શરદ-પૂનમની રાત્રે દૂધ-પૌવા ખાઈને વર્ષભરની તાજગી મેળવો
સ્વાસ્થ્ય સુધા -શ્રીલેખા યાજ્ઞિક
બારેમાસ કેવો ખોરાક લેવો જોઈએ તેની એક સુંદર રચના રમેશ ત્રિવેદીની હાથ લાગી છે. જે આપની સાથે મમળાવવાની ઈચ્છા રોકી શકાતી નથી.
‘થઈએ કાકાકૌવા! ’
કારતકના શિંગોડા ખૈએ, માગસરની મગફળી,
શેરડી ચૂસીએ પોષની, ભૈ સાકરથીએ ગળી!
મહા મહિનાના બોરાં મીઠાં, ફાગણ ખજૂર ધાણી,
ભૈ, ચૈતર કેરી કેરીઓ, પતાસાંની લ્હાણી,
ટેટી, તડબૂચ, વૈશાખે, પાકા જાંબુ જેઠે,
શ્રાવણ લૂંબે ઝૂંબે કેળાં! ખૈએ સારી પેઠે.
ભાદરવાની ખીર ખૈએ, આસોમાં દૂધ-પૌવા
કાચું -કોરું ખાઈ ખાઈને થઈએ કાકાકૌવા!
તારીખ ૨૭ ઓક્ટોબરના રોજ શરદ પૂનમ આવી રહી છે. આ દિવસે ગુજરાત-મહારાષ્ટ્રમાં ખાસ દૂધ- પૌવા ખાવાનો આગ્રહ રાખવામાં આવે છે. શરદ પૂનમ વિશે એવું કહેવામાં આવે છે કે તે દિવસનો ચંદ્રમા સોળે કળાએ ખીલેલો જોવા મળે છે. તેની શીતળ ચાંદનીમાં સ્વાસ્થ્યવર્ધક અનેક ગુણો સમાયેલાં જોવા મળે છે. જે વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થયેલું છે. દૂધમાં લેક્ટિક એસિડ હોય છે. તો પૌઆમાં સ્ટાર્ચ સમાયેલું હોય છે. ચંદ્રમાના તેજસ્વી પ્રકાશને ધીમે ધીમે શોષીને દૂધમાં ગુણકારી બેક્ટેરિયા બનાવવામાં મદદ કરે છે. જે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. વળી ચંદ્ર પૃથ્વીની સૌથી વધુ નજીક હોવાની સાથે ૧૬ કળાએ ખીલેલો જોવા મળે છે. ચંદ્રમાંની શીતળ ચાંદનીમાં ચાંદીના વાસણમાં ૩-૪ કલાક દૂધ-પૌવાં રાખ્યા બાદ તેની લહેજત માણવાથી અસ્થમાની તકલીફમાં રાહત મળે છે. તો લાંબા સમયથી ચાલી આવતી ખાંસી-કફ વગેરેથી રાહત મેળવી શકાય છે. ત્વચા સંબંધિત તકલીફમાં રાહત મેળવી શકાય છે. દૂધ-પૌવાં આંખના રોગ તેમજ બળતરા, આંખે ઝાંખું દેખાવું વગેરે રોગથી બચી શકાય છે. તેનું મુખ્ય કારણ શરદ પૂનમનાં ચંદ્રમાંનું તેજસ્વી સ્વરૂપ ગણવામાં આવે છે. દૂધમાં પ્રોટીન, કૅલ્શ્યિમ, વિટામિન ડી, મૈગ્નેશ્યિમ જેવા સત્ત્વ સમાયેલાં જોવા મળે છે. તો પૌવામાં પોટોશ્યિમ, ઝિંક, મૈગ્નેશ્યિમ, ફોસ્ફરસ, કૅલ્શ્યિમ, ફાઈબર, આયર્ન, કૉપર, મેંગેનિઝ, વિટામિન્સ વગેરે સમાયેલાં જોવા મળે છે. જે શરીરની તંદુરસ્તી માટે જરૂરી ગણાય છે.
સામાન્ય રીતે આપણે દિવસભર જે કાંઈ ભોજન ખાતાં હોઈએ છીએ તેની અસર આપણાં શરીર ઉપર લાંબા સમય સુધી રહેતી હોય છે. તેમાં પણ વહેલી સવારનો નાસ્તો કે શિરામણ વ્યક્તિને દિવસભર તાજગી બક્ષે છે. વહેલી સવારનો નાસ્તો કે બ્રેકફાસ્ટ એવો લેવો જોઈએ કે જેનાથી શરીરની તંદુરસ્તી જળવાઈ રહે સાથે સાથે વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે. પૌવાની ગણના એક એવીજ ખાધ સામગ્રીમાં કરવામાં આવે છે. ભારતીય આયુર્વિજ્ઞાનમાં પણ સવારના શિરામણ વિશે ખાસ આગ્રહ રાખવામાં આવેલો જોવા મળે છે. વ્યક્તિની તંદુરસ્તીના રહસ્યની પહેલી કૂચી ગણવામાં આવે છે.
