ગુજરાતી પુસ્તકો: ખાધેપીધે સુખી પ્રજાનો એક્સ-રે
સારાં પુસ્તકો વિનાનું ઘર સ્મશાન જેવું છે -સ્વામી વિવેકાનંદ
સંજય છેલ
એક મહાન અંગ્રેજી સાહિત્યકારના ઘરમાં મોટી લાઇબ્રેરી હતી. એકવાર એક વિદ્યાર્થીએ લાઇબ્રેરી જોઇ ચોંકી ગયો. એણે સાહિત્યકારને ભોળાભાવે પૂછયું : ‘આટલી મોટી લાઇબ્રેરી તમે કઇ રીતે બનાવી? મને એક-બે બુક વાંચવા આપશો?’
સાહિત્યકારે હસીને કહયું : ‘સોરી.. બીજા પાસેથી વાંચવા માગેલી બુક્સ ભેગી કરી કરીને જ તો મેં આવડી મોટી લાઇબ્રેરી બનાવી છે!’
મોટાં ભાગનાં માણસો, જે લેખકો બનવામાંથી બચી ગયા છે એ લોકો પણ આવી જ વૃત્તિ ધરાવે છે. સમૃદ્ધ ગુજરાતી લોકો ગુજરાતી પુસ્તકો ખરીદતી વખતે જ કેમ અચાનક દરિદ્ર બની જાય છે? આજે ‘વિશ્ર્વ પુસ્તક દિવસ’ છે તો મને કહેવા દો કે આવા માહોલમાં ‘મુંબઇ સમાચાર’ અખબાર અને મુંબઇનાં તમામ પ્રકાશકો વરસે-બે વરસે મુંબઇમાં વિસરાતી ગુજરાતી ભાષામાં પુસ્તક મેળાઓ યોજે છે તો યે એમાં ‘પુસ્તકો કેટલાં મોંઘા છે’ થી માંડીને ગુજરાતીમાં સારાં પુસ્તકો લખાય છે જ કયાં?’ જેવાં બહાનાં સાંભળવાં મળે છે. જે ગુજ્જુ પ્રજાને ગુજ્જુ લોકો પર કે ગુજ્જુ બૈરાંઓ પર સતત જોક મારતાં નાટકોને ૫૦૦ રૂ.ની ટિકિટ ખરીદીને જોવામાં વાંધો નથી આવતો, એમને પુસ્તક ખરીદતી વખતે જ કેમ અચાનક ગરીબી નડે છે? જેમને ૪૦૦-૫૦૦.રૂની ટિકિટ ખર્ચીને શનિ-રવિમાં હિંદી ફિલ્મો જોવામાં કે ૮૦૦-૧૦૦૦ રૂ.ની થાળી ખાવામાં વાંધો નથી આવતો એમને માત્ર ૧૦૦-૨૦૦ રૂ.ની બુક્સ કેમ મોંઘી લાગે છે? જેમને બુક્સ ખરીદીને નથી જ વાંચવી એમની સ્ટાન્ડર્ડ દલીલ છે કે ગુજરાતી પુસ્તકોની કક્ષા સારી નથી! તો એ બધાને પૂછવાનું મન થાય કે તમે કેટલી હિંદી, ઉર્દૂ, મલયાલી કે બંગાળી કિતાબો ખરીદીને વાચી છે? એક-બે અંગ્રેજી બેસ્ટ-સેલર બુકસ વાંચીને ભારતીય ભાષા માટે બેફામ ફતવાઓ આપવા એ હવે સ્ટાઇલ બની ગઇ છે.
કોલકતા શહેરમાં આજે ય દર વરસે પુસ્તકમેળાઓ થાય છે. તાજેતરમાં જ ત્યાં એક કે બે નહિં, પણ ૨૮ કરોડ રૂપિયાના અધધધ પુસ્તકો ૧૦ દિવસમાં વેંચાયા, જે વળી ગયાં વરસ કરતાં ૩ કરોડ વધારે હતા! ત્યાં લગભગ વાનખેડે ક્રિકેટ સ્ટેડિયમ જેવાં મોટાં મેદાનમાં ૧૦ દિવસ બુક ફેર યોજાય છે અને પુસ્તકપ્રેમી બંગાળીઓ સવાર-સાંજ સર્પાકારે લાઇનો લગાવે છે. બુક ફેરમાં રોજ ૪-૪ કલાકે, નવાં-જૂનાં પુસ્તકો વિશે સાહિત્યિક ચર્ચાનાં મેગેઝિનો રોજ પ્રગટ થાય છે! વળી બંગાળમાં ઘરનાં દરેક સભ્ય ટાગોર કે શરદચંદ્રનાં પુસ્તકોની પોતપોતાની કોપીઓ ખરીદે છે. એટલે દીકરો-દીકરી કે મા ને બાપ, સહુ પોતપોતાનાં અલગ સેટ ખરીદે છે!
પુસ્તકપ્રેમી બંગાળીઓ, દીકરીને લગ્નમાં ઘરેણાં-કપડાં સાથે લેખકોનાં સેટ ભેટમાં આપે છે કારણ કે આપણી જેમ એ લોકો ‘અમે લોકો કેવા સમૃદ્ધ કે પૈસાવાળાં’ એવાં બનાવટી બણગાં ફૂંકવાવાળા નથી પણ ખરેખર બુક્સ ખરીદીને વાંચવામાં માને છે. મધ્યમવર્ગીય નોકરીપેશા બંગાળીઓ પણ લાખો-કરોડોની કિતાબો દાયકાઓથી ખરીદે છે, ગુજરાતીઓની જેમ બહાનાં નથી બનાવતા.
