ચોમાસામાં ઠેર-ઠેર ઊગી નીકળતાં લીલાછમ ‘તૂરિયા’
સ્વાસ્થ્ય સુધા -શ્રીલેખા યાજ્ઞિક
શું ચોમાસામાં આપને ગરમાગરમ ભજિયાની મોજ માણવાનું વારંવાર મન થયા કરે છે? શું આપ વિવિધ પ્રકારના ભજિયા ખાવાના શોખીન છો? જો જબાવ ‘હા’માં હોય તો ચોમાસામાં ખાસ તાજા-તાજા કુણા-કુણા તૂરિયાના ભજિયા ખાવાનું ચૂકતાં નહીં. ગરમાગરમ તૂરિયાના ભજિયાં જેવા તળાઈને બહાર આવે કે ચપોચપ ખવાઈ જતાં હોય છે. સ્વાદિષ્ટ ભજિયાનો સ્વાદ એક વખત દાઢે વળગશે ત્યારબાદ તૂરિયાની વિવિધ વાનગી ખાવાનો આનંદ આપને અચૂક મળશે. ટૂંકમાં તૂરિયાની ગણના ભાવતાં શાકભાજીમાં થવા લાગશે.
વરસાદી ઝાપટાંને કારણે મોસમમાં ઠંડક વર્તાઈ રહી છે. ધરતી માએ લીલીછમ ચાદર ઓઠીને પ્રકૃતિને સુશોભિત બનાવવાની શરૂઆત કરી દીધી છે. પક્ષીઓનો કલરવ, ઠંડા ઠંડા વાયરાની લહેરોથી પ્રત્યેક વ્યક્તિનું તન-મન તાજગી અનુભવવા લાગે છે. વડીલો ખાસ એવું કહેતાં કે ચોમાસામાં મોસમમાં બદલાવને કારણે પાચનશક્તિમાં બદલાવ આવી જાય છે. ક્યારેક કબજિયાત તો ક્યારેક અતિસારની તકલીફ જોવા મળે છે. પેટની ગરબડને કારણે અન્ય કોઈ કામમાં મન લાગતું નથી. આહાર તજજ્ઞોનું કહેવું છે કે મોસમ પ્રમાણે આહારમાં બદલાવ લાવવો જ જોઈએ. ચોમાસામાં અત્યંત પેટ ભરીને ભોજન કરવાનું ટાળવું જોઈએ. આવા સંજોગોમાં વરસાદી મોસમમાં ખાસ ઊગી નીકળતી વેલી કે વેલા ઉપર લટકતાં તેના ફળનો ઉપયોગ અચૂક કરવો જોઈએ. જેવા કે દૂધી, તૂરિયા, ગલકાં, મરચાંનો ઉપયોગ ખાસ કરવો જોઈએ. તૂરિયાને અંગ્રેજીમાં રિજડ્ ગૌર્ડ કહેવામાં આવે છે તેને ભારતની વિવિધ ભાષામાં અલગ-અલગ નામે ઓળખવામાં આવે છે. સંસ્કૃતમાં પીતપુષ્પા, કૃતવેધના, હિન્દીમાં તોરી કે તોરઈ, મરાઠીમાં દોડકી કે શિરોલા, બંગાળીમાં ઘોષા લતા કે ઝિંગા, તમિળમાં પિરકાન્કઈ કે પેયપ્પીચુક્કુ, નેપાળીમાં રામ તોરઈ, તેલુગુમાં બીરાકયા કે બરુકઈ કહેવામાં આવે છે. તૂરિયાનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી ગણાય છે. તૂરિયામાં પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, વિટામિનએ, વિટામિનબી, વિટામિનસીના પોષક ગુણો સમાયેલાં છે. વળી અત્યંત ઓછાં શાકભાજીમાં મળતાં ઍન્ટિ-ઓક્સિડન્ટના પોષ્ટિક ગુણો તૂરિયામાં સૌથી વધુ માત્રામાં જોવા મળે છે.
તૂરિયા ખાવાના સ્વાસ્થ્ય લાભ
વિટામિનબી-૬થી ભરપૂર
વિટામિનબી-૬ની માત્રા તૂરિયા ભરપૂર પ્રમાણમાં સમાયેલી છે. વાસ્તવમાં વિટામિન બી-૬ શરીરના ન્યૂરો ફંકશનને મજબૂત બનાવે છે. વળી વિટામિન બી-૬ પાણીમાં ઝડપથી પીગળી જાય તેવું વિટામિન ગણાય છે. જે મગજની તંદુરસ્તી વધારવા માટે, શરીરની રોગપ્રતિકારકશક્તિ વધારવા માટે ગુણકારી ગણાય છે. વિટામિનબી-૬ની ઊણપ હોય તેમને માટે તૂરિયાનું સેવન કરવું સલાહભર્યું છે.
વજનને નિયંત્રણમાં રાખવામાં લાભકારી
તૂરિયા જેવા દેખાવમાં હોય છે તેવું વજન સ્વાભાવિક રીતે બધાને પસંદ હોય છે. તૂરિયામાં પાણીનું પ્રમાણ વધુ હોવાથી તેનું સેવન સરળતાથી કરી શકાય છે. તૂરિયાનું સેવન કરવાથી પેટનો મેટાબોલિક રેટ વધે છે. કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ઓછું હોવાથી તેના સેવનથી વજન વધવાની શક્યતા રહેતી નથી. તૂરિયાનું શાક કે તેનો રસ પીવાથી તંદુરસ્તી જળવાઈ રહે છે.
