જાય છે અને મૂડને સુધારવા માટે આ એક સારો ઉપચાર માનવામાં આવે છે.

હાર્ટ એટેકથી બચાવે
એક અભ્યાસ અનુસાર, તમારા પ્રિય પ્રાણીને રાખવા અને તેની સંભાળ રાખવાથી હૃદયની બીમારીઓ અને હાર્ટ એટેકનું જોખમ ૩૦ ટકા ઓછું થઈ જાય છે. જો તમને હાર્ટ એટેકનું જોખમ હોય, તો એક કૂતરો પાળો. આ તમારા જીવનમાં થોડા વધુ વર્ષો ઉમેરશે અને હાર્ટ એટેકનું જોખમ પણ ઘટાડશે.

મનોવૈજ્ઞાનિક ઉપચારમાં ખાસ કરીને મહત્ત્વપૂર્ણ છે
મનોવૈજ્ઞાનિક વિકૃતિઓ ધરાવતા લોકો માટે પ્રાણીઓ મહાન સાથી છે; તેથી, ઘણી સહાયક સારવારો છે જેમાં આરોગ્યમાં લાભો અને સુધારાઓ હાંસલ કરવા માટે પ્રાણીઓ મુખ્ય સ્ત્રોત છે.

એકલતાનું સાથી
જો તમે ખૂબ જ એકલતા અનુભવતા હો, અને તેને કારણે તમે માનસિક રીતે અસ્વસ્થતાનો અનુભવ કરતા હો, તો તમારા પાળેલા પ્રાણી આ સમસ્યાને દૂર કરી શકે છે. હા, જો ઘરમાં કોઈ પાલતું પ્રાણી હશે તો તમે ક્યારેય એકલતાનો શિકાર નહીં બનશો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button