હમણાં પાછી દલીલ એ પણ છે કે આજકાલ ગુજરાતીમાં માત્ર મોટીવેશનલ પુસ્તકો (એટલે કે ‘૧૦૦ દિવસમાં સફળતાની ચાવીઓ’ – ‘જીવનમાં શાંત થવાનાં સુવર્ણ ઉપાયો’વાળી બુકસ) જ વધુ જોવા મળે છે અને વેંચાય છે.
આને કારણે સાહિત્યિક લેખકોને દુ:ખ થાય અને થવું પણ જોઇએ, પણ શું થાય? સુખી ગુજરાતીઓમાં સૌને ‘સફળ અને પૈસાદાર’ જ થવું છે. કોઇને પાકશાસ્ત્ર ગમે તો કોઇને પૈસાદાર થવું છે. આ વાત જ સમાજની માનસિકતાનો એક્સ-રે છે. વળી જે સાહિત્યિક લેખકો કે વિદ્વાનો આવાં પુસ્તકો વિશે સતત ચિંતા દેખાડે છે એ પોતે પણ ૫૦૦ રૂ.ની ખરીદી કર્યાં વિના બૂક ફેરમાંથી ખાલી હાથે પાછા ફરતાં હોય છે. વચ્ચે અમદાવાદનાં એક ગુજરાતી બુકફેરમાં જાણે કોઇ ફેરિયો ‘રસ્તે કા માલ સસ્તેમે’ કહીને માલ વેંચતો હોય એમ કયાંક ૧૦૦રૂ.માં ૩ પુસ્તક મળતા હતાં તો ‘પુસ્તકો મોંઘા છે’ કહેનારી પ્રજાને પુસ્તકો સસ્તાં હોય; એમાં પણ ઇસ્યૂ થયો ને સોશિયલ મીડિયા પર મજાકો થઇ.
બીજી બાજુ, એક ગાંધીવાદી અને નફા વિના પડતર ભાવે પુસ્તક વેંચનાર પ્રકાશકે મને કહેલું કે ‘ગુજરાતી લોકો ૧૦રૂ.ની બુક પર પણ ડિસ્કાઉન્ટ માગે છે!’ એક કહેવાત લોકપ્રિય લેખક પોતે ઝોળી ઉપાડીને મેળામાં પુસ્તકો લાવેલા અને વાચકોને ઓટોગ્રાફ આપવાની ઓફર કરેલી તો લોકોને લાગ્યું કે લેખક ઓટોગ્રાફ સાથે બુકની કોપી પણ ફ્રીમાં આપશે અને માંગી પણ ખરી! ખરેખર જો એ બિચારો લેખક, પોતાની બુક ફ્રીમાં આપે તો એ લોકો ફરિયાદ કરશે કે લ્યો, એક જ કોપી આપી? એક્સ્ટ્રા કોપી આપતાં એનું શું જાય છે?! ટૂંકમાં, સરકારે કે કોઇ સંસ્થાએ આદરેલી કોઇપણ પ્રવૃત્તિની ટીકાઓ કરવી કે મજાક કરવી બહુ આસાન છે. અઘરું તો છે કે ‘પુટ યોર મની વ્હેર યોર માઉથ ઇઝ !’ જેટલું આપણું મોઢું ચાલે છે પણ એટલો હાથ નથી ચાલતો ખિસ્સામાંથી પૈસો કાઢવામાં! પુસ્તકમેળામાં મફતનાં કવિ સંમેલનમાં ૨૦૦-૩૦૦ લોકોની ભીડ જમા થઇ શકે પણ એ જ ભીડ, પુસ્તકો ખરીદવામાં ખાલી આંટો મારીને ધીમા કદમે ભાગી જાય છે..
‘અરેરે આપણે ત્યાં પુસ્તકો સાવ કેવાં છે?’ ‘આજનું સાહિત્ય સાવ કેવું વાહિયાત છે’, વગેરે બોલતાં પહેલાં આપણે યાદ કરી લેવું કે આ બધું આપણું જ પ્રતિબિંબ છે. કિતાબો ના ખરીદવાનાં સેંકડો બહાનાઓ મળશે, પણ કિતાબો લખવામાં-વખાણવામાં કે ખરીદવામાં જીગર જોઇએ છે. છ કે સાડા છ કરોડ ગુજરાતીઓ, એક સારાં પુસ્તકની માત્ર ૨૦૦૦ કોપી પણ ના ખરીદી શકતી હોય ત્યારે શું કહેવું? શેની સમૃદ્ધ પ્રજા કે શેની ગુજરાતી અસ્મિતાની વાતો? હા, આ બધું વાંચવુ કે મારા માટે લખવું ય કડવું છે, પણ ખરેખર તો કાતિલ સત્ય છે. ‘ગુજરાતી અસ્મિતા’ મહાન છે ને રહેશે પણ અત્યારે તો એ કેવળ વોટબેંક માટે જ વપરાય. ખેર, હવે આપણાં વિચારોમાં પણ ઊતરી આવે તો જ ખરી એ અસ્મિતા..!