ત્વચા ચમકદાર બનાવવામાં ફાયદેમંદ
તૂરિયામાં ઍન્ટિ-બૅક્ટેરિયલ ગુણો સમાયેલાં છે. જેને કારણે તેનું સેવન કરવાથી શરીરમાં પાણીની માત્રા જળવાઈ રહે છે. ત્વચાને અંદરથી તાજગી બક્ષે છે. જેથી ત્વચા ચમકદાર બને છે. તાજાં ફૂલની જેમ ત્વચા ખીલી ઊઠે છે. ગરમીમાં તેનું સેવન કરવાથી અનેક વખત પાણી ઓછું પીનારી વ્યક્તિની જીભ સૂકી બની જતી હોય છે. તો ક્યારેક શરીરમાં નબળાઈ આવે છે. તેનાથી બચવું હોય તો એવાં રસદાર શાકભાજી કે ફળનું સેવન કરવું જોઈએ.
ડાયાબિટીસમાં લાભકારી
ડાયાબિટીસના દર્દીઓએ તૂરિયાનું સેવન ખાસ કરવું જોઈએ. તેના સેવનથી શરીરમાં શુગરનું મેટાબોલિઝમ ઝડપી બને છે. એટલે કે ચયાપચયની ક્રિયા ઝડપી બને છે. ડાયાબિટીઝ વધતો રોકવામાં મદદ મળે છે. વળી અનેક વખત સાંભળવા મળે છે કે ડાયાબિટીસના દર્દીઓની પાચનક્રિયા મંદ પડી જતી હોય છે. આવા સંજોગોમાં તૂરિયાનું સેવન સ્વાસ્થ્ય માટે અત્યંક ગુણકારી ગણાય છે.
આંખોની તંદુરસ્તી માટે ગુણકારી
તૂરિયામાં વિટામિન એની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે. જે આંખોની રોશની સારી બનાવવામાં મદદ કરે છે. મેક્યુલર ડિજનરેશન, આંશિક દેખાવું બંધ થવું કે આંખોની અન્ય તકલીફમાં તૂરિયાનું સેવન લાભકારક ગણાય છે.
તૂરિયાનું સેવન કરવાની વિવિધ રીત
તૂરિયાનું સેવન કરતાં પહેલાં તેને ચકાશી લેવા આવશ્યક ગણાય છે. કડવા નથીને તેની ખાત્રી કરી લેવી જોઈએ. કાંદા-ટામેંટા-લસણ વગેરેને સાંતળીને તૂરિયાનું શાક ઝડપથી બનાવી શકાય છે.
તૂરિયાના નાના ગોળ ટૂકડાં કરીને ચણાના લોટનું ખીરૂ બનાવીને ગરમાગરમ ભજિયા બનાવી શકાય છે . ં
તુરિયાના ભજિયા
સામગ્રી : ૨૫૦ ગ્રામ તૂરિયા, ૧ કપ ચણનો લોટ, અડધો કપ ચોખાનો લોટ, સ્વાદાનુસાર મીઠું, ૧ નાની ચમચી અજમો હાથેથી મસળેલો. ચપટી હિંગ, ૧ નાની ચમચી લાલ મરચું, ૧ નાની ચમચી ધાણાજીરું, ૧ નાની ચમચી આખા ધાણા, ૨ ચમચી કોથમીર, ૧ ચમચી આદું મરચાંની પેસ્ટ,
બનાવવાની રીત : ૨૫૦ ગ્રામ તૂરિયા ધોઈને સાફ કરી લેવાં. તૂરિયાને સૂકા કર્યા બાદ તેની છાલ કાઢી લેવી. તેના એક સરખા ગોળકાર પપીતા કરી લેવાં. ચણા-ચોખાનો લોટ એક મોટા બાઉલમાં લેવો. લોટમાં ધીમે ધીમે પાણી ભેળવીને ભજિયાનું ખીરું તૈયાર કરી લેવું. ઉપર જણાવેલ મસાલો ભેળવીને ગરમ તેલ ઉમેરવું. ગરમ તેલમાં તૂરિયાના ભજિયાં સોનેરી રંગના થાય ત્યાં સુધી તળી લેવાં. કોથમીરની લીલી ચટણી સાથે પીરસવાં. સ્વાદિષ્ટ તેમ જ સ્વાસ્થ્ય માટે ગુણકારી ભજિયા વારંવાર ખાવાનું મન લલચાશે તે વાત નક્કી જ છે.
વાળની તંદુરસ્તી માટે ગુણકારી
ઘટાદાર, કાળા વાળ કોને ના ગમે? વાતાવરણમાં બદલાવ, મસાલાયુક્ત ખોરાક તેમજ અપૂરતી ઉંઘને કારણે વાળ ખરવા, ઝડપથી સફેદ થવા તેમજ ખોડાની સમસ્યા ઊભી થાય છે. તેનાથી બચવા માટે તૂરિયાને નાળિયેર તેલમાં ઉકાળીને વાળમાં તે તેલથી વાળમાં મસાજ કરવાથી વાળના લગભગ બધા જ પ્રશ્ર્નો દૂર થાય છે. તેનું મુખ્ય કારણ છે તૂરિયામાં થિયામિન, વિટામિન તેમજ મૈગ્નેશ્યિમ વગેરેનું પ્રમાણ સમાયેલું હોવાથી વાળ માટે ફાયદાકારક ગણાય છે.
કબજિયાતથી રાહત
તૂરિયામાં સેલ્યુલોઝનું પ્રમાણ વધુ હોય છે. જે એક પ્રકારનું કુદરતી ફાઈબર ગણાય છે. વળી તેમાં પાણીની માત્રા વધુ હોવાથી તૂરિયાનું સેવન કરવાથી કબજિયાતની તકલીફમાં રાહત મળે છે.