વજનને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ
પૌંવા ખાવાથી શરીરમાં ચરબીનો થર વધવાની શક્યતા રહેતી નથી. તેનું મુખ્ય કારણ છે પૌવા લૉ-કેલૅરી આહાર ગણાય છે. એક વાટકી પૌવામાં ૨૫૦ ગ્રામ કેલરીની માત્રા સમાયેલી જોવા મળે છે. વળી સ્વાસ્થ્ય માટે ગુણકારી વિટામિન, મિનરલ્સ, ઍન્ટિઓક્સિડન્ટની માત્રા સમાયેલી જોવા મળે છે. ફાઈબરની માત્રા સમાયેલી જોવા મળે છે. જે લાંબા સમય સુધી પેટને ભરેલું રાખવામાં મદદ કરે છે. વારંવાર ખાવાની ઈચ્છા રોકાઈ જાય છે, જેને કારણે વજન ઘટવામાં મદદ મળે છે.
આયર્ન
શરીરમાં જો આયર્નની ઊણપ દેખાવા લાગે કે તરત જ આહારમાં પૌવાનો ઉપયોગ વધારી દેવો જોઈએ. પૌવામાં ભરપૂર માત્રામાં આયર્નની માત્રા સમાયેલી છે. સગર્ભાવસ્થામાં તથા બાળકોને વહેલી સવારના આયર્ન-યુક્ત આહારનો સમાવેશ કરવો જોઈએ. જેને કારણે શરીરમાં હિમોગ્લોબિનની માત્રામાં વધારો કરી શકાય.
શક્તિવર્ધક ગણાય છે
સવારના નાસ્તામાં કાર્બોહાઈડ્રેટ્સની માત્રા શરીરમાં પૂરતાં પ્રમાણમાં મળી રહે તે માટે પૌવાનું સેવન કરવું શ્રેષ્ઠ ગણાય છે. શરીરને પૂરતાં પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ્સની માત્રા ન મળે તો વ્યક્તિ થાક-નબળાઈનો અનુભવ કરવા લાગે છે. શિરામણમાં સર્વગુણ સંપન્ન પૌવાનો ઉપયોગ કરવામાં આવે તો દિવસરભરની શક્તિ મળી રહે છે.
પાચનક્રિયાની તંદુરસ્તી મજબૂત બનાવે છે
તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે પાચનક્રિયા સારી હોવી અત્યંત આવશ્યક છે. દૂધ-પૌવાનું સેવન કરવાથી પાચનક્રિયા મજબૂત બને છે. તેનું મુખ્ય કારણ પૌવામાં ફાઈબરની માત્રા સારી માત્રામાં સમાયેલી જોવા મળે છે. જે પેટ સંબંધિત તકલીફથી બચવામાં લાભદાયક ગણાય છે. પેટમાં દુખાવો, ગેસ, કબજિયાત, વારંવાર ચૂક આવવી જેવી તકલીફમાં દૂધ-પૌવાનું સેવન કરવાથી રાહત મેળવી શકાય છે.
શરીરને ઊર્જા બક્ષે છે
ફક્ત શરદ પૂનમના નહીં પરંતુ વારંવાર નાસ્તામાં દૂધ-પૌવાનું સેવન કરવાથી શરીરમાં નબળાઈ લાગતી હોય તો તે દૂર થાય છે. દૂધ-પૌવામાં આયર્ન, કૅલ્શ્યિમ, પ્રોટીન જેવા ગુણો સમાયેલાં હોય છે. જે શરીરને દિવસભર શક્તિ પ્રદાન કરે છે.
આજકાલ તો વિવિધ પ્રકારના દૂધ પૌવા બનાવી શકાય છે. જેમ કે ટૂટી-ફ્રૂટી પૌવા, ચોકલેટ પૌવા, સ્ટ્રોબરી પૌવા, કેસર પૌવા, ડ્રાયફ્રૂટ પૌવા.
દૂધ-પૌવા બનાવવાની રીત: ૧ વાટકી જાડા પૌવા, ૫૦૦ ગ્રામ દૂધ, ૧ મોટી ચમચી મધ,
૧ નાની વાટકી આખી ખડી સાકર, ૨ નંગ સાંતળેલાં કાજૂ, ૨ નંગ સાંતળેલી બદામ, ૨-૩ નંગ સૂકી દ્રાક્ષ, ચપટી એલચી-જાયફળનો
પાઉડર.
બનાવવાની રીત : સૌ પ્રથમ દૂધને ગરમ કરી લેવું. પૌવાને ચારણીમાં કાઢીને વહેતાં પાણીથી સાફ કરી લેવાં. દૂધમાં ખડી સાકર ભેળવીને બરાબર હલાવી લેવું. દૂધમાં સાંતળેલાં સૂકો મેવાના ટુકડા ભેળવવા. દૂધ ઠંડું થાય એટલે ચાંદીના બાઉલમાં કાઢી લેવું. બાઉલ ના હોય તો ચાંદીના ગ્લાસમાં કાઢવું. કાંઈ ના હોય તો સ્ટીલના વાસણમાં લેવું. તેમાં મધ ભેળવવું. પલાળેલાં પૌવા ભેળવીને બરાબર હલાવી લેવું. શરદ પૂનમની ચાંદનીમાં દૂધ-પૌવાને ૨-૩ કલાક રાખ્યા બાદ ઉપયોગમાં લેવાં. જે સ્વાદની સાથે સ્વાસ્થ્યની બક્ષીસ આપશે.
હાડકાં મજબૂત
બનાવવામાં ગુણકારી
દૂધ પૌવા હાડકાંની મજબૂતાઈ જાળવી રાખવામાં અત્યંત ગુણકારી ગણાય છે. દૂધ-પૌવાંમાં કૅલ્શ્યિમની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે. જે હાડકાંની તંદુરસ્તી માટે ગુણકારી ગણાય છે.